ભારતની આઝાદીના સમયગાળામાં જ ડચ પ્રજાની ગુલામીમાંથી મુક્ત થયેલા સેંકડો ટાપુઓના દેશ ઇન્ડોનેશિયામાં આજે પણ ભારતને પોતાનું સાંસ્કૃતિક આસ્થાસ્થાન ગણવાની નીતિરીતિ જળવાઈ છે. દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી (૨૩ કરોડ) ધરાવતા દેશ ઇન્ડોનેશિયાને મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ આગામી ઈ.સ. ૨૦૫૦ સુધીમાં ભારત પાછળ મૂકી દેશે. જોકે એ વખતે પણ ભારતમાં હિંદુ વસ્તી સૌથી વધુ રહેશે.
કોમી એખલાસ અને ધાર્મિક સમજણની બાબતમાં આજે પણ ભારત અને ભારતીયોએ ઇન્ડોનેશિયા જેવા દેશ પાસેથી ઘણું શીખવાની જરૂર ખરી. સદીઓથી ભારત સાથે તેના સાંસ્કૃતિક સંબંધોની ધરોહર જળવાઈ છે અને આવતાં વર્ષોમાં પણ એ જળવાશે. ૧૯૯૯માં ઇસ્ટ ટિમોર ૨૫ વર્ષના ઇન્ડોનેશિયન લશ્કરી કબજામાંથી છૂટું પડ્યા પછી ઇન્ડોનેશિયાની ગાડી ફરીને પાટે આવેલી લાગે છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇન્ડોનેશિયા પર ચીનનો આર્થિક પ્રભાવ વધી રહ્યો છે. એની સાથે જ ઇસ્લામિક આતંકવાદે પણ અહીં પગદંડો જમાવીને છેક વર્ષ ૨૦૦૨થી અત્યાર લગી આતંકી હુમલાઓ થકી પોતાની અગનજ્વાળાનો પરચો બતાવ્યો છે.
રામાયણ-મહાભારત પતંગ પ્રદર્શન
ઈન્ડોનેશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ જોકો “જોકોવિ” વિડોડો બબ્બે વાર - ડિસેમ્બર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૮ - ભારતની મુલાકાતે આવી ગયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે ૨૦૧૮માં ઈન્ડોનેશિયાની મુલાકાતે જઈ આવ્યા. એ પછી બંને દેશો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોમાં નવી ઉષ્મા જોવા મળે છે. ૨૯-૩૦ મે ૨૦૧૮ દરમિયાનની વડા પ્રધાન મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત વખતે રાષ્ટ્રપતિ જોકો “જોકોવિ” વિડોડો સાથે રહીને તેમણે રામાયણ અને મહાભારતને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા પતંગ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. સાથે જ ત્યાંની અર્જુન વિજયરથ પ્રતિમા અને ઇસ્તીકલાલ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. નવી દિલ્હીએ ઈન્ડોનેશિયનો માટે વિનામૂલ્યે વિસા આપવાની નીતિ અપનાવવાની પહેલ કરી છે. સામે પક્ષે, જાકાર્તાએ પણ તેના હિંદુ પ્રદેશ બાલી ઉપરાંતના સુમાત્રા (સુવર્ણદ્વીપ) સહિતના ટાપુ પ્રદેશોમાં ભારતીય પર્યટકો વધુ જાય એની મોકળાશ કરી છે.
રામાયણ ભજવતા મુસ્લિમ કલાકારો
ભારતીય રાજનેતાઓ આજેય હિંદુ-મુસ્લિમ વચ્ચેની ભેદરેખા ખેંચીને ચૂંટણીલક્ષી રાજકીય ખેલ ખેલતા રહે છે. સેક્યુલર અને છદ્મ સેક્યુલર વિશેની ચર્ચા થતી રહે છે. કુંભમેળાની તૈયારીની સમીક્ષા માટે રાજ્યપાલ ક.મા. મુનશી સાથે પ્રયાગ ગયેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ ગંગાનું પવિત્ર જળ માથે ચઢાવતા હોઇ સેક્યુલર ગણાય કે નહીં, રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરના સમારંભમાં જવું કે નહીં, એની ડિબેટ થાય છે; પણ ૮૭ ટકા કરતાં વધુ મુસ્લિમ વસ્તીવાળા ઈન્ડોનેશિયાના મુંબઈ દૂતાવાસમાં પાંચ પાંડવો તમારું સ્વાગત કરવા માટે આદરપૂર્વક મૂકાય, એ સામે કોઈ વિવાદ જાગતો નથી.
ઈન્ડોનેશિયાના મુસ્લિમ મંત્રીઓ સ્વદેશમાં હિંદુ મંદિરોમાં પૂજામાં બેસે કે તેમના દેશની ચલણી નોટો પર ગણપતિનું ચિત્ર મૂકાય તો પણ વિવાદ થતો નથી. મુસ્લિમ કલાકારો રામાયણ અને મહાભારતનાં ધાર્મિક પાત્રો ભજવે એમાં ગૌરવ અનુભવે છે. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ - રામજન્મભૂમિ વિવાદાસ્પદ ઢાંચો તોડાયા પછી મુંબઈમાં ૧૯૯૨-’૯૩માં હિંદુ-મુસ્લિમ રમખાણો ચાલી રહ્યાં હતાં, ત્યારે ઈન્ડોનેશિયાના મુસ્લિમ કલાકારો એ વેળાની નરિમાન પોઈન્ટ ખાતેની હોટેલ ઓબેરોયના રીગલ રૂમમાં રામાયણ ભજવી રહ્યાનું આ લેખકે સગ્ગી આંખે નિહાળ્યું હતું !
૩૦૦ ટાપુ અને ૭૦૦ બોલીનો દેશ
ત્રણસોથી પણ વધુ ટાપુઓનો દેશ ઇન્ડોનેશિયા છે તો મુસ્લિમ દેશ, પણ એને પોતાની સંસ્કૃતિ હિંદુ હોવાનો ગર્વ આજે ય છે. એની રાષ્ટ્રભાષા “ભાષા ઇન્ડોનેશિયા” (Bahasa Indonesia) છે. એની રાજધાની જાકાર્તા એટલે કે જય + કર્તા છે. લગભગ ૨૬ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં ૩૦૦થી ૭૦૦ ઉપરાંત બોલીઓ બોલાય છે. ૪૦ લાખ જેટલી હિંદુ વસતીમાંથી ૩૨ લાખ તો એકલા બાલી પ્રાંતમાં વસે છે. બાલી આજે પણ હિંદુ પ્રદેશ છે અને એમાં પૌરાણિક મંદિરોની ભવ્યતા આજે પણ દુનિયાભરના પ્રવાસીઓ અને યાત્રાળુઓને આકર્ષે છે. વર્ષે ૧ કરોડ ૨૦ લાખ જેટલા પર્યટકો આ રમણીય દેશની મુલાકાતે આવે છે. ઈન્ડોનેશિયાનાં પ્રથમ મહિલા વિદેશમંત્રી રત્ના મર્સુડીએ તાજેતરમાં જ જાહેર કર્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ૨૮ ટકાનો વધારો થઈને આંકડો પાંચ લાખને વટાવી ગયો છે. વિદેશમંત્રીનું નામ રત્ના છે. સંસ્કૃતમાંથી નામો આવ્યાનું અહીં સામાન્ય છે.
રાષ્ટ્રપતિ સુકર્ણોના આદર્શ વિવેકાનંદ
૧૯૪૫માં નેધરલેંડ કનેથી આઝાદ થયેલા ઈન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણો હતા. એ હતા મુસ્લિમ ધર્મના અનુયાયી, પણ એમનો આદર્શ હતા સ્વામી વિવેકાનંદ. આઝાદીની લડતમાં જેલવાસી સુકર્ણોને જાતે વિમાન ઊડાડીને જેલમાંથી ઊઠાવી જઈ મુક્ત કરાવવાનું મહાન કાર્ય એમના મિત્ર અને ઓડિશાના મુખ્ય પ્રધાન રહેલા બિજુ પટનાઇકે કર્યું હતું. વડા પ્રધાન પંડિત નેહરુ અને રાષ્ટ્રપતિ સુકર્ણો વચ્ચે ગાઢ મૈત્રી હતી. સુકર્ણો અને એમનાં પત્ની પદ્માવતીની પુત્રી મેઘાવતી સુકર્ણોપુત્રી પણ દેશની રાષ્ટ્રપતિ બની હતી. સુકર્ણોપુત્રી અત્યારે સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીનાં અધ્યક્ષ છે. રાષ્ટ્રપતિ જોકો “જોકોવિ” વિડોડો તેમના જ પક્ષના છે. એ જાપાની મૂળના મુસ્લિમ અગ્રણી છે.
સુકર્ણો શાસન સામે ડાબેરી તત્વોના બળવા પછી ૧૯૬૬માં સત્તા કબજે કરનાર લશ્કરી વડા જનરલ સુહાર્તોનું નામ પણ સંસ્કૃતમાંથી આવ્યું હતું. બળવાને કચડવામાં પાંચથી દસ લાખ લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા. મુસ્લિમ ધર્માવલંબી સુહાર્તો છેક ૨૧ મે ૧૯૯૮ સુધી શાસન કરતા રહ્યા.
હિંદુ જેવાં નામોની બોલબાલા
ઇન્ડોનેશિયામાં ઘણી બધી મહિલાઓનું નામ સીતા હોય છે. રાષ્ટ્રપતિ રહેલા વાહિદનાં પત્નીનું નામ પણ સીતા હતું. અહીં અયોધ્યા નગરી અને ગંગા તીર્થ સમી નદીઓ પણ છે. રામાયણ અને મહાભારતનો પ્રભાવ પણ ઘણો છે. મુસ્લિમ પ્રજાનાં નામોમાં પણ કૃષ્ણ, વિષ્ણુ, સૂર્ય, ભીમ, અર્જુન, આદિત્ય, અભિમન્યુ જેવાં નામોનો ઘણો મહિમા છે. જોકે એ નામોની જોડણી અને ઉચ્ચારો સમજવાનો પ્રયાસ કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિ અને રામાયણ-મહાભારતની અસર સમજાય.
નિકાહ પણ ગણપતિની સાક્ષીએ
ઈન્ડોનેશિયાના રાજચિહ્નમાં હિંદુ ધર્મમાં પવિત્ર ગણાતા પક્ષી ગરુડનો સમાવેશ છે. એની સરકારી એરલાઇન્સનું નામ પણ ગરુડ છે. અહીંનું ચલણ પણ રૂપિયો છે. ચલણી નોટો પર ગણપતિનું ચિત્ર છાપવામાં એમને ધર્મભ્રષ્ટ થવાનો ડર નથી. મુસ્લિમ નિકાહ એટલે કે લગ્ન વિધિમાં ગણેશજીની મૂર્તિ અનિવાર્ય રીતે હાજર હોય છે. મુસ્લિમ પ્રધાનોને હિંદુ મંદિરોના જીર્ણોદ્ધાર વિધિમાં બેસવામાં કોઈ છોછ હોતો નથી, એટલું જ નહીં, સરકાર હિંદુ મંદિરોના જીર્ણોદ્ધાર માટે અનુદાન પણ આપે છે.
મદ્રાસ આઇઆઇટીમાંથી એમ.ટેક. થયા પછી આરએસએસના વિદેશ વિભાગમાં પ્રચારક તરીકે સિડની ખાતેના મુખ્યાલયમાં રહીને ઈન્ડોનેશિયાની જવાબદારી સંભાળી ચૂકેલા રવિકુમારનું કહેવું છે કે આ દેશમાં બાલી દ્વીપનું બાળક પા પા પગલી ભરીને બોલતાં શીખે ત્યારથી એને ગાયત્રી મંત્ર સૌપ્રથમ શીખવાય છે. હજારો વર્ષ પહેલાં હસ્તિનાપુરના પાંડવ વંશીય રાજાના એક મંત્રી આજિશકનો કાફલો જહાજમાર્ગે બે માસનો પ્રવાસ કરીને આજના જાવામાં પહોંચ્યો હતો અને ત્યાંની જનજાતિઓએ એમનું નેતૃત્વ સ્વીકાર્યું હતું, એવું ઇતિહાસકાર ડો. શરદ હેબાળકરે ‘ભારતીય સંસ્કૃતિના વિશ્વસંચાર’માં નોંધ્યું છે.
ઇસ્લામના આગમનથી હિંદુઓ બાલીમાં
ઇન્ડોનેશિયામાં હિંદુ ધર્મની અને પછીથી બૌદ્ધ ધર્મની બોલબાલા હતી. પાંચસો વર્ષ પહેલાં જ અહીં હિંદુઓને ઇસ્લામ કબૂલવાનું કહેવામાં આવ્યું ત્યારે ઘણા હિંદુ બાલી ટાપુ પર જઈ વસ્યા અને હિંદુ ધર્મની નિષ્ઠા જાળવી શક્યા છે. દેશમાં જે ૧૩થી ૧૭ જાહેર રજાઓ અપાય છે તેમાં આઝાદી દિવસ (૧૭ ઓગસ્ટ), ઈદ-અલ-ફિતર, મુસ્લિમ નવવર્ષ, મહમંદ પયગંબર સાહેબનો જન્મદિવસ, ઈશુનું નવવર્ષ અને ચીની નવવર્ષની રજા ઉપરાંત બૌદ્ધ વૈશાખની રજા, બુદ્ધની જન્મજયંતી તથા પંચશીલ દિવસની રજા પણ અપાય છે.
મુસ્લિમ વસ્તીના ૯૯ ટકા વસ્તી સુન્ની છે. દેશની ૧૦ ટકા વસ્તી ખ્રિસ્તી, ૧.૬ ટકા હિંદુ અને ૦.૮ ટકા બૌદ્ધ છે. વિશ્વમાં જે રીતે થઇ રહ્યું છે તેમ ધીરે ધીરે મુસ્લિમ કટ્ટરવાદનો ફેલાવો અહીં પણ થઇ રહ્યાનું અનુભવાય છે, પરંતુ હજુ મુસ્લિમ બહુમતી વચ્ચે પણ હિંદુ લઘુમતીને આદર સાથે સત્તા અને ધંધારોજગારમાં સામેલ કરાય છે. અહીંના ઇતિહાસમાં હિંદુ શાસકો પછી બૌદ્ધ શાસકો આવ્યા. છેક ઈ.સ. ૧૩૮૯માં રાજા રાજસનગરનું મૃત્યુ થયું, એ પછી બૌદ્ધ રાજવી પરિવારમાં ગાદી માટે ગૃહકલહને કારણે સામ્રાજ્યનું વિઘટન ચાલતું રહ્યું.
વ્યાપારીઓના માધ્યમથી ઇસ્લામી ધર્માંતરણ શરૂ થઇ ગયું. મલાયા, જાવા, બોર્નિયો, સુમાત્રાના રાજા અને સામંતોએ ઇસ્લામ સ્વીકાર કરવાનો પ્રારંભ કરી દીધો અને દોઢ હજાર વર્ષની ભારતીય પરંપરા જોતજોતામાં ખંડિત થઇ હોવાનું નોંધીને ઇતિહાસકાર ડો. હેબાળકર ઉમેરે છે કે ઈ.સ. ૧૫૨૦માં છેલ્લે મધ્ય જાવામાં મજપહિત વંશનું રાજ્ય નષ્ટ થતાં ઇસ્લામની બોલબાલા સ્થાપિત થઇ, પણ હિંદુ અને બૌદ્ધ ધર્મની પરંપરાઓ આજેય કાયમ છે. ‘અનેકતામાં એકતા’ના મુદ્રાલેખવાળા ઈન્ડોનેશિયાના રાજચિહ્નમાં ગરુડનું મહાત્મ્ય અને પંચશીલનું અનુપાલન કેન્દ્રસ્થાને છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)