આ સપ્તાહે પન્ના નાયક
• જન્મઃ 28 ડિસેમ્બર 1933
જન્મ મુંબઈમાં. વતન સુરત. અત્યારે તો અમેરિકામાં કવિતા લખનારા કવિઓની સંખ્યા ખાસ્સી છે. પણ પ્રારંભમાં જો કોઈ એક વ્યક્તિએ ત્યાં રહ્યાં રહ્યાં કવિતા લખી હોય તો તે આ કવયિત્રી. એમનાં કાવ્યોમાં વિષાદ છે. માતૃત્વની ઝંખના છે. ભારતનો ઝુરાપો છે, ગીતો પણ લખ્યાં. એમની સમગ્ર કવિતાનો સંચય ‘વિદેશિની’. એમણે વાર્તાઓ પણ લખી છે. ‘ફ્લેમિન્ગો’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે.
•••
તને ખબર છે?
તને ખબર છે?
હવે હું તારું નામ બોલી શકતી નથી.
એટલે
આજે તાજા જ પડેલા સ્નોમાં
હું તારું નામ લખી આવી.
મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ
પણ સાચે જ મઝા આવી ગઈ...
ને પછી
થોડી વાર રહીને વરસાદ પડ્યો...
હું તારું નામ વહી જતું જોઈ રહી.
વાસંતી વરસાદની સાથે
અચાનક ઊગી નીકળેલા ડેફોડિલની જેમ
મેં તારું નામ
વાતવાતમાં રોપી દીધું
પણ કોઈએ કશું સાંભળ્યું નહીં
કેમ જાણે
તારા નામના રણકારનો પડઘો,
ફક્ત હું જ ઝીલી શકતી હોઉં!
અને બપોર પછી
નીકળી આવેલા
મેઘધનુને જોઈ
દિલમાં એક ધડકન ઊઠી ને શમી ગઈ...
ફક્ત મારાં સ્તનો જ એનાં સાક્ષી હતાં.
સંધ્યાકાળે
નમતો સૂરજ
મારે ગાલે ઢળ્યો
અને તારા હોઠની છાપ જીવતી થઈ ગઈ.
પણ તું માનીશ?
અહીં તો બધાંને
મારા ન બોલાયેલા
શબ્દોમાં જ વિશ્વાસ છે.
તું શું માને છે....?
હું બોલું કે ચૂપચાપ ચાહ્યા કરું...?