જો બોસ તમારું સૂચન ન માને તો?

- રોહિત વઢવાણા Wednesday 24th January 2024 14:31 EST
 
 

માનો કે તમે ઓફિસની કોઈ મિટિંગમાં એક અસરકારક સૂચન કર્યું અને બધા સહકર્મીઓની મૂક સહમતી છતાંય તમારા બોસ કે ઉપરી અધિકારી તે સૂચનને અવગણે તો તમને કેવું લાગે? સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં જ્યારે ઉપરી અધિકારી કે માલિક અસરકારક સલાહને પણ ધ્યાનમાં ન લે અથવા તો તેનાથી તદ્દન વિરુદ્ધ નિર્ણય કરે તો કોઈ પણ કર્મચારીને ખરાબ લાગે અને તે નાસીપાસ થાય. ઉપરી અધિકારીના આવા વર્તનથી કેટલીય વાર અધિકારીઓ પોતાના સૂચન આપવાનું જ છોડી દેતા હોય છે. પરિણામે સંગઠનમાં લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરવાનું કે સંગઠનની ઉન્નતિ માટે સક્રિય રીતે વૈચારિક ભાગીદારી આપવાનું બંધ જ કરી દે છે. આવા સંજોગો ઊભાં ન થાય, લોકો પોતાના મંતવ્યો મુક્ત અને નિર્ભય રીતે વ્યક્તિ કરી શકે તે જોવું એ આમ તો બોસ કે ઉપરી અધિકારીની જ ફરજ છે. પરંતુ માની લો કે તેના ઘમંડી મગજમાં એ વાત ન ઘૂસે તો તમે શું કરશો?

અહીં તમારી પાસે બે વિકલ્પ છે. એક તો માનવ સહજ વર્તન કે જેનાથી તમે પણ એવું માની લો કે જો મારું કોઈ સાંભળે જ નહીં તો શું કામ નકામી માથાકૂટમાં પડવું? એવું વિચારીને તમે મિટિંગ દરમિયાન તમારું મંતવ્ય આપવાનું બંધ કરી દો. બીજો વિકલ્પ એ કે તમારું સૂચન યોગ્ય રીતે આવકારાયું છે કે નહીં તેની ચિંતા કર્યા વિના જ્યારે અને જેટલું યોગદાન તમે વૈચારિક રીતે આપી શકો તેટલું તમારા મંતવ્યો અને સૂચનો દ્વારા સંગઠનને આપવાનું ચાલુ રાખો. જોકે તેવું કરવામાં તમે ફરીથી તમારી અવગણના થવાનું રિસ્ક તો લો જ છો.
તેમ છતાંય બીજો વિકલ્પ અપનાવવાથી એક ફાયદો એ થાય છે કે ક્યારેક પરિસ્થિતિ ઉલટી પડે અને તપાસ કરવામાં આવે ત્યારે તમારું સૂચન સામે આવે. તમે એટલું તો કહી જ શકો કે મેં તો એ પ્રમાણે જ સલાહ આપેલી પરંતુ પછી સંગઠને અલગ નિર્ણય કર્યો. આ વિકલ્પ પસંદ કરવાનું બીજું કારણ એ પણ છે કે તમારી વૈચારિક ફળદ્રુપતાને નષ્ટ નહીં થવા દો. તમે વિચારવાનું બંધ નહીં કરો અને હંમેશા પરિસ્થિતિને કેવી રીતે બદલી શકાય, કેવી રીતે વધારે ઉત્તમ બનાવી શકાય તેના અંગે વિચારતા રહેશો તો તમારા પોતાના વિકાસ માટે પણ તે ફાયદાકારક બનશે. યાદ રાખજો કે બીજા બધા લોકો તો તમારા વિચારોની અને સલાહની નોંધ લેતા જ હોય છે. જો તમારા મંતવ્યો અને સૂચનો ગર્ભિત હોય, વધારે તાર્કિક હોય તો પછી ભલે તેનો અમલ થાય કે ન થાય પરંતુ તમારી બુદ્ધિમતાની નોંધ લેવાય છે. લોકો મનોમન તેને સ્વીકારે છે.
એટલા માટે પોતાની અંગત પ્રગતિ માટે થઈને પણ, ન સાંભળતા બોસની ચિંતા કર્યા વિના, તમારે દરેક પરિસ્થિતિમાં પોતાના મગજને સક્રિય રાખવું હિતાવહ છે. એવું કરવાથી તમે ધીમે ધીમે પરિણામલક્ષી નહિ પરંતુ પ્રક્રિયાલક્ષી બનો છે. પ્રક્રિયાલક્ષી બનવાનો ફાયદો એ છે કે તેમાં આપણે તટસ્થ રહી શકીએ છીએ. કોઈના વર્તન કે પ્રતિભાવથી આપણે નિરાશ કે નાસીપાસ થતા નથી. આપણી નિર્યણશક્તિ વધારે તેજ અને ધારદાર બને છે. સંકુચિત માનસિકતાથી આપણે બહાર આવી શકીએ છીએ.
આ ફાયદાઓને કારણે તમારે હંમેશા જ પોતાના મગજને સક્રિય રાખીને, પરિણામની ચિંતા કર્યા વિના, કોઈ મિટિંગ વગેરેમાં પોતાના સક્રિય વિચારો રજુ કરવા જોઈએ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus