કોણ કમળાબહેન શંકરલાલ પટેલ? કોઈ પૂછે તો શક્ય છે કે આજે તો ચરોતરમાં જ નહીં, પણ એમના વતન સોજિત્રામાં કે સાસરી નડિયાદમાં કે પછી મહાત્મા ગાંધીના જે ગાંધી આશ્રમમાં એ પિતા શંકરલાલની સાથે રાષ્ટ્રપિતાની છાયામાં સંસ્કારિત થયાં ત્યાં પણ કોઈ જાણતું હોવાની શક્યતા નથી.
ડિસેમ્બર ૧૯૪૭થી ઓગસ્ટ ૧૯૫૫ દરમિયાન માનવતાના યજ્ઞમાં સામેલ થયેલાં કમળાબહેન પટેલ સતત મહાત્મા ગાંધીના સંસ્કાર અને પોતાના મિશનમાં ડેરડેવિલ નેત્રી મૃદુલાબહેન સારાભાઈની હૂંફ થકી જ અકલ્પનીય કામ કરી શક્યાનું નોંધ્યું છે. વિભાજનને પગલે ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં માલમિલકત ઉપરાંત સ્ત્રીઓની લૂંટ પણ ચાલ્યાની માત્ર વાત કરીને એ અટક્યાં નથી, પણ માથે કફન બાંધીને પુરુષોને પણ શરમાવે એવી બહોશીથી એમણે આવી દુખિયારી મહિલાઓને એ મારો-કાપોના સમયગાળામાં એમના પરિવાર સાથે જોડી આપવાનું કામ પણ કર્યું છે. પાકિસ્તાનના લાહોર અને પછીથી કાશ્મીર મોરચે યુદ્ધના સંજોગોમાં પણ કમળાબહેનનું મિશન કાશ્મીરી મહિલાઓ ભણી પણ ફંટાયું હતું. એમણે નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી છે. એમણે જે માનવતાનું કામ કર્યું એના પ્રતાપે જ એમને અનેકવાર ઓચિંતો એવાં વ્યક્તિત્વોનો ભેટો થયો છે જે કમળાબહેનના પ્રતાપે જ પોતે જીવિત હોવાનું કબૂલે.
“મૂળ સોતાં ઊખડેલાં”નું પ્રાગટ્ય
ભારત-પાક વચ્ચે ૧૧ નવેમ્બર ૧૯૪૮ની સમજૂતી મુજબ, પાકિસ્તાનથી પુનઃ પ્રાપ્ત થયેલાં હિંદુ (શીખ સહિત) સ્ત્રી-બાળકો અને ભારતના પંજાબમાંથી પુનઃ પ્રાપ્ત કરાયેલાં મુસલમાન સ્ત્રી-બાળકો અંગે “મૂળ સોતાં ઊખડેલાં”માં કમળાબહેનની હૃદયસ્પર્શી વાતો અને જાત અનુભવોમાં જાનના જોખમના સંજોગોમાં પણ કોઈ દ્વેષ કે ડંખ કે પછી કોઈ પણ કોમ કે સમાજ પ્રત્યે ઘૃણાનો અનુભવ થતો નથી.
“નરી પાશવતાના વાતાવરણમાં કોઈ કોઈ પ્રસંગે જોવા મળેલી માનવતા પણ ડોકિયાં કરવા લાગી” અને પંજાબ(પશ્ચિમ અને પૂર્વના પણ)થી આ કામગીરીના અનુભવોનું એક મોટું ભાથું લઈને ૧૯૫૨માં તેઓ દિલ્હીથી મુંબઈ પહોંચ્યાં ત્યારે એ અનુભવોને વાગોળતાં હતાં. મિત્રો-સ્નેહીઓ સાથે વાતો થતી, બનાવોની યાદ આવે અને ઉશ્કેરાઈ જાય એવું પણ બનતું. મન ઉદાસીન થતું. પંજાબની સ્ત્રીઓએ જે યાતનાઓ વેઠવી પડી હતી તેનાથી પુરુષજાત સામે અણગમો પણ પેદા થતો. નરી પાશવતા વિશે લખવાને બદલે એમાં જ્યાં અને જયારે માનવતા પણ ડોકાતી હતી એ વાતો નોંધવાનું બીડું એમણે ઝડપ્યું અને આપણને મળ્યું પુસ્તક “મૂળ સોતાં ઊખડેલાં”.
હજારોનાં હળવાંફૂલ તારણહાર
ભારત અને પાકિસ્તાનમાંથી ભાગલાના એ કપરા દિવસોને પગલે અપહૃત થયેલાં મુસલમાન અને હિંદુ સ્ત્રી-બાળકોને પુનઃ પ્રાપ્ત કરવાની કામગીરીમાં મૃદુલાબહેન સારાભાઈ સાથે જોડાયેલાં “ચરોતરની વીરાંગના” એવાં કમળાબહેન પટેલ ૬ ડિસેમ્બર ૧૯૪૭થી ૩૧ ઓગસ્ટ ૧૯૫૫ દરમિયાન હજારો માટે તારણહાર બન્યાં. એ “મૂળ સોતાં ઊખડેલાં”માં પોતાની આ કામગીરીને મહાત્મા ગાંધીના આશ્રમમાં રહેવાને કારણે મળેલા સંસ્કારોનું જ પરિણામ લેખાવે છે, પોતાનાં ઢોલ પીટવા માટે અને સ્વની શૌર્યગાથા તરીકે રજૂ કરવા માટે નહીં.
૩૫ વર્ષની યુવા વયે જ વિધવા થયેલાં કમળાબહેન એમની કામગીરી દરમિયાન અનેકોની દર્દભરી કહાણીઓમાં માતા-બહેન અને સખીની ભૂમિકા ભજવનારાં અને માનવતાભરી અનેક સંવેદનાઓને એ મહાયાતનાભર્યા સમયગાળામાં પણ ઝીલી શક્યાં છે. પોતે અમર થવા માટે નહીં, પણ એમના અનુભવોમાં એમને મળેલાં પ્રત્યેકની ગાથાને અમર કરવા માટે અને ભવિષ્યમાં ક્યારેય આવા સંજોગો કોઈને માટે પણ સર્જાય નહીં એવા ભાવ સાથે સંસ્મરણો લખતી વખતે પણ “મેં કર્યું, મેં કર્યું”ની મોટાઈ કે પોતાની પીઠ થાબડવામાં સ્વાવલંબી થવાનું તેમણે પસંદ કર્યું નથી.
ઐતિહાસિક અને માનવતાનું કામ
ભલે વર્તમાન સમયમાં નઠારા અને નગુણા સમાજે એમને સાવ જ વિસારે પાડ્યાં હોય પણ પેલી હજારો હિંદુ-મુસ્લિમ-શીખ અપહ્રુતા મહિલાઓ અને વિભાજનમાં નોંધારાં - અનાથ બનેલાં હજારો બાળકોના દિલમાં તો કમળાબહેન પળેપળ જીવંત બનીને રહ્યાં હશે. આજના સંજોગોમાં એમના નામને વટાવી લેવા કોઈ સ્મારક કે પ્રતિમા ઊભી કરવાવાળા કે ફિલ્મોમાં એમને મઢીને પોતાના વર્તમાનને ચમકાવવાવાળા ઘણા મળી આવશે, પણ કમળાબહેનની આછેરી ઝલક થકી એમના મહાયોગદાનની સુગંધ, “ગુજરાત સમાચાર” અને “Asian Voice”ના અધિપતિ સી.બી. પટેલના આગ્રહથી, આપ સૌને વહેંચવાની તક મળી એ અકલ્પનીય છે.
નવાઈ તો એ વાતની છે કે આપણાં આ કમળાબહેનની તસવીર પણ ક્યાંય ભાગ્યે જ જોવા મળે એટલાં એ નિર્લેપ રહ્યાં છે. મહાત્મા ગાંધીની પ્રેરણાથી, પંડિત નેહરુ-સરદાર પટેલની સરકારના માધ્યમથી, કમળાબહેન પટેલ અને એમનાં નેત્રી મૃદુલાબહેન સારાભાઈએ કરેલા ઐતિહાસિક અને માનવતાને જીવંત રાખનાર યોગદાન માટે વંદન. (સંપૂર્ણ)
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)