આખરે ભારત સરકારે પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું લશ્કરી દળોની ત્રણેય પાંખના સંયુક્ત વડા નિયુક્ત કરવાનું સ્વપ્ન વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂર્ણ કરવાના હોવાની જાહેરાત એમણે પોતે જ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં કરી છે. ભારત આઝાદ થવામાં હતો ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અહિંસક સમાજરચનાના આગ્રહી હોવાને કારણે લશ્કર રાખવાના પક્ષધર નહોતા. એ આદર્શોમાં રાચનારા ઓલિયા માણસ જેવા હતા. દુનિયા માત્ર આદર્શવાદના મારગ ચાલવા ટેવાયેલી નથી. કદાચ એટલે જ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે બાપુને કહેવું પડ્યું હતું કેઃ બાપુ, આપ તો મહાત્મા છો; મારે તો દેશ ચલાવવાનો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ૭૩મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગું સંબોધન કરીને પોતાની સરકારની કામગીરી અને ભવિષ્યની યોજનાઓની માંડણી કરી, એમાં મહાત્માના સ્વપ્નને સાકાર કરવા અહિંસાની દુહાઈ દેવાની સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા અને આતંકવાદને પહોંચી વળવા માટે લશ્કરી બાબતો અંગેની સજ્જતાને સહયાત્રી લેખાવવાનું, સરદારની જેમ જ, સુપેરે પ્રતિપાદિત કર્યું.
હિન્દુસ્તાનની સામરિક દુનિયા
વડા પ્રધાન મોદીએ આતંકવાદ અને હિંસા ફેલાવનારાઓને નેસ્તનાબૂદ કરવા માટે પ્રસંશનીય કામગીરી બજાવવા બદલ સૈનિકો અને સુરક્ષા દળોને વંદન કરવાનું પસંદ કર્યું છે. સમયસર જરૂરી સુધારાઓ કરવાની બાબતમાં પણ તેઓ આગળ વધી રહ્યાનો સંકેત આપે છે. લશ્કરી બાબતોમાં સુધારણા અંગે લાંબા સમયથી ચાલતી રહેલી વિચારણા સંદર્ભે અલગ અલગ સરકારોએ પંચ બેસાડીને ભલામણો માંગી હતી. એ ભલામણોમાં બધાનો લગભગ એકસૂર નીકળતો હોવાનું જણાવીને વડા પ્રધાને વર્તમાન તંત્રજ્ઞાન અને આવતા દિવસોની જરૂરિયાતને પહોંચી વળવા માટે એવાં પગલાં ભરવાની જરૂર છે જેના પ્રતાપે લશ્કરી દળોની ત્રણેય પાંખ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ એકસાથે એક જ ઊંચાઈ હાંસલ કરે.
ઘણા લાંબા સમયથી વિચારાધીન રહેલા મુદ્દાને સ્પર્શતાં વડા પ્રધાને જાહેરાત કરી હતી કે હવે અમે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની વ્યવસ્થા કરીશું. આના પ્રતાપે સેનાની ત્રણેય પાંખોને શીર્ષ નેતૃત્વ મળશે. મોદીએ આ હોદ્દાને મહત્વ આપવાનો નિર્ણય જાહેર કર્યો અને એ સુધારણામાં મહત્વનું યોગદાન કરશે, એવું પણ કહ્યું તો ખરું, પરંતુ આ હોદ્દો કેટલા નિર્ણય કરી શકશે અને એ સલાહકારની ભૂમિકામાં હશે કે સંરક્ષણ પ્રધાનને વટાવી સીધી જ વડા પ્રધાન મારફત સરકાર સાથેની ચેનલ ધરાવશે, એ હજુ અનિશ્ચિત છે.
જોકે લશ્કરી દળોના નિવૃત્ત અધિકારીઓ માને છે કે આ પ્રકારની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તો વર્ષો સુધી જે નિર્ણયો માત્ર બાબુગીરીને કારણે રક્ષા મંત્રાલયમાં અટવાતા હતા, એ હવે ઝડપથી લઇ શકાશે. લગભગ ૩૦ વખત સિયાચીનની મુલાકાતે જવાનો વિક્રમ ધરાવતા વાજપેયી સરકારના રક્ષા પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસે ઘણો લાંબો સમય અટવાયેલી સ્નો-સ્કૂટરની ખરીદી અંગે જે રીતે નિર્ણય કરીને દાખલો બેસાડ્યો હતો, એ જોતાં સરકાર ધારે તો ઝડપી નિર્ણય કરી શકે છે.
નિમણૂકનાં વચનોની લહાણી
વર્ષ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ વખતથી એટલે કે છેલ્લા બે દાયકાથી ત્રણેય સેનાઓના સંયુક્ત કમાન્ડની આવશ્યકતા અનુભવાતી હતી. એ પહેલાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ આવા હોદ્દે જનરલ થિમૈય્યાને અને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી જનરલ માણેકશાને ત્રણેય પાંખના વડા બનાવવા માંગતાં હતાં, પણ વિવિધ કારણોસર એ શક્ય બન્યું નહોતું.
જોકે વર્ષ ૨૦૦૧થી લઈને અત્યાર લગીની કેન્દ્ર સરકારોએ વિવિધ તબક્કે નિયુક્ત કરેલી સમિતિઓ થકી મળેલી ભલામણો આવા સંયુક્ત વડાની નિમણૂકને ટેકો આપતી રહી હતી. વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કરેલી જાહેરાત જેવી જાહેરાતો અગાઉ સંસદમાં કોંગ્રેસ અને ભાજપની સરકારો થકી પણ કરવામાં આવ્યા છતાં હજુ આવી નિમણૂક કરાઈ નથી. વર્ષ ૨૦૦૨માં સંરક્ષણ પ્રધાન જ્યોર્જે આવી જાહેરાત કરી પછી યુપીએ સરકારના ૨૦૦૪ અને ૨૦૦૫માં પ્રણવ મુખરજીએ પણ આવી જ જાહેરાત સંસદમાં કરી હતી. યુપીએ સરકારના સંરક્ષણ પ્રધા એ. કે. એન્ટનીએ તો આ જ જાહેરાત કરવામાં વિક્રમ નોંધાવ્યો હતો. તેમણે તો ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૩, ફરીને ૨૦૧૩માં કરી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી મનોહર પર્રીકરે ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭માં તેમજ સુભાષ ભામરેએ ૨૦૧૬ અને ૨૦૧૮માં કરી હતી.
હજી એ નક્કી થયું લાગતું નથી કે ચીફ ફોર સ્ટાર હશે કે ફાઈવ સ્ટાર; એ ત્રણેય સેનાઓના વડાઓ સમકક્ષ હશે કે ઉપર. જોકે વડા પ્રધાને જાહેરાત કરી છે એટલે એનો અમલ તો થશે એવું જરૂર લાગે છે.
માઉન્ટબેટનના પત્રનાં તથ્ય
હમણાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસીસ (ઈડસા) માટે નિવૃત્ત લશ્કરી વડા જનરલ વી. પી. મલિક અને અનીત મુખરજીએ લખેલો શોધપત્ર વાંચ્યો. એની સાથે આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ લુઇસ માઉન્ટબેટનનો ૨૭ સપ્ટેમ્બર ૧૯૭૭નો ભારતીય લેફ્ટ. જનરલ એમ. એલ. છિબ્બરને લખેલો પત્ર વાંચતાં રુવાડાં ખડાં થવાની અનુભૂતિ થઇ. માઉન્ટબેટને ચીનના ભારત પરના આક્રમણ પહેલાં તેમની સાથે બ્રોડલેન્ડ્સ ખાતે રોકાયેલા વડા પ્રધાન નેહરુને મિત્રભાવે સલાહ આપી હતી કે તેઓ જનરલ થિમૈય્યાને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરે, જેથી ત્રણેય પાંખ વચ્ચે યુદ્ધના સંજોગોમાં બરાબર સંકલન રહી શકે. પત્રમાં ઘણું વિગતવાર જણાવ્યું છે, પરંતુ નેહરુની પોતાની ઈચ્છા છતાં એમના સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનનને જનરલ થિમૈય્યા ભણી દુર્ભાવ હતો એટલે તેમણે એ નિમણૂકમાં અવરોધ આણ્યા હતા.
ઉપરાંત લશ્કરી વડા તરીકે જનરલ થાપરને નિયુક્ત કરવામાં અને જનરલ કૌલની રાજકીય દૃષ્ટિએ નિયુક્તિ કરીને ભારતનું ભારે અહિત કર્યાનું માઉન્ટબેટને જણાવ્યું હતું. ‘હિંદી - ચીની ભાઈ ભાઈ’ના નારામાં રમમાણ નેહરુ ચીની વડા પ્રધાન ઝાઉ એન લાઈના ભરોસે રહ્યા અને ચીને આક્રમણ કર્યું હતું. ૧૯૬૨ના આ યુદ્ધમાં ભારતની જે ફજેતી થઇ એના આઘાતમાં જ નેહરુને લકવો પડ્યો અને મે ૧૯૬૪માં એ મૃત્યુ પામ્યા હતા.
ઇન્દિરા ગાંધી અને માણેકશા
વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના સમયગાળામાં ભારતે પૂર્વ પાકિસ્તાનને બાંગલાદેશમાં ફેરવી નાંખવાનું ભવ્ય કામ થવા ઉપરાંત સિક્કિમ દેશને જનમત થકી ભારતમાં ભેળવી દેવાનું ભગીરથ કાર્ય પણ શક્ય બન્યું હતું. બાંગલાદેશ માટેના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં જનરલ માણેકશા જેવા લશ્કરી વડાની કુનેહ અને વડાં પ્રધાન સાથેના ટ્યૂનિંગ થકી જ ભવ્ય વિજય મળ્યો હતો. એક તબક્કે ૧૯૭૧ના યુદ્ધ પછી શ્રીમતી ગાંધી માણેકશાને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરવામાં હતાં, પરંતુ એ વેળા એરફોર્સ અને નેવીના વડાઓએ એ અંગે પોતાની નારાજગી દર્શાવી એટલે એ વાત ત્યાં જ અટકી હતી. આર્મી ચીફ માણેકશાની તુલનામાં પેલા બંને જુનિયર કક્ષાના હતા.
જનરલ માણેકશાને શ્રીમતી ગાંધીએ દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ નિયુક્ત કર્યા હતા. એમના પછી વડા પ્રધાન રાજીવ ગાંધીએ જનરલ કરિઅપ્પાને ૧૯૮૬માં ફિલ્ડ માર્શલ નિયુક્ત કર્યા અને હવાઈદળના વડા રહેલા એર માર્શલ અર્જુન સિંહને વડા પ્રધાન ડો. મનમોહન સિંહે ૨૦૦૭માં ઇન્ડિયન એરફોર્સના માર્શલ (ફિલ્ડ માર્શલ સમકક્ષ) નિયુક્ત કર્યા હતા. આ ત્રણેયને આજીવન સેવારત લેખવામાં આવે અને તેઓ ફાઈવ સ્ટાર હોદ્દો ધરાવતા હોય છે.
જનરલ રાવતની શક્યતા
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિ રક્ષા સચિવ કરતાં ઉપરના સ્તરે થવી અપેક્ષિત છે. અત્યાર લગી આઈએએસ અધિકારીઓ સંરક્ષણ મંત્રાલયના વડા તરીકે હોવા સાથે વાઈસ ચીફ કક્ષાના અધિકારી સચિવની નીચે કાર્યરત રહે છે. અંતે નિર્ણય લેવાની સત્તા સચિવના હાથમાં રહે છે. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીધા જ સંરક્ષણ પ્રધાન કે વડા પ્રધાનને સલાહ આપશે એટલે નિર્ણયની પ્રક્રિયા ઝડપી બનવાની શક્યતા રહે છે. ઘણી વાર તો સેનાની કોઈ પાંખને તાત્કાલિક ધોરણે કોઈ સામગ્રી ખરીદવાની હોય તો પણ એ બાબુગીરીમાં કે ફાઈલોમાં વર્ષો સુધી અટવાયા કરે છે.
અત્યારના એરફોર્સના ચીફ ત્રણે પાંખના સ્ટાફની કમિટીના ચેરમેન છે. એ આગામી ૩૦ સપ્ટેમ્બરે નિવૃત્ત થતા હોવાથી આર્મી ચીફ બીપીન રાવત ત્રણેય પાંખના વડાઓમાં સૌથી વરિષ્ઠ છે અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ થવા માટે લાયક પણ છે એટલે ૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ એમની પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિમણૂક થવાની શક્યતા રહે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોઈની પણ નિમણૂક થતાં રક્ષા પ્રધાનની સત્તા પર કાપ આવવાની શક્યતા નથી. સાથે જ ન્યૂક્લિઅર અને સ્ટ્રેટેજિક કમાંડ તો વડા પ્રધાન પાસે જ રહેશે.
વડા પ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરવા ઈચ્છુક હતા પણ એ ના કરી શક્યા, પણ હવે એ હોદ્દા પર વર્તમાન વડા પ્રધાન મોદી યોગ્ય વ્યક્તિની નિમણૂક કરીને સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંકલન વધારી શકશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)