બીએપીએસ દ્વારા વિમુખ થયેલ સ્વામિનારાયણી સમાજ પોતાને ગુણાતીત સમાજ તરીકે ઓળખાવે છે. અલગ અલગ ગુરુઓ છતાં ભાવાત્મક રીતે બધા આત્મીયતા અનુભવે છે. આ સમગ્ર સમાજના સંવર્ધનમાં વિઠ્ઠલદાસનું પ્રદાન અનન્ય છે. બધાંની ભક્તિપૂર્વક સેવા, મદદતત્પરતા, નમ્રતા અને નિષ્ઠાથી વિઠ્ઠલદાસ સૌને ભાવતા અને ફાવતા છે. ગુણાતીત સમાજમાં સૌથી મોટો પથારો ધરાવે છે સોખડાના હરિપ્રસાદ સ્વામી. ઘણા દેશોમાં એમના ભક્તો, મંદિરો અને સત્સંગ છે. આમાંય જર્મનીમાં સવાસો જેટલા ગોરા જર્મનો સ્વામિનારાયણી કંઠી ધારીને હરિપ્રસાદ સ્વામીને આરાધે છે.
સોખડા ઉપરાંત સાંકરદાનું સ્વામિનારાયણ મંદિર, અનુપમ મિશન, કાકાજીની યુવા પ્રવૃત્તિના પરિપાકરૂપ મુંબઈ-પવઈમાં યોગી ડિવાઈન સોસાયટી, વલ્લભ વિદ્યાનગરની ગુણાતીત જ્યોત આ બધી સંસ્થાઓ ગુણાતીત સમાજમાં ગણાય છે. આ બધી સંસ્થાઓના થોડા કે વધારે ભક્તો ઈંગ્લેન્ડ, અમેરિકા, ભારત અને બીજા દેશોમાં છે. આ બધી સંસ્થાઓના ભૌતિક વિકાસ અને વ્યવસ્થામાં વિઠ્ઠલદાસ મોખરે રહ્યા છે. બધાની જમીન ખરીદવામાં, બાંધકામમાં અને જમીન એન.એ. કરાવવામાં વિઠ્ઠલદાસે સમય, સાધનો અને પ્રાસંગિક ખર્ચનો ભોગ આપ્યો છે. બધાંની ખેતી કે ગૌશાળાના પ્રશ્નોમાં સર્વપ્રકારે મદદરૂપ થયા છે.
એક વાર વાતવાતમાં અનુપમ મિશનના જશભાઈ સાહેબ કહે, ‘સાધુઓને ભૌતિક પ્રશ્નો માટે કોર્ટકચેરીનાં પગથિયાં ઘસતાં બચાવવાનું કામ કરીને વિઠ્ઠલદાસે અમને ભક્તિ અને સાધનામાં સમય ખર્ચવાની સુવિધા પૂરી પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.’
અનુપમ મિશન માટે જમીનો ખરીદવામાં અને વખત આવ્યે વધારાની જમીન વેચવામાં વિઠ્ઠલદાસની સૂઝ અને કુનેહ ઉપયોગી થઈ હતી. કેટલાંક વર્ષથી તેઓ હરિપ્રસાદ સ્વામીના મહત્ત્વના ટ્રસ્ટોમાં ટ્રસ્ટી અને ચાલક બળ છે. હરિપ્રસાદ સ્વામી લાખો સત્સંગીઓના આરાધ્ય સંત. સેંકડો સાધુઓના પ્રેરક, ચાલક અને પાલક. સોખડામાં એમણે જમીનો ખરીદી, દાનમાં મેળવી. ભવ્ય મંદિર કર્યું. સવલતયુક્ત આવાસો, મંદિર, ગૌશાળા અને સભાખંડો બધું બધું કર્યું. ભક્તિની મસ્તીમાં રાચતા સંતનું દુન્યવી હિસાબકિતાબ કે કાયદાઓમાં ઝાઝું ધ્યાન ના રહે. વિઠ્ઠલદાસે સોખડા ગયા પછી મંદિર, મકાનો એ બધા માટેની મંજૂરીઓ મેળવીને વ્યવસ્થિત કર્યું.
વિઠ્ઠલદાસ હરિપ્રસાદ સ્વામીને સમર્પિત પૂરા અંબરીષ છે. પોતાના કે પરિવાર માટે આર્થિક લાભની કોઈ પ્રવૃત્તિ કરતા નથી. ગૃહસ્થ જીવનમાં અર્થોપાર્જન કરતા ત્યારે ય કોઈને છેતરીને કમાયા ન હતા. તેઓ નીતિપૂર્વક કમાતા અને શિક્ષાપત્રી મુજબ જીવતા. જેની સાથે ધંધો કરતા તેને કોઈ નુકશાન ના થાય તે જોતા. પોતાના વ્યવસાયની સાથે તે ગુણાતીત સમાજની બધી સંસ્થાઓને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થતા. ધક્કા ખાતા અને તેમાં પોતાના ધંધાનો સમય બગડે છે એવું ના માનતા.
વિઠ્ઠલદાસ મહેળાવના વતની અને શાસ્ત્રી મહારાજના ચોથી પેઢીએ કુટુંબી. ૧૯૩૯માં તે મહેળાવના સોમાભાઈ ઝવેરભાઈ અને ગંગાબહેનને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા. સોમાભાઈ નિરક્ષર, મહેનતુ, કોઠાસૂઝ ધરાવતા ભક્તહૃદયી. ગામમાં નાની હાટડી ચલાવે પણ નામું લખતા ના આવડે. બાળ વિઠ્ઠલ શાળાએથી આવે ત્યારે પિતા જે નામ અને ચીજ લખાવે તે નોંધે. ત્યારે તે ટ્યુશન રાખીને નામું શીખેલા. નાની વયે તેમણે હિસાબકિતાબમાં મેળવેલી જાણકારી પછીથી સમગ્ર ગુણાતીત સમાજને ઉપયોગી બની.
નાની વયે બાળ વિઠ્ઠલ રામજી મંદિરમાં સુંદર રાગે ભજનો ગાય તેથી બાળસખા કનુભાઈને તેમનામાં કનૈયાનો ભાસ થતો અને તે આજીવન ટક્યો. શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાનને તેમણે મિત્રોના સહકારથી મંદિરમાં પલટ્યું અને ચાર વર્ષ સુધી સતત આરતી પણ કરી. શાસ્ત્રી મહારાજના આશીર્વાદથી જન્મેલા વિઠ્ઠલદાસમાં આવેલા સંસ્કારવારસા અને ભક્તિનિષ્ઠા અવારનવાર ત્યાં આવતા યોગીબાપાની નજરે પડતી. યોગીબાપાએ તેમને પત્ર લખીને જણાવ્યું, ‘પ્રભુદાસભાઈ તમને લગ્નસંબંધે મળે ત્યારે ના ન પડતા.’ પ્રભુદાસભાઈએ તેમના બહેન વિમળાબહેનનું લગ્ન વિઠ્ઠલદાસ સાથે કરાવ્યું. આ પ્રભુદાસ દીક્ષા પછી હરિપ્રસાદ સ્વામી બન્યા. યોગીબાપાએ વિઠ્ઠલદાસનું મહેળાવનું મકાન સ્ત્રીઓ માટે મંદિર કરવા માગતાં તેમણે આપ્યું ત્યારે યોગીબાપાએ આશીર્વાદમાં કહ્યું, ‘તમને ત્રણ માળનું મકાન મળે તેમ શ્રીજી મહારાજને યાચીશું.’ આશીર્વાદ ફળ્યા.
વલ્લભ વિદ્યાનગરમાં કોમર્સના અભ્યાસ વખતે હોસ્ટેલમાં રહેતા વિઠ્ઠલદાસ યોગીબાપાની આજ્ઞાથી શનુભાઈ અને નાપાડવાળા ગોરધનભાઈની સાથે રવિસભાના આરંભક બન્યા પછીથી જશભાઈ સાહેબે તેને વિસ્તૃતરૂપ આપ્યું.
બી.કોમ. થઈને તેમણે અમૂલ ડેરીની કેન્ટીનમાં નોકરી કરી અને પછી જ્યોતિ પ્રેસ કર્યો, જેમાં સહકારી મંડળીઓના ચોપડા, ફોર્મ, રોજમેળ, મંડળીઓના વાર્ષિક અહેવાલ છાપતા. સમગ્ર ચરોતરમાંથી એમને ગ્રાહકો મળતાં તે કમાયા અને તેમના સંપર્ક અને સંબંધોનો પથારો વધ્યો. વિમુખ પ્રકરણ પછી તેઓ ગુણાતીત સમાજમાં ભળ્યા. પોણા ત્રણ દશકા સુધી અનુપમ મિશન અને ગુણાતીત જ્યોતની પ્રવૃત્તિઓમાં જોડાઈને નિષ્ઠાપૂર્વક બંને સંસ્થાઓની પ્રવૃત્તિ સુઆયોજિત અને સ્થિર કરવામાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે. છેલ્લાં બાવીસેક વર્ષથી તેઓ હરિધામ સોખડાનાં ટ્રસ્ટોના ટ્રસ્ટી અને ચાલક બની રહ્યા છે. તેમણે તેમાં કરોડો રૂપિયાના દાન કર્યાં છે. સમગ્ર પરિવાર તેમાં નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક કામ કરે છે. પુત્ર કિશન હરિધામની યુવાપ્રવૃત્તિનું અમેરિકામાં સંચાલન કરે છે. પુત્ર પ્રીતેશ તેમાં મદદરૂપ છે. પુત્ર મીનેષ આણંદ રહીને હરિધામની પ્રવૃત્તિમાં સક્રિય છે.
વિઠ્ઠલદાસ સત્સંગ અને સત્સંગી માટે સદા મદદ તત્પર છે. એમને ક્યારેય ના કહેતાં કે મોટાઈ બતાવતાં આવડતું નથી. આવા વિઠ્ઠલદાસ સમગ્ર ગુણાતીત સમાજની શોભા છે.