રમતગમતના ક્ષેત્રે જેમને રસ હશે તેઓ જાણતા હશે કે દરેક ખેલના પોતાના નિયમો અને ખાસિયતો હોય છે. ટેનિસ રમવાની અને ટેબલ ટેનિસ રમવાની પદ્ધતિઓ અલગ છે અને તેમની ટેક્નિક પણ અલગ છે. જે રીતે બેટ ઘુમાવીને ક્રિકેટમાં બોલને મારવામાં આવે છે તે રીતે હોકીમાં થતું નથી ભલે તે દેખાવમાં સરખા લગતા હોય. કોઈ ગેમમાં તાકાત જોઈએ, કોઈમાં ચાલાકી અને કોઈમાં ફોકસ. ગોલ્ફમાં ધીરજ અને ફોક્સની જરૂર છે તો બોક્સિંગમાં એનર્જી અને સ્ફૂર્તિ જોઈએ. જોકે આ બધા નિયમો અને ધારાધોરણોને તોડીને પણ કેટલાય ખેલાડી પોતાના પ્રદર્શન અને પરફોર્મન્સથી રમત પર દબદબો જમાવતા હોય છે. તેવા અપવાદરૂપ ખેલાડીઓને નસીબદાર કહેવા કે પછી મહેનતના મહારાજા? કેટલીય વાર એવું બને કે તમે કોઈ ક્ષેત્રમાં સફળતા મેળવી લો ત્યારે તે સફળતા પાછળની મહેનત ભૂલીને લોકો તમને ‘લકી છો’, ‘નસીબદાર છો’, તેવું કહેવાનું શરૂ કરે તે ઘણીવાર અપમાનજનક લાગે છે.
કરોલી તકક્ષ નામના હંગેરીના ઓલમ્પિક વિજેતા શૂટરની કહાની ખુબ રસપ્રદ છે. હંગેરીનો આ સૈનિક ખુબ સારો શૂટર હતો અને ઈ.સ. 1936માં ઓલમ્પિકમાં જવાનો ઉમેદવાર હતો પરંતુ થયું એવું કે તેનો રેન્ક નીચો હોવાને કારણે તત્કાલીન નિયમ અનુસાર માત્ર અધિકારી વર્ગના લોકો જ ઓલમ્પિક માટે નામાંકિત થઇ શકે તેવું હોવાથી કરોલીને ઓલમ્પિકમાં જવાની તક મળી નહિ. આ કારણથી 1936ના રમતોત્સવમાં તો તે પોતાનું ટેલેન્ટ પુરવાર ન કરી શક્યો પરંતુ થોડા સમયમાં જ આ નિયમ બદલાયો. કોઈ પણ વ્યક્તિને ઓલમ્પિક રમવા મોકલી શકાય તેવું નિર્ધારિત થયું. હવે તેને વિશ્વાસ હતો કે 1940ના ઓલમ્પિકમાં તો જરૂર તેને તક મળશે. પરંતુ 1938માં એક વખત કામ કરતાં કરતાં અકસ્માતે તેના હાથમાં ગ્રેનેડ ફૂટી જતાં જમણો હાથ જ જતો રહ્યો. એક મહિના સુધી અસ્પતાલમાં રહ્યા બાદ તે બહાર નીકળ્યો ત્યારે કરોલીને જીવન નકામું લાગવા માંડ્યું. જે હાથ વડે તે શૂટિંગ કરતો તે હાથ જ હવે તેની સાથે નહોતો. તેના બધા જ સપના તૂટી ગયા. તેના પરિવાર અને મિત્રો પણ આ સ્થિતિથી દુઃખી થયા. આવામાં અચાનક જ કરોલી ક્યાંક ગાયબ થઇ ગયો. સૌએ તેનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ કેવીય રીતે તેના સુધી પહોંચી શક્યા નહિ. લોકોને લાગ્યું કે નિરાશાને કારણે તે ડિપ્રેશનમાં જતો રહ્યો હશે.
આખરે એકાદ વર્ષ પછી 1939માં રાષ્ટ્રીય કક્ષાની એક રિવોલ્વર શૂટિંગ સ્પર્ધામાં તે દેખાયો. તેના મિત્રો અને પરિવારના લોકો ખુબ ખુશ થયા. તેની સાથે શૂટિંગ કરતા ખેલાડીઓ પણ ખુશ થયા કે તેનો એક હાથ ન હોવા છતાંય તે સૌને પ્રોત્સાહિત કરવા અને રમત જોવા આવ્યો. કરોલીએ ખુલાસો કર્યો કે તે રમત જોવા નહિ, પરંતુ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો છે. સૌના આશ્ચર્યની વચ્ચે તેણે ડાબા હાથ વડે શૂટિંગ કરીને તે સ્પર્ધા જીતી લીધી. આવું કેવી રીતે થયું? જયારે કરોલીને પોતાની હતાશાની સ્થિતિમાં જીવન અંધકારમય લાગતું હતું ત્યારે તેણે વિચાર્યું કે શૂટિંગ માટે મારે શું જોઈએ? માનસિક ક્ષમતા, એકાગ્રતા અને ખંત. એ બધું હોય ત્યાર પછી જ હાથની જરૂર પડે. અને જમણો હાથ ગયો તો શું થયું, હાથ તો છે ને, ડાબા હાથે કેમ શૂટિંગ ન થાય? આ વિચાર કરીને તેણે નિશ્ચય કર્યો કે હવે તે તેમને ઓળખાતા પીછાણતા લોકોથી દૂર જઈને પોતાના ડાબા હાથને શૂટિંગ માટે ટ્રેઈન કરશે. આ રીતે એકાદ વર્ષ સુધી પ્રેક્ટિસ કરીને તે ફરીથી રાષ્ટ્રીય પ્રતિયોગિતામાં હિસ્સો લેવા આવ્યો અને મેડલ જીત્યો. આ રીતે તેને ફરીથી ઓલમ્પિક માટે નામાંકન તો મળ્યું પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે સતત બે વખત 1940 અને 1944માં ઓલમ્પિક રમતો રદ થઇ અને કરોલીને તેમાં ભાગ લેવાની તક મળી નહિ.
આખરે 1948માં ઓલમ્પિક માટે નામાંકન થઇ રહ્યું હતું ત્યારે કરોલીના સતત અને શ્રેષ્ઠ પર્ફોર્મન્સને કારણે તેને રાષ્ટ્રીય પસંદગી મળી. આ તક મળતાં જ કરોલીએ લંડનમાં અને પછી 1952માં હેલ્સિન્કીમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા. આ રીતે અપંગતા છતાંય તેણે સતત બે ઓલમ્પિકમાં શૂટિંગ માટેના ગોલ્ડ મેડલ જીતીને એ સાબિત કરી બતાવ્યું કે વિજય માટે જમણો હાથ ન પણ હોય, રેન્ક ઓછો પણ હોય, સતત રમતો રદ પણ થતી રહે તો પણ વર્ષો સુધી પોતાના ખંત, ધીરજ અને સાતત્યથી વ્યક્તિ સફળતાનાં ઉચ્ચતમ શિખરો સર કરી શકે છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)