ચૂંટણીનાં વાદળ ‘ગોરંભાયા’ એમ કહીએ તો વધારે પડતી સાહિત્યિક વેવલાઈ ગણાશે, પણ ચારેતરફ હવે માત્ર અને માત્ર ચૂંટણીની ગતિવિધિ જ શરૂ થઈ ગઈ છે એ વાસ્તવિકતા છે. દીપોત્સવી અને નવા વર્ષના તહેવારોમાં ય તેનો રંગ જોવા મળ્યો. જુઓને, વડા પ્રધાન ધનતેરસે ગુજરાતમાં હતા અને ચૂંટણીનો માહોલ જામ્યો છે એટલે વારંવાર આવતા રહેશે. આવવું જ જોઈએ; કેમ કે ગુજરાતમાં ૧૯૯૫થી ભાજપે - ૧૯૫૨થી શરૂ કરેલી મહેનત અને મથામણ પછી - સત્તાનું આરોહણ કર્યું તે હજુ જાળવવાનું છે. વ્યવસ્થિત રીતે જાળવવાનું છે. ભાજપનાં પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ સક્રિય દેખાતાં થયાં તે ભાજપની રણનીતિનો ભાગ છે.
હાર્દિક-કોંગ્રેસ ભેગા મળીને કોઈ નવો પટેલ ચહેરો પ્રચાર જંગ સમયે લાવે તેવી હવા છે. ખોડલધામ સંભળાતા નરેશ પટેલથી માંડીને અમરેલીના વાઘાણી સુધીનાં નામો ચર્ચાય છે. પણ મૂળમાં મૂળચંદની મુશ્કેલી એવી છે કે બીજા નેતાઓ તેને સ્વીકારવા તૈયાર નથી અને માધવસિંહ સોલંકીએ ‘ખામ’ થિયરી દ્વારા પટેલોને હાંસિયામાં ધકેલી દીધા હતા. એ બે બાબતો કોંગ્રેસને પોતાને જ રણનીતિમાં ફેરફાર ન કરવા તરફ દોરે છે. પરંતુ આના સંજોગોમાં - જ્યારે ભાજપની પાસે કેશુભાઈ જેવો ખમતીધર પટેલ નેતા નથી; બીમાર હોવાથી વધુ સક્રિય પણ નહીં થઈ શકે તેવા સંજોગોમાં આનંદીબહેન બે રીતે ઉપયોગી થાય. એક પાટીદાર તરીકે અને બીજું મહિલા આગેવાન તરીકે. તેમણે ‘હું ચૂંટણી નહીં લડું’ અને ‘આજીવન પક્ષનું કામ કરતી રહીશ’ એવાં બે સૂચક વિધાન કરીને ભાજપ એક પક્ષ તરીકે શું વિચારી રહ્યો છે તેનો અંદાજ આપે છે.
દરમિયાન પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચીને અને સવર્ણ અનામત માટે પંચની રચના કરવી એવા બે નિર્ણયો લેવાયા, કપાસ અને ઘઉંના ટેકાના ભાવ જાહેર કરાયા એ આંદોલનકારીઓને બિનઅસરકારક કરતી ઘટનાઓ છે.
ભાજપના પડકારો
છતાં ભાજપની સામે પડકાર તો છે જ. આટલાં લાંબા સમય સુધી કોઈ પક્ષ શાસન કરે એટલે ‘એન્ટી ઇન્કમ્બન્સી’ની આછી-પાતળી હવા તો આવે જ. ભાજપે તેવાં બાકોરાં પૂરવા માટે ભરચક પ્રયત્નો કરવો પડશે. ખાસ કરીને જે ઉમેદવારોને ઊભા રાખવાના છે. તેમાં તેણે ધ્યાન રાખવું પડશે. કોંગ્રેસે રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા તો ખરા પણ તેમની પાસે પ્રચારનો નકશો હોય તેવું જણાતું નથી. રાહુલની ‘સ્ક્રિપ્ટ’ તૈયાર કરનારાઓને લીધે માહિતી વિનાના વિધાનો કરવામાં રાહુલ આગળ છે. તેણે કહ્યું છે કે અહીં પાણી નથી મળતું. વળી, એવું પણ કહ્યું કે આરઆરએસમાં મહિલાઓને જવાની મનાઈ છે. ‘કોઈ ચડ્ડીધારી સ્વયંસેવિકા દેખાય છે ખરી?’ આવો સવાલ પૂછીને રાહુલ કટાક્ષ કરવા માગતા હતા પણ આ તો બૂમરેંગ પુરવાર થયું! ખાસ કરીને ‘ચડ્ડીધારી મહિલાઓ’ શબ્દનો ઉહાપોહ થયો. આધુનિક રાહુલને માટે ટૂંકા વસ્ત્રધારિણીઓ નજરમાં હોય એ સ્વાભાવિક છે પણ આરએસએસની સાથે જોડીને તેણે મધપૂડો છંછેડ્યો. મહિલાઓ વિરોધ માટે મેદાનમાં આવી ગઈ છે. આરએસએસ જેવી જ તેની મહિલા સંગઠના રાષ્ટ્ર સેવિકા સમિતિ વર્ષોથી - ૧૯૩૬થી - કામ કરે છે. એટલે આરએસએસમાં મહિલાઓના પ્રવેશનો સવાલ જ પેદા થતો નથી એટલી સામાન્ય સમજ રાહુલમાં નહીં હોય? આવા છબરડાઓ વાળે તેવો નેતા થોડાક મહિના પછી ભવ્ય ભૂતકાળ ધરાવતી કોંગ્રેસનો પ્રમુખ થશે એવા અહેવાલોથી ધૂમકેતુની હીરો શિલ્પી વાર્તામાં શાસ્ત્રીજી બોલ્યા તે વાક્ય જ યાદ આવેઃ ‘પડે છે ત્યારે સઘળું પડે છે!’
ખેંચતાણ અને ધમાસાણ
ચૂંટણીનું ધમાસાણ આ વખતે ‘બાર ભાયા અને તેર ચોકા’ જેવું લાગે છે. પણ બધા કોઈને કોઈ રીતે - પ્રત્યક્ષ કે પરોક્ષ એકાદ મોટા પક્ષની સાથે સાંઠગાંઠ કરી ચૂક્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આજકાલ રાજકીય પંડિતોમાં ‘ત્રણ યુવાન નેતા’ઓનાં નામોની ભારે ખપત છે તે અલ્પેશ-હાર્દિક-જિગ્નેશ વિશે જરીક જ ઊંડાણથી રાજકીય તરંગો તપાસીએ તો લાગશે કે આમાંના કોઈમાં રાજકીય પરિવર્તનની શક્તિ નથી. તેઓ બહુ બહુ તો ‘ન્યૂસન્સ વેલ્યુ’ સાબિત થઈ શકે. કોંગ્રેસને તો એટલામાં યે ખુશી છે,પરંતુ છેલ્લું ચિત્ર ચૂંટણીના મતદાન પૂર્વે અઠવાડિયે જ દેખાય તે પરિણામકારી હશે. તે પહેલાં તો ઘણા કોઠા વીંધવાના છે.
મુખ્ય તો ઉમેદવારોની પસંદગીનો મુદ્દો રહેશે. ભાજપ સહિત સર્વ પક્ષોમાં - મુખ્યત્વે કોંગ્રેસમાં - ભારે ખેંચતાણ છે. કોંગ્રેસમાં ચાર-પાંચ જૂથ છે તેના ઉમેદવારોની વચ્ચે ઘર્ષણ છે. શંકરસિંહ વાઘેલા અને ‘જનવિકલ્પ’થી કોંગ્રેસમાં બહાવરાપણું શરૂ થઈ ગયું. બાપુના સમર્થકો કોંગ્રેસના જહાજમાં એક વધુ બાકોરું પાડે તેવું બધાંને લાગે છે. બાપુ પણ ઘવાયેલો વનરાજ છે. તેણે નવા લોકોને સાથે લઈને, જૂના લોકોને આવકારીને જનવિકલ્પનો માંડવો બાંધ્યો છે.
જોકે ‘જન’ શબ્દ સાથે અત્યાર સુધીમાં ઘણા નાગરિક સંગઠનો સક્રિય થતા રહ્યા અને ભૂંસાયાં. આવો અતીત જોતાં બાપુનો જનવિકલ્પ કોઈ મોટી ફતેહ મેળવે તેવું લાગતું નથી. પણ જનવિકલ્પ એ કંઈ અગાઉના લોકશાહી સંગઠન કે એવા નામધારી સંગઠનોના નિરર્થક પગલે નહીં ચાલે. ડહાપણપૂર્વક તેમણે પોતાના સોગઠાં ગોઠવ્યા છે. લગભગ ૧૭ રાજકીય પક્ષો વત્તા અપક્ષો આ વખતે નસીબ અજમાવશે. નવેમ્બર અને અરધો ઓક્ટોબર આવા ગજગ્રાહી માહૌલના અનેક દૃશ્યો દેખાડશે. એક પક્ષમાંથી બીજા પક્ષમાં જનારા - ફરી પાછા ફરનારાની કતાર લાગશે.
રાજનેતાઓએ ચૂંટણી-પ્રચાર-પ્રવાસનો તખતો ગોઠવી લીધો છે. ભાજપ પાસે અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો સહિત કેન્દ્રીય પ્રધાનોનો મોટો કાફલો છે. પાર્ટીના સંગઠન નેતાઓ પણ આવશે. એક વાર સત્તા આવતાં પૂર્વ નગરપાલિકાઓની ચૂંટણી જીતવા માટે પક્ષના સંગઠન-નેતા (અને પછીથી રાષ્ટ્રીય પ્રમુખ) કુશાભાઉ ઠાકરેએ બરાબર એક મહિના સુધી ગોલવાડ સ્થિત જનસંઘ કાર્યાલયમાં ડેરાતંબુ નાખ્યા હતા. આ પક્ષની મહત્તા જ એમાં છે કે તેની સંગઠન કુશળતા યથાવત્ છે! કોંગ્રેસ પાસે ‘ઝળહળતાં’ નેતા બે રાહુલ અને શ્રીમતી સોનિયા ગાંધી. સોનિયાજીની તબિયત ઠીક નથી રહેતી એટલે ગુજરાતને ‘મૌત કે સૌદાગર’ જેવા શબ્દો સાંભળવા નહીં મળે! પણ રાહુલ તો છે ને? જોઈએ, એ કેવો રંગ લાવે છે.
ગણતરીબાજ મતદાર
ગુજરાતનો મતદાર શાણો છે. ગણતરીથી ચાલે છે. સારુંનરસું તે જોઈ શકે છે. હવે નાત-જાત-કોમના આધારે ચાલતો નથી. આ ચૂંટણી જો જાતિવાદની કમર તોડી નાખે તો તે લોકશાહીનું પુખ્ત વલણ સાબિત થયું ગણાશે. હા, ‘હિંદુત્વ’ની અસરો તો રહેવાની જ, પણ ૧૯૯૫ જેવી નહીં. અયોધ્યા પ્રશ્ન એટલો અસરકાર નથી પણ સમગ્રપણે એક તીવ્ર લાગણી તો રહેવાની જ. રાહુલનો પ્રચાર સભાઓની વચ્ચે ધાર્મિક સ્થાનોએ ‘દર્શન’ કરવા જવાનો કાર્યક્રમ રહ્યો તેને કેટલાક પંડિતો ‘સોફ્ટ હિન્દુત્વ’ અપનાવ્યાની વાત ગણશે. પણ હિન્દુત્વ સોફ્ટ કે હાર્ડ એ પ્રશ્ન જ હવે અસ્થાને છે. હિન્દુત્વ એટલે હિન્દુત્વ. ઇસ્લામિક રાજ્ય બનાવવાની દુનિયાભરની જેહાદ સામે હવે તો ઈસાઈ, યહુદી અને બોદ્ધો પણ જાગ્યા છે. હિન્દુત્વે તો આક્રમણો વર્ષોથી સહન કર્યા અને અત્યારે પડોશી પાકિસ્તાન એવી જ પ્રવૃત્તિનો અડ્ડો બની ગયું છે.
પાકિસ્તાનની રચના ન થઈ હોત તો કાશ્મીર પ્રશ્ન પણ ઊભો ન થયો હોત એ કડવી વાસ્તવિકતા છે. કોંગ્રેસ પણ અંદરખાને આવું બધું સમજે છે. ભૂતકાળમાં લઘુમતીનું તૃષ્ટિકરણ તેને લાંબા સમયથી નડતું આવ્યું છે તેનો અહેસાસ કોંગ્રેસને પણ હશે. હિન્દુત્વ એક ધર્મ તરીકે નહીં પણ ભારતીય રાષ્ટ્રની સુરક્ષા સંદર્ભે જોવામાં આવે તો ‘ભારતીયતા’ તરીકે ઓળખી શકાય. આ મંથનો ચૂંટણી દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેખાતાં રહેશે.