ગુજરાતી ‘નવરાત’નો એક અનોખો મરમ છે!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 27th September 2017 08:15 EDT
 
 

આ કોલમ લખી રહ્યો છું ત્યારે નવરાત્રિની ચતુર્થી ઊજવાઈ રહી છે. પ્રથમાએ તો રાજ્ય સરકારના મુખ્ય પ્રધાન સહિત સૌએ ‘શક્તિવંદના’ તરીકે ભવ્ય ઉત્સવ કર્યો, શક્તિમાતાની આરતી ઉતારી ત્યારે તેમની સાથે અમદાવાદના હજારો દર્શકોએ પણ ‘જય ઓમ, જય ઓમ મા જગદમ્બે...’ને સમુહ સ્વરે પ્રાર્થી હતી. આ સપ્તાહના ત્રણ દિવસ ૨૫-૨૬-૨૭ સપ્ટેમ્બરે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તો તેમના ચૂંટણી-પ્રચારનો પ્રારંભ દ્વારિકાધીશના દર્શનથી જ કરવાના છે! આમાં કથિત સેક્યુલરિઝમની પીપૂડી કઈ રીતે વાગે? પંડિત જવાહરલાલે ભલે ગુસ્સામાં, પણ સાવ સાચું કહ્યું હતું કે ભારતીય નાગરિકની ચામડી તળે હિન્દુત્વ પડેલું છે! તેમણે પોતે પણ વસિયતનામામાં ગંગા તેમજ ભારતની નદીઓમાં અસ્થિ વહાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સ્પષ્ટ છે કે દરેક ભારતીયને માટે નદી દેવી છે, ગંગાષ્ટક, યમુનાષ્ટક, નમામિ દેવી નર્મદે તેનાં પ્રમાણો છે. અસમમાં ત્યાંની સાહિત્ય સભાના પ્રમુખે, ‘રેડિકલ હ્યુમેનિસ્ટ’ વિ. એમ. તારકુંડેની હાજરીમાં કહ્યું હતું કે અમે અહીં સ્નાન કરીએ ત્યારે તે જળને ગંગા માનીએ છીએ. અયોધ્યા - મથુરા - માયા - કાશી - કાંચી - અવંતિકાનો સાક્ષાત્કાર અનુભવીએ છીએ.

પણ રાહુલ વિશે એક ટીવી ચર્ચામાં મેં કહ્યું કે તેની આસ્થા જો ‘વોટ બેન્ક’ માટે ના હોય તો તેણે અમદાવાદની પ્રસિદ્ધ પારસી અગિયારીમાં અને ભરૂચ પાસેની કોઈ મસ્જિદમાં યે જવું જોઈએ. જો કચ્છ જાય તો લખપતના ગુરુદ્વારે માથું ટેકવવું જોઈએ અને પાલિતાણામાં જૈન તીર્થ સુધી જવું પડે. રાહુલને નવરાત્રિની નવ માતૃશક્તિની ખબર હશે? ગુજરાતમાં ચામુંડા, આરાસુરી, કાળી, ખોડિયાર, આશાપુરા એ બધાં સ્વરૂપો વિશે તેમના કોઈ ગુજરાતી નેતાએ માહિતી આપી હશે?

ભગવાન શંકરે પ્રાણહીન સતી પાર્વતીના દેહને ખભા પર લઈને ત્રિલોકમાં પૂણ્યપ્રકોપી નૃત્ય કરતા ભ્રમણ કર્યું, અને સૃષ્ટિ વિનાશ ન થાય એટલે ચતુર વિષ્ણુએ ચક્ર થકી સતીના શરીરના ટુકડા કર્યા તે દેહાંશ અને આભુષણ જ્યાં જમીન પર પડ્યા તે એકાવન સ્થાનો ‘શક્તિપીઠ’ તરીકે સ્થાપિત થયા હતાં. એક રીતે આ શક્તિપીઠો ભારતવર્ષના નકશાનો યે અંદાજ આપે છેઃ

પાકિસ્તાનમાં હિંગળાજ, બંગાળમાં બટનગર, વૃન્દાવન, કોલ્હાપુર, બારીસાલ (બાંગ્લાદેશ), ભવાનીપુર (બાંગ્લાદેશ), સિલહટ, કાશી, ગોદાવરી, નેપાળમાં મુક્તિનાથ, કન્યાકુમારી પાસે શુચીન્દ્રમ, જ્વાલામુખી (પંજાબ), લાભપુર (કટવા), નાશિક, સેંથિયા (કોલકતા), શ્રી શૈલ પર્વત, નલહાટી, મદ્રાસ, ગિરનાર, જાલંધર, ચિત્રકૂટ, વૈજનાથ ધામ, કન્યાકુમારી, સીતાકુંડ (બાંગ્લાદેશ), ઉજ્જૈન, પુષ્કર, માનસરોવર (તિબેટ), ઇશ્વરીપુર (બાંગ્લાદેશ), પુરી, કાંચી, અમરકંટક, ગુવાહાટી, પશુપતિનાથ (નેપાળ), શિલોંગ, પટણા, રાધાકિશોરપુર (ત્રિપુરા), તમલુક (બંગાળ), કુરુક્ષેત્ર, શ્રીલંકા, ક્ષીરગ્રામ, જયપુર પાસે ઉત્તર વૈરાટ, કોલકતાનું આદિકાલી મંદિર... આ તમામ શક્તિપીઠ છે.

શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ તેમજ અર્ધનારી નટેશ્વર આ તમામ શ્રદ્ધા પ્રતીકો છે. ત્રિપુરા રહસ્યમાં તો ૧૨ મુખ્ય દેવી-વિગ્રહનાં સ્થાનને ગણાવ્યાં છે. તેમાં કાંચીમાં કામાક્ષી, મલયગિરીમાં ભ્રામરી, કેરળમાં કુમારી, ગુજરાતમાં અંબા, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી, માલવામાં કાલિકા, પ્રયાગમાં લલિતા, વિંધ્યગિરિમાં વિન્ધ્યવાસિની... આટલાં શક્તિ સ્વરૂપો છે! વારાણસીમાં તેને વિશાલાક્ષી કહે છે, ગંગામાં મંગલાવતી તરીકે પૂજાય છે. નેપાળમાં ગુહ્યકેશ્વરી અને બંગાળમાં સુંદરી!

ગુજરાતમાં શક્તિપૂજાના ગરબા રચાયા. ગરબી આવી. આનંદ ભટ્ટનો ગરબો જગજાણીતો છે. જય અંબેની આરતી વિના કોઈ પણ નવરાત્રિનો પ્રારંભ થતો નથી. તેમાં જે નામો અને સ્થાનો દર્શાવ્યાં છે તેનું સંશોધન હજુ બાકી છે. ‘જય ઓમ, જય ઓમ, મા જગદમ્બે...!’થી જાણીતી ‘માતાજીની આરતી’ વલ્લભ ભટ્ટે વિક્રમ સંવત ૧૬૫૭ના રચી હતી તેવો તેમાં ઉલ્લેખ છે. તેમાં કરાયેલાં વર્ણન મુજબ આદ્ય શક્તિએ અખંડ બ્રહ્માંડનો ઝળહળાટ કર્યો, દ્વિતીયાનું શિવશક્તિ સ્વરૂપ ગણાયું. તૃતિયાનો વાસ ત્રિભુવનમાં, ત્રિવેણી રૂપે થયો. ચતુર્થી સચરાચર મહાલક્ષ્મીની. ચારભૂજા અને ચારે દિશા તેમજ ‘પ્રગટ્યાં દક્ષિણ’માં. પંચતત્ત્વ એ પાંચમની વિશેષતા. ષષ્ઠિ નારાયણીની, જેમ મહિષાસુરનો વધ કર્યો. સપ્તમી ‘સપ્ત પાતાળ, સાવિત્રી - સંધ્યા - ગૌ - ગંગા - ગાયત્રી - ગૌરી!’ અષ્ટમી આઠ ભૂજાવાળી માની, સુરવર મુનિવરનો સાક્ષાત્કાર કરનારી. નવદુર્ગા એટલે નવકુળ નાગ. દશમી અને વિજયાધારિણી, રાવણ-વિનાશનું નિમિત્ત. અગિયારસ માતા કાત્યાયનીની, કામદુર્ગા કાલિકાની, શ્યામાની, રામાની. તેરસે તુળજા ભવાની (શિવાજી મહારાજાનાં કુળદેવી). ચૌદશ ચંડી - ચામુંડા - સિંહવાહિનીની. પૂનમે કુંભ ભરાયો, વશિષ્ઠે જેના વખાણ કર્યા તે કવિતા!

આ આરતીમાં જ બે-ત્રણ નગરીનાં નામ આવે છે. ત્રંબાવટી, રૂપાવટી, મંછાવટી નગરી. ગુજરાતમાં તે નગરો ક્યાં વસ્યાં હશે? આ નામ – ગામો તો છે પણ ખરેખર કઈ જગ્યા? હમણાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ આરતી ગવાઈ ત્યારે મંચ પર મારી પાસે બેસેલા, એક ખ્યાત સ્થાનના સ્વામીને મેં પૂછયું કે આપ આ સ્થાનો વિશે કંઈ જાણો છો? તો અનેક જગ્યાએ આખ્યાન – વ્યાખ્યાન – સંદેશા અને દુરદર્શન ટીવી પર યોગવિદ્યાના વર્ગો લેનારા સ્વામીએ, જરીક મોં મચકોડીને માથું ધૂણાવ્યું! શક્તિ ઉપાસનાના સંશોધન વિનાનું અધ્યાત્મ હોઈ શકે?

ગુજરાતની શક્તિપૂજાનો નવરાત્રિની સાથે અને મેળાઓ સાથે અગાધ સંબંધ છે. આશાપુરા, અંબાજી, બહુચરાજી, ચામુંડાના મેળામાં ક્યારેક ભક્તિસાગરને માણવા જેવો છે. નવરાત્રિનાં સ્વરૂપે રાસ-ગરબીને અપનાવી લીધાં છે. શ્રીકૃષ્ણના સમયે ‘હલ્લિસક રાસ’ આવ્યો, દ્વારિકાથી તેની શરૂઆત થઈ. કૃષ્ણે ગોપીઓ સાથે ‘મહારાસ’ રચ્યો, ભગવાન શિવનું તાંડવ અને લાસ્ય બ્રહ્માંડના અસ્તિત્વને જોડે છે. આમ જુઓ તો, સમગ્ર બ્રહ્માંડ દરેક પળ રાસ-મહારાસમાં જ મગ્ન છે ને?

સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, પૃથ્વી અને ઇતર ગ્રહો, સમુદ્ર અને સરિતા, આકાશ અને જમીન... સઘળું એક લયમાં ગતિવાન છે. એટલે ‘રાસ’ એ વ્યક્તિની સમષ્ટિના એક જીવંત અંશની ઓળખ આપે છે. ‘બહુત નાચ્યો ગોપાલ’, કે દયારામની ‘શરદ પૂનમની રાતડી...’ કે મીરાંની ‘પગ ઘૂંઘરૂં બાંધ મીરા નાચી’ કે નરસિંહ મહેતાએ હાથમાં મશાલ લઈને નિહાળેલો શિવ-રાસ, આ બધું કંઈ ખાલી દંતકથાઓ નથી, મનુષ્યજીવનનાં સનાતન શાસ્ત્રનો સંકેત છે.

હવે તમે ક્યાંક નૃત્ય રાસ જુઓ કે દાંડિયો લઈને સામેલ થાઓ ત્યારે શક્તિ - ભક્તિ - શ્રદ્ધાનો આપણો સાંસ્કૃતિક અહેસાસ પણ અનુભવજો!


comments powered by Disqus