કેટલાક વાચકોએ લીઝા સ્થાળેકરનું નામ સાંભળ્યું હશે. લીઝા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર છે, જે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન રહી ચુકી છે અને ચાર વખત વર્લ્ડ કપ ટીમમાં સામેલ થઇ છે. વર્ષ 2013માં તેની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વિશ્વ કપ જીતી હતી. ઉપરાંત તે 2005ના વર્લ્ડ કપમાં, 2010 અને 2012ના ટી-20 વર્લ્ડ કપમાં પણ રમી છે. તેના ક્રિકેટ ટેલેન્ટને કારણે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ હોલ ઓફ ફેમમાં તેને સ્થાન મળેલું. માત્ર ઓસ્ટ્રેલિયામાં જ નહિ, પરંતુ મહિલા ક્રિકેટમાં વિશ્વભરમાં તે આગળ પડતી ખેલાડી છે. જયારે આઇસીસીએ રેન્કિંગ સિસ્ટમ શરૂ કરી ત્યારે તે વિશ્વમાં નંબર-1 ઓલરાઉન્ડર હતી. ત્યારબાદ તેને આઈસીસીના હોલ ઓફ ફેમમાં પણ સ્થાન મળ્યું છે. ખુબ સારા બેટિંગ અને ઓફસ્પિન બોલિંગ દ્વારા તેણે ક્રિકેટની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તે પ્રથમ મહિલા ખેલાડી હતી જેને 100 વિકેટ અને 1000 રનનો વિક્રમ સ્થાપ્યો હતો. 1997માં સ્થાનિક ક્રિકેટમાં એક બોલર તરીકે તેને એન્ટ્રી લીધી અને 2013માં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી તેના બીજા દિવસે નિવૃત્તિ લીધી. આ દરમિયાનની તેની સફર એકંદરે ખુબ સફળ રહી ગણી શકાય.
લીઝાની વાત માત્ર તેના ક્રિકેટ ટેલેન્ટ માટે કરવાનો ઉદેશ્ય નથી. લીઝાની જીવનકહાની પણ એટલી જ પ્રેરણાદાયી છે, તેના જીવનનું આરોહણ સૌના માટે દૃષ્ટાંતરૂપ બની રહ્યું છે. લીઝા એવું બાળક છે જે એક અનાથાશ્રમ પાસેની કચરાપેટીમાંથી મળી આવેલું. તેને જન્મથી જ મા-બાપે તરછોડી દઇ પૂણેના અનાથાશ્રમ પાસે એક કચરાપેટી પાસે મૂકી દીધી હતી. 13 ઓગસ્ટ 1979ના રોજ આ છોકરી પૂણેના કોઈ અજાણ્યા ખૂણામાં જન્મી, પરંતુ તેના મા-બાપથી તે હંમેશા અજાણી જ રહી. શ્રીવાસ્તવ અનાથાશ્રમ પાસે મળી આવેલી લીઝાને અનાથાશ્રમમાં લૈલા નામ આપવામાં આવ્યું હતું. એક વખત એક અમેરિકન દંપતી બાળક દત્તક લેવા માટે અનાથાશ્રમ આવ્યા. આમ તો તેઓ એક પુત્રને દત્તક લેવાની ઈચ્છા ધરાવતા હતા, પરંતુ લીઝાને જોતાં જ તે સ્ત્રીના મનમાં માતૃત્વ જન્મ્યું અને તેણે પતિને કહ્યું કે તેઓ આ પુત્રીને જ દત્તક લઇ લે. સુ સ્થાળેકર અને હરેન સ્થાળેકર નામના આ યુગલે બધી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને લૈલાને દત્તક લીધી. આ રીતે લૈલા અમેરિકામાં તેને મળેલા નવા મા-બાપ સાથે રહેવા લાગી. આ યુગલે તેનું નામ લીઝા રાખ્યું. બાળપણથી જ લીઝાને કહેવામાં આવેલું કે તે દત્તક બાળક છે એટલે મોટા થયા બાદ તેના માટે કોઈ આંચકા કે આશ્ચર્ય જેવી વાત નહોતી. બધી હકીકતથી વાકેફ લીઝા તેના મા-બાપ સાથે પછીથી સિડની સ્થળાંતરિત થઇ અને ત્યાં જ મોટી થઇ.
આ રીતે ઓસ્ટ્રેલિયામાં ઉછરેલી લીઝા આમ તો ભારતના પૂણેમાં જન્મેલી અને અનાથાશ્રમમાં કેટલોક સમય રહેલી. ત્યારબાદ અમેરિકન દંપતી દ્વારા દત્તક લેવાતા તે અમેરિકા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ગઈ. ઓસ્ટ્રેલિયામાં તેના પિતા સાથે તે પહેલાં તો ઘરના ફળિયામાં, પછી શેરીમાં અને પછી મેદાનમાં ક્રિકેટ રમવા લાગી. શેરીના છોકરાઓ સાથે પણ તે ક્રિકેટ રમતી. ધીમે ધીમે તેનું ટેલેન્ટ સામે આવતું ગયું અને તે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમમાં શામેલ થઇ. ન માત્ર એક ખેલાડી તરીકે, પરંતુ લીઝાએ તો ઓસ્ટ્રેલિયા મહિલા ટીમના કપ્તાન તરીકે પણ ખુબ સારું પ્રદર્શન કર્યું છે. લાંબા સમય સુધી સતત સારું પરફોર્મન્સ આપનાર ખેલાડી તરીકે તેનું નામ વિશ્વભરનાં મહિલા ક્રિકેટરોમાં આગળ પડતું છે.
લીઝા કહે છે કે તેની સ્ટોરી ‘કુલ’ છે. અન્ય બાળકો કરતાં તેનું બાળપણ ખાસ અલગ નહોતું. પોતે દત્તક હતી તે હકીકત પહેલાથી તેના મગજમાં સ્પષ્ટ હોવાથી કોઈ અસમંજસ જેવું નહોતું. ઘરમાં માતા-પિતાનો ભરપૂર પ્રેમ અને સારું શિક્ષણ મળ્યું. તેના ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવામાં પણ મા-બાપનો સાથ મળ્યો. આ રીતે લીઝાને કોઈ તકલીફ વેઠવી પડી હોય તેવું તો ન કહી શકાય પરંતુ તેની જિંદગીએ કચરાપેટીથી ક્રિકેટના આઈસીસી હોલ ઓફ ફેમ સુધીનો જે વળાંક લીધો તે ખરેખર આપણને નસીબમાં માનતા કરી દે તેવો છે. તેને ત્યજી દેનારા મા-બાપે ક્યારેય વિચાર્યું હશે કે જે બાળકને તેઓ અનિચ્છીત ગણીને છોડી રહ્યા છે તેનું ભવિષ્ય આટલું ઉજ્જવળ છે? કોઈને અનાથાશ્રમમાં પણ એ કલ્પના નહિ હોય કે લીઝા આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં વિક્રમ નોંધાવશે. પરંતુ કુદરત જેની આંગળી પકડી લે તેનો ઉદ્ધાર થતાં કોણ રોકી શકે? લીઝા તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)