જેનો જન્મ મોઝામ્બિકના પાટનગર લોરેન્સમાર્ક (મપુટુ)માં થયો હતો તેના પિતા દાઉદ અને મા ઝુબેદા. દાઉદે ૧૯૪૦માં એક પારસીની દુકાને નોકરી શરૂ કરી. પછીથી પોતાની દુકાન કરી. બંને અત્યંત મહેનતુ અને ધાર્મિક છતાં ધર્માંધ નહીં. બંનેને છ સંતાન. આમાં ચાર દીકરી અને બે દીકરા. દાઉદે બધાં સંતાનોને ધર્મના પાઠ ભણાવ્યા. તે જમાનામાં મુસ્લિમ સમાજમાં છોકરીઓને ખાસ ભણાવતા નહીં. માને કે સંતાનોને જન્મ આપવાનું, ઉછેરવાનું અને ઘર ચલાવવાનું કામ સ્ત્રીઓનું. સ્ત્રીને ભણતર ના જોઈએ. આવી માન્યતાવાળા સમાજમાં દાઉદે દીકરીઓને ય ભણાવી.
દાઉદના સંતાનોમાં ગુલામ ત્રીજા નંબરે. તેનામાં ઉંમરના પ્રમાણમાં સમજ વધારે અને તેથી જ ડાયાબિટીસના કારણે અશક્ત રહેતા પિતાને મદદ કરવા પિતાની હાટડી સંભાળવા બેઠો. વખત જતાં મોટી દુકાન કરી. પત્ની શિરીનબાનુએ ત્રણ દીકરા અને એક દીકરીને સારી રીતે ઉછેર્યાં.
પોર્ટુગલમાં સ્થાયી વસવા દાઉદ ૧૯૭૯માં સજોડે લિસ્બન આવ્યા. બધું સમેટવાનું કામ પુત્ર ગુલામને સોંપ્યું. લિસ્બનમાં મોટી દુકાન કરી જેમાં ભાતભાતનો માલ વેચવા માંડ્યો. દાઉદની ગંભીર બીમારીને કારણે હવે ગુલામને પણ આવવું પડ્યું. ઓપરેશનમાં દાઉદનું અવસાન થતાં ગુલામે ધંધાની ધૂરા સંભાળી.
ગુલામે ૧૯૮૦માં ૨૫ રૂમનું એક બોર્ડિંગ હાઉસ ખરીદ્યું અને પાંચ વર્ષ બરાબર કમાયા પછી ૧૯૮૫માં વેચ્યું. ગુલામની સૂઝ અને હિંમત જબરાં. ૧૯૮૨માં ૩૦ વર્ષની યુવાન વયે કેશ એન્ડ કેરીનો વ્યવસાય શરૂ કર્યો. આમાં ભાતભાતની વસ્તુઓ વેચે. કોસ્મેટિક્સ, કટલરી, સાબુ, ક્રીમ, બિસ્કીટ, કેન્ડી અને ફૂડ આઈટમ વેચે. ઠંડા પીણાં વેચે. ગુલામ કેશ એન્ડ કેરીમાં ૭૦૦૦ કરતાં વધારે ચીજવસ્તુઓ રાખે છે. આટલી બધી વસ્તુઓની ખરીદી, વેચાણ, કિંમત, સાચવણી એ બધામાં ગુલામનું મગજ કોમ્પ્યુટર જેવું છે. સ્ટોરમાં ૪૦ જેટલી વ્યક્તિ કામ કરે છે. ગુલામ આ બધો માલ પોર્ટુગલમાંથી જથ્થાબંધ ખરીદે છે. સ્થાનિક વેચાણ ઉપરાંત એંગોલા, ગીની, બિસાઉ, સ્પેન, કકબુવેર્ડ વગેરે સ્થળે વેચે છે. ગુલામને ત્રણ પુત્ર અને એક પુત્રી. ગુલામ નિયમિત નમાજ પઢે છે અને રોજા રાખે છે. ગુલામે પિતા દાઉદનો વારસો શોભાવ્યો છે એમ એનાં સંતાનોમાંય એ વારસો ઉતર્યો છે.
ગુલામના ધંધાનો પથારો ખૂબ સમય, ચોક્સાઈ અને ચતુરાઈ માગી લે છે. સમયની ખેંચ પડે તો પણ તે જાહેરજીવનમાં ભાગ લેવાનું છોડતા નથી. માત્ર ધનલક્ષી જીવનને બદલે એમણે જનહિતના જતનની જીવનરીત અપનાવી છે. દીકરા કે દીકરીના લગ્નમાં મદદ માગવા આવનારને એ નિરાશ કરતા નથી. હા, કોઈની દીકરી કે દીકરાને પરણાવવામાં એ ગુપ્ત દાન આપે છે.
દાઉદ કરતાં ગુલામના ધંધાનો પથારો મોટો હોવાથી જકાત (ધર્માર્થે દાન)ની મોટી રકમ એ ખર્ચે છે. જકાતમાં એ ક્યારેય ચોરી કરતા નથી. માને છે કે ‘અલ્લાહે દીધેલું અલ્લાહના કામે આપવાનું છે!’
ગુલામનું નામ લિસ્બનના ગુજરાતીઓમાં મોખરે છે. ગુલામના પૂર્વજોએ ગુજરાત છોડ્યાને હવે આઠ દસકા કરતાં ય વધારે વીત્યાં હોવા છતાં સમગ્ર પરિવારમાં હજી હિંદુસ્તાની દિલ ધબકે છે. ગુલામને કવ્વાલીનો શોખ છે. ક્યારેક એ કવ્વાલીમાંય હિંદુસ્તાની દિલના ધબકારા માણતા હશે. ગુલામ ગુજરાતી બોલે છે. પરિવારમાં ઉર્દૂમિશ્રિત ગુજરાતી બોલાય છે. લિસ્બનના ગુજરાતીભાષીઓ સાથે ગુલામ દિલની એકતા ધરાવે છે. ધર્મ અને આચારે મુસ્લિમ ગુલામમાં ગુજરાતી દિલ છે.