વર્ષાંત એટલે વીતેલા વર્ષનું સરવૈયું કાઢવાનો સમય

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 13th December 2022 07:52 EST
 
 

વર્ષ 2022 પૂરું થવા આવ્યું છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. કેટલાક લોકો વેકેશન પ્લાન કરી રહ્યા છે તો કેટલાક લોકો મિત્રો સાથે પાર્ટી. કોઈ કોઈ તો પોતાના ઘરે બેસીને થોડું રિલેક્સ કરવાના મૂડમાં છે. બાળકો અને યુવાનોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુકેમાં તો સ્નોફોલ પણ થયો છે એટલે આ વખતેની વ્હાઇટ ક્રિસ્મસ તો નક્કી જ.

જયારે આપણે વર્ષના અંતે પહોંચીએ ત્યારે એક વિચાર જરૂર આવે કે શું આ વર્ષ દરમિયાન આપણે સારી રીતે જીવ્યા? વર્ષ સફળ ગયું? પરિવારના લોકો સાથે, સામાજિક કાર્યક્રમો અને પ્રસંગોમાં આપણે પોતાની ફરજ નિભાવી શક્યા? ઓફિસ કે બિઝનેસમાં આપણે કોઈ પ્રગતિ કરી? કોઈ પ્રમોશન મળ્યા કે નફામાં વધારો થયો? આરોગ્યની દૃષ્ટિએ આપણે કોઈ સુધારો કર્યો? આવા બધા પ્રશ્નો સામાન્ય રીતે વર્ષના અંગે લોકો પોતાની જાતને પૂછતાં હોય છે. પોતાના આખા વર્ષનું સરવૈયું કાઢવું એક સારી આદત છે. તેનો ઉદેશ્ય પોતાની જાતને કઠિન માપદંડોના આધારે મૂલવવાનો કે જો કંઈ કમી રહી ગઈ હોય તો સજા કરવાનો કે ઠપકો દેવાનો નથી. પરંતુ તદ્દન આયોજનવિહીન અને દિશાહીન જીવન જીવવું પણ કોને ગમે?
આપણે પણ આ વર્ષના અંતે સામાજિક, આર્થિક, આરોગ્ય અને આંતરિક/માનસિક સ્તરે થયેલી પ્રગતિ તેમજ પ્રયત્નોનો હિસાબ-કિતાબ કરવા બેસવું જોઈએ. આ એક્સરસાઇઝ એટલી અઘરી નથી જેટલી શરૂઆતમાં જણાય છે. જો કોઈને વાસ્તવમાં આવું વિશ્લેષણ કરવામાં રસ હોય તો તેઓ માટે અહીં ચાર પાંચ ટિપ્સ આપેલી છે, જેનો ઉપયોગ કરી શકાય.

1) આ વર્ષ દરમિયાન તમારા જીવનમાં બનેલી પાંચ મહત્ત્વની સામાજિક ઘટનાઓનું લિસ્ટ બનાવી લો. તેમાં તમારા કે પરિવારના કોઈ મોટા પ્રસંગનો સમાવેશ પણ થઇ શકે. જેમ કે, બહેનના લગ્ન થયા કે પછી પેરેન્ટ્સનું રિટાયરમેન્ટ થયું. તમારા કે કોઈના ઘરે સંતાન આવ્યું કે તમારા સંતાનની કોઈ મોટી સામાજિક વિધિ પુરી થઇ. આવી પાંચ ઘટનાઓને તમારા વર્ષ દરમિયાનની મોટી સિદ્ધિ ગણાવી શકાય. કેમ કે તે જવાબદારી સારી રીતે પૂરી કરવાથી તમે ખુબ સારી રીતે આ જીવ્યું ગણાય.
2) તમારા વેપારધંધા કે નોકરીના પાંચ મહત્ત્વના તબક્કા નોંધો. તેમાં તમારું પ્રમોશન કે ટ્રાન્સફર થયું હોય, કે પછી તમે કોઈ નવો બિઝનેસ શરુ કર્યો હોય કે પછી તમને મોટો ઓર્ડર મળ્યો હોય વગેરેનો સમાવેશ કરી શકાય. તમારા આર્થિક અને કારકિર્દીના ક્ષેત્રે આવા મોટા તબક્કા જીવનને દરેક રીતે પ્રભાવિત કરે છે. ઘણી વાર આપણે આવા માઈલસ્ટોનની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ અને જયારે તે પૂરા થઇ જાય ત્યારે તેની દરકાર કરવાને બદલે ભૂલી જતા હોઈએ છીએ.
3) આરોગ્યના ક્ષેત્રે તમારા કે પરિવારના લોકોના જીવનમાં બનેલી મોટી ચાર-પાંચ ઘટનાઓનો પણ સમાવેશ વર્ષના સરવૈયામાં કરી શકાય. જેમ કે, તમે આ વર્ષ દરમિયાન ચાર કિલો વજન ઘટાડ્યું કે ઘરના કોઈ સભ્યની મોટી બીમારીનો ઈલાજ થયો. જો વર્ષ દરમિયાન કઈંક નેગેટિવ થયું હોય તો તેને પણ સરવૈયામાં શામેલ કરવું જોઈએ. જેમ કે, તમે આ વર્ષ દરમિયાન પોતાના આરોગ્ય પર ધ્યાન આપવામાં કાચા રહ્યા હો, એક્સરસાઇઝ ન કરી હોય અને વજન ઘટવાની બદલે વધી ગયું હોય કે પછી તમને સુગર વધી ગઈ હોય તો તેને પણ નોંધી લેવા જોઈએ જેથી કરીને આવનારા વર્ષના પ્લાનિંગમાં તેના અંગે ફેરફાર કરવાનું વિચારી શકાય.
4) માનસિક, આધ્યાત્મિક કે મનોરંજન જેવા આંતરિક પરિબળોને પણ અવગણવા જોઈએ નહિ. વર્ષ દરમિયાન તમે મેડિટેશન કરતા શીખ્યા, માનસિક તણાવમાં રહ્યા કે પછી કોઈ નવી કળા શીખીને તમે પોતાના અને અન્ય લોકોના મનોરંજન માટે કઈંક કર્યું. આવી એચિવમેન્ટ જીવનમાં ખુબ મહત્ત્વની હોય છે જેને આપણે સામાન્યરીતે અવગણતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણા જીવનના સર્વાંગી વિકાસ અને સુખાકારીમાં તે ખુબ ખુબ ઉપયોગી બને છે.
આ રીતે જીવનના દરેક પાસાં પર થોડો વિચાર કરીને તેમાં બનેલી સારી અને નરસી ઘટનાઓ અંગે થોડું ચિંતન-મનન કરીને આવનારા વર્ષમાં શું ફેરફાર કરવા છે, શું ટાર્ગેટ બનાવવા છે તેના અંગે તૈયારી કરી લેવાનો આ ખુબ સારો સમય છે, જેથી કરીને પછી ક્રિસમસ વેકેસન દરમિયાન માત્ર મોજમસ્તી જ કરવાના રહે!

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus