લાહોર છાવણીમાં હાડપિંજર ઉતાર્યાં, જલંધર જીવતાં માનવ ગયાં!

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 11th August 2020 07:58 EDT
 
 

“ટ્રકમાંથી સ્ત્રી-બાળકોના સ્વરૂપમાં માનવ કંકાલોને ઊતરતાં જોતાં મારું સમસ્ત શરીર ધ્રૂજી ઊઠયું અને પાસે પડેલી એક પાટલી પર હું બેસી ગઈ. એક પછી એક ટ્રકો આવતી ગઈ અને એવાં જ હાડપિંજરો ઊતરતાં ગયાં. શરીર પર ચાંદાં, ગંધ મારતાં કપડાં, માથામાં કેટલીયે જુઓ. છેલ્લી ટ્રકમાંથી એક બાઈ રડતી લથડિયાં ખાતી ઊતરી. એના હાથમાં છેલ્લા શ્વાસ લેતું તેનું બાળક હતું. આ બાળકને લઈને તે દરવાજામાં પ્રવેશી; બરાબર તે જ વખતે બાળકનો પ્રાણ ઊડી ગયો. પાછળથી અમને ખબર પડી કે આવી રીતે તેણે તેનાં ત્રણ બાળક ગુમાવ્યાં હતાં. આ લોકોએ છ મહિનાથી મીઠું ખાધું ન હતું. માંડ એકાદ સૂકી ભાખરી મળે; પંદર દિવસે નાહવાનું મળે ત્યાં વળી સાબુ કે માથામાં નાંખવાના તેલની તો વાત જ ક્યાંથી બને!”

કમકમાં આવે એવી આ વાત ચરોતરની વીરાંગના કમળાબહેન પટેલે “મૂળ સોતાં ઊખડેલાં”માં ભાગલાના એ કપરા દિવસોમાં લાહોરમાં રહીને સ્ત્રીઓ અને બાળકોના “પુનઃ પ્રાપ્તિ”ના સેવાકાર્યની જવાબદારી સંભળાતાં જાત અનુભવનું બયાન કરતાં નોંધી છે. પુનઃ પ્રાપ્તિના કામને વેગ આપવા માટે ફેબ્રુઆરી ૧૯૪૮માં “પુનઃ પ્રાપ્તિ સપ્તાહ” મનાવવાનું બંને દેશના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠકમાં નક્કી થયું હતું. કમનસીબે ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની હત્યા થઇ એને કારણે સૌના દિલમાં ઉદવેગ હતો. છતાં ય પુનઃ પ્રાપ્તિના માનવીય કામમાં શોકને દબાવીને પણ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ વગેરેએ ભારતમાં અપહરણ કરાયેલી મુસલમાન સ્ત્રીઓને પાછી મેળવવાના કામમાં પુનઃ પ્રાપ્તિ તંત્રને સભર મદદ કરવા રેડિયો મારફત અરજ કરી.

પાકિસ્તાનના તે વખતના વડા પ્રધાન લિયાકત અલી ખાન અને પુનર્વસન પ્રધાન રાજા ગઝનફર અલીએ રેડિયો પર પાકિસ્તાની પ્રજાને પણ આવી જ અરજ કરી. પંજાબમાંથી સારા એવા પ્રમાણમાં મુસલમાન સ્ત્રીઓ પાછી મેળવવામાં આવી, પણ પાકિસ્તાન આવી હિંદુ સ્ત્રીઓની પુનઃ પ્રાપ્તિમાં ખાસ વધારો કરી શક્યું નહિ.

જોકે આની અવળી અસર પડે અને ભારતનું કામ પણ ઢીલું પડે એની ચિંતા હતી ત્યાં એક દિવસ કમળાબહેનને પાકિસ્તાન પોલીસનો ફોન આવ્યો કે પુનઃ પ્રાપ્તિ સપ્તાહ નિમિત્તે જે ૬૦૦ જેટલાં સ્ત્રી-બાળકોને પુનઃ પ્રાપ્ત કરીને ગુજરાત જિલ્લાના કૂજા ગામ નજીક આવેલી છાવણીમાં રાખવામાં આવ્યાં હતાં એમને લાહોર મોકલવાની વ્યવસ્થા કરાઈ રહી છે. કેવી અવસ્થામાં એ છાવણીનાં લોકો કમળાબહેનની છાવણીમાં પહોંચ્યાં એનું જ કમકમાં આવે એવું વર્ણન તેમણે કર્યું હતું.

બે દિવસમાં એ કાફલો આવી પહોંચવાનો હતો એટલે એમને માટેની તડામાર તૈયારીઓ થઇ ગઈ. નાસ્તો, જમવાની વ્યવસ્થા, રોકાણની વ્યવસ્થા વગેરે. ટ્રકમાંથી સ્ત્રી-બાળકોના સ્વરૂપમાં માનવ કંકાલોને ઊતરતાં જોયાં એ પછીના અનુભવોનું બયાન કમળાબહેન કરે છે એ વર્ણવવાનું મુશ્કેલ છેઃ

રાતના આઠેક વાગે એ આવી પહોંચ્યાં. ૧૯૦ માઈલની મુસાફરી કરીને આવ્યાં પણ રસ્તામાં કોઈને પીવાનું પાણી પણ મળેલું નહીં. મોટાભાગનાં બીમાર હતાં. છાવણીના ડોકટરે તેમની તબિયત જોતાં માત્ર દહીં-ભાત સિવાય કશું નહીં આપવા ફરમાવેલું. બીજું કંઈ અપાશે તો ઝાડા-ઊલટી થશે અને કોલેરા ફાટી નીકળશે એવી ચેતવણી પણ આપી. પાવડરનું દૂધ બનાવીને રાબ અપાઈ. પથારીઓની વ્યવસ્થા થઇ. રાતના બે સુધી આ બધું ચાલ્યું. સવારે બધાં બાથરૂમ અને સંડાસ એ લોકોનાં મળત્યાગથી ઊભરાઈ ગયાં. માંડ સાફ કરાવ્યાં. ભૂખ અને દુઃખ વેઠીને આવેલાં આ બધાં જાણે કે હવે કશું ખાવાપીવા મળશે જ નહીં એવું માનીને વધુ ને વધુ લેતાં જતાં હતાં. ચા પણ વારંવાર લેતાં. એમનાં ગાભાં જેવાં કપડાંમાં સંતાડીને ખાવાનું પણ પથારી સુધી લઇ જતાં હતાં. બીજે દિવસે વોર્ડોની સફાઈ કરતાં પથારીઓમાંથી ભાતના ટોપલે ટોપલા મળ્યા.

કૂજા છાવણીનાં સ્ત્રી-બાળકો લાહોર આવ્યાના સમાચાર મળતાં જ પૂર્વ પંજાબમાંથી લોકો સ્વજનોને શોધવા ઊમટ્યાં. છાવણીમાં પ્રવેશ અંગે કડક સૂચનાઓ ગુરખા ચોકીદારોને અપાઈ. એવામાં મૃદુલાબહેન સારાભાઈ પાકિસ્તાનના પ્રધાન રાજા ગઝનફર અલી ખાન સાથે આવ્યાં તો એમના કાફલાને પણ પ્રવેશ ના અપાયો. ચોકીદારે કહ્યું કે અમે તો માત્ર બહનજી (કમળાબહેન)ને જ ઓળખીએ છીએ અને એમની પરવાનગી વિના કોઈને પ્રવેશ કરવા ના દઈએ! કોઈ દોડતું કમળાબહેનને બોલાવી લાવ્યું અને મૃદુલાબહેન અને રાજા સાહબને પણ પ્રવેશ મળ્યો.

જોકે પાકિસ્તાનના પ્રધાનની આ મુલાકાત પછી પૂરતી ખાદ્ય સામગ્રીની વ્યવસ્થા થઇ ગઈ. સપ્તાહ માટે આ નિર્વાસિતોને કમળાબહેને કેમ કરીને સાચવ્યા એ તો એમનું મન જાણે. ધીમે ધીમે એ લોકોના ચહેરા પર નૂર આવવા માંડ્યું. જલંધરથી નવાં કપડાં આવ્યાં એટલે એમને એ આપીને જૂનાંના ઢગલા બાળી મૂક્યા. “આ અગાઉ માથામાં અને શરીરે પડેલી જુઓને મારવા છૂટા હાથે લોશન વાપરવામાં આવ્યું હતું. અઠવાડિયા પછી આ સૌને લોરીમાં બેસાડી જલંધર મોકલ્યાં ત્યારે તે જીવંત માનવીઓ જેવાં લાગતાં હતાં. તેમના ગયા પછી તેમને રાખવામાં આવેલાં સ્થાનોને જંતુનાશક દવા છાંટી સાફ કરવામાં આવ્યા પછી જ અમે નિરાંતનો દમ ખેંચ્યો,” એવું કમળાબહેન નોંધે છે. શક્ય છે કે કમળાબહેનની આ છાવણીમાં રહેલાં નિર્વાસિતોમાંથી ઘણાં આજે દેશ-વિદેશમાં મહત્વના મોભે હોય.

એક દિવસ કાશ્મીરના ઊંચાણવાળા સ્કરદુ પ્રદેશની નિર્વાસિત સ્ત્રીઓને કમળાબહેનની છાવણીમાં લવાઈ. એકાએક આવેલી સ્ત્રીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં જરા મુશ્કેલી હતી છતાં નિર્વાસિતોની ડી.એ.વી. કોલેજની છાવણી સમેટાઈ ગઈ હોવાથી એમને અહીં લવાઈ હતી એટલે સઘળી વ્યવસ્થા તો કરવાની હતી. એ થઇ પણ રોકકળ ખૂબ મચી. એ સ્ત્રીઓને લઇ આવનાર પાકિસ્તાની અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે એમના પુરુષોને ભારત મોકલી દેવાયા છે; જયારે અમૃતસરથી આવેલા એમના આપ્તજનોએ તેમને સાચી વાત જણાવી દીધી હતી કે સ્કરદુમાં તાયફાવાળાઓએ તેમના પુરુષોને એક કતારમાં ઊભા રાખીને ગોળીએ દીધા હતા. આ સ્ત્રીઓનાં અપહરણ પણ એ હુમલાખોર તાયફાવાળાઓએ કર્યાં હતાં અને એમના કબજામાંથી મુક્ત કરાઈ હતી. રોકકળ ભારે મચી હતી. ત્રણ દીકરીઓની માતા અને ચાર ચાર વહુઓની સાસુ એવી એક વૃદ્ધા કલ્પાંત કરી રહી હતી. દીકરીઓ અને વહુઓ એમને ગળે વળગીને આક્રંદ કરતી હતી. ત્રણ-ત્રણ જમાઈ અને ચાર ચાર દીકરા ગુમાવ્યાનો ગમ સ્વાભાવિક હતો.

કમળાબહેન નોંધે છે કે એવામાં અમારા એક કાર્યકર્તા ભાઈ એ વૃદ્ધાને ગળે વળગીને કહેવા લાગ્યો કે “મા, હું જ તારો દીકરો છું. હું બચી ગયો છું. તમારી સૌની હું કાળજી રાખીશ.” ડોશીએ એના માથે હાથ ફેરવવા માંડ્યો અને આક્રંદ કંઇક ઓછું થયું અને પછી શાંત થયું. કમળાબહેને એને પૂછ્યું કે તને આ કેમ સૂઝ્યું? પેલા કાર્યકરનો ઉત્તર હતો: “ઈશ્વરે સૂઝાડ્યું.” ચારેક દિવસ પછી આ સ્ત્રીઓને જલંધર મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી. (વધુ આવતા અંકે)

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter