બેઉ બળિયા, સામે મળિયા... આમ ભાજપ તો માનતો નથી પણ કોંગ્રેસ જરૂર માને છે. ગુજરાતમાં ૨૦૧૨માં તેનો મરણિયો પ્રયાસ હતો પણ શ્રીમતી સોનિયા ગાંધીને કોઈ ફિલ્મી ગીતકારે પકડાવી દીધેલો શબ્દ ‘મૌત કા સોદાગર...’ ગુજરાતમાં આવીને બોલી ગયાં ને પોતાના પક્ષનો જ ખુરદો બોલાવી દીધો. આજકાલ આ પક્ષે પરોક્ષ-પ્રત્યક્ષ કેટલાક તિકડમબાજોની મદદ લેવા માંડી છે અને સૌથી મહત્ત્વની વાત તો રાહુલ ગાંધી ગુજરાતમાં ઘૂમી રહ્યા છે. નેહરુ-ગાંધી વંશ પરિવારમાં કોઈએ આટલું ભ્રમણ ગુજરાતમાં નથી કર્યું. અરે, જુઓ તો ખરા... ભાથીજી મહારાજ, મેઘમાયા, ચામુંડા, ખોડલધામ, ઊમિયાધામ, દ્વારિકાધીશ... આ બધાં નામો તેમના હોઠ પર આવ્યાં!
મત મેળવવાની રાજકુનેહ - (ના, હું તેને રાજનીતિ નહીં કરું, નીતિ શબ્દ જલાવતન કરવામાં વોટબેન્ક સૌથી વધુ જવાબદાર છે) - માં આવું બધું કરવું પડે પણ ભાઈ રાહુલ, અમદાવાદની જુમ્મા મસ્જિદ, કચ્છની હાજીપીર, ગીરનાર પર દાતાર, અમદાવાદમાં પારસી અગિયારી, લખપતનું ગુરદ્વારા, યહૂદીઓનું સૌથી જૂનું સિનોગોગ... આ બાકી કેમ રાખ્યા? મુસલમાનોનું તુષ્ટિકરણ વછૂટી ગયું? ઉત્તર પ્રદેશના આકરા અનુભવે આવું કરાવ્યું? શીખ-યહુદીની ગુજરાતમાં વસતી જ કેટલી? પોતાના પૂર્વજ પારસી હતા એ રાહુલ ભૂલી ન ગયા હોય તો તેણે જ્યાં અગ્નિશિખા પ્રકાશિત છે તે ઉદવાડા પણ જવું જોઈએ!
પણ ગુજરાતી ગણતરીબાજ છે. તે જાણે છે કે આ બધું ચૂંટણી પૂરતું છે. પછી કોઈ નામ નહીં લે. આ કંઈ સરદાર વલ્લભભાઈ થોડા છે કે જૂનાગઢ મુક્તિ દિવસે નવેમ્બર ૧૯૪૭માં જૂનાગઢથી સીધા સોમનાથ જાય? જવાહરલાલની નારાજગી છતાં સરદાર અને કનૈયાલાલ મુનશી ત્યાં પહોંચ્યા હતા. ઢેબરભાઈ પણ હતા! અને આ બધા તે સમયના કોંગ્રેસી હતા. તે સમયના, હોં..!
ગુજરાતની ચૂંટણીની સાથે રાજીવનું અધ્યક્ષારોહણ સંભળાય છે. (આ લખાય છે તે છપાશે ત્યાં સુધીમાં તે જાહેર થશે એમ મનાય છે.) કેમ કે કોંગ્રેસમાં બીજા કોઈ નેતાનું તો ગજું નથી કે પ્રમુખપદની ઉમેદવારી ખોંખારો ખાઈને કરે! હા, ગુજરાતમાં ૧૯૭૪માં એવો પડકાર એક કોંગ્રેસી નેતા - ચીમનભાઈ પટેલે - ફેંક્યો અને ઇન્દિરાજીની મરજી વિરુદ્ધ, વિધાયક દળના નેતાની ચૂંટણીમાં ઊભા રહીને, જીત્યા, મુખ્ય પ્રધાન બન્યા હતા!
આવા કિસ્સા અપવાદરૂપ છે. કોંગ્રેસ લગભગ જર્જરિત થઈ ગઈ તેનું એક કારણ તે ‘સામુહિક પક્ષ’ - માસ પાર્ટી બની હતી તે પણ છે. એવું થયું એટલે તેમાં મહત્ત્વાકાંક્ષી ટોળાંઓને મોકો મળ્યો. પક્ષો છોડી છોડીને લોકો કોંગ્રેસમાં ભળી જતા. અરે, પ્રજા સમાજવાદી અને સ્વતંત્ર પક્ષ ઉપરાંત બીજા ઘણાં પક્ષોના મહારાથીઓ કોંગ્રેસમાં ગયા. એકલો જનસંઘ એવો અડીખમ રહ્યો (અમુક અંશે સીપીએમ) તેથી તેના યે સારા દિવસો આવ્યા.
જનસંઘને વિચાર, સંગઠન, કાર્યક્રમ ત્રણે દૃષ્ટિએ બળવાન બનાવવામાં પંડિત પ્રેમનાથ ડોગરા, ડો. શ્યામાપ્રસાદ મુખરજી, આચાર્ય રઘુવીર, ડો. દેવપ્રસાદ ઘોષ, પીતાંબર દાસ, બચ્છરાજ વ્યાસ, જગન્નાથરાવ જોશી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, બલરાજ મધોક, સુંદર સિંહ ભંડારી, કુશાભાઈ ઠાકરે, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીનું મહત્ત્વનું પ્રદાન રહ્યું.
આજે જે યશસ્વી પરિણામ નજરે સામે છે તે ૧૯૫૨થી ૨૦૧૭ સુધીના પ્રચંડ પુરુષાર્થનાં પરિણામ છે. વચ્ચે ઉતરા-ચઢાવ પણ આવ્યા અને ‘માસ પાર્ટી’ બનવાના લાભ-નુકસાન બન્ને ભોગવવાના આવ્યા અત્યારે તેમાં પગ લસરી ના પડે તેની સજ્જતા અને સાવધાની વડા પ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષના ખભા પર છે.
આ સંજોગોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કરતાં ઘણી બધી રીતે અલગ છે. એક વાર મિત્ર ચંદ્રકાંત બક્ષીએ પોતાની કોલમમાં વિધાનસભા ચૂંટણીનાં પૂરાં નામ – પિતા અને અટક સાથે - લખ્યાં હતાં. કહેવાનો મતલબ હતો કે કેવા કેવા ઉમેદવારો ધસી રહ્યા છે. વાત સાચી છે. દલિત-આદિવાસી તો ખરા જ ઓબીસીમાં પણ કેટલા સો વર્ગ છે. એવું જ સવર્ણોમાં. જાતિ - ઉપજાતિ - પેટાજાતિ અને તેની નામાવલિ - સામાજિક વિકાસનું આ પરિણામ ગણાય. એટલે તો ૧૯૫૨, ૧૯૫૯, ૧૯૬૨, અરે છેક ૧૯૬૭ સુધી ઉમેદવારોનાં નામો લોકપરિચિત રહેતા. એક છેડેથી બીજા છેડે તે પોતાનાં નામ અને કામથી જાણીતા રહેલા.
ઢેબરભાઈ, રસિકલાલ પરીખ, રતુભાઈ અદાણી, ઠાકોરભાઈ દેસાઈ, બાબુભાઈ જ. પટેલ, ત્રિભુવનદાસ પટેલ, ભાઈકાકાક, એચ. એમ. પટેલ, જયદીપસિંહ બારિયા, હરીસિંહજી ગોહિલ, જશવંત મહેતા, સનત મહેતા, ચીમનભાઈ શુકલ, બ્રહ્મકુમાર ભટ્ટ, બળવંતરાય મહેતા... આ નામો (બીજાં ઘણાં ઉમેરી શકાય) એવાં હતાં. આજે ઓબીસી - પાટીદાર – દલિત સહિતના ઉમેદવારોની યાદી તપાસજો. અપવાદને બાદ કરતાં બધા પોતાના દાયરામાં સીમિત છે અને તેનું કારણ કોઈ એક પ્રકારની ‘વોટ બેન્ક’ને જાળવવા સિવાય તેનું રાજકીય ગૌરવમાં કોઈ પ્રદાન નથી એ કડવી વાસ્તવિકતા છે.
અને હવે આ કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરીને ચાલવું પડશે! ‘બહુજન સમુદાય’ (માયાવતીનો જ નહીં, સર્વત્ર અલગ રીતે પણ) જે રીતે પોતાના અધિકારો માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યો છે તે લોકશાહીમાં ‘સર્વજન સુખાય’ની નીતિમાં ફાચર મારી શકે છે.
આ પ્રશ્ન છે. સમસ્યા છે. તેને એકાંગી રીતે વિચારવા જેટલો સામાન્ય નથી. ૧૯૮૫માં આપણે ‘ખામ’ થિયરીના લોહીલુહાણ પરિણામો ભોગવ્યાં છે. હવે ‘પોડા’ (પટેલ – ઓબીસી - દલિત – આદિવાસી)નું સમીકરણ કરવાના કોંગ્રેસ–પ્રયાસો માત્ર સત્તા પર આવવાના ઇરાદાના છે. આમાં આદિવાસી સમાજ તો તદ્દન અલગ છે તે ફસાઈ જાય તેવો નથી. દલિતોનું યે તેવું છે, તે જરીકે ય કોંગ્રેસ-પ્રેમી નથી. અગાઉ થયેલા દલિત અત્યાચારોની તેને જાણ છે. તે ઊનાના નામે ઉશ્કેરાઈ જાય તેવા બાલિશ રહ્યા નથી. અત્યારે જ કોંગ્રેસને આ ત્રણ કાંખઘોડીનો ખેલ ઉમેદવારોની પસંદગીમાં ભારે પડી રહ્યો છે. દિલ્હી સુધી દોડાદોડી ચાલે છે. કોંગ્રેસના પોતાના પરંપરાગત ઉમેદવારો મોં વકાસીને આ નાટક જોઈ રહ્યા છે.
૧૯૮૫માં ઓબીસીને ગળે વળગાડીને સત્તા હાંસલ કરનારાઓનો પહેલો ભરોસો કઈ રીતે કરી શકે? જે ખેલ પાડે છે તે તો આંદોલનના ઊભરામાંથી પેદા થયેલા પરપોટા છે એવું મનાઈ રહ્યું છે. ચાલો, આ ચૂંટણી-નાટ્યનો એક વધુ અંક આવતા સપ્તાહે!