ચૂંટણીનો કોલાહલઃ હવે ઉમેદવારો પસંદ કરાશે એટલે...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 15th November 2017 09:49 EST
 
 

કોંગ્રેસને બે કાંખઘોડી (બૈશાખી) મળી ગઈ છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની. ત્રીજી આ પક્ષે અનામત રાખી તે જીગ્નેશ મેવાણીની છે. આંદોલનોનો ઇતિહાસ તપાસીએ એટલે ખબર પડી જાય કે આ પાણીના પરપોટા જેવા નેતાઓ છે. પોતાના સ્વાર્થ કે અહંકારના કારણે ભાજપને કોઈ પણ ભોગે ખેરવવા માટે બેઠા છે. હાર્દિક સૌરાષ્ટ્રના પટેલોની વચ્ચે પ્રયાસ કરશે. અલ્પેશ ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વચ્ચે જશે. જીગ્નેશને કેટલીક ધરાર એનજીઓનો ટેકો છે એટલે નિવેદનો ઠપકાર્યા કરશે.

કોંગ્રેસની આ સ્થિતિ દયાજનક ગણાય. એક જમાનામાં સરદાર વલ્લભભાઈ, ઢેબરભાઈ, ઠાકોરભાઈ દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, મોરારજીભાઈ દેસાઈ, ડો. જીવરાજ મહેતા જેવા ધૂરંધર નેતાઓને કોંગ્રેસને મજબુત બનાવીને પ્રજા સમગ્રમાં લોકપ્રિય કરી હતી તેની હાલત તો જુઓ! પક્ષની પાસે કોઈ સબળ નેતા જ નથી, કાર્યકર્તાઓ પાસે દિશાદર્શન નથી અને લોકોને ૨૨ વર્ષથી વિરોધ પક્ષે રહીને ય કશું ઉકાળી ન શકેલા પક્ષ માટે કોઈ ખાસ લાગણી તો ક્યાંથી હોય? અગાઉ ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા, જયંતિ દલાલ, એચ. એમ. પટેલ, સનત મહેતા, જશવંત મહેતા જેવા નેતાઓ વિપક્ષે હતા. તેના તરફ ગુજરાત આદરભાવથી જોતું હતું, અપેક્ષા રાખતું હતું. કોંગ્રેસના બધા જ નેતાઓ હવે ભૂતકાળનું ખંડિયેર અને વર્તમાનમાં નિષ્ફળ બનતા રહ્યા છે. હમણાં એક ટીવી ચેનલ ઝી-૨૪ કલાકના ‘ઇન્ટ્રોગેશન’ કાર્યક્રમમાં અર્જુન મોઢવાડિયાને અમે ચાર પત્રકારો પ્રશ્નો પૂછતા હતા. મોઢવાડિયા માહિતીનો આધાર લઈને જવાબો આપતા હતા. તેમની પાસે જલદ વિરોધની દલીલો પણ હતી. ગુજરાત કોંગ્રેસમાં તેમનું મહત્ત્વનું સ્થાન ખરું પણ જ્યારે એક પત્રકાર મિત્રે પૂછયું કે નવી સરકાર તમારી આવે તો મુખ્ય પ્રધાન બનશો? તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો અને રાબેતા મુજબ ‘સર્વોચ્ચ નેતાગીરી તેમજ ચૂંટાયેલા ધારાસભ્યો પસંદ કરશે’ એમ જણાવ્યું. કોંગ્રેસમાં નેતાઓ નથી તેવા એક વિધાનમાં તેમણે બાર નામો ગણાવ્યાં પણ તેમાં અપવાદરૂપ એકાદ સિવાય કોઈ સમગ્ર ગુજરાતમાં પ્રભાવી હોય તેવું નહોતું. અર્જુન મોઢવાડિયાને પણ આંતરિક ખેંચતાણના અનુભવો છે. છેક સૌરાષ્ટ્રના પોરબંદરનો એક મેર જ્ઞાતિનો ઉમેદવાર મુખ્ય પ્રધાન બને તેવું કોંગ્રેસમાં શક્ય ખરું? હા, માલદેવજી ઓડેદરા જરૂર અધ્યક્ષ બન્યા હતા અને હાલ બાબુભાઈ બોખિરિયા રાજ્યના એક પ્રધાન પણ છે. અર્જુનભાઈ માટે પોરબંદરની બેઠક મળે તો તે મોટી વાત ગણાશે.

કોંગ્રેસમાં ‘આ મારો, પેલો તમારો, તે ત્રીજાનો’ એવી ગણતરી થતી રહે છે. બાબુભાઈ મેઘજી શાહ રાજ્યમાં સફળ નાણાપ્રધાન અને દિલ્હીમાં સાંસદ રહી ચૂક્યા છે, હજુ કોંગ્રેસમાં છે પણ તેમને ‘શંકરસિંહ બાપુના’ માણસ તરીકે ટિકિટ જ ન અપાય તેવી પેરવી ચાલે છે. જોકે બાબુભાઈ શાહ હવે પૂર્વ ધારાસભ્યોના સંગઠનના પ્રમુખ છે. પૂર્વે શંકરલાલ ગુરુ હતા. તેમની ઇચ્છા તો ‘અલગ કચ્છ’ની માગણી ચલાવવાની છે પણ તેમાં કેટલા કચ્છીઓ ટેકો આપશે તે મોટો સવાલ છે.

‘મતબેંક’ની ગણતરી

ઉમેદવારોની યાદી આવે તો અંક છપાય ત્યાં સુધીમાં તૈયાર થઈ જશે. આંતરિક ખેંચતાણ તો બધે છે. એટલે અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે ઉમેદવાર જાહેર થઈ જાય તે પછી ‘કમળનો’ ઉમેદવાર હશે, બધાનો. પછી તેની ખિલાફ કશું જ નહીં. કોંગ્રેસમાં તો મોટો ડખો છે. ભરતસિંહ, શક્તિસિંહ, સિદ્ધાર્થ પટેલ, ચૌધરી... કેટલાં બધાંના પોતાના ઉમેદવારો છે, તેમાંથી જેની પસંદગી થાય તે ખરી. અધૂરામાં પૂરું, ઠાકોર-હાર્દિકના મુરતિયાઓ થનગનવા માંડ્યા છે. કોંગ્રેસે તેમને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી છે. પરંતુ સુરતથી સૌરાષ્ટ્ર જે પટેલ આગેવાનો માતબર સંસ્થાઓ સંભાળી રહ્યા છે તેમણે મદદ કરવાની ઘસીને ના પાડી દીધી છે.

ઠાકોર અલ્પેશ માત્ર ઠાકોરોનો નેતા છે, ઓબીસીમાં તો બીજી ૪૨થી ૮૨ જાતિ આવે છે તેમને તેનું નેતૃત્વ માન્ય નથી. આ પરિસ્થિતિની વચ્ચે પણ ભાજપને માટે મોટો પડકાર જરૂર છે, તેણે અતિ વિશ્વાસમાં રહ્યા વિના ચૂંટણી લડવી પડે તેવા સંજોગો ઊભા થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જરૂર છેલ્લા પખવાડિયામાં ઝંઝાવાતી પ્રચાર કરવા આવશે તે પહેલા પક્ષ પ્રમુખ અમિત શાહે ડેરો નાખ્યો છે. બીજા પ્રધાનો આવે તો છે પણ તેમનું મતદારને આકર્ષવાનું ખાસ ગજું નથી.

‘વાતાવરણ જામતું જાય છે’

હવેના દિવસો ચૂંટણી ઢંઢેરો, ઉમેદવારીપત્રક ભરવા તેમજ પાછા ખેંચવાના છે. તે દરમિયાન ‘ડોર ટુ ડોર’ પ્રચાર શરૂ થઈ ગયો. શહેરી વિસ્તારોમાં ‘બોલકા’ વાતાવરણનો વધુ પ્રભાવ છે. મીડિયાએ તો મારો ચલાવ્યો છે. રોજેરોજ ટીવી ચેનલો પર તરેહવારના અખતરા થાય છે. ચૂંટણી યાત્રામાં દરેક મતવિસ્તારમાં ‘જીવંત ચર્ચા’ માટે એંકરો પહોંચે છે, પણ ત્યાં જે શ્રોતાઓ ભાગીદાર બને છે તે બે-ત્રણ પક્ષના નક્કી લોકો જ હોય એટલે બૂમરાણ ચાલુ રહે છે.

એક ચેનલે ‘કૌન બનેગા મુખ્યમંત્રી’ કાર્યક્રમ શરૂ કર્યો તો બીજી ચેનલે માત્ર મહિલા એંકરોનો ‘ઓટલો’ અને ત્રીજી ચેનલમાં ‘ઇન્ટ્રોગેશન’. સામસામી મુલાકાતો પણ શરૂ થઈ. અખબારોમાં એકાદ-બે પાનાં ચૂંટણી વિષયક અહેવાલોથી છલકાય છે.

સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે, સાચું શું ને ખોટું શું એ નક્કી કરવું મુશ્કેલ છે અને તદ્દન અ-ભદ્ર, અશ્લીલ, અર્થહીન ટિપ્પણી પણ ઉભરાય છે. કેટલીક વાર તો નેતાઓના ફોટોનો મેળમિલાપ કરી દેવાય અને ઉતારી પાડે તેવાં લખાણો હોય. એટલું સારું છે કે દૂરદર્શન અને આકાશવાણી તેવી બાબતોથી દૂર છે, કારણ કે તેમનું મોનિટરિંગ અને આચારસંહિતા હજુ અસરકારક છે. દિલ્હીની ટીવી ચેનલો હવે ગુજરાત તરફ વધુ નજર રાખે છે.

ગુજરાતમાં શું થશે એની આતુરતા ચારેતરફ છે. ૧૦ અને ૧૧ નવેમ્બરે હું કેરળના એલેપ્પીમાં હતો. કોચિનથી ૯૦ કિલોમીટર દૂરના આ રળિયામણા બંદરગાહમાં ગુજરાતીઓની વસતિ જમાના જૂની છે એટલે ‘હેરિટેજ ગુજરાત’નો બે દિવસનો સરસ કાર્યક્રમ યોજાયો તેમાં કેરળ સરકારના ત્રણ પ્રધાનો પણ હાજર રહ્યા. ગુજરાત-કેરળના સાંસ્કૃતિક સંબંધો વિશેનાં મારાં વ્યાખ્યાન પછી કેરળ સરકારના નાણાં પ્રધાને અભિનંદન પછી મને પૂછયુંઃ ‘ગુજરાતની ચૂંટણીમાં શું થશે?’ મેં મજાકમાં જવાબ આપ્યોઃ તમે તો નહીં જ! (અર્થાત્ તેઓ સીપીએમના નેતા છે અને ગુજરાતની હાલની ચૂંટણીમાં સીપીએમનું કોઈ ખાસ અસ્તિત્વ નથી. હા, સુબોધ મહેતા જીવતા હોત તો ચે ગુવેરા જેવી કેપ પહેરીને ભાવનગરમાં જાહેર સભા જરૂર કરી હોત!)

સામ્યવાદીઓ ભલે ગુજરાતમાં કદી ધારાસભા-લોકસભામાં ન પહોંચી શક્યા હોય પણ એક સમયે તેમના નેતાઓ - વજુભાઈ શુકલ, સુબોધ મહેતા, દીનકર મહેતા, નીરુબેન પટેલ, હરુભાઈ મહેતા, મીઠાભાઈ પરસાણા વગેરે સભાઓ ગજવવામાં જાણીતા હતા! હવે તો સભાઓ જ મહત્ત્વની નથી રહી. હજુ પચાસ વર્ષ પહેલાં નગર-ગામના ચોકમાં પેટ્રોમેક્સ બત્તીના અજવાળે જાહેર સભાઓ થતી. લોકો બાર-એક વાગ્યા સુધી વક્તાઓને સાંભળતા, અને તેમનું મૂલ્યાંકન કરતા.

૨૦૧૭ની ચૂંટણીમાં નવા પ્રચારરંગ ભળ્યા છે.


comments powered by Disqus