વિધાનસભા ચૂંટણી મજબૂત ગુજરાતની ‘બ્લ્યુ પ્રિન્ટ’ પર આધારિત રહેશે...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Sunday 03rd September 2017 06:38 EDT
 
 

ગુજરાતી રાજકારણમાં ભરચોમાસે પણ ગરમ હવાનો અનુભવ કરતી ઘટનાઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ. કારણ સાફ છે. ઇસવી સન ૨૦૧૭ના અંત સુધીમાં તો - બીજી કોઈ આકસ્મિક ઘટના ન બને અને ચૂંટણી મુલતવી રાખવી ના પડે તો - ગુજરાતમાં નવી વિધાનસભા, નવી સરકાર, નવું પ્રધાનમંડળ... આ દૃશ્યની કલ્પનાએ રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ કરી દીધો. હવે તમે ભાજપ કે કોંગ્રેસના કાર્યાલયોમાં જાઓ તો દરેકના ચહેરા પર ઉત્તેજના ન દેખાય તો જ નવાઈ! ભાજપનું મોટું કાર્યાલય ગાંધીનગરના રસ્તે ‘શ્રી કમલમ્’ છે, નાનું જે.પી. ચોકમાં કાર્યરત છે. ઉપરાંત પક્ષના ધારાસભ્યો, સાંસદો, મંડળોનાં યે ખરાં. ભાજપનું ‘શ્રીકમલમ્’ પોતે જ આ પક્ષની ગતિનો પૂરેપૂરો અંદાજ આપે છે.

૧૯૫૨ પછી ભારતીય જનસંઘ સ્થપાયો ત્યારે માણેક ચોકની પોલીસ ચોકીની બરાબર સામે નીચે દુકાનો અને ઉપર ઓફિસો કે ગોદામોની ઈમારત હતી. અદ્દલ જૂનીપુરાણી. નીચેથી ઉપર જવું હોય તો સીધી લાકડાની સીડી સાથે મજબૂત દોરડું બાંધેલું હોય, તે પકડીને પંદર-વીસ પગથિયાં ચડો એટલે એક નાની લોબી - જે મોટાભાગે પાણીના માટલાં માટે ફાળવાયેલી હોય – અને એક પ્રમાણમાં ઠીક એવો ઓરડો. અંધારા સાથે ખાસ દોસ્તી એટલે ટ્યૂબ લાઇટ રાખવી જ પડે. જનસંઘનું પ્રાદેશિક કાર્યાલય અહીં હતું! કાર્યાલયમાં એક ટેબલ, ત્રણ ખુરશી, એક ચટાઈ, પાણીનું માટલું, બે પ્યાલા. પોતાનો ટેલિફોન પણ નહીં. બાજુની ઓફિસ બંસીભાઈ સોની વકીલની એટલે બે ઓફિસોની વચ્ચે એક બાકોરું કરીને એક ફોન બન્ને વાપરે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી. પ્રદેશમંત્રી વસંતરાવ ગજેંદ્રગડકર લો કોલેજમાં વર્ગો લઈને આવે, મણિનગરના આરએસએસ કાર્યાલયથી પહેલાં સાઇકલ, પછી સ્કૂટર આવ્યું તે લઈને સંગઠન મંત્રી નાથાલાલ ઝઘડા આવે. દેશ આખાની ચર્ચા થાય અને ગુજરાતમાં પ્રવાસો કરીને, નવા કાર્યકર્તા-નેતાઓ કઈ રીતે મેળવવા તેનો યોજના બને. થોડાંક વર્ષો સુધી આ કાર્યાલય ચાલ્યું, પછી ગોલવાડ ખાડિયામાં ફેરવાયું. એક-બે સ્થળાંતરો થયાં. આ કાર્યાલયો ‘પૂર્ણકાલીન’ સંગઠન મંત્રીઓથી સક્રિય બન્યાં.

૧૯૬૭માં ખાડિયામાં સમાજવાદી નેતા - કાર્યકર્તાઓ જનસંઘમાં આવ્યા. ભાઉની પોળમાં વસંતરાવ રહેતા એટલે રાષ્ટ્રીય નેતાઓ – પછી તે દીનદયાળ ઉપાધ્યાય હોય કે અટલ બિહારી વાજપેયી - તેમના બે-ત્રણ રૂમના ઘરમાં જ અતિથિ બનતા. જૂના હિન્દુસભાના નેતા બાબુભાઈ પટેલ સ્ટેડિયમ પાસેની હિન્દુ કોલોનીમાં રહે. પ્રમાણમાં સંપન્ન. રાષ્ટ્રીય નેતાઓની સામાન્ય સગવડો જળવાય એટલે તેમનું હિન્દુ કોલોનીનું મકાન ઉપયોગમાં લેવાતું. પછીથી રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં સર્કીટ હાઉસ અથવા સંઘ-જનસંઘના મોભીઓના નિવાસસ્થાનો પણ કામ લાગ્યાં. અમદાવાદમાં ખાડિયાથી ખાનપુર અને ત્યાંથી શ્રી કમલમ્ એવો ક્રમિક વિકાસ જનસંઘ પછી જનતા પક્ષ અને ત્યાર બાદ ભાજપ – એવા ઝંડા નીચે થતો રહ્યો.

૧૯૯૫માં પહેલી વાર કેશુભાઈ પટેલનું પ્રધાનમંડળ રચાયું એ પહેલાં ૧૯૭૫માં જનતા મોરચા સરકારમાં જનસંઘના ત્રણ પ્રધાનો હતા. તેમાંના કેશુભાઈ પછીથી મુખ્ય પ્રધાન બન્યા પણ મકરંદ દેસાઈ એવા જ શક્તિશાળી સજ્જતા ધરાવતા નેતા હતા. વડોદરાના ટેક્નોક્રેટ, પહેલાં પૂલ બાંધ્યા પછી રાજકીય બ્રિજ તરફ વળ્યા હતા. જનસંઘના પ્રદેશ પ્રમુખ બન્યા હતા, અકાળે અવસાન ન પામ્યા હોત તો મુખ્ય પ્રધાન અચૂક બન્યા હોત. એવા જ બીજા શક્તિશાળી નેતા, રાજકોટના મેયર અરવિંદભાઈ મણિયાર હતા. બન્નેને જનસંઘે અકાળે ખોયા. વસંતરાવ ગજેંદ્રગડકર સંગઠનનો જીવ હતા. નાથાલાલ ઝઘડા પણ એ હરોળના.

જનસંઘ-પ્રમુખ તરીકે લાંબા સમય સુધી રહેલા હરીસિંહજી ગોહિલ પક્ષને સંભાળતા. ચીમનભાઈ શુકલ, સૂર્યકાંતભાઈ આચાર્ય, બળભદ્રસિંહ રાણા, મંગલસેન ચોપરા, હરિપ્રસાદ પંડ્યા એ પ્રારંભિક મોભીઓ. પછી એક પછી એક પંક્તિ ઉમેરાઈ. શંકરસિંહ વાઘેલા, વજુભાઈ વાળા, દેવદત્ત પટેલ, કાશીરામ રાણા, ડો. એ. કે. પટેલ, ચીમનભાઈ શેઠ અને નરેન્દ્ર મોદી, તેમની સાથે પૂર્ણકાલીન સંગઠન મંત્રીઓની હરોળઃ ભીખુભાઈ ભટ્ટ, દત્તાજી ચિરંદાસ, ભાનુભાઈ પટેલ, ચીનુભાઈ પટેલ... આ નામો જનસંઘની ઇમારત બનાવવામાં કામે લાગેલા સંગઠકોના હતા. મહિલાઓમાં શરૂઆતમાં આંગળીને વેઢે ગણાય એવાં વિદ્યાબહેન ગજેંદ્રગડકર, હેમાબહેન આચાર્ય, હંસિકાબેન મણિયાર ગણી શકાય.

અપાર મહેનત, અડીખમ વિશ્વાસ

આમ જનસંઘ જ્યારે ભાજપમાં ફેરવાયો ત્યારે નેતા અને કાર્યકર્તાઓને માટે પડકારો ઓછા નહોતા. કટોકટી સેન્સરશિપે ઘણી ઘેરી અસર કરી હતી. સંઘ-જનસંઘ બન્નેની કસોટી હતી, તેવા સમયે સંઘકાર્યનો ‘સ્પિરિટ’ જાળવી રાખવામાં લક્ષ્ણણરાવ ઇનામદાર – જેમને સૌ વકીલ સાહેબ કહેતા-નું મુખ્ય પ્રદાન રહ્યું. નરેન્દ્ર મોદી ૧૯૬૭ પછી સક્રિય બન્યા અને ક્રમશઃ સંગઠનાત્મક સીડી ચડતા રહ્યા.

૧૯૯૫માં ભાજપનો યુગ ધીમે ધીમે શરૂ થયો. સત્તા પર આવતાંવેત વિભાજનનો પડકાર આવ્યો. શંકરસિંહ ૧૯૯૬થી પોતે જેમાં મોટું પ્રદાન આપેલું તે પક્ષ છોડીને પહેલાં રાજપા, પછી કોંગ્રસમાં ગયા, સરકાર રચી. મુખ્ય પ્રધાન બન્યા પણ ૧૯૯૭ની ચૂંટણીમાં સફળ ન થયા. કોંગ્રેસમાં જોડાયા પછી તેમનો સૂર્ય મધ્યાહનનો થશે એવી માન્યતાને કોંગ્રેસના જ નેતાઓએ તોડી પાડી એટલે છેવટે શંકરસિંહે પણ પક્ષ છોડ્યો.

વાઘેલા ગુજરાતની રાજકીય પરિસ્થિતિનું અલગ પ્રકારનું સંતાન છે. તેને તમે કેશુભાઈ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી, માધવસિંહ સોલંકી કે ચીમનભાઈ પટેલની સાથે સરખાવવા જાઓ તો મૂલ્યાંકનમાં ગબડી પડો! આજે તેમના વિશેની ચર્ચા સપાટી પરની જ રહી છે, આવતીકાલે તે શું કરશે, શું કરી શકશે - બન્નેના જવાબો કોઈની પાસે નથી. અત્યારે સંજોગો એવા છે કે બાપુ નિશ્ચિતપણે કોંગ્રેસની સામે રહેશે. ખૂદ કોંગ્રેસે જ એવા વાતાવરણને પેદા કરીને ‘આગળ’ વધવાનું વિચાર્યું છે. આ રણનીતિ કેટલીક કામિયાબ નીવડે છે એ ભવિષ્ય જ કહેશે. પણ જે રીતે કોંગ્રેસના નેતાઓ પોતાના કેટલાક ધારાસભ્યોને પ્રદેશ બહાર લઈ ગયા, રાજ્યસભા ચૂંટણી સમયે જ લાવ્યા, હવે તેમને ‘લોકશાહીના પ્રેમી’ સાબિત કરવા માટે ભાવનગરથી દિલ્હી સુધી સમારંભો કર્યા, સોનિયા ગાંધીએ સૌની પીઠ થાબડી. આ બધા આયોજન પ્રજામાનસ પર અને કાર્યકર્તા પર અલગ અલગ પ્રકારની માનસિકતા સર્જશે તેની કાં તો કોંગ્રેસને ખબર નથી અથવા ખબર છે તો આત્મવંચના કરે છે.

ભાજપમાંથી છૂટા થયેલા ધારાસભ્યોની સરકાર બન્યા પછી જે ચૂંટણી થઈ તેમાં ખરાબ હાલત થઈ હતી. કોંગ્રેસી ધારાસભ્યો ગુજરાતમાં વરસાદી વિનાશ હતો ત્યારે બેંગ્લૂરુના મોંઘાદાટ રિસોર્ટમાં મોજમઝા કરતા હતા તેવું ચિત્ર મતદારના ચિત્ત પર હોય તો પછી આ ‘ધારાસભ્યો લોકશાહી બચાવવા માટે’ લઈ જવાયા હતા એમ ઠસાવવું કેટલું સફળ થશે તેનો હિસાબ આગામી ચૂંટણીમાં થઈ જશે.

કોંગ્રેસનું મંથન

કોંગ્રેસે અત્યારે તેનું પક્ષીય સંગઠન સરખું બનાવવાની કોશિશ કરી છે. કાર્યકર્તાના ટાયરમાં પમ્પથી હવા ભરવા માટે રાહુલ ગાંધી - સોનિયાજી - અન્ય નેતાઓને આમંત્રણ અપાયું છે. આ સપ્તાહે રાહુલ બાબા ત્રણ-ચાર દિવસ ગુજરાતમાં રોકાશે અને દ્વારિકાધીશનાં દર્શન કરીને ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે. ભાજપ આવું કરે તો તે કટ્ટરવાદી અને કોમવાદી ગણાય પણ કોંગ્રેસ કરે તો? આ સવાલ એક વાર રાજીવ ગાંધીએ અંબાજીથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો ત્યારે તત્કાલીન વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયીએ આ સવાલ કટાક્ષમાં ઊઠાવ્યો હતો.

હવે અહેવાલો એવા છે કે ગુજરાતમાં કોંગ્રેસ ‘સોફ્ટ હિન્દુત્વ’નો પ્રયોગ કરશે!! આ ‘સોફ્ટ’ અને ‘હાર્ડ’ શબ્દો કારણ વિનાનો ગૂંચવાડો પેદા કરનારાઓ માટે સુલભ છે. હિન્દુત્વ એટલે હિન્દુત્વ. તે સોફ્ટ કે હાર્ડ એવાં ચોકઠામાં સમાવવાની કોશિશ અર્થહીન અને બાલિશ છે. પરંતુ વોટબેન્ક માટે રાજકીય પક્ષો નાત–જાત–કોમ–સંપ્રદાયનો ભરપૂર ઉપયોગ કરતા હોય તો હિન્દુત્વ બિચારાને શાના છોડે? ખરેખર તો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય માનતા તેવા સર્વસમાવેશક, સુદૃઢ, સર્વાશ્લેષી, સદભાવનાપૂર્વકનો રસ્તો જ ‘હિન્દુત્વ’ની ફિલસૂફી અને અમલીકરણ માટે હોઈ શકે.

ગુજરાતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો તો વિકાસનો જ રહેવાનો છે તેના અંતર્ગત ખેતી, બજાર, ઉદ્યોગ, શિક્ષણ અને આરોગ્ય આવી જાય છે. વિજય રૂપાણી અને તેમની ટીમે સરકારના માધ્યમથી જે કંઈ વિકાસ-કાર્યો કર્યાં છે અને કરી રહ્યા છે તેની સામે કોંગ્રેસ પાસે તેમની પોટલીમાં આક્ષેપો સિવાય ખાસ કશું ના હોય તો તે મોટું દુર્ભાગ્ય ગણાય. છેલ્લાં ઘણાં વર્ષોથી સત્તાથી વંચિત રહેવાને લીધે તેમની પાસે ‘વિકસિત ગુજરાત’ માટેની કોઈ ‘બ્લૂ પ્રિન્ટ’ જ નથી એવી ફરિયાદ શંકરસિંહ વાઘેલાએ પક્ષમાં હતા ત્યારે જ કરી હતી. પણ સાંભળે કોણ? અત્યારે વ્યક્તિગત ધોરણે વગદાર બનીને ટિકિટ મેળવવી એ જ મોટી વ્યૂહરચના બની જાય છે!


comments powered by Disqus