હમણાં કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દિલ્હીસ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન નામક તેમના મંત્રાલય હેઠળના વિશ્વવિદ્યાલયના પાંચમા પદવીદાન સમારંભમાં કુલાધિપતિના હોદ્દાની રૂએ સંસ્કૃતના સરળીકરણથી એને લોકભાષા બનાવવા પર ભાર મૂક્યો. સંસ્કૃત ક્યારેક ભારતીય સંસ્કૃતિની દ્યોતક એવી બોલચાલની ભાષા હતી. દેશની સવાસો કરોડ કરતાં વધુની જનતામાંથી આજે કેવળ ૧૪,પ૦૦ લોકોની જ એ માતૃભાષા કે બોલચાલની ભાષા રહી છે.
દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ સંસ્કૃતના સમર્થક હોવા છતાં ભાષા લુપ્ત થવામાં છે. એવા સંજોગોમાં શ્રીમતી ઈરાનીએ એના સરળીકરણ થકી એને બહુજનની ભાષા બનાવવાની દિશામાં કાર્યરત રહેવા અને સંશોધન કરવાની આગ્રહી ભૂમિકા અપનાવી એ નિશ્ચિત આવકાર્ય અને અભિનંદનીય છે.
સંસ્કૃત માત્ર ભારતીય ભાષાઓની જ જનની છે એવું નથી, એમાંથી જ ઈંડો-યુરોપીય ભાષાઓ પણ જન્મી છે. ભારતના બંધારણના આઠમા પરિશિષ્ટની રર ભાષાઓમાં સંસ્કૃત સ્થાન ધરાવે છે, પણ એના ભણી સરકારી જ નહીં; પ્રજાકીય ઉદાસીનતાએ એને લુપ્ત થતી ભાષામાં સ્થાન અપાવ્યું છે. જોકે ભારતીય વસ્તીગણતરીમાં ૧૦,૦૦૦થી વધુ લોકો જે ભાષાને પોતાની માતૃભાષા લેખાવતા હોય તેને સ્થાન મળે છે અને એમાં સંસ્કૃત માંડ ટકી છે. સરકારે એને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપ્યો છે એટલે પ્રાચીન તમિળ અને લેટિનની જેમ એ જીવંત રહી છે ખરી, પણ જ્ઞાન-વિજ્ઞાનના એના ભવ્ય વારસા ભણી બહુજન સમાજ જ નહીં, સંસ્કૃતના પંડિતો પણ વિમુખ થતા ચાલ્યા છે.
કમનસીબે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુજીસી)ના નિર્દેશ છતાં સંસ્કૃતમાં પીએચ.ડી. કરનારાઓના મહાનિબંધો સંસ્કૃતમાં જ લખાવા કે સ્વીકારવાનો આગ્રહ રાખવાને બદલે ગુજરાતમાં તો એ ગુજરાતીમાં રજૂ કરવાનું સ્વીકારી લેવાયું છે. ભાષાને ગુજરાતીમાં ભણાવાતી હોય ત્યારે એમાં સંભાષણ નામશેષ થવું સ્વાભાવિક છે. અધ્યાપકો પણ જ્યાં સંસ્કૃત બોલી ના બોલી શકતા હોય, ત્યાં વિદ્યાર્થીઓને તેઓ સંસ્કૃતમાં બોલવાનું કે લખવાનું શીખવવાની સ્થિતિમાં હોય જ ક્યાંથી?
જોકે વર્તમાન કેન્દ્રીય પ્રધાનો સ્મૃતિ ઈરાની અને સુષ્મા સ્વરાજ થોડા વખત પહેલાં બેંગકોક (થાઈલેન્ડ)માં ૧૬મા વિશ્વ સંસ્કૃત સંમેલનમાં સામેલ થયાં હતાં. થાઈલેન્ડનાં રાજકુમારી સંસ્કૃતનાં પંડિતા છે. ૬૦ દેશોમાંથી સંસ્કૃતના ૬૦૦ જેટલા વિદ્વાનો આ વર્ષે સંસ્કૃતમાં ઉપલબ્ધ વૈશ્વિક જ્ઞાનભંડારોની ચર્ચા માટે મળ્યાં હતાં. ઘરઆંગણે સંસ્કૃતભારતી સંસ્થા સંસ્કૃતમાં બોલચાલની તાલીમના વર્ગોનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવે છે. કોમ્પ્યુટર માટેની સૌથી શ્રેષ્ઠ ભાષા તરીકે સ્વીકૃત સંસ્કૃત ક્યારેક દલિતો અને વંચિતોને જ ભણાવાતી નહોતી, પણ હવે સંસ્કૃત અને ગુજરાતી ભાષાના શિક્ષકો-અધ્યાપકોમાં બહુમતી દલિત-આદિવાસી શિક્ષક-અધ્યાપકની છે.
સંસ્કૃતના સાર્વત્રિક વિકાસ છતાં એ હજુ લોકભાષા બની શકી નથી. ક્યારેક બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. ભીમરાવ આંબેડકર સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાના આગ્રહી હતા, પરંતુ આ દરખાસ્ત બંધારણ સભા સુધી ચર્ચા માટે પહોંચી શકી નહોતી. કમનસીબે સંસ્કૃતને હિંદુઓની અને ઉર્દૂને મુસ્લિમોની ભાષા ગણી લેવાની ભ્રમ-વૃત્તિના પ્રચલનને કારણે બેઉ ભાષાએ સહન કરવાનું આવ્યું છે. સોમનાથ લૂંટનાર અને ભાંગનાર મહંમદ ગઝનીની રાજભાષા સંસ્કૃત હતી એ વાત ઘણાને આશ્ચર્ય પમાડી શકે છે. ટીપુ સુલતાન સંસ્કૃતનો જ્ઞાતા હતો અને શૃંગેરીના શંકરાચાર્ય ભણી ખૂબ આદરભાવ ધરાવતો હતો. સંસ્કૃતમાં એના ૩૦ પત્રો મળે છે. એવું જ ભારતીય ભાષા ઉર્દૂનું છે. પંડિત શંકરદયાળ શર્મા (સદ્ગત રાષ્ટ્રપતિ), ડો. મનમોહન સિંહ (પૂર્વ વડા પ્રધાન), કુલદીપ નાયર (પૂર્વ સાંસદ અને પત્રકારશિરોમણિ) જેવા ઘણા મહાનુભાવો ઉર્દૂ માધ્યમમાં શિક્ષણ લઈને દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવતા થયા છે.
સંસ્કૃતને પ્રજાની બોલચાલની ભાષા બનાવવાની દિશામાં સભાન પ્રયાસો કરવામાં આવે તો શ્રીમતી ઈરાનીનું મિશન સફળ થવાનું અશક્ય નથી. મુંબઈમાં પત્રકારત્વના દિવસોમાં પંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર જેવા પ્રાથમિક શાળાના હિંદીના શિક્ષકને રિક્ષાચાલક પણ સમજી શકે એટલી સરળતાથી સંસ્કૃત બોલતા સાંભળવા એ લહાવો હતો. પંડિતજી સોલાપુરની પાઠશાળામાં ભણ્યા હતા અને સંસ્કૃતનો એમને નાદ લાગ્યો હતો. એમનાં સંતાનોના નિકાહની નિમંત્રણપત્રિકાઓ પણ એ ઉર્દૂ અને સંસ્કૃતમાં છપાવતા હતા. સદ્ગત વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ એમને સંસ્કૃતના રાષ્ટ્રીય અધ્યાપક નિયુક્ત કર્યા હતા એટલું જ નહીં, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ એમનાં વ્યાખ્યાનમાં ફરજિયાત હાજરી આપવાનું ઠરાવ્યું હતું.
જોકે થોડા વખત પહેલાં પંડિત બિરાજદારનો ઈંતકાલ થયો એટલે એમની ખોટ વર્તાવી સ્વાભાવિક છે, પરંતુ બહુરત્ના વસુંધરાની ઉક્તિને સાર્થક કરતી આ ભોમકા સંસ્કૃતને લોકભાષા તરીકે પુનસ્થાર્પિત કરવા સક્ષમ છે. પંડિત બિરાજદારે તો પવિત્ર ‘કુર્રાન’ના શબ્દની ઉત્પત્તિ પણ સંસ્કૃતમાંથી થયાનું જણાવતાં ‘કુ+રાન’ એટલે કે પ્રેષિતનો અવકાશમાંથી અવાજ આવવો એવું અર્થઘટન કર્યું હતું. જીવનનાં છેલ્લાં વર્ષોમાં પવિત્ર કુર્રાનનો સંસ્કૃતમાં અનુવાદ કરવાની એમની ઈચ્છા રહી હતી.
પંડિત બિરાજદારની વાતને નાગપુરના હજુ થોડા મહિના પહેલાં જ દિવંગત થયેલા લબ્ધપ્રતિષ્ઠ ઈતિહાસકાર અને સંસ્કૃતના મહાપંડિત એવા ૯પ વર્ષના ડો. ન. ર. વરાડપાંડે સમર્થન આપે છે. તેમનું કહેવું હતું કે વેબસ્ટરની અંગ્રેજી ડિક્શનરીના ચાર લાખ અંગ્રેજી શબ્દોમાંથી એક લાખ તો સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા છે. તેમણે એમાંના ૧૦,૦૦૦ તો અલગ તારવીને પોતાની વાત પ્રતિપાદિત કર્યા પછી બાકીનું કામ નાગપુર યુનિવર્સિટી કરે એવી અપેક્ષા રાખી હતી.
સંસ્કૃતના શાળેય શિક્ષણની શરૂઆત અઘરા ગણાતા વ્યાકરણથી કરાવાતી હોવાને કારણે પ્રારંભથી જ વિદ્યાર્થી સંસ્કૃતથી દૂર ભાગે છે. ‘રામઃ રામૌ રામાઃ’ જેવી ગોખણપટ્ટીને બદલે રસાળ શૈલીમાં સંસ્કૃત ભણી શાળાથી જ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણી પ્રેરિત કરાય અને સંસ્કૃતભારતી જે રીતે સંભાષણના વર્ગો ચલાવે છે એ રીતે સંસ્કૃતના શિક્ષકો અને અધ્યાપકો નજર સામે પંડિત બિરાજદાર જેવાને આદર્શ તરીકે રાખીને સંસ્કૃત શીખવે તો એ બહુજન સમાજની લોકભાષા બની રહેવી અશક્ય નથી.
પેશાવર પાસેના ગામ શલાતુરમાં ઈ.સ.પૂર્વે પ૦૦ની આસપાસ જન્મેલા અને પઠાણ પરિવારના પાણિનિએ સંસ્કૃતનું વ્યાકરણ તૈયાર કર્યું. તક્ષશિલા વિદ્યાપીઠમાં શિક્ષિત પાણિનિની રપ૦૦મી જ્યંતી મનાવવાનું ભારત ચૂક્યું, પણ પાકિસ્તાનમાં એ જરૂર મનાવાયાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકરે એક મુલાકાતમાં ભારપૂર્વક ઉલ્લેખ્યું હતું.
ભારતમાં ઓગસ્ટ ર૦૦૪માં ડો. મનમોહન સિંહની સરકારે પાણિનિની પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. જોકે સંસ્કૃત ભાષા અને પાણિનિને મુદ્દે રાજકીય ખેંચતાણ ના થવી ઘટે. સંસ્કૃતને માત્ર દેવભાષા ગણાવવાને બદલે લોકભાષા તરીકે પુનર્સ્થાપિત કરવાની માનવસંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીની પહેલને સમગ્ર રાષ્ટ્રે સમર્થન આપીને એને જીવંત અભિયાન બનાવી દેવાની જરૂર છે.