દારૂબંધીનો દંભ ચીરવાના ગુજરાત અભિયાનના સારથિ શંકરસિંહ

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 25th May 2020 08:15 EDT
 
 

માત્ર અગિયાર મહિનાની ટનાટન સરકારના મુખ્ય પ્રધાન રહેલા શંકરસિંહ વાઘેલાનું અધૂરું સ્વપ્ન હવે પરિપૂર્ણ કરવા એ મેદાને પડ્યા છે. મૂળ સંઘ-ભાજપના બળવાખોર બાપુ તરીકે મશહૂર વાઘેલાને એ વેળા કોંગ્રેસના ટેકે સરકાર ચલાવવાની ગરજ હતી, અન્યથા એ દારૂબંધી ઊઠાવી લેવાના મતના હતા. જોકે એમણે એ વેળા પોલીસ ખાતા પાસેથી દારૂબંધીની નીતિના અમલીકરણને લઈને નશાબંધી ખાતાને અને એ પણ કુલદીપ શર્મા જેવા ડેરડેવિલ આઇપીએસ અધિકારીને એનો અખત્યાર સોંપ્યો હતો. સાથે જ દારૂબંધી હળવી કરીને લોકોને સારી ગુણવત્તાવાળો દારૂ મળી રહે, ઘરમાં બેસીને પીનારાઓને પોલીસ કનડે નહીં અને રાજ્ય સરકારની આવક વધે એ રીતે પરમિટ આપવાના નિયમો કર્યા હતા.

એ પછી દારૂની રેલમછેલવાળા ગુજરાતમાં સતત ભાજપનું શાસન રહ્યું, પણ નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન ફરી પોલીસને અમલ સોંપવા ઉપરાંત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માં છૂટથી દારૂ મળે એવી વ્યવસ્થા કરીને ઔદ્યોગિક મૂડીરોકાણ અને પર્યટનને પ્રોત્સાહિત કરવાની દિશામાં પગલાં ભર્યાના સરકારી પરિપત્રો કર્યા હતા. નશાબંધી ખાતાની સત્તાવાર વેબસાઈટ પર એ આજે ય ઝગારા મારે છે. આજકાલ તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ક્ષેત્રમાં પણ દારૂ છૂટથી મળી શકે એ દિશામાં વિચારણા ચાલી રહી હતી ત્યાં જ કોરોનાના લોકડાઉનના પ્રતાપે બેકાર થયેલાઓને રોજગારી અને સરકારી તિજોરીમાં આવક વધે એવા ઈલાજ સાથે શંકરસિંહ પોતે દારૂ નહીં પીતા હોવા છતાં દારૂબંધી હટાવો ઝુંબેશ લઈને મેદાનમાં આવી ગયા છે.

બાપુની વાતે ઘણાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જોકે એમનો તર્ક બહુ સ્પષ્ટ છે અને ઘણાને ગળે ઉતરે તેવો પણ છે કે અત્યારે દારૂબંધીના અમલમાં છૂટથી દારૂ મળે છે, પણ સરકારી તિજોરીમાં માત્ર ૧૨૬ કરોડ રૂપિયાની જ આવક થાય છે; બાકી પોલીસ, બૂટલેગરો અને રાજકીય શાસકોને ઘી-કેળાં છે. ગાંધી-સરદારની દુહાઈ દેનારાઓ દારૂબંધીનો કડક અમલ થશે એવા હાકલાદેકારા કરતા રહે છે, પણ અમલ કેવો છે એ સર્વવિદિત છે.

અબજોનું દેવું છતાં આવક ગુમાવાય છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નશાબંધીના પ્રખર હિમાયતી હતા. તેમના મતે, ભારતની ગુલામી અને ગરીબી નશાખોરીના કારણે હતી અને તેથી જ તેઓ કહેતા કે મને જો એક દિવસ માટે પણ ભારતનો સરમુખત્યાર બનાવવામાં આવે તો હું સૌથી પહેલું કામ દારૂની તમામ દુકાનો વળતર ચુકવ્યા સિવાય બંધ કરાવું. જોકે આજકાલ નામ ગાંધીનું લેવાય છે, પણ પૂજા નથુરામ ગોડસેની કરવાની ફેશન ચાલે છે. ગાંધીવાદીઓ પણ મૂકપ્રેક્ષક બનીને બધા ખેલ નિહાળ્યા કરે છે અને પોતાનાં હિત જાળવવામાં રમમાણ છે.

મુશ્કેલી એ થઇ કે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાષ્ટ્રીય કક્ષાએ દારૂબંધીના અમલનો આદર્શ સ્વીકારવામાં આવ્યો હોવા છતાં એ અંગે નિર્ણય રાજ્યો પર છોડાયો છે. મહારાષ્ટ્રમાં વર્ધા જિલ્લામાં ગાંધીના પ્રભાવને કારણે સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં ત્યાં છૂટથી દારૂ મળે છે. દેશનાં ઘણાં રાજ્યોમાં દારૂબંધી દાખલ કરીને ઊઠાવી લેવાતી રહી છે. અમેરિકામાં પણ આવા જ પ્રયોગો થતા રહ્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં રાજ્યની તિજોરી પર રૂપિયા ૩.૭૨ લાખ કરોડનું દેવું ઝળૂંબે છે ત્યારે શંકરસિંહ દારૂબંધી ઊઠાવી લેવાનો ઈલાજ સૂચવે છે. રાજ્યના દંભી રાજનેતાઓ ગાંધી-સરદારના નામની માળા જપતા રહે છે પણ મોટેભાગે દારૂનું સેવન કરતા હોય છે એટલું જ નહીં, ક્યારેક તો એકાદ કોંગ્રેસી પ્રધાન તો દારૂના નશામાં સર્કિટ હાઉસમાંથી નિવસ્ત્ર થઈને દોડ્યા હતા. ભાજપના એક આદિવાસી મંત્રીએ માપમાં પીવાની સલાહ આપી ત્યારે એમનું પ્રધાનપદું ગયું હતું. હવે ઝાઝું રાજકીય વજન નહીં ધરાવતા હોવા છતાં શંકરસિંહ મુખ્ય પ્રધાન થવાનાં સમણાં જોઈ રહ્યા છે અને પોતે મુખ્ય પ્રધાન થાય ત્યારે દારૂબંધી હટાવશે એવું ગાઈવગાડીને કહે છે.

તમિળનાડુમાં દારૂની છૂટ છે અને એની એકસાઈઝ તથા વેટની કમાણી વર્ષે ૩૧,૧૫૭ કરોડ રૂપિયાની છે. ગુજરાતમાં દારૂ પીનારાઓ પાસેથી સરકારી તિજોરીમાં વર્ષે માત્ર ૧૨૬ કરોડ રૂપિયા જ જમા થાય છે. એની સામે રાજસ્થાનમાં વર્ષે ૯,૩૦૦ કરોડ રૂપિયા, ઉત્તર પ્રદેશમાં ૨૫,૧૦૦ કરોડ રૂપિયા, મહારાષ્ટ્રમાં ૨૫,૫૦૦ કરોડ રૂપિયા, કર્ણાટકમાં ૧૯,૭૫૦ કરોડ રૂપિયા, પશ્ચિમ બંગાળમાં ૧૦,૫૫૪ કરોડ રૂપિયા, મધ્ય પ્રદેશમાં ૯,૫૦૦ કરોડ રૂપિયાની અને તેલંગણમાં ૧૦,૩૧૩ કરોડ રૂપિયાની આવક દારૂ પરના કરમાંથી થાય છે. બીજાં બટુક રાજ્યોમાં પણ દારૂની છૂટ છે અને એ પેટે આવક થાય છે એટલે ગુજરાતમાં પણ દારૂબંધી ઊઠાવી લઈને આવક થાય એ દિશામાં પગલાં લેવાવાં જોઈએ એવી દલીલ કરાય છે.

આની સામે ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત હોવાની હકીકત માટે દારૂબંધી જવાબદાર હોવાનું કહેવાય છે. જોકે આ તર્ક પણ ખોટો હોવાના તુલનાત્મક આંકડા ઇન્ડિયા ટુડેએ પ્રકાશિત કર્યા છે. એ મુજબ, ગોવા સૌથી સુરક્ષિત છે અને ત્યાં દારૂબંધી નથી. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્યોના ક્રમમાં ગુજરાતનો ક્રમ ૧૬મો આવે છે. સંયોગ એવો છે કે મહિલાઓ માટે સુરક્ષિત લેખાતાં કર્ણાટક, પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્ર પ્રદેશ વગેરે દારૂની છૂટવાળાં રાજ્યો છે. ગુજરાત હાઇ કોર્ટમાં દારૂબંધી વિરુદ્ધ ખટલો પણ વિચારાધીન છે. જોકે શંકરસિંહ અને એમના દારૂબંધી ઊઠાવી લેવાના પક્ષધર ટેકેદારો અનુકૂળ તર્ક રજૂ કરે છે, છતાં રાજ્ય સરકાર દારૂબંધી હટાવવાની હિંમત કરે એ શક્યતા નહિવત છે.

બાપુ હવે મોદીની ભૂમિકા ભણી

ક્યારેક બાપુ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા હતા અને હવે એ જાણે દારૂબંધી હળવી કરવા કે ઊઠાવી લેવાની નીતિનું સમર્થન કરી રહ્યા છે એ જરા ભેદી રાજરમત જણાય છે. ઉચ્છલ-નીઝરના વિધાનસભ્ય રહેલા કાંતિ ગામીત આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન તરીકે છોટાઉદેપુર જિલ્લાના અંતોલીમાં શાળા પ્રવેશોત્સવમાં ગયા ત્યારે બાળકો સમક્ષ દારૂ પીવાની વાતે વળી ગયા હતા અને પ્રધાનપદ ખોઈ બેઠા. ગુજરાતની મે ૧૯૬૦માં સ્થાપના થઇ ત્યારથી દારૂબંધી અમલમાં હોવા છતાં રાજ્યમાં દારૂની રેલમછેલની નવાઇ નથી, પણ ખુદ પ્રધાન ઊઠીને દારૂ ‘સાવ જ બંધ કરો એવું નથી કહેતો, પણ માપમાં પીઓ’ જેવી સલાહ આપે ત્યારે ચોખલિયાઓ માટે મૂંઝવણ થવી સ્વાભાવિક છે.

બિચારા કાન્તિ ગામીતે કાંઇક કહ્યું, વાસ્તવમાં ઓછો નશો કરવાની વાત કરી, તો એમના પર આળ આવ્યું કે એમણે મહાત્મા ગાંધીના ગુજરાતને લજવ્યું, પણ પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ પોતાના શાસનકાળમાં દારૂબંધીની નીતિના કડક અમલની કરેલી જોગવાઇને બદલીને મોદીયુગમાં ઉદ્યોગપતિઓને આકર્ષવા કે પર્યટકોને આકર્ષવા કે પછી ગુજરાતના એવા બીમાર નાગરિકો કે જેમની તબિયત દારૂ પીવાથી જ સારી જળવાય, એમના માટે સ્વયં ગુજરાતની ભાજપ સરકાર પોતાના સત્તાવાર પરિપત્રોથી દારૂબંધી હળવી કરતી હોય ત્યારે ગાંધીનું કે ગુજરાતનું નામ લજવાતું નથી.

મહાત્મા ગાંધીની આમન્યાનો લોપ

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના કાન્તિ ગામીતે જે વિવાદ સર્જ્યો, એના કારણે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર નશાબંધી અમલીકરણની નીતિ અને એના પરિપત્રો વાંચતાં વધુ આઘાતજનક અનુભૂતિ થઇ. ગામીત દારૂ પીવાની પરંપરા ધરાવતા સમાજને નશાનું પ્રમાણ ઓછું કરવાનું કહી રહ્યા હતા, ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકે આવ્યા ત્યારથી લગાતાર દારૂબંધી હળવી કરવાના અને છૂટથી વિદેશી દારૂની પરમિટો દેશી લોકોને ‘આરોગ્યના કારણોસર’ આપવા ઉપરાંત વિદેશી મહેમાનોને દારૂની પરમિટ અને કોન્ફરન્સો માટેની ગ્રુપ-પરમિટ તેમજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(એસઇઝેડ)વાળાઓને લિકર-કાર્ડ આપવાની ઉદારનીતિ અપનાવી હોવાનું અમારા ધ્યાને આવ્યું. ઓછામાં પૂરું તમને વિદેશી દારૂ ક્યાંથી મળે એના રાજ્યભરના ‘લોકોપયોગી પરવાનેદારોની યાદી’ અને સરનામાં સાથેની યાદી પણ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ પર મૂકાયેલી વાંચવા મળી હતી.

ગુજરાત સરકારે હવે નશાબંધી નીતિ અંગે નીરક્ષીર કરવું અનિવાર્ય એટલા માટે છે કે દેશમાં ભાજપની સરકારો છે એ તમામ રાજ્યોમાં દારૂની છૂટ છે એટલે સત્તાપક્ષ પોતાની નીતિ નિર્ધારિત કરે અથવા ગુજરાતમાં દંભી દારૂબંધી ઊઠાવી લે એવું રાજકીય દબાણ શંકરસિંહ આણિ મંડળી નિર્માણ કરી રહ્યાનું લાગે છે. ગુજરાતમાં જ ગાંધીજીને ગુડબાય કહેવાના સંજોગો પેદા થતા લાગે છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter