‘હિંદુરાષ્ટ્ર’ના હિંદુ શરણાર્થી અને મુસ્લિમ ઘૂસણખોર

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 16th September 2015 07:25 EDT
 
 

ભારતના ગૃહપ્રધાન રાજનાથ સિંહે ૭ સપ્ટેમ્બર, ર૦૧પના રોજ એક ઐતિહાસિક નિર્ણયની સત્તાવાર ઘોષણા કરીને બાંગલાદેશ અને પાકિસ્તાનની હિંદુ સહિતની લઘુમતીઓને ભારતમાં પ્રવેશ અને રોકાણની મોકળાશ કરી આપી. માનવતાને ધોરણે આ નિર્ણય લેવાયો. ૩૧ ડિસેમ્બર, ર૦૧૪ના રોજ કે એ પહેલાં બંને પાડોશી દેશના હિંદુ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી અને બૌદ્ધ નાગરિકો ભારતમાં પ્રવેશી ચૂક્યા હોય અને તેમના ભારતમાં રોકાણના જરૂરી દસ્તાવેજોની મુદત પૂરી થઈ ગઈ હોય તો પણ તેઓ ભારતમાં રોકાણ કરી શકશે.

લોકસભાની છેલ્લી ચૂંટણીના પ્રચાર દરમિયાન વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હિંદુરાષ્ટ્ર’ ભારતની નાગરિકતા આવા વિદેશી નાગરિકોને આપવાનાં વચન આપ્યાં હતાં. ભાજપનો મે ર૦૧૪ની લોકસભા ચૂંટણી માટેનો ઢંઢેરો તૈયાર કરનાર પક્ષના પૂર્વ અધ્યક્ષ અને વાજપેયી સરકારમાં માનવ સંસાધન પ્રધાન રહેલા ડો. મુરલી મનોહર જોશીએ નિર્વાસિત હિંદુઓના પ્રશ્નો ઉકેલવાનું વચન આપ્યું હતું. ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનરાવ ભાગવત તો માત્ર ભારત જ નહીં, પાકિસ્તાન અને બાંગલાદેશને પણ હિંદુરાષ્ટ્ર ગણાવવાનું પસંદ કરે છે. છેક ૧૯પ૦થી સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા અને કાર્યકારી મંડળની બેઠકોમાં પાકિસ્તાન, બાંગલાદેશ (૧૯૭૧થી) અને અફઘાનિસ્તાનથી શરણાર્થી કે નિરાશ્રિત તરીકે ભારત આવેલા હિંદુઓને ‘પ્રેમ અને આત્મીયતાથી અપનાવવાનું ખૂબ જરૂરી’ હોવા અંગેના ઠરાવ થયેલા છે. મોદી અને રાજનાથે તો સંઘથી બે ડગલાં આગળ જઈને પાકિસ્તાન અને બાંગલાદેશમાં જેમને કનડવામાં આવે છે અને સ્થળાંતર કરીને ભારત આવવાની ફરજ પડે છે તેવા હિંદુ ઉપરાંતની ત્યાંની લઘુમતીઓના લોકોને આશ્રય અને નાગરિકતા આપવા માટે કાયદાકીય સુધારા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

મોદી સરકારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારત આવીને વસેલા નિર્વાસિતોમાંના ૪૩૦૦ હિંદુ અને શીખને ભારતીય નાગરિકતા બક્ષી છે. ડો. મનમોહન સિંહના વડપણવાળી કેન્દ્ર સરકારે એની સંપૂર્ણ મુદત દરમિયાન આવા માંડ ૧૦ર૩ને ભારતની નાગરિકતા આપી હતી. એવો અંદાજ છે કે ભારતમાં આવા બે લાખ જેટલા શરણાર્થી વસવાટ કરે છે. મોદી સરકારે મધ્ય પ્રદેશમાં વસતા આવા ૧૯ હજાર શરણાર્થીઓને, રાજસ્થાનમાં ૧૧ હજાર શરણાર્થીને અને ગુજરાતમાં વસતા ૪૦૦૦ શરણાર્થીઓને લાંબા ગાળાના વિઝા આપવાનું પસંદ કર્યું છે. દર વર્ષે પાકિસ્તાનથી પ૦૦૦ જેટલા શરણાર્થી ભારતમાં સ્થળાંતરિત થાય છે. દાયકાઓ સુધી પાકિસ્તાની નાગરિક રહેલા આવા હિંદુઓ પાકિસ્તાની પાસપોર્ટ પર ભારત આવીને અહીં સ્થાયી થવા ઈચ્છુક હોય છે.

આ તો વાત થઈ શરણાર્થીઓની. નિર્વાસિત હિંદુ કે અન્ય લઘુમતી નાગરિકોની. પરંતુ ભારતમાં સત્તાવાર રીતે લોકસભા કે સંસદમાં રજૂ થયેલા બાંગલાદેશી ઘૂસણખોરોની સંખ્યા દોઢથી બે કરોડની થવા જાય છે. એ મોટા ભાગના મુસ્લિમ છે અને તેમાંથી માંડ રપ૦૦ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા બાંગલાદેશ પાઠવી શકાયા છે. એનો અર્થ એ થયો કે ભારતમાં આજે પણ દોઢથી બે કરોડ જેટલા ગેરકાયદે ઘુસી આવેલા બાંગલાદેશી મુસ્લિમ ઘૂસણખોર વસવાટ કરે છે. વાજપેયી સરકારના ગૃહપ્રધાન તરીકે લાલ કૃષ્ણ અડવાણી અને મનમોહન સરકારના ગૃહરાજ્ય પ્રધાન તરીકે શ્રીપ્રકાશ જયસ્વાલે ભારતમાં આટલી મોટી સંખ્યામાં બાંગલાદેશી મુસ્લિમ ઘૂસણખોરો વસતા હોવાનો આંકડો સંસદમાં રજૂ કર્યો હતો.

બ્રિટિશ ઈન્ડિયાનું ભારત અને પાકિસ્તાનમાં વિભાજન થયું ત્યારે ૧૯૪૭માં પાકિસ્તાનમાંથી ૪૪ લાખ હિંદુ અને શીખ ભારતમાં સ્થળાંતરિત થયા હતા અને ભારતમાંથી ૪૧ લાખ જેટલા મુસ્લિમો પાકિસ્તાનમાં સ્થળાંતરિત થયા હતા. એ વેળા બંને દેશમાં લઘુમતીઓની સુરક્ષા જાળવવા બાબત નેહરુ-લિયાકત અલી સમજૂતી થઈ હતી. એમ છતાં પાકિસ્તાનના પૂર્વ અને પશ્વિમ હિસ્સામાં વિશેષકર હિંદુઓ પર હુમલા અને એમના ઉત્પીડનને કારણે ઘણાએ ભારત આવવું પડ્યું હતું અથવા તો ઈસ્લામ કબૂલવો પડ્યો હતો.

સંઘ પરિવારના મુખિયા માનતા રહ્યા છે કે ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશમાં વસતા હિંદુઓની રાષ્ટ્રીયતા હિંદુ છે, ભલે નાગરિકતા ભિન્ન હોય. આરએસએસે ક્યારેય મોહમ્મદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને સ્વીકાર્યો નહીં હોવાથી અખંડ ભારતની કલ્પનાને કાયમ પુનઃ સાકાર કરવાની નેમ રાખી છે. અખંડ ભારત એટલે ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશનો પ્રદેશ.

જોકે સંઘના જ સંગઠન ભારતીય વિચારમંચ તરફથી કરવામાં આવેલાં પ્રકાશનોમાં ‘અખંડ ભારત’ના નકશામાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, તિબેટ અને અફઘાનિસ્તાનને બતાવીને ‘કબ કબ બટા ભારત’નાં વર્ષો નોંધીને હિંદુ સહિતનાં પ્રજાજનોને ભાવાવેશમાં લાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભારતને ‘હિંદુ રાષ્ટ્ર’ ગણાવવાને ‘પાગલોં કા ખયાલ’ ગણાવતા રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ પૂર્વ અને પશ્વિમ પાકિસ્તાનમાં હિંદુઓ સાથે મુસ્લિમ શાસકોના દુર્વ્યવહારોથી ખૂબ વ્યથિત હતા. એપ્રિલ ૧૯પ૦માં વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે, બંને દેશોમાં લઘુમતીઓની સલામતીની જાળવણી અંગે, સમજૂતી થઈ એના વિરોધમાં નેહરુ સરકારમાંથી બે બંગાળી પ્રધાનોએ રાજીનામાં આપ્યાં હતાં. તેમનાં નામ હતાં ડો. શ્યામાપ્રસાદ મુકરજી અને કે. સી. નિયોગી. જોકે સરદાર આ સમજૂતીના વિરોધમાં હોવાના પ્રચાર વચ્ચે નેહરુના આગ્રહથી નાદુરસ્ત તબિયત હોવા છતાં વલ્લભભાઈ બંગાળ ગયા હતા. તેમણે નેહરુ-લિયાકત અલી સમજૂતીને ટેકો જાહેર કરીને ઉશ્કેરાયેલાં પ્રજાજનોને ટાઢાં પાડવાનું કામ કર્યું હતું.

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગલાદેશની મુલાકાતે ગયા ત્યારે પીયૂષ બંદોપાધ્યાયના વડપણ હેઠળ ત્યાંની હિંદુ સહિતની લઘુમતીઓના નેતાઓએ તેમને મળીને રજૂઆત કરી હતી કે ‘અમો કટ્ટરવાદીઓની કનડગતના કાયમી આતંકના ઓછાયા હેઠળ જ જીવીએ છીએ.’ પાકિસ્તાન અને બાંગલાદેશમાં ૧૯૪૭ની તુલનામાં હિંદુ સહિતની લઘુમતીની વસ્તીનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે. પાકિસ્તાનની ૧૯ કરોડ ૧૭ લાખની વસતીમાં હિંદુ માંડ બે ટકા રહ્યા છે. એક અંદાજ પ્રમાણે હિંદુ વસ્તી રપ લાખની ગણાવાય છે, પરંતુ અધિકૃત આંકડા આનાથી ઘણા ઓછા છે. બાંગલાદેશમાં પણ કુલ ૧૬ કરોડ ૮૯ લાખની વસ્તીમાં હિંદુ માંડ ૮.ર ટકા રહ્યા છે. વર્ષ ર૦૦૧માં બાંગલાદેશની હિંદુ વસ્તી ૧ કરોડ ૧૪ લાખની અંદાજવામાં આવતી હતી. એ અત્યારે ઘણી ઓછી થઈ ગઈ છે.

ભારતમાં વર્ષ ર૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા આવ્યા ત્યારે મુસ્લિમોની વસ્તીવૃદ્ધિનો દર ઊંચો રહ્યાની વાતે ભારે ઉહાપોહ મચ્યા છતાં બધા ધર્મોની વસ્તીવૃદ્ધિનો દર ઘટાડા તરફ છે એવું જ મુસ્લિમ વસ્તીનો વસ્તીવૃદ્ધિનો દર પણ ઘટી રહ્યાનું આ ઉહાપોહમાં લગભગ વીસરાયું છે. વર્ષ ર૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ ૧ર૧ કરોડ જેટલી વસ્તીમાં હિંદુ ૯૬.૬૩ કરોડ (૭૯.૮૦ %), મુસ્લિમ ૧૭.રર કરોડ (૧૪.ર૩ %), ખ્રિસ્તી ર.૭૮ કરોડ (ર.૩૦ %), શીખ ર.૦૮ કરોડ (૧.૭ર%), જૈન ૪પ લાખ (૦.૪ %), બૌદ્ધ ૮૪ લાખ (૦.૭ %), અન્ય ધર્મોના મતાવલંબી ૭૯.૩૭ લાખ (૦.૬૬ %) અને ધર્મ નહીં દર્શાવનાર ર૯ લાખ (૦.ર %) છે.

પાકિસ્તાન અને બાંગલાદેશમાં મુસ્લિમ કટ્ટરવાદ હિંદુ, ખ્રિસ્તી, શીખ અને એહમદિયાઓનું જીવવું હરામ કરી રહ્યો છે. લઘુમતીઓને કનડવામાં કશું બાકી રખાતું નથી. આમ છતાં ભારત સરકારે પાડોશી દેશોની લઘુમતીઓના નિરાશ્રિતોને ભારતમાં વસવાટની સુવિધા અને નાગરિકતા આપવા માટેની કાયદાકીય જોગવાઈઓ ‘માનવતાના ધોરણે’ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે કેટલાંક જોખમોનો વિચાર પણ કરવો પડે.

ભારતમાં ખાલિસ્તાન ચળવળ ચલાવવાને પ્રોત્સાહન અને ટેકો પાકિસ્તાન તરફથી મળતો રહ્યો છે. શીખોના આસ્થાસ્થાન નાનકાના સાહિબ પાકિસ્તાનમાં છે. તેનો દુરુપયોગ પાકિસ્તાન સરકાર કરતી રહી છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકના જન્મસ્થળ અને ત્યાંના ગુરુદ્વારાઓમાં ખાલિસ્તાનવાદીઓને પાકિસ્તાન સરકાર પોષે છે. ઉપરાંત પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના ઈશારે કેટલાક મુસ્લિમોને હિંદુ તરીકે ભારતમાં મોકલાય અને એમના ભણી માનવતાના ધોરણે વ્યવહાર કરવા જતાં ઉલમાંથી ચૂલમાં પડવા જેવું બની શકે. ભારત સરકાર હિંદુ સહિતની લઘુમતીઓના નિરાશ્રિતોને માનવતાને ધોરણે મદદરૂપ થાય એમાં કશું ખોટું નથી, પણ દયા ડાકણને ખાય તેવા સંજોગો ઊભા થતાં પહેલાં ડામવા ઘટે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter