ઓશવાલ એલ્ડરલી વેલ્ફેર એસોસિએશનઃ વડીલો સંગાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 20th August 2019 04:47 EDT
 
 

આ સપ્તાહ દરમિયાન ઓશવાલ એલ્ડરલી વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એલ્ડરલી લોકોની સાથે ભારતના ૭૩મા સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ખુબ જ રસપ્રદ રહ્યો અને તેમાં હેરોના મેયર શ્રી નીતિનભાઈ પારેખ પણ હાજર રહ્યા હતા. આયોજક કમિટીએ એક સરસ પ્રેઝન્ટેશન તૈયાર કરેલું અને માહિતીના ભાર વગર ૧૭૫૭થી ૧૯૪૭ સુધીનો ભારતમાં અંગ્રેજી સત્તાનો ઇતિહાસ જાણે બાળકને ભણાવતા હોય તેમ ‘જ્ઞાન સાથે ગમ્મત’ની જેમ સમજાવી દીધો. સાથે સાથે ‘નીતુ શાહ & ફ્રેન્ડ્સ’ બેન્ડ દ્વારા રજુ કરાયેલા સુંદર દેશભક્તિ ગીત તો સોનામાં સુગંધ સમા હતા. 

વૃદ્ધાવસ્થાએ પહોંચેલા, જીવનભરના અનુભવથી પરિપકવ અને કુમળા બનેલા લોકોમાં પણ આ પ્રસંગ જોશ જગાવી ગયો. કવિ ખબરદારે ગાયું છે ને કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એ પંક્તિ અહીં સાબિત થતી જોવા મળી હતી. દરેકે દરેક વ્યક્તિના હૃદયમાં ભારોભાર દેશપ્રેમ ભરેલો હતો. કેટલીક આંખોમાં તો દેશભક્તિ ગીત સાંભળતા આંસુની ભીનાશ પણ આવી ગયેલી.
હેરોમાં આવેલા કડવા પાટીદાર સેન્ટર પર એકઠા થયેલા ૪૦૦થી વધારે લોકોનો ડ્રેસ-કોડ પણ ભારતના તિરંગા જેવો એટલે કે કેસરી, સફેદ કે લીલા રંગના કપડાંનો હતો. એક દેશભક્તિ ગીત પર જયારે લોકો કેસરી, સફેદ અને લીલા રંગની હરોળ બનાવીને હોલની પ્રદક્ષિણા કરતા હોય તેમ મોટું વર્તુળ બનાવીને ચાલતા હતા ત્યારે તો સાક્ષાત ભારતભૂમિ જેવું દૃશ્ય ખડું થઇ ગયું હતું. સ્ટેજની સજાવટ, બેઠક વ્યવસ્થા, શિસ્ત, સંચાલન ખુબ સરસ હતા. અને રેણુકાબેનની આગેવાનીમાં એસોસિએશનના કાર્યકર્તાઓએ તૈયાર કરેલા ભોજનનું તો શું કહેવું - સાત્વિક પણ ખુબ જ સ્વાદિષ્ટ.
ઓશવાલ એલ્ડરલી વેલ્ફેર એસોસિએશન છેલ્લા વીસેક વર્ષથી કાર્યરત છે અને તેમાં આજે હજારેક જેટલા સભ્યો છે. તેઓ વર્ષમાં આઠ-નવ કાર્યક્રમનું આયોજન કરે છે, કેટલાક એક દિવસના ટૂંકા પ્રવાસ યોજે છે અને અનુકૂળતા હોય ત્યારે લોકલ કે વિદેશ પ્રવાસ પણ કરાવે છે. બીનાબેન શાહની ચેરમેનશિપ હેઠળ આ એસોસિએશન માત્ર છ સભ્યોની કમિટી ચલાવે છે, તેમની પાસે કોઈ ઓફિસ કે સ્ટાફ નથી. તેઓ પોતાના ઘરના સરનામે જ આ કામ ચલાવે છે અને કાર્યક્રમ કરવા માટે કડવા પાટીદાર સેન્ટર કે એવા બીજા કોઈ કોમ્યુનિટી હોલનો ઉપયોગ કરે છે. સંગીત, ભોજન વગેરેની વ્યવસ્થા પણ હોય છે. કમિટીના ખજાનચી ડો. દિનેશ શાહ જણાવે છે કે મેમ્બરશિપ બે વર્ષ માટે આપવામાં આવે છે અને તે ૫૦ વર્ષથી વધારે વયના કોઈ પણ ભારતીય હિન્દુ માટે ઉપલબ્ધ છે.
સતિષભાઈ, ધીરુભાઈ અને શશીભાઈ - ત્રણેય ઓશવાલભાઈઓએ શરૂ કરેલ આ સંસ્થા આજે યુકેમાં રહેતા વડીલોનો ભારતીય સંસ્કૃતિ સાથે સેતુબંધ બાંધવાનું ખુબ પ્રશંસનીય કાર્ય કરી રહી છે એ માટે તેમની જેટલી પ્રશંષા કરવામાં આવે તે ઓછી ગણાય.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter