પશ્ચિમી મીડિયાના ચોક્કસ વર્ગે તાજેતરના દિલ્હીના રમખાણોને ભારતના મુસ્લિમો વિરુદ્ધ ‘જાતિસંહાર’ તરીકે ચીતરવામાં કશું બાકી રાખ્યું નથી. યુએસ સેનેટર બર્ની સેન્ડર્સ અને યુકેના લેબર એમપી ઝારાહ સુલતાના જેવાં અગ્રણી રાજકારણીઓ અને બૌદ્ધિકો પણ આ રમખાણો મુસ્લિમવિરોધી ટોળાંની હિંસા હોવાના નિવેદનો કરવા ધસી ગયાં હતાં. પરંતુ, આપણે વાસ્તવિકતા તરફ નજર કરીએઃ
રમખાણોમાં શાહરૂખ તરીકે ઓળખાયેલ વ્યક્તિ આઠ રાઉન્ડ ગોળીબાર કરતો કેમેરાની આંખે ઝડપાયો છે. ગોળીબારમાં માર્યા ગયેલામાં હેડ કોન્સ્ટેબલ રતન લાલ પણ એક હતા. ઈન્ટેલિજન્સ બ્યૂરોના યુવા અધિકારી અંકિત શર્માને ચાકુનાં ૪૦૦ ઘા મરાયાનું ફોરેન્સિક રિપોર્ટ કહે છે. તેમનો દેહ મ્યુનિ. કોર્પોરેટર તાહિર હુસૈનના ઘર પાસેના નાળામાંથી મળ્યો હતો. ઘણાં વીડિયોમાં તાહિર હુસૈનના ઘરની અગાસીમાં એકત્ર મોટાં ટોળાં પથ્થરમારો કરતા અને પેટ્રોલ બોમ્બ ફેંકતા નજરે પડે છે. સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ટોળાંને હિંસક પ્રવૃત્તિ છોડવા સમજાવવા ગયેલા નિઃશસ્ત્ર અંકિત આ જ ટોળાંનો શિકાર બની ગયા હતા. તાહિરના મકાનમાંથી પેટ્રોલ બોમ્બ્સ, એસિડ, પથ્થરો અને ઈંટોનો જથ્થો પણ જપ્ત કરાયો છે.
સિટિઝનશિપ બિલનો વિરોધ કરતા ટોળાંએ બાઈક પર ‘જય શ્રી રામ’નું સ્ટિકર લગાવીને જતા ૫૧ વર્ષના પુરુષ અને તેના પુત્ર તેમજ પત્રકાર આકાશ નાપા પર ક્રૂર હુમલો કર્યો હતો. હુમલાખોરોને ઓળખપત્ર બતાવનાર વિવેકના માથામાં ડ્રિલમશીન ચલાવાયું હતું. હિન્દુઓના મકાનો-દુકાનો શોધીને તોડફોડ કરી આગ ચંપાઈ હતી. ઊંચા મકાનો પરથી પેરામિલિટરી ફોર્સીસ પર એસિડ ફેંકાયો હતો.
CAA વિશે બેફામ જૂઠાણું
રિપોર્ટ્સ કહે છે કે બંને પક્ષે મોતનું પ્રમાણ સરખું છે. મુસ્લિમો વિરુદ્ધ ‘નરસંહાર’ તરીકે ચીતરવાનો પ્રયાસ તદ્દન ખોટો અને અને નઠારા ઈરાદાનો જ છે. વિશ્વમાં ડાબેરી સહિત કેટલાંક જૂથોએ વડા પ્રધાન મોદીને કલંકિત કરવા અને શાસક પક્ષ મુસ્લિમવિરોધી હોવાનું દર્શાવતા પ્રયાસો કદી છોડ્યાં નથી. તેમનો તાજો હુમલો ભારતના સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટને તોડી-મરોડી પોતાની તરફેણમાં દર્શાવવાનો છે. આ કાયદો ત્રણ પડોશી ઈસ્લામિક દેશોમાં ધાર્મિક અત્યાચારોનો શિકાર બનેલા લઘુમતીઓ માટે નાગરિકતાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો હેતુ ધરાવે છે જેને (૧) ભારતીય મુસ્લિમો નાગરિકતાનો દરજ્જો ગુમાવશે (૨) ઈસ્લામિક દેશોમાં અત્યાચારોનો શિકાર મુસ્લિમોને આવો લાભ નહિ આપી તેમના માનવાધિકારોનું ઉલ્લંઘન કરાયાનું ચીતરાય છે. ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે આ દેશોમાંથી મુસ્લિમો સહિત કોઈ ઈમિગ્રન્ટ્સ માટે દ્વાર બંધ કરાયા નથી. તેમણે નાગરિકતા મેળવવાની સામાન્ય પ્રક્રિયા જ કરવાની રહે છે.
પશ્ચિમી મીડિયાના સમર્થને વડા પ્રધાન મોદીના વિરોધનો એક માત્ર એજન્ડા ધરાવતા ભારતીય ડાબેરી બૌદ્ધિકો, ગેરમાહિતી ધરાવતા કર્મશીલો અને વિપક્ષના ચોક્કસ જૂથોનાં પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું છે. તેમાં ઈસ્લામના કટ્ટરવાદી જૂથ પણ સામેલ છે. તેઓ કાયદા વિશે જૂઠાણાં ફેલાવી મુસ્લિમોમાં ભય ફેલાવે છે જ્યારે હકીકત જુદી જ છે. CAA વિશેના અધકચરાં જ્ઞાનનો પર્દાફાશ થતાં તેમણે મુસ્લિમોમાં વધુ ગભરાટ ફેલાવવા CAA સાથે NRCને પણ જોડી દીધું, જેનો મુસદ્દો જાહેર જ થયો નથી. આને ભારતીય મુસ્લિમોને ઉશ્કેરી તેમના અધિકારોના નામે શેરીઓમાં લાવવાના પ્રયાસો જ ગણવાં જોઈએ.
મીડિયાનું આશ્ચર્યકારી મૌન
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મણિશંકર ઐયર જેવા નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં છે. વારિસ પઠાણ અને અમાનતુલ્લાહ ખાન જેવા નેતાઓ મુસ્લિમોએ હજારો વર્ષ ભારત પર રાજ કર્યું છે અને ૧૫ કરોડ મુસ્લિમો ૧૦૦ કરોડ હિન્દુને ભારે પડશે તેવી ઉશ્કેરણી કરવામાં પાછા પડ્યા નથી. તેમણે જ્યાં બહુદેવવાદીઓની કત્લેઆમ કે ધર્માંતરણ કરાયું તેવી કરબલા, બાદ્ર અને ઉહ્દની લડાઈની પણ યાદ અપાવી. અલીગઢ મુસ્લિમ યુનિ. સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ નેતા ફૈઝલ હસને તો વળી કહ્યું કે પોતે ઈચ્છે તો લાખોની કત્લ અને કોઈ દેશનો વિનાશ કરી શકે છે. વિરોધમાં નાના બાળકોને સામેલ કરી વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની નિંદા કરવાનું શીખવાય છે, મુસ્લિમોને કેમ્પમાં રખાશે અને ખોરાક-વસ્ત્રોથી વંચિત રખાશે તેમ ભરમાવવા સાથે ‘કાફિરો સે આઝાદી’ જેવાં સૂત્રોચ્ચાર કરાવાય છે! શાહીન બાગ દેખાવોના અગ્રણી શરજિલ ઈમાને તો આસામને બાકીના ભારતથી અલગ કરવાની યોજના ઘડી હતી. પાકિસ્તાનના સર્જક ઝીણાનો આ ભક્ત માને છે કે અધૂરાં કાર્યો પૂર્ણ કરવા જ મુસ્લિમો ભારતમાં રહ્યા હતા. આવાં જૂઠાણાં - માનસિકતા સાથે લોકોને ભરમાવાયાં છે જે દિલ્હીના રમખાણો તરફ દોરી ગયાં છે. મુસ્લિમોનો બહુમતી વર્ગ માને છે કે તેઓ પોતાના અધિકારો અને કાલ્પનિક ભાવિ શોષણના સામના માટે લડે છે. મીડિયાએ આવાં ભાષણોને વખોડ્યાં વિના વાણી સ્વાતંત્ર્યના ઓઠાં હેઠળ મૌન જાળવ્યું છે. બીજી તરફ, ભાજપના નેતા કપિલ મિશ્રાએ રોડ બ્લોકેજ વગેરેથી જનજીવન ખોરવી નાંખનારા દેખાવકારોને અન્યત્ર મોકલવા દિલ્હી પોલીસને કહ્યું તો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેને ઉશ્કેરણીજનક ભાષણ તરીકે ચગાવ્યું. વાસ્તવમાં, ટ્રમ્પની દિલ્હી મુલાકાતે દેખાવોને રમખાણોમાં ફેલાવવા અને સિટિઝનશિપ મુદ્દાનું યુએસ કોંગ્રેસ, યુરોપીય યુનિયન પાર્લામેન્ટ તેમજ અન્યત્ર આંતરરાષ્ટ્રીયકરણ કરવાની તક આપી. જોકે, ટ્રમ્પે સિટિઝનશિપ એક્ટ ભારતનો આંતરિક મામલો ગણાવતા પશ્ચિમી મીડિયાના પ્રયાસોને નિષ્ફળતા સાંપડી. રમખાણોથી હિન્દુ-મુસ્લિમોએ જાન ગુમાવ્યા, સંપત્તિને નુકસાન પહોંચ્યું ત્યારે તેને ‘હિન્દુત્વ એજન્ડા’ના વાઘાં પહેરાવી CAAવિરોધી દેખાવકારોને બચાવવાનો પ્રયાસ કરાય છે. સત્ય એ છે કે રમખાણોને ઉગ્રવાદી ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નો ટેકો હોવાના અહેવાલો છે. આ ઉપરાંત, મુસ્લિમોની લાગણીનો લાભ લેવાં ISISતરફી જૂથે ‘Voice of Hind’ નામે ભારતલક્ષી પ્રકાશન લોન્ચ કર્યું છે.
મીડિયાના બેવડાં ધોરણોનો પર્દાફાશ
આથી વિપરીત, લંડનમાં દેશની સુરક્ષા - સલામતીને નુકસાનમાં ન મૂકાય તે માટે તોફાની ત્રાસવાદી તત્વોને તત્કાળ ઠાર કરાયા. મીડિયાએ પણ આની પ્રશંસા કરી. ભારતમાં, પોલીસમેન લાઠીચાર્જથી સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કરે તેને પણ બળપ્રયોગ જણાવી ટીકા કરાય છે. CAA પછી ઉત્તર પ્રદેશમાં તોફાનો થયાં ત્યારે મીડિયાને દેખાવકારોને રક્ષવાની જરૂર જણાઈ હતી. હાલમાં જ યુકેના હોમ સેક્રેટરીએ ત્રાસવાદ અને સંબંધિત સંગઠનોને અંકુશમાં રાખવા પગલાં લીધા છે. ઈમિગ્રેશન કાયદાને સુધારી પોઈન્ટ્સ આધારિત સિસ્ટમ લાગુ કરી છે જેથી યોગ્ય લોકો દેશમાં આવે અને અર્થતંત્ર પર બોજો ન બનતાં તેમાં યોગદાન આપે. આ પ્રયાસોના વખાણ કરાયા છે. પરંતુ, જો ભારત સુરક્ષાને ધ્યાનમાં રાખી નાગરિકતા માપદંડોના પગલાં લેવાનો નિર્ણય કરે તો તરત તેના પર પ્રહારો કરાય છે. તેઓ અપેક્ષા રાખે છે કે ભારતે ગેરકાયદે આર્થિક અને ધાર્મિક અત્યાચારના શિકાર માઈગ્રન્ટ્સ વચ્ચે તફાવત ન કરવો જોઈએ, પડોશીઓ સાથે સરહદો ખુલ્લી રાખવી જોઈએ. પશ્ચિમી મીડિયા અને ડાબેરી બૌદ્ધિકોના બેવડાં ધોરણોનું આથી વધુ સારું ઉદાહરણ શું હોઈ શકે?
(સ્વામી વિવેકાનંદના ઉપદેશોથી પ્રેરિત લેખિકા ફાઈનાન્સિયલ અને ઈક્વિટી રિસર્ચ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
તેમના ઈન્ડોલોજી સંશોધનમાં ફિલોસોફી, ઈતિહાસ, રાજકારણનો સમાવેશ થાય છે. તેઓ ભારત-યુકે સંબંધો આગળ વધારવા સક્રિય
ભારતીય ડાયસ્પોરા નેટવર્ક ‘ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ’ના લંડનસ્થિત સક્રિય સભ્ય છે. ઇમેઇલઃ [email protected])