રાજકીય ક્ષેત્રમાં તળિયે બેઠેલી નીતિમત્તામાં સાવ ખાડે ગયેલા મનાતા તમિળનાડુમાં રાજકીય દેવી તરીકે પૂજાતાં રહેલાં જયલલિતા જયરામના નિધન પછી એમના અન્નાદ્રમુકમાં પડેલાં તડાંને રેણ મારવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા પછી આ રાજ્યમાંથી લોકસભા અને વિધાનસભામાં તેમ જ રાજ્યસભામાં સાવ જ નામશેષ થયેલા કેન્દ્રના સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષ માટે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં કેરળની જેમ પોતાના એકાદ-બે પ્રતિનિધિ ચૂંટી મોકલવાની તક મળે એવા સંજોગો નિર્માણ થયા છે.
સામાન્ય રીતે કન્યાકુમારી લોકસભા બેઠક ભાજપ જીતતો હતો, પણ છેલ્લી લોકસભા ચૂંટણીમાં આ બેઠક પણ એના હાથમાંથી સરી ગઈ હતી. ભાજપને માટે ઝટકારૂપ બાબત તો એ હતી કે વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં અન્નાદ્રમુકની સરકાર ફરી બની. દ્રમુક અને ભાજપ બંને માટે માઠા સમાચાર હતા. જોકે ૫ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ જયાઅમ્માના નિધન પછી એમની પસંદના મુખ્ય પ્રધાન ઓ. પનીરસેલ્વમ થોડો સમય મુખ્ય પ્રધાન રહ્યા, પણ વર્ષ ૨૦૧૭માં જયાઅમ્માનાં અનન્ય સાથી અને સહજેલવાસી એવાં શશીકલાના નિષ્ઠાવંત ઈ.કે. પરણીસામી મુખ્ય પ્રધાન થયા અને પક્ષનાં બંને ફાડિયાં દિલ્હીશ્વરના ઈશારે ભેગાં થયાં અને પનીરસેલ્વમ નાયબ મુખ્ય પ્રધાન બન્યા. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ફરીને વિક્રમી સંખ્યાબળ સાથે વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ તમિળનાડુમાં પોતાના પક્ષને એકેય બેઠક ના મળ્યાનો અફસોસ વ્યક્ત કરવા સિવાય આરો નહોતો.
અન્નાદ્રમુક-ભાજપ વિ. દ્રમુક-કોંગ્રેસ
તમિળનાડુમાં લોકસભા ચૂંટણીમાં કુલ ૩૯ બેઠકોમાંથી સૌથી વધુ બેઠકો દ્રમુકને મળી એટલું જ નહીં, દ્રમુકના પ્રત્યક્ષ કે પરોક્ષ સાથી પક્ષો બહુમતી બેઠકો જીત્યા એ રાજ્યમાં સત્તારૂઢ અન્નાદ્રમુક અને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ માટે ચિંતાનો વિષય હતો. જોકે રાજભવનમાં બેઠેલા કેન્દ્રના પ્રતિનિધિ એવા રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત મુશ્કેલીમાં આવી પડેલી અન્નાદ્રમુકની વહારે ધાતા રહ્યા. વિધાનસભામાં લઘુમતીમાં આવી પડેલી પરણીસામીની સરકારને ઉગારી લેવાથી માંડીને બેંગલુરુમાં જેલવાસી એવાં શશીકલાની હરામની કમાઈ જેવી હજારો કરોડની સંપતિને કેન્દ્રની એજન્સીઓ થકી જપ્ત કરવાની કાર્યવાહી પણ ચાલતી રહી. હવે શશીકલા જેલમુક્ત થવામાં છે ત્યારે કશું આડુંઅવળું ના કરે અને કેન્દ્ર સાથે સુમેળ સાધીને આવતીકાલોમાં રાજકારણ ખેલે એવા સંકેત અપાઈ ગયા છે.
આ જોડાણો અઘોષિત હોવા છતાં સ્વયં સ્પષ્ટ છે. ભાજપ અને અન્નાદ્રમુક વચ્ચે તેમજ દ્રમુક અને કોંગ્રેસ વચ્ચે અઘોષિત સમજૂતિ તો થયેલી જ મનાય છે એટલે આવતી વિધાનસભામાં અન્નાદ્રમુક - ભાજપ જોડાણ અહીં પરણીસામીના નેતૃત્વમાં અને દ્રમુક - કોંગ્રેસ - ડાબેરી જોડાણ એમ.કે. સ્ટાલિનના નેતૃત્વમાં ચૂંટણી લડે એ લગભગ સ્પષ્ટ છે.
સંસદ અને ધારાસભાની સ્થિતિ
તમિળનાડુમાંથી લોકસભા અને રાજ્યસભા તેમજ વિધાનસભાની સ્થિતિ પર થોડી નજર કરી લેવાની જરૂર ખરી. વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ૩૯ બેઠકોમાંથી ૨૪ બેઠકો દ્રમુકને ફાળે ગઈ હતી. કોંગ્રેસને ૮ બેઠકો, સામ્યવાદી અને માર્કસવાદી પક્ષને બબ્બે, અન્નાદ્રમુકને માત્ર ૧ બેઠક તેમ જ મુસ્લિમ લીગને ૧ - વીસીકેને ૧ બેઠક મળી હતી. કોંગ્રેસના સભ્યના નિધનથી ૧ બેઠક ખાલી છે. રાજ્યસભાની કુલ ૧૮ બેઠકોમાંથી અન્નાદ્રમુકની ૮, દ્રમુકની ૭, એમડીએમકે - ૧, પીએમકે - ૧ અને ટીએમસી (એમ) - ૧ બેઠક છે. ૨૩૪ સભ્યોની વિધાનસભામાં અન્નાદ્રમુકની સભ્યસંખ્યા ૧૨૫ છે, જયારે દ્રમુકની ૯૭ છે. કોંગ્રેસની માત્ર ૭, મુસ્લિમ લીગની ૧ અને ૩ બેઠકો ખાલી છે.
પરણીસામીની સર્વમિત્ર છબી
હમણાં મુખ્ય પ્રધાનપદના ભાવિ ઉમેદવાર તરીકે વર્તમાન મુખ્ય પ્રધાન પરણીસામીની જ વરણી થઇ છે અને એમની સર્વમિત્ર તરીકેની છબી એમને આવતા દિવસોમાં પણ ફરીને મુખ્યમંત્રી બનાવે એવી ગણતરી મંડાઈ રહી છે. વર્તમાન મુખ્ય પ્રધાન વિવાદમાં આવ્યા નથી અને સમગ્ર રાજ્યના પ્રતિનિધિ હોવાની છબી ઉપસાવી શક્યા હોવાનું તમિળનાડના અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયેલા ગુજરાતી સનદી અધિકારી દેવેન્દ્ર કે. ઓઝા પણ જણાવે છે.
મૂળે ૧૯૫૮ની કેડરના ગાંધીવાદી આઇએએસ રહેલા ઓઝાનો જીવ તમિળનાડુની વર્તમાન રાજકીય અવસ્થા નિહાળીને કનાસવો સ્વાભાવિક છે કારણ અહીં નીતિ મૂલ્યો તળિયે ગયાં છે અને કોઈ પણ રાજકીય પક્ષ પાસેથી એમાં સુધારાની અપેક્ષા કરી શકાય તેમ નથી. વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકારી લીધા સિવાય છૂટકો નથી. ક્યારેક સી. રાજગોપાલાચારી કે કામરાજ જેવી વ્યક્તિઓ અહીં શાસન કરતી હતી.
કોંગ્રેસના આંતરકલહના પ્રતાપે ૧૯૬૭થી અહીં દ્રમુક કે અન્નાદ્રમુકનું શાસન વારફરતાં આવતું રહ્યું છે. અહીંના ચાર મુખ્ય પ્રધાન અને લોકપ્રિય નેતા અન્નાદુરાઈ, કરુણાનિધિ, એમ. જી. રામચંદ્રન અને જયલલિતાનો ખાલીપો જરૂર વર્તાય છે. એમણે કેન્દ્રમાં ક્યારેક જોડાણો બદલવાનું કામ કર્યું છે, પણ રાજ્યમાં દ્રવિડ ચળવળના નામે જ રાજ કરતાં રહ્યાં છે. છેવટે દિલ્હીમાં જે સત્તામાં હોય તેમની સાથે રહીને અહીં દ્રવિડ પક્ષો શાસન કરતા રહ્યા છે. વાંકું પડે ત્યારે અલગ દ્રવિડ નાડુનો આલાપ જપવામાં પણ એમને છોછ રહ્યો નથી.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)