રાજકીય ફોન-ટેપિંગ પરાપૂર્વથી, રાજસ્થાનમાં નવાઈ નથી

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 21st July 2020 05:04 EDT
 
 

રાજસ્થાનમાં તાજા રાજકીય ઉહાપોહ વચ્ચે ધારાસભ્યોની ખરીદીના કથિત સોદાઓનું ફોન ટેપિંગ બહાર આવ્યું અને એમાં કેન્દ્રના એક પ્રધાનનો અવાજ ચર્ચામાં આવ્યો કે મામલો ઓર બીચક્યો. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રાજસ્થાનના મુખ્ય સચિવ કનેથી અહેવાલ મંગાવ્યો કે આવા ફોન ટેપ કરવાનું નિયમાનુસાર થયું છે કે કેમ? કાગડો કોયલને ઠગે એવો તાલ અહીં જોવા મળે છે. રાજકીય જાસૂસી થકી સત્તાધીશોને પોતાના અનુકૂળ અને પ્રતિકૂળ સાંસદો કે ધારાસભ્યો અંગે માહિતી પૂરી પાડવાની દીર્ઘ પરંપરા ભારતમાં અને એનાં વિવિધ રાજ્યોમાં દાયકાઓથી ચાલતી આવી છે. એટલે ફોનટેપિંગ અંગે કોણ દૂધે ધોયેલું છે અને કોણ મોઢે મેશ લગાવીને આવા ગોરખધંધા કરે છે એ પૂછવું કે કહેવું એ જરા વધુ પડતું ગણાય.

કૌટિલ્યના પ્રાચીન ગ્રંથ “અર્થશાસ્ત્ર”માં તો જાસૂસી તંત્રને કાયમ સાબદું રાખવાની માર્ગદર્શિકા અપાઈ છે. માત્ર દુશ્મનો પર જ નજર રાખવાની જ નહીં, પણ રાજા રાણીવાસમાં જાય તો એ પૂર્વે એને મરાવી નાંખવાનું કાવતરું ઘડાયું નથીને એની પણ પોતાના વિશ્વાસુ દૂતો પાસેથી માહિતી મેળવી લેવા કે પોતાના રાજકુમારો પર પણ જાસૂસી કરાવવાની સલાહ કૌટિલ્ય આપે છે.

રાજસ્થાનના તાજા ઘટનાક્રમમાં ત્રણ ફોન સંવાદની ઓડિયો ક્લિપ જાહેરમાં વહેતી થઇ. એમાં સંજય જૈન, કેન્દ્રના પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અને કોંગ્રેસના ધારાસભ્ય ભંવરલાલ શર્માના કથિત અવાજમાં ધારાસભ્યોની કથિત ખરીદીના સોદાની ચર્ચા થયાનું બહાર આવ્યું. કોંગ્રેસના પીઢ નેતા અશોક ગહલોતની સરકારને પાડી દેવાના કાવતરાના ભાગરૂપે મનાતા આ સંવાદની સચ્ચાઈ ચકાસવા માટે રાજસ્થાન સરકારે સીઆઇડીના એસપી વિકાસ શર્માના વડપણ હેઠળ ખાસ તપાસ સમિતિની નિમણૂક કરી છે. સાથે જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) તથા એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ખટલા પણ દાખલ કર્યા છે.

વાસ્તવમાં ગહલોત અને એમના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ વચ્ચેના ગજગ્રાહ અને વિપક્ષી ભાજપના પુરોહિતપણા હેઠળની સઘળી કવાયતનું પરિણામ જે આવવાનું હોય તે આવશે, પણ રાજકીય પક્ષોની સરકારો પોતાના અને પારકાઓ પર પોલીસ તંત્રના જ ઉપયોગથી નજર રાખવા માટે એમના ફોન ટેપ કરવાથી લઈને એમની જાસૂસી કરાવવા સુધીની કવાયતો કાયમ હાથ ધરતી હોવાની હકીકત છે. છાસવારે આવાં પ્રકરણોમાં આરોપ-પ્રત્યારોપ થાય છે, પણ પછી એ બધું વિસારે પડે છે.

સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી

કોઈ પણ રાજ્યમાં કેન્દ્રનું ગુપ્તચર ખાતું (સેન્ટ્રલ આઈબી) અને રાજ્યનું ગુપ્તચર ખાતું (સ્ટેટ આઈબી) રાજકીય નેતાઓ અને એમના મળતિયાઓ પર નજર રાખવાનું કામ કરે છે. રાજકીય વિરોધીઓ જ નહીં, પોતાના પક્ષના નેતાઓ અને ધારાસભ્યો કે સાંસદો પર પણ નજર રાખવા તેમજ તેમના ફોન ટેપ કરવા અને એ અંગેની માહિતી રાજકીય સત્તાધીશોને પહોંચાડવાનું કામ આ ગુપ્તચર ખાતાના અધિકારીઓ કરે છે. કેન્દ્ર સરકાર કોઈ રાજ્યના આવા ગુપ્તચર કામ અંગે અહેવાલ માંગે ત્યારે પ્રશ્ન એ ઊઠે છે કે રાજ્ય સરકાર પાસે આવી જાસૂસીનો અધિકાર છે કે કેમ?

ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) રહેલા એક બાહોશ અધિકારીને અમે આ અંગે પૃચ્છા કરી તો એમનો જવાબ કાંઇક આવો હતો: “રાજ્ય સરકારને જાહેર હિતમાં આવું કરવાનો અધિકાર છે. આઈજી કક્ષાના અધિકારી કોઈનો પણ ફોન ઇન્ટરસેપ્ટ કરવાના આદેશ આપી શકે છે. વળી, એ કોઈના ફોન ટેપ કરવાનું શરૂ કરે એ પછી સપ્તાહમાં એમણે ગૃહ સચિવની મંજૂરી લેવાની હોય છે. એ મળવાની અપેક્ષાએ એ કામ શરૂ કરાવી શકે છે. આમાં કોઈનો પણ, રિપીટ કોઈનો પણ, ફોન ટેપ કરાવી શકે છે. મહિના સુધી એ ટેપ કરવાનું ચાલુ રાખે ત્યારે આગળની મંજૂરી લેવાની થાય છે. પણ આ બધું રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે કોઈ પણ રાજકીય પક્ષના અપવાદ વિના થાય છે. સત્તાપરિવર્તન થાય એટલે નવા શાસકોની અનુકૂળતા મુજબ આવું જાસૂસી કાર્ય થાય છે. પેલી ટેપનો સપ્તાહમાં નાશ કરવામાં આવે છે.”

“તમામ રાજ્યોમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) આ કામ કરે છે અને એટલા માટે જ આઈબી કને કરોડોના ખર્ચે અત્યાધુનિક સાધનસામગ્રી પણ સ્થાપિત કરવામાં આવે છે,” એવું કહીને આ અધિકારી ઉમેરે છે: “આઈબીએ કોઈ ગુનાની તપાસ કરવાની નથી હોતી, એફઆઈઆર નોંધવાની હોતી નથી, છતાં એણે કામગીરી કરવાની હોય છે એટલે કોઈ એમ કહે કે અમે કોઈ પર જાસૂસી કરતા નથી તો એ ઉલ્લૂ બનાવવાની જ વાત છે. સામાન્ય દિવસોમાં ૧૦થી ૧૫ લાઈનો ઇન્ટરસેપ્ટ કરાતી હોય છે, પણ ચૂંટણી આવે ત્યારે એ આંકડો ૧૦૦ને પણ વટાવી જાય છે.”

સચિવાલય કે મંત્રાલયમાંથી નિયમિત રીતે ફોન ટેપ કે ઇન્ટરસેપ્ટ થતા હોવાનો જાત અનુભવ આ લખનારને એ જયારે મુંબઈમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં તંત્રી હતા ત્યારે થયો હતો. મંત્રાલયમાં આ રીતે ઇન્ટરસેપ્ટ થયેલા સંવાદમાં એક કચ્છી જૈન અગ્રણી અને બિલ્ડરે સમકાલીનતંત્રી પર હુમલો કરાવવાનું ઘડેલું કાવતરું ઝડપાતાં કોલાબા પોલીસે થોડા દિવસ માટે સમકાલીનતંત્રીની જાણ બહાર પોલીસ સુરક્ષામાં પોલીસ વાન મૂકી હતી.

હેગડેએ મુખ્ય પ્રધાનપદ ગુમાવ્યું

ફોનટેપિંગ મામલે તો ભારતના મહત્વના રાજ્ય કર્ણાટકના મુખ્ય પ્રધાન રામકૃષ્ણ હેગડેએ પોતાનું મુખ્ય પ્રધાનપદ ગુમાવ્યું હતું. એ પછી પણ રાજકીય વિરોધીઓ પર જાસૂસી અને ફોન ટેપિંગ પ્રકરણનો અંત આવ્યો નથી, ઉલટાનું આવી કામગીરીને રાષ્ટ્રના હિતમાં કે જાહેર હિતમાં કાનૂની ઠરાવવાનો પ્રયાસ કોંગ્રેસ અને ભાજપની રાજ્યોની અને કેન્દ્રની સરકારો થકી થતો રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં આપેલા ચૂકાદાઓ અને માર્ગદર્શિકાનું છડેચોક ઉલ્લંઘન કરવાનું તમામ પક્ષના સત્તાધીશોને ફાવી ગયું છે.

હમણાં રાજસ્થાનમાં ફોન ટેપિંગના મુદ્દે ભારે ઉહાપોહ મચાવનાર ભાજપની કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ડિસેમ્બર ૨૦૧૮માં કેન્દ્રની ૧૦ એજન્સીઓને કોઈ પણ નાગરિકની જાસૂસી કરવા ઉપરાંત એના ફોન કે સંદેશાઓ ઇન્ટરસેપ્ટ કરવાની અમર્યાદ સત્તા આપી છે. વ્યક્તિના અંગત જીવન તેમ જ રાઈટ ટુ પ્રાઈવસી અને જાહેર સુરક્ષા કે રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે સીધા ટકરાવ અંગે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યા ત્યારે કેન્દ્રના પ્રધાન રાજ્યવર્ધન રાઠોડે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારના શાસનકાળમાં દર મહિને ૯૦૦૦ ફોન અને ૫૦૦ ઈ-મેઈલને વર્ષ ૨૦૧૩માં ટેપ કરવામાં આવ્યા હતા.

કર્ણાટકમાં ૧૯૮૮માં પોતાના અસંતુષ્ટ નેતાઓના જ નહીં, વિરોધ પક્ષના ૫૦ ફોન ટેપ કરાવવાના પ્રકરણમાં હેગડે સરકાર ઘરભેગી થઇ હતી. એ પછી કુમારસ્વામી સરકારે પણ પોતાના વિરોધીઓના ફોન ટેપ કરાવવાનું ચાલુ રાખ્યું હતું. એમાં કોંગ્રેસના ટોચના નેતા અને કોષાધ્યક્ષ અહમદ પટેલનો ફોન પણ ટેપ કરાવ્યો હતો. મહારાષ્ટ્ર હોય કે અન્ય રાજ્યો, માત્ર ફોન ટેપ કરવા કે ઇન્ટરસેપ્ટ કરવા કે પછી જાસૂસી કરવાનું વલણ અકબંધ અને અખંડ ચાલુ છે. વડા પ્રધાન ચંદ્ર શેખરની રાજીવ ગાંધીની કોંગ્રેસના ટેકે ચાલતી સરકાર હરિયાણાના બે કોન્સ્ટેબલ રાજીવના બંગલાની આસપાસ જાસૂસી કરી રહ્યાના બહાના હેઠળ ડૂલ કરાઈ હતી એ જાણીતું છે.

ઇઝરાયલી ટેકનોલોજીથી જાસૂસી

વ્યક્તિ સ્વાતંત્ર્ય પરના હુમલા સમાન જાસૂસી અને ફોન ટેપિંગ જ નહીં, હવે તો વોટ્સઅપ અને અન્ય પ્રકારના સંદેશાઓને ઇન્ટરસેપ્ટ કરવા માટે ઇઝરાયલી ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ થવા માંડ્યા છે. વાત આટલે અટકતી નથી. કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન જી. કિસન રેડ્ડીએ તો સંસદમાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં એટલે સુધી કહી દીધું કે વોટ્સઅપ, ફેસબુક મેસેન્જર, વાઈબર, ગૂગલ કોલ્સ અને સંદેશ ઇન્ટરસેપ્ટ કરવાનું કેન્દ્ર અને રાજ્ય સરકારોને કાનૂની અધિકાર મળે છે. રાષ્ટ્રીય સુરક્ષા અને મિત્ર દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવાના મુદ્દે સરકાર કોઈ પણ નાગરિક કે નેતા પર જાસૂસી કરે એ કાનૂની ગણાવા માંડ્યું છે, પરંતુ કેન્દ્રની અને રાજ્યોની સરકાર અલગ અલગ પક્ષની હોય ત્યારે આ અંગે નોખી ભૂમિકા અપનાવાય છે એ બાબત રાજસ્થાનની બાબતમાં પણ સ્પષ્ટ થઇ રહી છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter