ડિસેમ્બરની ઠંડીમાં પણ દેશભરમાં ગરમાટો અનુભવાઈ રહ્યો છે: દેશના વર્તમાન સત્તાધીશોએ બહુમતીના જોરે બીજી વારના સફળ પ્રયાસમાં નાગરિકતા સુધારણા કાયદો અમલમાં તો આણ્યો પણ દેશમાં ભારે અજંપો પેદા થયો છે. માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આરાધ્યદેવ વિ. દા. સાવરકરના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે બે જર્મની કે બે યમનના એકીકરણની જેમ ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશનું એકીકરણ કરવાની દિશા પકડવાને બદલે જમ્મૂ-કાશ્મીરનું ઓપરેશન કર્યાં પછી ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનની હિંદુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન, પારસી જેવી જે તે દેશની લઘુમતી કોમોના ભારતમાં આવેલા શરણાર્થીઓના મસીહા થવાના નામે ઇશાન ભારત ભડકે બળે એવા સંજોગો સર્જવામાં આવ્યા છે. મુસ્લિમોને ટાળવાના આમાં સંકેત છે.
કાયદા બનાવવા અને એ સર્વોચ્ચ અદાલતની સમીક્ષામાં પાર ઉતરે એવા બનાવવામાં કુશળ શાસકોએ ‘સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ’નો માહોલ સર્જવાને બદલે ધાર્મિક વિભાજનકારી માહોલનું પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે નિર્માણ કર્યું છે. આસામમાં ભાજપના શાસન છતાં મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ ક્યારેક જે વિદ્યાર્થી સંગઠન ‘આસુ’ના વડા હતા એ જ નહીં, ભાજપના સાંસદો પણ નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં આંદોલન કરે છે. વધુ જોખમી વાત તો એ છે કે આસામમાં સૂતેલા સાપ જગાડવા જેવું ત્રાસવાદી સંગઠન ‘અલ્ફા’નું આળસ મરડીને ઊભા કરવા જેવું નિમિત્ત પણ આ કાયદાએ પૂરું પાડ્યું છે. નાગરિકતા સુધારા વિધેયકને આ વખતે લોકસભા અને રાજ્યસભામાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં મંજૂર કરાવીને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવીને કાયદામાં રૂપાંતરિત કરવામાં આવે એ પહેલાં વર્ષ ૨૦૧૬માં એ કોશિશ થઇ હતી, પરંતુ રાજ્યસભાએ એને વિફળ બનાવી હતી.
કાશ્મીરથી ઇશાન ભારત
આજના ઘટનાક્રમની સમીક્ષા ત્રણેક દાયકાઓ પછી થશે ત્યારે ઈતિહાસમાં આવેલાં પરિવર્તનોની યોગ્યાયોગ્યતા ચકાસાશે. ભારતને ગુલામીમાંથી આઝાદીના યુગમાં લઇ આવનારા પૂર્વસૂરિઓએ બંધારણ ઘડતી વખતે નિહાળેલાં સ્વપ્ન કેટલાં પરિપૂર્ણ થયાં એના હિસાબ પણ જરૂર મંડાશે. હમણાં બંધારણના ૩૭૦મા અનુચ્છેદનો ઉપયોગ કરીને જ એને અપ્રભાવી કરી જમ્મૂ-કાશ્મીર રાજ્યને હંગામી ધોરણે બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી નાંખવામાં આવ્યાની સાથોસાથ આસામમાં રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીપત્રક (નેશનલ સિટીઝનશિપ રજિસ્ટર - એનઆરસી)માં વણનોંધાયેલા ૧૯ લાખ જેટલા લોકોમાંના મોટા ભાગના હિંદુ હોવાના કારણે એમને નાગરિકતા અપાશે એવી ઘોષણાઓ થઇ.
કેન્દ્રે સંસદમાં આપેલા આંકડા મુજબ, એ ૧૯ લાખમાં ૧૩ લાખ હિંદુ અને ૬ લાખ મુસ્લિમ છે. એ પછી તાજો ઘટનાક્રમ નાગરિકતા સુધારા કાયદા વિધેયક, ૨૦૧૯ને લોકસભા અને રાજ્યસભામાં મંજૂર કરાવાયા પછી રાષ્ટ્રપતિની મંજૂરી (અસેન્ટ) પણ મળી ગઈ એટલે હવે એની કાયદાકીય જોગવાઈ થતાં પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં કે સુધીમાં (કટઓફ ડેટ મુજબ) આવેલા હિંદુ, બુદ્ધિસ્ટ, શીખ, ખ્રિસ્તી, જૈન અને પારસી શરણાર્થીને ભારતીય નાગરિકતા આપવાનું સરળ બની જશે.
સંબંધિત દેશોમાંથી મુસ્લિમ શરણાર્થીને નાગરિકતા આપવાનો સમાવેશ કેમ નથી કરાયો એવો ઉહાપોહ વિપક્ષે મચાવ્યો ખરો, પણ કેન્દ્રના ઉત્તરમાં જણાવાયું કે વર્તમાન સરકારે ૫૬૬થી વધુ મુસ્લિમોને પણ નાગરિકતા આપી છે. અગાઉ પણ એમને નાગરિકતા અપાયાનું કહેવાયું. એવું જ શ્રીલંકાના હિંદુ તમિળ શરણાર્થીઓને નાગરિકતા અપાયાના આંકડા જાહેર કરાયા. પાકિસ્તાની ગાયક અદનાન સામીને વર્તમાન ભારત સરકારે નાગરિકતા આપી ત્યારે અમદાવાદ સહિત દેશભરમાં વર્ષોથી શરણાર્થી તરીકે વસતા પાકિસ્તાની હિંદુઓએ વિરોધ નોંધાવ્યો હતો. હવે ત્રણે દેશના છ ધર્મના શરણાર્થીઓની આ સમસ્યા ઉકેલાય એવું લાગે છે.
ન્યાયિક સમીક્ષાની પ્રતીક્ષા
ભારતીય સંસદને કાયદો ઘડવા અને એમાં સુધારો કરવાનો અધિકાર છે, પણ એ ન્યાયિક સમીક્ષા (જયુડીશિયલ રિવ્યૂ) હેઠળ કેશવાનંદ ભારતી ચુકાદા મુજબ બંધારણના મૂળભૂત માળખા (બેસિક સ્ટ્રક્ચર)માં પરિવર્તન કરતો ના હોય તો સર્વોચ્ચ અદાલત પણ એને રદબાતલ ઠરાવી ના શકે. બંધારણના અનુચ્છેદ ૧૪ની સંસદમાં વિપક્ષે ખૂબ કાગારોળ મચાવી. નવું વિધેયક મુસ્લિમો સાથે ભેદભાવ કરતું હોવાનું કહેવાયું. પાકિસ્તાનમાં એહમદિયા મુસ્લિમોને બિન-મુસ્લિમ ગણાય છે કે ભૂતાનમાં ખ્રિસ્તીઓની શું સ્થિતિ છે કે પછી ચીનમાં ઉઈઘર મુસ્લિમો અત્યાચારનો ભોગ બની રહ્યાની વાત પણ થઇ. આવા ભેદભાવના મુદ્દે કાયદો રદ થશે એવું માની કાયદો ના કરવો એ તો યોગ્ય નથી.
ભલે રાજકીય શાસકોની આંખમાં રાજકીય લાભની દીર્ઘકાલીન ગણતરીઓ હોય પણ વર્તમાન નાગરિકતા સુધારા વિધેયકમાં મુસ્લિમો સિવાયના પોતાના દેશમાં કનડગતનો ભોગ બનતાં હિજરત કરવા મજબૂર બનેલા છ ધર્મોના શરણાર્થીઓનો સમાવેશ કરાયો છે. ઇશાન ભારતનાં રાજ્યોમાં એ વિશે ભારે અજંપો સર્જાતાં આ વખતે એમને વિશ્વાસમાં લેવાની કોશિશ કરીને અને કેટલાક સુરક્ષા કવચની ખાતરી આપીને સુધારિત વિધેયક બંને ગૃહોમાં મંજૂર થયું અને રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા પછી એનો અમલ કરવાની બાબતમાં સરકાર મોકળી છે.
જોકે ત્રિપુરાના ‘મહારાજા’ પ્રદ્યુત દેવબર્મને એને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાની ઘોષણા કરી છે. સાથે જ આસામ સહિતના ઇશાન ભારતમાં ભારે અસંતોષ અને બંધ સહિતનાં વિરોધ આંદોલન ચાલે છે એટલે કેન્દ્ર અને રાજ્યોની સરકારોએ એ સ્થિતિને પહેલાં થાળે પાડવાની જરૂર ખરી.
ભાગલાના ઘા તાજા કરાયા
નાગરિકતાના મુદ્દે સંસદમાં અને સંસદની બહારની ચર્ચામાં વારંવાર ભારતના ભાગલાના ઈતિહાસને તાજો કરાયો. ‘ઝીણાની માંગણીને પગલે કોંગ્રેસે ધર્મના આધારે ભાગલા સ્વીકાર્યા ના હોત તો આજે આ વિધેયક લાવવાની જરૂર ના પડી હોત’ એવું સત્તા પક્ષ તરફથી કહેવાતું ગયું અને સામે પક્ષે ‘દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંત (ટુ-નેશન થિયરી)ની સૌપ્રથમ માંડણી વિ. દા. સાવરકરે કરી હતી’ની વાતો કરી. ઈતિહાસને જ વાગોળ્યા કરીને વર્તમાનને ચમકાવવાની રાજકીય ગડમથલોમાં સત્તાપક્ષ વિપક્ષ કરતાં આગળ નીકળી જાય છે. કારણ પણ સ્પષ્ટ છે: વિપક્ષ પાસે અભ્યાસ અને હાજરજવાબીપણું નથી. સામેની સેના એને વારંવાર ભીંસમાં લે છે.
દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંત એટલે કે હિંદુ અને મુસ્લિમ એ બંને અલગ રાષ્ટ્ર હોવાની વાત ૧૯૩૭માં અમદાવાદ (કર્ણાવતી)ના હિંદુ મહાસભાના અધિવેશનમાં અધ્યક્ષીય ભાષણમાં સાવરકરે મૂકી હતી. એ પછી ૧૯૪૦માં લાહોરના મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્ર માંગતો બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે મૂકેલો ‘પાકિસ્તાન ઠરાવ’ મંજૂર કરાયો હતો. એમ તો ૧૯૨૩માં સાવરકરે લખેલા ‘હિન્દુત્વ’માં અને ૧૯૩૭ના એ ભાષણમાં મુસ્લિમોને દુય્યમ દરજ્જાના નાગરિક લેખાવવાનું પસંદ કર્યું હતું.
બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો
ઇશાન ભારતનાં રાજ્યોમાં બંગાળી ઘૂસણખોરો સામેના વિરોધમાં પાછું હિંદુ-મુસ્લિમ ભેદનું પરિબળ ભળે ત્યારે જે અજંપો સર્જાયો એના પ્રતાપે તો જાપાનના વડા પ્રધાન શિન્જો આબે તેમ જ બાંગલાદેશના બે પ્રધાનો ભારતની મુલાકાત રદ કરીને વિરોધ દર્શાવે છે. સત્તાધીશો વિરોધ આંદોલન પાછળ કોંગ્રેસના અપપ્રચારને દોષ આપે છે. હકીકતમાં આવાં દોષારોપણ કે ઉત્તેજના ફેલાવવાને બદલે શાસકે પોતાની જવાબદારી નિભાવીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો હોય છે. કરફ્યૂ લાદીને કે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાથી વિરોધ શમી ગયાનું માનવું વધુ પડતું છે. વાસ્તવમાં ભારતીય લોકશાહીમાં સંવાદનું મહાત્મ્ય ઘટતું ચાલ્યું હોવાથી સમસ્યાઓ વકરી રહી છે.
આસામમાં પ્રત્યેક વિધાનસભા બેઠકમાં ૩૦ ટકા કે તેથી વધુ મુસ્લિમો હોવાની વાત ભલે વર્તમાન સત્તાધીશોને પ્રતિકૂળ અને કોંગ્રેસને અનુકૂળ લાગતી હોય, ૧૯૮૫ના આસામ કરારની કટઓફ તારીખ મુજબ ૨૫ માર્ચ ૧૯૭૧ પછી ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલાં વિદેશીઓને શોધીને પાછાં કાઢવાની જવાબદારી સત્તાધીશોની છે. કોંગ્રેસ હોય કે ભાજપ, હિંદુ હોય કે મુસ્લિમ - ઘૂસણખોરો પાછા જવા જ જોઈએ; એ ભૂમિકા લે તો સમસ્યાનો ઉકેલ આવે. અન્યથા સમસ્યા તો વકરવાની જ.
ભાજપની મિત્ર આસામ ગણ પરિષદ (એજીપી)ની ઉપાધ્યક્ષ અલકા દેસાઈ-સરમાનું કહેવું હતું કે ઘૂસણખોરોને ધાર્મિક દૃષ્ટિએ રાખવા કે કાઢવાને બદલે બધા જ ઘૂસણખોરોને પાછા તગેડવા જોઈએ. ભાજપ બાંગલાદેશી હિંદુઓને ઘૂસણખોર નહીં, પણ શરણાર્થી ગણાવીને નાગરિકતા આપવાનું એલાન કરે છે. હકીકતમાં સમસ્યા ઇશાન ભારતનાં રાજ્યો પૂરતી સીમિત નથી.
દેશભરમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો ગેરકાયદે વસતા હોવાનું વર્તમાન ભારત સરકારના પ્રધાને જ સત્તાવાર રીતે સંસદમાં મૂકાયેલા આંકડામાં સ્પષ્ટ કર્યું છે. હવે આમાંના હિંદુઓને નાગરિકતા આપવામાં તો મુસ્લિમો સાથે અન્યાય થયાની લાગણી સર્જાશે અને માનવાધિકારના મુદ્દે પણ ઉહાપોહ મચશે. સામે પક્ષે, બાંગલાદેશ તો ૧૯૭૧ પછી કોઈ બાંગલાદેશી નાગરિક ભારતમાં ઘૂસણખોર તરીકે આવીને ગેરકાયદે વસવાટ કરતો હોવાનું સ્વીકારવા તૈયાર નથી. આવા સંજોગોમાં કોકડું વર્ષો સુધી ગૂંચવાયેલું જ રહેવાનું.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)