ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષપલટા કે સામેવાળા પક્ષના ધારાસભ્યોનાં રાજીનામાંના વરવા દોર છતાં આશાનું કિરણ એ છે કે હજુ પણ મોટાભાગની બેઠકોની ચૂંટણી બિનહરીફ થાય છે. માર્ચ ૨૦૨૦માં થયેલી અને કોરોના પ્રકોપને કારણે મોકૂફ રહેલી જૂન ૨૦૨૦માં થયેલી રાજ્યસભાની બેઠકોની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ થયા ભણી બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. કુલ ૨૪૫ સભ્યોના આ ઉપલા ગૃહની ૬૧ બેઠકો પૈકી ૪૨ બેઠકો બિનહરીફ થઇ, પરંતુ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં જે રીતે વિપક્ષી કોંગ્રેસના ગઢને તોડવાના સત્તારૂઢ ભાજપ થકી કારસા રચાયા એના કારણે સૌથી વધુ ચર્ચા એની જ રહી.
તાજેતરની ચૂંટણીમાં બીજું મહત્વનું પરિબળ જોવા મળ્યું તે પૂર્વ રાજવી પરિવારોના રાજા-મહારાજા-નવાબ જેવાં લટકણિયાં નાબૂદ થઇ ચૂક્યાં હતાં એ ફરીને આ વખતે દાખલ થયાં છે: મણિપુરમાંથી ભાજપ થકી સ્પોન્સર કરાયેલા પૂર્વ રાજવી પરિવારના પ્રતિનિધિ સાનાજાઓબા લઈશેમ્બાને “મહારાજા”ના વિશેષણ સાથે રાજ્યસભામાં વિજેતા જાહેર કરવાનું ચૂંટણી પંચનું કૃત્ય વાસ્તવમાં તો ગુસ્તાખીભર્યું લેખવું જોઈએ, પણ જ્યાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એમને મહારાજા તરીકે સંબોધે છે ત્યારે એનું અનુસરણ ચૂંટણી પંચના અધિકારી કરે એને સ્વાભાવિક ગણાય. એમ તો ભાજપે ગ્વાલિયરના “મહારાજા” જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસમાંથી પોતાના ભણી વાળીને રાજ્યસભે પાઠવ્યા, પણ એમનું નામ માત્ર શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જ છે. જમ્મૂ-કાશ્મીરના મહારાજા હરિ સિંહના અનુગામી તરીકે ડો. કર્ણ સિંહને રાજકુમાર કે મહારાજા લખવાનો અધિકાર હતો ત્યારે પણ તેમણે પોતાનું નામ મિસ્ટર કર્ણ સિંહ રાખવાનો આગ્રહ રાખતો પત્ર એ વેળા કેન્દ્ર સરકારને લખ્યો હતો. ભારતીય બંધારણ પદ્મશ્રી જેવાં લટકણિયાં કે ઈલકાબને નામની આગળ લગાડવાનું અનુચિત માનતું હોવા છતાં આજકાલ તો કમનસીબે સરકારી નિમંત્રણ પત્રોમાં પણ આવા ઈલકાબોને નામની આગળ જડી દેવામાં આવે છે. કોઈ ફરિયાદ કરે તો આવા ઈલકાબો પાછા ખેંચાઈ જાય, પરંતુ ભારતમાં આવી ફરિયાદો ભાગ્યે જ થાય છે એટલે છડેચોક આવાં વરવાં દ્રશ્યો જોવા મળે છે.
રાજ્યસભાની પક્ષવાર સ્થિતિ
તાજેતરની ચૂંટણી પછી રાજ્યસભામાં સત્તારૂઢ ભાજપ અને એના મિત્ર પક્ષોની સ્થિતિ મજબૂત જરૂર થઇ છે, પરંતુ હજુ બહુમતીથી દૂર છે. આગામી ૨૫ નવેમ્બરે યોજાનાર રાજ્યસભાની ખાલી પડતી બેઠકોની ચૂંટણી વેળા કેવા ખેલ થાય છે એના ભણી સૌની મીટ રહેવાની, પરંતુ એ ચૂંટણી પછી પણ ભાજપ એકલે હાથે પોતાની બહુમતી મેળવી શકે તેમ જણાતું નથી. લોકસભામાં ૫૪૫ બેઠકોમાંથી ભાજપ એકલે હાથે ૩૦૩ બેઠકો સાથે બહુમતી ધરાવે છે છતાં એ મિત્રપક્ષોને સાથે રાખીને રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ની સરકાર ચલાવે છે. રાજ્યસભામાં એનડીએની પણ બહુમતી નથી એટલે જરૂર પડ્યે કેન્દ્ર સરકારે બીજા પક્ષોનો ટેકો લઈને મહત્વનાં વિધેયક મંજૂર કરાવવાં પડે છે.
તાજેતરની ચૂંટણી પછી ભાજપની સભ્ય સંખ્યા ૭૫થી વધીને ૮૬ થઇ છે. કોંગ્રેસની ૩૯થી વધીને ૪૦ થઇ છે. કોંગ્રેસની એક બેઠક વધવાથી એણે હરખાવા જેવું કશું નથી. ગૃહમાં એનડીએના ૧૧૬ કે ૧૧૭ સભ્યો થાય તો પણ બહુમતી આંક ૧૨૩ કરતાં એ નીચે જ છે. વિપક્ષની સભ્ય સંખ્યા ૧૨૬ છે અને એમાં કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ સંગઠન (યુપીએ)નું સંખ્યાબળ માત્ર ૬૧ બેઠકોનું જ છે. વિપક્ષોની સ્થિતિ દેડકાંની પાંચ શેરી જેવી છે. વર્તમાન ભારતીય રાજકારણના પ્રવાહીમય પ્રવાહોને જોતાં આજે જે ચિત્ર છે એ ક્યારે બદલાઈ જશે એ કહેવું મુશ્કેલ છે.
ગુજરાતમાં નરહરિ મેઈનસ્ટ્રીમમાં
રાજ્યસભાની આ વખતની ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો કેટલાક મહારથીઓ વિધાનસભા કે લોકસભા ચૂંટણી હાર્યા પછી રાજ્યસભામાં સ્થાન મેળવી શક્યા છે. રાજ્યસભા તો મોટેરાઓનું ગૃહ ગણાય છે પણ હવે એમાં છોટેરા પણ ગોઠવાઈ જાય છે. ગુજરાતની વાત કરીએ તો ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનના વિદ્યાર્થી નેતાઓમાં રહીને કોંગ્રેસના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલનું રાજીનામું પડાવનારાઓમાંના એક નરહરિ અમીન એ જ ચીમનભાઈ પટેલની કોંગ્રેસમાં રહી આવ્યા અને છેવટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા પછી ભાજપમાં આવી લગભગ રાજકીય અરણ્યવાસમાં હતા. એ આ વેળા કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને પાડી દઈને રાજ્યસભે પહોંચ્યા. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અગાઉ મંત્રી રહ્યા, વિપક્ષી નેતા રહ્યા અને વારંવાર વિધાનસભા હાર્યા પછી હવે રાજ્યસભે ગોઠવાયા.
ગુજરાતમાં જનસંઘના પાયાના પથ્થર લેખાતા ચીમનભાઈ શુકલના ભાણેજ હોવાને નાતે શંકરસિંહ વાઘેલા સાથે બળવાખોરી કરીને પાછળથી ભાજપી સ્વગૃહે પાછા ફરેલા અને હવે વડા પ્રધાનના ખાસ એવા અભય ભારદ્વાજ તેમજ વારંવાર વિધાનસભા બેઠક હારેલાં સચિવાલય કર્મચારીમાંથી રાજકારણી બનેલાં રમીલા બારા માટે પણ આ વેળા સીધો જ રાજ્યસભા પ્રવેશ શક્ય બન્યો.
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ જીદે ચડીને રાજ્યસભાની ટિકિટ લઇ આવ્યા. અને મોવડીમંડળને ફડકો હશે કે ભરતસિંહ પાછા જ્યોતિરાદિત્યની ચાળ પકડીને ભાજપમાં ના જાય એટલે વિનાવિરોધે રાજ્યસભાની ચૂંટણીનું વચન આપનાર રાજીવ શુકલને ટાળ્યા પણ કોંગ્રેસની બાંધી મુઠ્ઠી ખુલી ગઈ. દોડવું હતું અને ઢાળ મળતાં કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામાં આપી પક્ષદ્રોહ કરી બેઠા.
છોટુભાઈ વસાવાની બીટીપીને આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી પટ્ટામાં કોંગ્રેસના અહમદ પટેલ કરતાં ભાજપના અમિત શાહ વધુ બરકતવાળા લાગ્યા હોવા જોઈએ એટલે પુત્ર મહેશ વસાવા સહિત મતદાનથી વેગળા રહીને ભાજપને લાભ કરાવ્યો. કોંગ્રેસ માટે શંકરસિંહની ઓફર હોવા છતાં બળવાખોર બાપુને ચીપિયાથી પણ નહીં અડકવાનું નક્કી કરતાં ભાજપમાંના ભગાનો લાભ ખાટવાનું પણ કોંગ્રેસ માટે શક્ય ના બન્યું. બાપુએ તો પછેડી ખંખેરીને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસને પણ રામરામ કર્યા. હવે આ ઢળતી ઉંમરે નવું ઘર માંડવા કરતાં ફરી સ્વાવલંબી બની જવા પ્રજાશક્તિ મોરચાના માધ્યમથી પ્રાદેશિક પક્ષનો આલાપ આદર્યો છે.
જૂના જોગી હવે રાજ્યસભે ચૂંટાયા
રાજ્યસભાની આ વખતની ચૂંટણીમાં પોતાના જ જનતા દળ (સેક્યુલર)ની ટિકિટ પર લોકસભા ચૂંટણી હારેલા પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવે ગૌડા, કોંગ્રેસના એવા જ મલ્લિકાર્જુન ખડગે, ભોપાલની બેઠક પર હારેલા અને મધ્ય પ્રદેશના દસ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા દિગ્વિજયસિંહ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પિતા જે બહુચર્ચિત સાંસદ અને મુખ્યમંત્રી રહ્યા તેમજ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી હારેલા શિબુ સોરેન ઉપરાંત રાજકારણમાંથી નિવૃત્ત થવાનું કહીને મહારાષ્ટ્રમાં શિવસેના-રાષ્ટ્રવાદીકોંગ્રેસ-કોંગ્રેસની સરકાર રચીને ભાજપના ઘમંડને તોડવામાં સફળ રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર સહિતના અનેક મહાનુભાવો ચૂંટાયા.
બે ગુજરાતી પણ પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાંથી ચૂંટાયા. રેલવે મંત્રી રહેલા તૃણમૂલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી અને વાયએસઆર કોંગ્રેસની ટિકિટ પર રિલાયન્સના પરિમલ નથવાણી રાજ્યસભે પહોંચ્યા. અગાઉ નથવાણી ઝારખંડમાંથી ચૂંટાયા હતા. છત્રપતિ શિવાજીના વંશજ ઉદયરાજે ભોસલે પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં ગયા છે. અગાઉ શિવાજી મહારાજના બીજા વંશજ શંભાજી રાજે ભોસલે તો ભાજપના સભ્ય તરીકે રાજ્યસભામાં હતા જ.
આવતા દિવસોમાં રાજ્યસભા ચૂંટણીઓ કરતાં બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચનારી બની રહેશે. બિહારમાં જેડી (યુ)ના સુપ્રીમો અને મુખ્યમંત્રી નીતીશ કુમારે લાલુ પ્રસાદના આરજેડી સાથે ચૂંટણી જીત્યા પછી ઉલાળિયાં કરીને ભાજપ સાથે ઘર માંડ્યું હતું. પશ્ચિમ બંગાળમાં દાયકાઓના માર્ક્સવાદી શાસનને પરાસ્ત કરીને ૨૦૧૧થી મુખ્યમંત્રી રહેલાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીને પરાસ્ત કરવા માટે ભાજપ જમીન આસમાન એક કરી દેવાનો સંકલ્પ કરી ચૂક્યો છે. ભારતીય રાજકારણની આગામી દિશા બિહાર અને બંગાળનાં ચૂંટણી પરિણામ નક્કી કરશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)