દલાઈ લામા અને તિબેટ કાર્ડથી દિલ્હી-બીજિંગ સંબંધોમાં ખટાશ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Wednesday 08th July 2020 05:39 EDT
 
વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સાથે ૨૪ એપ્રિલ ૧૯૫૯ના રોજ મસૂરીસ્થિત બિરલા હાઉસ ખાતે દલાઈ લામા.
 

લદ્દાખ સરહદે હાલ પૂરતું બંને બાજુનું લશ્કર પાછું હટ્યું હોવાને કારણે ભારત-ચીન સંબંધોમાં તંગદિલી ઘટ્યાનું અનુભવાય છે, પણ ૧૯૬૨ના ચીની આક્રમણના અનુભવને જોતાં બીજિંગની આંખમાં રમતાં સાપોલિયાંને પીછાણવાનું મુશ્કેલ છે. એ વેળા પણ ચીને પોતાના લશ્કરને સરહદેથી પાછું ખેંચી લીધું એના ૯૭ દિવસ બાદ ભારત પર આક્રમણ કર્યું હતું. ચીન સામાન્ય રીતે ભરોસાપાત્ર લેખાતું નથી, તેમ છતાં પાડોશી દેશ હોવાને કારણે એની સાથે સંબંધ સારા રાખવાની ભારતના તમામ પક્ષોની સરકારની મહેચ્છા છતાં એ વાંકું જ ચાલતું રહ્યું છે.

ચીનની આંખમાં કણાની જેમ ખટકતા રહેતા તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને ભારતમાં રાજ્યાશ્રય અપાયાના મુદ્દે ભડકેલા ચીને ૧૯૬૨માં ભારત સાથેના ૮ વર્ષના પંચશીલ કરારની મુદત પૂરી થતાંની સાથે જ આક્રમણ કર્યું હતું. અત્યારે ભારત ફરતે તમામ દેશોમાં પોતાનો પગદંડો જમાવી રહેલા ચીનનો અજગર ભારતને ભરડો લેવા સતત પ્રયત્નશીલ છે. આમ છતાં ભારત હવે ૧૯૬૨નું ભારત નથી એનો અહેસાસ એને થઇ રહ્યો છે. પાકિસ્તાન અને નેપાળ તો ચીનના કહ્યાગરા દેશો હોવા ઉપરાંત ભૂટાનને પણ એ કનડી રહ્યું છે. આજે પણ ચીન ભારત પર આક્ષેપ મૂકે છે કે દિલ્હી દલાઈ લામા અને તિબેટ કાર્ડ ખેલીને ચીનમાં વિદ્રોહ કરાવવા માંગે છે.

ભારત અમેરિકાથી વધુ નજીક જોવા મળે એટલા માત્રથી બીજિંગના પેટમાં શૂળ ઉપડે છે. કોઈ પણ ભોગે ચીન ભારત કને એના પ્રભાવને સ્વીકારાવવા તત્પર છે, પરંતુ ભારત એ બાબતમાં નમતું જોખવાને બદલે લડાયક મિજાજ દાખવે ત્યારે એ કોઈક છમકલાં કરવાની આડોડાઈ કરે છે. ૨૦૧૭માં ડોકલામ વિવાદ સર્જાયો અને યુદ્ધના ભણકારા વાગતા હતા. જોકે કોઈ દેશને હવે યુદ્ધ કરવાનું પોસાય તેમ નથી. હાકલાદેકારા તો આ વખતે પણ થયા પણ મંત્રણાઓ થકી હાલપૂરતો મામલો ટાઢો જરૂર પડ્યો છે. કાલે શું થાય એ કહેવું મુશ્કેલ છે.

ધર્મશાલામાં ભવ્ય ઓચ્છવ

તિબેટના બૌદ્ધોના આસ્થાસ્થાન એવા ૧૪મા દલાઈ લામા એપ્રિલ ૧૯૫૯થી ભારતમાં રાજ્યાશ્રય હેઠળ હિમાચલ પ્રદેશના ધરમશાલામાં રહે છે. ૬ જુલાઈ ૨૦૨૦ના રોજ એમના શ્રદ્ધાળુઓએ એમના ૮૫મા જન્મદિનની ભવ્ય ઉજવણી કરી હતી. દલાઈ લામાએ વીડિયો સંદેશમાં પોતાના શતાયુ થવા માટે શ્રદ્ધાળુઓને ઓમ મણિપદ્મે મંત્ર હજાર વાર રટવાનું કહ્યું છે. ચીનમાં માઓ સરકાર થકી ધરપકડ થવાના અંદેશાને પગલે બે હજાર શ્રદ્ધાળુઓ સાથે તિબેટથી લશ્કરી ગણવેશમાં ૧૯૫૯માં ઇશાન ભારતના તવાંગ માર્ગે ભારત ભાગી આવેલા દલાઈ લામાની સાથે વડા પ્રધાન પંડિત નેહરુએ મસૂરીમાં ચાર કલાક વાતચીત કર્યા પછી, ચીનની ખપગી વહોરીને પણ, એમને રાજ્યાશ્રય આપવાનો નિર્ણય કર્યો હતો. ૧૯૪૯માં એ વેળાના પીકિંગ અને અત્યારના બીજિંગમાં માઓ ઝેદાંગની ક્રાંતિકારી સામ્યવાદી સરકાર સ્થપાયા પછી દલાઈ લામાના શાસન હેઠળના તિબેટને ચીને ૧૯૫૦માં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) મોકલીને ગપચાવ્યું હતું. ૧૯૧૨થી તિબેટ ૧૩મા દલાઈ લામાના શાસન તળે સ્વતંત્ર દેશ હતો, પણ ચીને એના પર પોતાનો દાવો જમાવી દીધો હતો.

અરુણાચલ સાટે અક્સાઈ ચીન

ચીને ગપચાવેલા ભારતના અક્સાઈ ચીન પરનો દાવો દિલ્હી છોડી દે તો અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ ગણીને પોતાનો હક જમાવવાના દાવાને પાછો ખેંચી લેવા ચીન તૈયાર હતું, પણ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના વખતથી આજ લગી આ વાતને ભારત સરકારે સ્વીકારી નથી. અરુણાચલ પ્રદેશ જ નહીં; અક્સાઈ ચીન ઉપરાંત પાકિસ્તાને ગપચાવેલા કાશ્મીર પ્રદેશમાંથી ચીનને એણે ૧૯૬૩માં સોંપેલો ભારતીય પ્રદેશ પણ ભારતનો જ હોવાને કારણે નમતું જોખી શકાય તેમ નથી. આ જ કારણસર હજારો કિલોમીટરની બંને દેશો વચ્ચેની સરહદ હજુ નક્કી થઇ શકી નથી. વાસ્તવિક અંકુશ રેખા (લાઈન ઓફ એક્સ્ચુલ કંટ્રોલ)માં એકમેકની ઘૂસણખોરી અને ટકરાવનાં છમકલાં થયા કરે છે.

૧૯૬૨ના યુદ્ધમાં ભારતને કારમો પરાજય આપ્યા પછી ૧૯૬૭માં જ ભારતીય લશ્કરે નાથુલા સરહદે ચીનને પાઠ ભણાવ્યો હતો. એ પછી ૧૯૮૬-૮૭માં લશ્કરી વડા જનરલ સુંદરજીને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આપેલી મોકળાશને પ્રતાપે ઇશાન ભારતની અરુણાચલ પ્રદેશ સરહદે ચીનનું નીચાજોણું થયું હતું.

ચીન દલાઈ લામાને ભાગલાવાદી નેતા ગણી પોતાના શત્રુ લેખાવવાનું પસંદ કરે છે. દલાઈ લામા શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર શાંતિ દૂત તરીકે વિશ્વના દેશોમાં ભારતના યલો કાર્ડ પર મુસાફરી કરે છે. આવતા દિવસોમાં તિબેટ અને દલાઈ લામાના મુદ્દે ગમે ત્યારે ભડકો કરવાની વેતરણમાં બીજિંગ રહેશે. એના પ્રભાવવાળા દેશોમાં તો આ ધર્મગુરુને નિમંત્રણ અપાય તો એ રદ કરાવે છે, પરંતુ ભારત અને અમેરિકા જેવા દેશો આવા ચીની વિરોધને વશ થતા નથી. એની આ જ અકળામણ એને વધુ ભૂરાંટું કરે છે. ભારત-ચીન સંબંધોમાં કાયમી મિત્રતાનો અભાવ આ મુદ્દે સવિશેષ રહે છે.

ભાગલા વખતે લાહોરમાં રહી બાહોશીભરી કામગીરી કરનાર ચરોતરની વીરાંગના

આજે ભલે એમને વિસારે પડાયાં હોય, પણ બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા વેળા, કત્લેઆમ અને લોહીની નદીઓ વહેતી હતી અને સ્ત્રીઓનાં શિયળ લૂંટાતાં હતાં એવા અત્યંત જોખમી અને વિસ્ફોટક સમયે પાકિસ્તાનને ફાળે ગયેલા લાહોરમાં અગવડોની વચ્ચે રહીને ચરોતરના સોજિત્રાના ગાંધીવાદી પરિવારની એક પટેલ વીરાંગના, નામે કમળાબહેન પટેલે રહીને હજારો હિંદુ, મુસ્લિમ અને શીખ મહિલાઓનો જાનના જોખમે પોતાના પરિવાર સાથે મેળાપ કરવાનો સેવાયજ્ઞ આદર્યો હતો.
‘ગુજરાત સમાચાર’ના આવતા અંકમાં / અંકોમાં નડિયાદનાં આ યુવા વિધવા વીરાંગના કમળાબહેન પટેલની ફિલ્મોને પણ પાણી ભરાવે એવી નખશીખ સચ્ચાઈભરી હકીકતોનું બયાન કરતી અને ભલભલાનાં રૂવાડાં ખડાં કરી દેનારી કહાણી રજૂ કરાશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter