જીવનમાં કંઈક પામવું હશે તો કંઈક છોડવું પડશેઃ ટોકરી ભરેલી હોય ત્યાં સુધી તેમાં કંઈ ઉમેરી શકાતું નથી

Tuesday 24th January 2023 09:05 EST
 
 

જીવનમાં શું મેળવવું છે તેના અંગે વિચારી વિચારીને આપણે હંમેશા મથ્યા કરીયે છીએ, પરંતુ ક્યારેક એ પણ વિચારવું પડશે કે શું ત્યજવું છે. જ્યાં સુધી આપણી ટોકરી ભરેલી હોય ત્યાં સુધી નવું કશું જ તેમાં ઉમેરી શકતા નથી એટલા માટે સમયે સમયે ટોકરીમાં જગ્યા કરવા માટે તેમાંથી કેટલીક વસ્તુઓ કાઢી ફેંકવી પણ આવશ્યક છે. આ જ નિયમ આપણા જીવન માટે પણ લાગે છે. ક્યારેક ઈગો છોડવો પડે છે તો ક્યારેક અભિમાન. ક્યારેક મનપસંદ ભોજનની વાનગી છોડવી જરૂરી થઇ પડે છે અને ક્યારેક તો પોતાની સૌથી પ્રિય વ્યક્તિનો સાથ પણ છોડવાનો વારો આવે છે.

જીવનમાં સમયે સમયે કંઈક અને કંઈક તો છુટતું જ રહે છે. ક્યારેક આપણી ઈચ્છાથી તો ક્યારેક અનિચ્છાએ પણ આપણા હાથમાં રહેલ કંઈક એવી રીતે સરકી જાય છે કે આપણને ખબર પણ ન પડે. કહેવાય છેને કે જેમ હાથની મુઠ્ઠીમાંથી રેતી સરે તેવી જ રીતે આપણા કબ્જામાંથી પણ કેટલીય વસ્તુઓ સરી જાય છે. જેટલું વધારે દબાવવાની કોશિશ કરો, જેટલું વધારે સાચવવાનો પ્રયત્ન કરો તેટલું જ વધારે જતું કરવું પડે છે, ત્યજવું પડે છે. પરેશાની એ છે કે આપણને પામવું તો ગમે છે પરંતુ ત્યજવું ગમતું નથી. એક બાળક પાસે બે રમકડાં હતા. તેના નાના ભાઈ માટે પપ્પાએ નવા બે રમકડાં લીધા તો રડીને જીદ કરવા લાગ્યો કે તેને પણ રમકડાં જોઇએ છે. નાનો ભાઈ એક રમકડું આપવા તૈયાર થઇ ગયો પણ મોટો ભાઈ પોતાના હાથમાં રહેલું રમકડું છોડવા તૈયાર નહોતો. આવું જ ઘણી વાર આપણી સાથે થતું હોય છે કે જિંદગીમાં કંઈક મળતું હોય તે લેવા માટે આપણે પોતાની પાસે રહેલું કઈ જતું કરવા તૈયાર હોતા નથી.
મોટી કંપનીમાં સારા પગારની નોકરી કરવી હોય, પરંતુ પોતાનું ગામડું છોડીને સ્થળાંતર કરવા તૈયાર ન હોઈએ તો ચાન્સ ઘટી જાય છે. પોતાનું વતન છોડવું આસાન નથી હોતું એ વાત સાચી, પરંતુ જ્યાં સુધી આપણે પોતાની શરતોએ જ બધું મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યાં સુધી આપણી ઈચ્છા પ્રમાણે જ બધું મળે તેવું શક્ય બનતું નથી. જે વ્યક્તિ આ સત્યને સ્વીકારી લે છે તેને જીવન જીવવામાં આસાની રહે છે, પરંતુ તેટલી સમજણ ઝડપથી આવતી નથી.
જે વ્યક્તિ આશાવાદી હોય છે તેને ખબર હોય છે કે જયારે જૂનું કંઈક જાય છે ત્યારે કંઈક નવું પણ આવે છે. માનસિક રીતે જે વ્યક્તિ ખાલી થવા તૈયાર હોય છે તે જ ફરીથી ભરાય છે. આ સિદ્ધાંતને અનુસરીને આશાવાદી અભિગમથી જીવનાર વ્યક્તિ ખાલીપાને માત્ર એક અસ્થાયી સ્થિતિ માને છે અને ફરીથી તેનો ખોબો ભરાશે તેવી આશા સાથે જીવન જીવે છે. બ્રાઝિલિયન લેખક પાઉલો કોહેલો લખે છે કે ‘જો તમે ગુડબાય કહેવા જેટલા બહાદુર બનશો તો જીવન તમારું નવા હેલ્લોથી અભિવાદન કરશે.’ પરંતુ જ્યાં સુધી એક સ્થળે ગુડબાય ન કહી શકીએ ત્યાં સુધી નવા સ્થળે વેલક્મની આશા કેવી રીતે રાખી શકાય? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus