ઘરઆંગણે ચૂંટણી જીતવા માટે આંતરરાષ્ટ્રીય સંબંધોનો ભરપૂર ઉપયોગ કરવાની મોસમ પૂરબહારમાં ખીલી છે: નેશન ફર્સ્ટની વાતને આગળ ધરીને પોતાના મતદારોને રાજીના રેડ કરી નાંખવાનો થનગનાટ અનુભવતા વિવિધ દેશોના વર્તમાન શાસકોમાં આજે સૌથી વધુ ચર્ચામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. કોરોનાના વૈશ્વિક સંકટ સામે લગભગ વિવશતા અનુભવતા અને લોકપ્રિયતાનો ગ્રાફ નીચે જવાના સંતાપમાં બેફામ બની નિવેદનો કરતા રહેતા ટ્રમ્પ સઘળા કોરોના સંકટના દોષનો ટોપલો ચીનના શિરે લાદવા રીતસર ધમપછાડા કરી રહ્યા છે. પોતાનું ઘર તો સાચવવાની સ્થિતિમાં નથી અને ભારત (હાથી) તેમજ ચીન (ડ્રેગન)ના સંબંધોમાં ખટરાગમાં ‘બીચ મે મેરા ચાંદ ભાઈ’ની જેમ છાસવારે મધ્યસ્થી કરવાની બાંગો પોકારે છે. પોતાના બીજિંગ સાથેના સંબંધો તો કડવાશ ભણી ગતિ કરી રહ્યા છે ત્યારે ક્યારેક કાશ્મીર મુદ્દે તો ક્યારેક લડાખ છમકલાં મુદ્દે લવાદ બનવા ઓફર કર્યા કરે છે.
ભારતમાં કોરોનાના કેસ ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કેરળમાં જોવા મળ્યા પછી પણ ૨૪ ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાખોની જનમેદનીમાં ‘નમસ્તે ટ્રમ્પ’માં સહભાગી થવા કે આગ્રામાં તાજમહાલના દીદાર કરીને ટ્રમ્પે દિલ્હી કનેથી હજારો કરોડનો ધંધો લઇ જવાની સઘળી કવાયત કરી એ પાછળ નવેમ્બર ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવામાં અમેરિકી ભારતીયોનો ટેકો મેળવવાનો જ ઈરાદો હતો. કોરોનાની ચેતવણી મળી ચૂક્યા પછી પણ એને હસી કાઢનાર ટ્રમ્પ હવે ઘાંઘા થયા છે.
બીજી બાજુ, ચીનના આર્થિક અને રાજદ્વારી પ્રભાવને દુનિયાભરમાં જ નહીં, ટ્રમ્પભાઈના પોતીકા અમેરિકામાં પણ સ્વીકારવો પડે એવા સંજોગો આકાર લઇ રહ્યા છે. કોરોનાના વૈશ્વિક સંકટ વખતે જ વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યૂએચઓ) જેવી સંસ્થાને રાજકીય રંગે રંગીને સંબંધવિચ્છેદની ઘોષણા કરનાર ટ્રમ્પ માનસિક સંતુલન ગુમાવી રહ્યાની આશંકા જગાવે છે.
ચીનના પ્રભાવનો સ્વીકાર
આફ્રિકી દેશો પર ચીનનો પ્રભાવ વધી રહ્યો છે અને દુનિયાની ફોજદારી કરતા રહેલા અમેરિકા માટે માઠા દિવસો આવી રહ્યા હોવાનાં એંધાણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે સન્નિપાત સર્જે છે. ઇસ્લામિક દેશો અને પેટ્રોલિયમ ઉત્પાદક દેશોમાં ભાગલા પડાવીને પોતાના સમર્થક દેશોમાં પોતાને અનુકૂળ માહોલ સર્જાવાની કોશિશ કરી રહેલા ટ્રમ્પ હવે સીધા જ ચીનને પોતાના સ્પર્ધક તરીકે કબૂલી રહ્યા છે. પાકિસ્તાન તો ચીનના પ્રાંત સમાન જ છે. એની મદદથી ચીન સીધું જ અખાતીય દેશોમાં પ્રભાવ પાથરવાની સ્થિતિમાં છે. રશિયા પણ ચીન સાથે જ મૈત્રી જાળવવાનું પસંદ કરે એ સ્વાભાવિક છે.
ભારત ચીન અને અમેરિકા સાથે સમઅંતર (ઈક્વી ડિસ્ટન્સ) જાળવે એ જ એના હિતમાં છે કારણ ભારતની આસપાસના તમામ દેશો બીજિંગના પ્રભાવમાં આવી ચૂક્યા છે. ભારત વિરુદ્ધ ચીનના સંજોગોમાં ભારતને પડખે ઊભા રહેવાની સ્થિતિમાં આ દેશો નથી. નેપાળ ક્યારેક ભારતનું અનન્ય મિત્ર હતું, પરંતુ આજે તો એ ચીનના રિમોટથી સંચાલિત છે. કાલાપાની અને આસપાસના ભારતના સરહદી વિસ્તારને પોતાના નકશામાં ભેળવી દેવાનો અટકચાળો ખાટમાંડો પોતાની રીતે કરી શકે તેવી સ્થિતિમાં નથી. માલદીવ, શ્રીલંકા, બાંગલાદેશ અને મ્યાનમાર ચીની મૂડીરોકાણ અને પ્રભાવમાં છે. ભૂટાન તો હવે ૨૦૦૭ની સમજૂતી મુજબ ભારતના સુરક્ષા કવચમાં નથી. તિબેટની જેમ ચીન તેને ઓહિયાં કરી જાય નહીં કે રાજાશાહી સામે બળવો કરાવી થિમ્પૂ પર બીજિંગનો પ્રભાવ પાથરે નહીં એની ચિંતામાં એ ગુડીગુડી રહેવાનું પસંદ કરે.
દેશો આર્થિક સંકટમાં
કોરોનાના પ્રતાપે દુનિયાભરના દેશોમાં લોકડાઉન અને અન્ય કારણોસર તમામ દેશોનાં અર્થતંત્ર ખખડી ગયાનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. ભારત તો આમ પણ આર્થિક સંકટમાં હતું જ. ચીન અને અમેરિકાના આર્થિક સંબંધોમાં પણ કોરોના સંકટે અસર તો કરી છે પણ બંને દેશોનાં એકમેકમાં એટલા મોટા પ્રમાણમાં મૂડીરોકાણ છે કે ભલે ‘ઔર ખીંચ મુઝે જોર આતા હૈ’ જેવી અવસ્થામાં હાકલા દેકારા કર્યે રાખે, બંને દેશોની મજબૂરી એકમેક સાથેના આર્થિક સંબંધો છે જ.
ટ્રમ્પ આવ્યા ત્યારથી અમેરિકામાં ચીની મૂડીરોકાણ ઘટતું રહ્યું હોવા છતાં હજુ એનું પ્રમાણ ખાસ્સું જળવાયું છે. વળી, ચીની ઉદ્યોગપતિઓ અને મૂડીરોકાણકારો અમેરિકામાં પોતાનો પ્રભાવ ધરાવે છે. અમેરિકાની ૩૫ ટકા કરતાં વધુ રિઝર્વ્સ ચીનની હોવાથી અમેરિકી અર્થતંત્ર પર એની સ્વાભાવિક અસર રહે. અમેરિકામાં ચીની મૂડીરોકાણ ઘટાડીને બીજિંગ અન્ય દેશો તરફ વળ્યું છે.
વર્ષ ૨૦૧૮માં ૫.૪ બિલિયન અમેરિકી ડોલર જેટલું સીધું મૂડીરોકાણ કરનાર ચીને ગયા વર્ષે તે ઘટાડીને ૫ બિલિયન અમેરિકી ડોલર કર્યું હતું. કોરોના વાયરસના પ્રભાવ પહેલાં રોકાણમાં ઘટાડો આવ્યો હતો તો એ પછી તો સ્વાભાવિક ઘટાડો આવે જ. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ૨૦૦ મિલિયન અમેરિકી ડોલરનું સીધું ચીની મૂડીરોકાણ અમેરિકાએ ગુમાવવું પડ્યું છે. ચીનમાં અમેરિકી સીધું મૂડીરોકાણ વર્ષ ૨૦૧૯માં ૧૪ બિલિયન અમેરિકી ડોલર હતું. એ અગાઉનાં બે વર્ષમાં એ રોકાણ ઓછું હતું. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી ભણી બંને દેશોના રોકાણકારોની નજર છે. સ્થિતિ એવી છે કે બંને દેશોને એકમેક વગર ચાલે તેમ પણ નથી અને ફાવે તેમ પણ નથી. અમેરિકી રાષ્ટ્રપતિની આગામી ચૂંટણી લગી માહોલ આવો જ જળવાશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)