પારસી કોમ્યુનિટી ઈરાનથી ભારત આવી અને વસી. સંજાણ બંદરે તેમનું પહેલું વહાણ આવ્યું ને ત્યાંના રાજાએ મોકલેલા દૂધના કટોરામાં સાકર ભેળવીને પાછો મોકલતા તેમને ત્યાં રહેવાની પરવાનગી મળી એવી વાત ખુબ મશહૂર છે. જોકે આ દંતકથા પહેલા પણ ભારતને અને ઇરાનના પારસીઓ સાથે વેપારી સંબંધો હતા અને ઇતિહાસકારો કહે છે કે તેમણે પશ્ચિમ કિનારે પોતાની કોઠીઓ સ્થાપેલી.
ભારતમાં રહેલા પારસીઓ પૈકી સૌથી પહેલું નામ જેમનું યાદ આવે છે તે દાદાભાઈ નવરોજી ભારત જ નહિ, યુકે માટે પણ ખુબ મહત્વના ભારતીય છે. ઇતિહાસ ઉખેળીએ તો યુકેમાં પ્રથમ ભારતીય મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે પણ દાદાભાઈનું નામ આવે છે. ૧૮૯૨માં તેઓ લિબરલ પાર્ટીના સભ્ય તરીકે લંડનમાંથી એમપી તરીકે ચૂંટાઈ આવેલા. એ સમયે પણ ખુમારી તો એવી કે પાર્લામેન્ટમાં તેમણે બાઇબલ પર ઓથ લેવાની ના કહી દીધી અને અવેસ્તા પર હાથ રાખીને ભગવાનના નામે પ્રતિજ્ઞા લીધેલી. તેઓ પોતાને બ્રિટિશ પાર્લામેન્ટમાં માત્ર બ્રિટિશ મતદાતાઓના જ નહિ, પરંતુ ભારતના પણ પ્રતિનિધિ તરીકે ગણાવતા.
ગાંધીજીએ તેમને ૧૮૯૪માં પત્રમાં લખેલું કે દરેક ભારતીય તમને એવી રીતે જુએ છે જેમ બાળકો પોતાના પિતાને જુએ. તેઓ એમપી બન્યા ત્યારે બાળગંગાધર તિલકે તેમના વિષે કહેલું કે જો ૨૮ કરોડ ભારતીયોને બ્રિટિશે પાર્લામેન્ટની એક જ સીટ આપી હોય તો પણ આખો દેશ દાદાભાઈ નવરોજીને પોતાના પ્રતિનિધિ તરીકે સર્વાનુમતે મોકલે તેમાં કોઈ શંકા નથી.
નવસારીમાં જન્મેલા, ‘ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતા દાદાભાઈનું યોગદાન અનેક ક્ષેત્રોમાં રહ્યું છે. તેમને ૧૮૫૪માં 'રાસ્ત ગોફ્તાર' (સત્ય ભાષક) નામનું સામાયિક શરૂ કર્યું. ૧૮૫૬માં તેઓ યુનિવર્સિટી કોલેજ, લંડનમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા. તેમણે ભારતમાં કોંગ્રેસની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવ્યો અને ૧૮૮૬માં તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારબાદ ૧૯૦૭માં ફરીથી તેઓ કોંગ્રેસના પ્રમુખ બનેલા.
૧૮૬૭માં તેમણે ભારતની રાષ્ટ્રીય આવક માપવાનો પ્રથમ પ્રયત્ન કરેલો. તેમણે ડ્રેઇન ઓફ વેલ્થ થીઅરી આપી અને બ્રિટિશ સરકાર દ્વારા થતા ભારતીય અર્થતંત્રના શોષણને છતું પાડ્યું. ૧૯૦૧માં તેમણે ‘પોવર્ટી એન્ડ અન-બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું. તેમનામાં રહેલી ગરિમા અને રાષ્ટ્રીયતાની ભાવનાનો બ્રિટિશ સરકારે હંમેશા આદર કરેલો અને એટલા માટે જ ફિન્સબરી સેન્ટ્રલ લંડનના એ વિસ્તારમાં કે જ્યાંથી તેઓ ચૂંટાયેલા તેને નવરોજી સ્ટ્રીટ નામ આપ્યું છે.
પારસી કોમ્યુનિટીના પ્રતિનિધિ, ભારતના ફ્રીડમ ફાઈટર અને બ્રિટિશ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા દાદાભાઈ નવરોજી આજે પણ ભારત અને યુકે વચ્ચે એક સેતુબંધ સમાન છે.
(અભિવ્યક્ત મંત્વ્યો લેખના અંગત છે.)