ભગવતીકુમાર શર્માઃ સાહિત્યકાર પિતા વિશે સાહિત્યકાર પુત્રી...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 19th September 2017 08:18 EDT
 
 

સુરતનો મિજાજ લા-જવાબ છે. રોજિંદા જીવનમાં રંગપુરણી કરતા સુરતી લાલાઓએ તો રાષ્ટ્રીય ઇતિહાસ સર્જ્યો છે તેની ખબર તેમને ય કદાચ નથી. ૧૬ સપ્ટેમ્બરે ભગવતીકુમાર શર્માને ગુજરાત સાહિત્ય અકાદમીનું સર્વોચ્ચ સન્માન ‘સાહિત્ય રત્ન’ અર્પિત કરવાનું નિમિત્ત હતું. છેલ્લાં કેટલાક વર્ષોથી ભગવતીભાઈની આંખો ગઈ છે. શરીર પર કષ્ટનો પડછાયો છે. ઘરની બહાર જઈ શકતા નથી. એકાંતિક ગમગીનીમાં તેમનો સહારો ‘શબ્દ’ છે. આજે પણ ‘ગુજરાત મિત્ર’માં કોલમ લખે છે. ચાળીસેક વર્ષ સળંગ તંત્રીલેખો લખ્યા, કોલમ લખી, અહેવાલો સુધાર્યા, મથાળાં આપ્યાં, હાસ્યસ્તંભ પણ રોજેરોજ લખ્યો; નિરંતર પત્રકારત્વની સાથે સાહિત્ય સર્જન પણ એટલી જ ઊંચાઈનું. ‘ઉર્ધ્વમૂલ’ તેમની ઉત્કૃષ્ટ નવલકથા. ‘અસૂર્યલોક’ પણ એ જ સ્તરની. ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ તેમની આત્મકથા. ગઝલ, કવિતા, વાર્તા, નિબંધ... દરેક સ્વરૂપને આકાર આપ્યો. સાહિત્ય પરિષદના અધ્યક્ષ બન્યા. રાષ્ટ્રીય-પ્રાદેશિક અકાદમી અને સાહિત્યસંસ્થાઓનાં પારિતોષિકો મેળવ્યાં.

ભગવતીકુમાર બંધ આંખે વિશ્યને નિહાળી રહ્યા છે. સન્માન તો ઘરે જઈને કરવાનું ગોઠવ્યું હતું પણ છેલ્લા બે દિવસથી હીમોગ્લોબિન ઘટી જતાં હોસ્પિટલે ખસેડવા પડ્યા. ‘મોહમ્મદ પર્વત પાસે ન જાય તો પર્વત મોહમ્મદ પાસે આવશે.’ અમે હોસ્પિટલે ગયા. સોળમીની બપોરે, પુત્ર – પુત્રી - પુત્રવધૂ - પૌત્રીઓની દેખરેખ હેઠળ કવિ પથારીમાં સૂતા હતા. એક હાથ પર હીમોગ્લોબિન માટેની નળી બાંધેલી હતી. દૂબળા - પાતળા ભગવતીભાઈના ચહેરા પર ‘સુંદર શાંતિ’ હતી. ન દુઃખ, ન સુખ – ભીતરમાં જ તેમની દુનિયા. બંધ આંખે સાંભળ્યું અને મારા હાથમાં હાથ મૂક્યો. સ્વસ્થ અવાજે પૂછપરછ કરી. જૂના દિવસો યાદ કર્યા. ‘મીસાવાસ’ હેઠળના મારા જેલવાસ દરમિયાનનું લખાયેલું પોસ્ટકાર્ડ પણ તેમને યાદ હતું! પછી સન્માન પત્ર, ધનરાશિનો ચેક, શાલ... અને કહેઃ મારે બોલવું છે! રીમા (તેમની પુત્રી) એ પછીથી મને કહ્યુંઃ આ બે દિવસોમાં પહેલી વાર આટલું બોલ્યા! જે બોલ્યા તે એક પત્રકાર-સર્જક જીવનની મીતાક્ષરી હતી. તેમણે કહ્યું, ‘મેં તો માત્ર શબ્દ આપ્યો, તમે અઢળક પ્રેમ આપ્યો છે...’ હું નિહાળી રહ્યો હતો તેમને.

૧૯૬૭-૬૮ના દિવસોમાં ભગવતીકુમાર છેક સુરતથી અમદાવાદ વિધાનસભા સત્રનું અખબાર માટેનું ‘રિપોર્ટિંગ’ કરવા આવતા! ‘સાધના’ના તંત્રીની યે એ જ હાલત! હું પણ અહેવાલ માટે જતો. અમે બન્ને તત્કાલીન રાજકારણની ચર્ચા કરતા, ધારાસભ્યો - પ્રધાનો - સ્પીકરને મળતા. મુખ્ય પ્રધાનની પત્રકાર પરિષદમાં જતા... અને બહાર આવીને બસમાં ‘સાધના’ તરફ જતાં સાહિત્ય ચર્ચા કરતાં... સલાપોસ રોડ પરની મનસુરી બિલ્ડિંગના પહેલા માળે, ભાંગીતૂટી સીડી પરથી એક અંધારિયા ઓરડાનાં કાર્યાલયમાં બેસીએ. નીચે રાધનપુરના એક બ્રાહ્મણની હોટેલ હતી ત્યાંથી ચા મંગાવીએ, અને તેની ચુસકી લેતાં ભગવતીભાઈ પોતાના અખબાર માટે તે દિવસનો અહેવાલ લખી નાખે, પછી સુરત જવાની ગાડી પકડે.

સુરતના મિત્રોએ કહ્યું કે ભગવતીભાઈની સર્જકતા-પત્રકારિતાને પોંખવા તમે સૌ છેક હોસ્પિટલે આવો એ આ નગરની ઐતિહાસિક ઘટના છે. સુરતે ગાંધીપૂર્વે સત્યાગ્રહો કર્યા હતા, વેપારીઓએ હડતાળ પાડી હતી, ૧૮૫૭માં મણિલાલ શાયરે આગ જેવી કવિતા લખી હતી, ગદર ચળવળમાં સુરતના કાસિમ ઇસ્માઇલ મનસૂરને ફાંસી મળી હતી, કોંગ્રેસ અધિવેશનમાં અહીં જહાલ-મવાળ વિભાજન સ્પષ્ટ થયું હતું, નર્મદ-કરસનદાસે સામાજિક પરિવર્તનનો બુંગિયો ફૂંક્યો હતો, ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘ગુજરાતી’ અખબાર દ્વારા રાજકીય ચેતનાનો પ્રારંભ કર્યો હતો... આ ઘટનાઓની વાત સાંજે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં મેં થોડા સમયમાં કરી. એંકર એટલી ઉત્સાહી હતી કે કાર્યક્રમનો ઘણો ખરો ભાગ તેમણે જ લઈ લીધો!

પરંતુ આ કાર્યક્રમનું કેન્દ્ર રહ્યું ભગવતીકુમારના પુત્રી રીના મહેતાનું ટૂંકું પણ હૃદયસ્પર્શી વક્તવ્ય. રીમા પોતે પણ સાહિત્ય સર્જન કરે છે, સાંભળો, સાહિત્યિક પુત્રીએ સાહિત્યિક પિતા વિશે કહેલી વાત...

•••

આજના આ શબ્દ – મંગલ – પર્વ પ્રસંગે મને આનંદ અને પીડા બન્ને એક સાથે અનુભવાય છે. એમની સુદીર્ઘ જીવનયાત્રા અને સાહિત્યયાત્રા બન્ને પૂર્ણતયા એકરૂપ બની ગઈ છે ત્યારે અકાદમી એમને ‘સાહિત્ય રત્ન’ પુરસ્કારથી નવાજે છે તેનો હૈયે અદકેરો આનંદ છે. પરંતુ તેમના વતી આ પ્રતિભાવ મારે આપવો પડે છે, તેઓ લખાવી પણ ન શકે એટલા અશક્ત બની ગયા છે તેની પીડા છે. તેઓ માત્ર અમારા ત્રણ ભાઈ-બહેનના જ નહિ, પણ અહીં બેઠેલા લગભગ તમામના પિતાતુલ્ય છે કેમ કે સાહિત્ય અને કલાની કેટલીયે પેઢીઓ તેમના છાંયડામાં ઉછરી અને વિસ્તરી છે.

આજે આપણે સૌ એમને અને એમના શબ્દને વધાવવા ઉલટભેર ભેગાં થયા છીએ ત્યારે આટલે દૂરથી પણ પથારીમાં સૂતેલા જાતે પડખું યે ન ફેરવી શકતા - છતાં આ બધું સરવા કાને સાંભળતા એ મને સ્પષ્ટ દેખાય છે. કેમ કે હજી એમના પ્રત્યેક શ્વાસમાં પ્રાણવાયુ સાથે શબ્દની પણ આવ-જા ચાલુ જ છે. એમની જીવનયાત્રા લાંબા સમયથી ભલે થોડા જ ક્ષેત્રફળમાં સીમિત થઈ ગઈ છે, પણ અહીં હું જોઉં છું કે એમની શબ્દયાત્રા તો અસીમ, સ્થળ-કાળની પાર પહોંચી છે. જ્યારે કોઈ વ્યક્તિ વિશાળ ફલક પર સાતત્યપૂર્ણ રીતે આવું સર્જન કાર્ય કરે ત્યારે તે સમગ્ર સાથે તેનો તંતુ જોડી દે છે.

કેટલી બધી બાબતો ભેગી થાય ત્યારે કોઈ એક જણ કવિ થાય છે. એક વ્યક્તિને કવિ બનાવવા માટે સમગ્ર અસ્તિત્વ ગૂઢ - રહસ્યમય રીતે કંઈ કેટલુંયે કરતું રહે છે. એક નાનું શું તણખલું હવામાં એનું માથું હલાવે એવી ઝીણકી ઘટનાથીય કોઈ કવિ થાય છે. નદી યુગોથી વહેતી હોય છે, પણ એની ચમકતી સપાટી કોઈની આંખમાં તગતગે ને કોઈ કવિ થાય છે! દૂરનું આકાશ તમને ભેટવા સદાય ઝૂકેલું હોય છે, તમે હાથ ઊંચા કરી લંબાવો ને કવિ થાવ છો. ઘટનાઓ – કથાઓ જીવનના તાણાંવાણાં ગૂંથતી રહે છે, કોઈ એ વણાટ સાક્ષીભાવે જુએ ને લેખક થાય છે.

સમજણ ફૂટી ત્યારથી મેં એમને કેવળ ને કેવળ લખતા જોયા છે. અસ્તિત્વની અવિરત રચાતી કવિતાનો અવિરત ધબકાર ઝીલી તેમણે લખ્યું છે. બહાર ગમે તેટલો ઘોંઘાટ હોય, ભીતર સદા એક બિંદુએ સમેટાઈને તેમણે લખ્યું છે. કરપીણ સન્નાટાનેય કલમમાં ભરીને લખ્યું છે. પૂર હોય કે દુકાળ, વરસાદ હોય કે બળબળતો તાપ, ધરતીકંપ હોય કે અંગત ઝંઝાવાતો, માતા-પિતા કે પત્નીની ચિરવિદાય હોય કે કોઈ ધન્યતાની ક્ષણ - જીવનની દરેક બાબતમાં તેઓ શબ્દ પાસે ગયા છે. જીવનના દરેક વિરોધાભાસનું સમાધાન શબ્દમાં શોધ્યું છે.

ક્યારેક કોઈ કામસર એમના પુસ્તકો લઈને કે હસ્તપ્રતો લઈને બેસું તો થોડી વાર તો આશ્ચર્યમાં જ ડૂબી જાઉં છું. એક માણસ એક જિંદગીમાં આટલું બધું લખી શકે? તે ય હંમેશા હાથે, જાતે મઠારી-મઠારીને... આંખો અક્ષર તો શું કાગળ કે કલમ પણ ન જોઈ શકે તો ય તેમણે લખ્યા કર્યું. પેનની સાહી ખૂટી ગયાની ખબરે ન પડે ને પાનાઓ ખાલી લખ્યે જાય પછી કોઈ જુએ ને કહેઃ ‘અરે! આ પાના તો કોરાં છે, કંઈ જ નથી લખાયું!’ સહેજે કંટાળ્યા વિના પેનમાં સાહી ભરાવી ફરી બધું લખે. ક્યારેક લખેલા પાના પર બધું લખી દે ને ફરી એકડે એકથી શરૂ કરે... લખી - લખીને જાણે એ શબ્દવૃક્ષ બની છે.

લખાયું લખાયું લખાયું બધું;

જીવાયું જીવાયું જીવાયું બધું.

નથી ટાંકણા કે હથોડી કશું;

છતાં કાળજે કોતરાયું બધું.

ને જુઓ તો ખરાં કે વર્ષોથી એમણે સૂર્યને, સૂર્યોદય કે સૂર્યાસ્તને, આકાશ, પંખી કે વરસાદના ફોરાંને, અરે! અમારા ઘરના ચોથી પેઢીના નવજાત બાળકોના ચહેરાનેય આંખથી જોયા નથી ને છતાં જાણે કે શબ્દની આંખે બધું આરપાર જોયું છે એ કેવો તો ચમત્કાર! શબ્દ જાણે એમની છઠ્ઠી ઇન્દ્રિય બની ગયો!

ખડિયો ભૂરી સાહીથી ભરિયો,

મારે મન શબ્દોનો દરિયો.

એમની ભીતર શબ્દોનો દરિયો સંવેદનાઓની ભૂરી સાહીથી નિરંતર ઉછળતો રહ્યો છે.

કલ્પતરુની ડાળ શી કલમે

શબ્દ ઓળખ્યો મેં સાકરિયો!

વિષાદ અને વ્યથાના આ સર્જક જ્યાં શબ્દની અનન્ય શરણાગતિ પામે છે ત્યારે તેમના હૃદયમાં મંગલનો આવિર્ભાવ થતો જણાય છે ને આ મંગલ જ તેમની કલમે સાકરિયા શબ્દ ઝરાવે છે.

એકલતા, વિષાદ કે ઝૂરાપાનું તેલ સીંચીને આ સર્જકે શબ્દનો દીવો ભીતર સતત પ્રજ્વલિત રાખ્યો છે. પીડામાંથી પ્રકાશમાં રૂપાંતરિત થયેલી શબ્દજ્યોતના ઉજાસમાં આપણે ઊભા છીએ.

ઝાંખો-પાંખો કે ઊજળો દીવો;

જેવો છે તેવો આપણો દીવો.

એકલો ટમટમી રહ્યો ખૂણે;

કોઈ ધ્યાનસ્થ યોગી શો દીવો.

જે કંઈ હૃદયથી ઊર્મિરૂપે ઝરે છે તે શબ્દસ્વરૂપ પામી અન્યો સુધી સુવાસ માફક પ્રસરે છે. ઊર્મિઓનું પુષ્પીકરણ કરી તેઓ સાચે જ ‘શબ્દોના અત્તરિયા’ બન્યા છે.

સુગંધની હું લ્હાણ કરું છું;

હું છું શબ્દોનો અત્તરિયો.

દુર્બળ દેહ અને નબળી આંખોના અવરોધને અતિક્રમીને ‘સાહિત્યરત્ન’ બની તેઓ આપણ સૌ માટે ઉજ્જવલ ઉદાહરણરૂપ બન્યા છે.

સૌ પ્રથમ પરમાત્માનો આભાર માનું કે જેણે આપણી વચ્ચે આવી એક ઉચ્ચ પ્રતિભાને પાંગરવા દીધી. એ ક્ષણોનો આભાર માનું કે મારા દાદી હીરાગૌરીએ હેતના હાલરડાં ગાઈ એમનામાં લય સીંચ્યો, દાદા હરગોવિંદ શર્માએ સામવેદી મંત્રોનું ગાન એમના હોવાપણાંમાં ભરી દીધું. આભાર મારી સાત જ ચોપડી ભણેલી બા જસુમતી ઉર્ફે જ્યોતિબહેનના અનન્ય સમર્પણભાવનો કે જેણે એમની શબ્દજ્યોતિને અનેક ઝંઝાવાતોમાંયે હોલવાવા ન દીધી. આભાર એ અનંત પીડાઓ અને અસીમ ઝૂરાપાનોય જેણે પ્રજ્વળી-પ્રજ્વળીને કવિતા કે કથાનું રૂપ ધર્યું. આભાર એ અગાસીની એકલવાયી ઉદાસ ક્ષણોનો કે જેણે સાંજને રમ્ય ડૂસકે ચઢવા દીધી. આભાર એ સમયદ્વીપનો જ્યાં એમની સાથે આપણે પણ ઊભા. આભાર એ શિયાળુ સાંજની સગડીનો જેમાં તૈયાર થતાં સૂરતી ઉંધિયાની સુગંધ આપણા સૌની હયાતીમાં રવરવી ગઈ, આભાર અઢી અક્ષરના એ ચોમાસાનો જેમાં હરિવર સાક્ષાત નભથી ઊતરી આવ્યા. આભાર એ બે નબળી આંખોનો પણ માનું કે જે નબળી રહીને ભીતરની આંખોને શબ્દોની પાંખો સુધી દોરવી ગઈ... આભાર એ અસૂર્યલોકનો જે શબ્દના સૂર્યલોક સુધી લઈ ગયો.

અહીં ધ્યાનથી જુઓ કે - જીવનની કેટલી વિપરીત બાબતો યોગ, શબ્દયોગ બની જઈ શકે છે. કુદરત જે કંઈ અવરોધ મૂકે છે તે જ તમારી સીડી પણ બની શકે છે.

હમણાં છેલ્લાં કેટલાય દિવસોથી એમની શારીરિક પીડા જોઈ મનેય ખૂબ પીડા થતી રહી ને એ પીડામાં જ મેં પ્રથમ વાર જ આટલી બધી પ્રગાઢપણે અનુભવી અમારી અભિન્નતા. એવી અભિન્નતા કે - જો એને બરાબર પામીને જીવીએ તો અસ્તિત્વનું આ પરમ સત્ય સમજાય, કે કોઈ મૃત્યુ પામે ત્યારે આપણે પણ થોડું મરતા હોઈએ છીએ ને કોઈ જન્મે ત્યારે આપણે પણ જન્મતા હોઈએ છીએ. સર્જક અભિન્નતા પામીને જ, તેનું સર્જનકાર્ય કરી શકે છે. આ વિશ્વના સર્જકનું અનંત સર્જન ચાલ્યા કરે છે. પ્રત્યેક પળ અસ્તિત્વ અનંત કવિતા રચે છે. કળી ખીલે, પવન વહે, મા સ્તનપાન કરાવે, ગૃહિણી ટપ-ટપ રોટલો ઘડે, સુથાર ઠક-ઠક ઠોકી કંઈક બનાવે, ઘાસિયલ મેદાનમાં કોઈ હળવી વાયુ જેવી દોટ મૂકે, તળાવના પાણીમાં સૂકું પાંદડું મૂંગૂં મૂંગૂં તર્યાં કરે... આ અને આવી, કે કાંઈ પણ બાબતમાં સર્જક એકરૂપ થઈ અભિન્નતા પામે ને તેના પ્રતિભાવરૂપે કાવ્ય કે કથા રચે.

લેખન કે કોઈ પણ સર્જનાત્મક ક્રિયા એ આ વિરાટ, રહસ્યમય અસ્તિત્વ પરત્વે લેખક કે કલાકારોનો સ્વયં ધન્યવાદરૂપી પ્રતિભાવ જ છે, એટલું કહીને હું નત મસ્તકે મા સરસ્વતીને ચરણે હાથ જોડી એમનું સમગ્ર સાહિત્ય અર્પણ કરીને વિરમીશ.


comments powered by Disqus