એન્ટવર્પમાં પાલનપુરી જૈનોની હીરાના વેપારમાં બોલબાલા. હીરાના વ્યવસાયમાં સમૃદ્ધ પેઢીઓમાંની એક તે અંકુર ડાયમંડ. માલિક છે કૌશિક ભણસાલી. વતન મુંબઈમાં. તેમની કંપની છે ‘ક્લાસિક ડાયમંડ ઈન્ડિયા લિમિટેડ.’ ૧૯૮૭માં તેમણે અંકુર ડાયમંડ કરીને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો.
ડાયમંડ વ્યવસાયમાં વિશ્વમાં ભારતીય અગ્રણી છે અરુણ મહેતા. તેમણે ધંધો વધારવા પોતાના નાના ભાઈ દિલીપ મહેતા અને મામાના દીકરા કૌશિકભાઈને ધંધામાં જોડ્યા. આથી ૧૯૭૩માં કૌશિકભાઈ એન્ટવર્પ આવ્યા અને ફાવ્યું તો રહી પડ્યા. ધંધામાં જામ્યા. અરુણભાઈના માર્ગદર્શન હેઠળ ૧૩ વર્ષ ભાગીદારીમાં કમાયા અને ઘડાયા અને અંતે સ્વતંત્ર કામ કરવા અંકુર ડાયમંડ સ્થાપી. અગાઉ ધંધાર્થે શ્રીલંકા, હોંગ કોંગ, ઈઝરાયલ, સિંગાપોર, જાપાન, બેંગકોક, ગીની વગેરે સ્થળે અવારનવાર જતા આથી વધેલા સંપર્કો અને અનુભવે જન્મેલી આત્મશ્રદ્ધાએ ધંધો ખૂબ વિક્સાવ્યો. ૨૦ વર્ષમાં ધંધો ૨૦ ગણો વધ્યો!
ધંધો વધ્યો તેમ તેમ તેમની ઉદારતા વધી અને જે કંઈ કમાય છે તેમાં માત્ર પોતાની આવડત નહીં પણ ઈશ્વરકૃપા પણ છે એવું માનીને, ઈશ્વરનાં સૌ સંતાનોને નાત, જાત, ધર્મ, પ્રદેશ વગેરેના ભેદભાવ વિના મદદરૂપ થતા ગયા. દાન આપવાનું પ્રમાણ વધારતા ગયા.
જેરુસલેમની એક હોસ્પિટલમાં આખો વોર્ડ બંધાવી આપ્યો તે જાણતાં મેં પૂછ્યું, ‘માણસ વતનમાં દાન કરે કે કર્મભૂમિમાં દાન કરે એવું બને. આથી તમે ભારતમાં કે બેલ્જિયમમાં દાન કરો તે સહજ ગણાય. તમે ઈઝરાયલમાં દાન કરવા કેમ વિચાર્યું?’
કૌશિકભાઈ કહે, ‘બેલ્જિયમમાં કલ્યાણ રાજ્ય છે. સરકાર આરોગ્ય અંગેની બધી જવાબદારી ઊઠાવે છે. તેથી અહીં જરૂર નથી. ઈઝરાયલમાં હોસ્પિટલનું સંચાલન ટ્રસ્ટ કરે છે. ટ્રસ્ટે દર્દીઓની ફી અને દાન ઉપર આધાર રાખવો પડે છે, તેથી બેલ્જિયમ કરતાં ઈઝરાયલમાં તેની વધારે જરૂર છે એવું લાગતાં મેં ત્યાં દાન કર્યું.’
સિદ્ધપુરમાં એમણે દાદીમા રુક્ષ્મણીબહેન મણિલાલ ભણસાલીના નામે હાઈસ્કૂલનું મકાન બાંધી આપ્યું છે. પિતા ચંદ્રકાંતભાઈ અને માતા ઉર્મિલાબહેનની પચાસમી લગ્નજયંતિ નિમિત્તે તેમણે સમાજ આખાને લગ્નતિથિ યાદ રહે તેવું કરવા, જરૂરતમંદોને લાભ મળે તે માટે મુંબઈમાં મુલુંડમાં અને પાટણમાં ડાયાલિસિસ સેન્ટર ઊભાં કર્યાં. કૌશિકભાઈ નોખી ભાતના દાતા અને જાહેરજીવનમાં આગેવાન છે. એન્ટવર્પના ઈન્ડિયન એસોસિએશનની કમિટીમાં એ આરંભથી જ સભ્ય છે. એન્ટવર્પની જૈન કલ્ચર કમિટીમાં વર્ષોથી સક્રિય છે. તે પોતે જ્યાં સભ્ય છે ત્યાં દાન આપવામાં મોખરો સાચવે છે, પણ સભ્ય ના હોય ત્યાં પણ પ્રાસંગિક દાન આપે છે. તેઓ મોટા ભાગનાં દાન શિક્ષણ અને આરોગ્યને ખ્યાલમાં રાખીને કરે છે.
૧૯૫૨માં કૌશિકભાઈના પિતા પાટણ છોડીને મુંબઈ આવતાં તેમનો ઉછેર મુંબઈમાં થયો. કૌશિકભાઈ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે પિતાને હીરાના વ્યવસાયમાં મદદ કરતા. આ વખતે એમના ફોઈના દીકરા અરુણભાઈ મહેતા તેમને એન્ટવર્પ લઈ જતાં ભણવાનું અધવચ્ચે છોડ્યું. કૌશિકભાઈએ અભ્યાસ પૂરો ના કર્યો આમ છતાં પરિવારની રીતે જોતાં તેમનો પરિવાર શિક્ષણ અને વ્યવસાય બંનેમાં સમૃદ્ધ છે. પત્ની ભાવનાબહેન સાયન્સ ગ્રેજ્યુએટ છે. પુત્ર બૈજુ લંડનથી એમબીએ થયેલો છે. પુત્રવધૂ સીમા સાયન્સ ગ્રેજ્યુએટ છે. પુત્રી ગોપીએ લંડનમાંથી ઓક્યુપેશનલ થેરેપી કર્યું છે.
બેલ્જિયમ સરકારે એમને નાઈટહૂડથી નવાજ્યા છે. બેલ્જિયમમાં આંગળીના વેઢે ગણાય તેટલા ઓછા નાઈટહૂડમાં કૌશિકભાઈ એક છે.
ધંધાકીય દાક્ષિણ્ય, માનવમાત્ર પ્રત્યે દયા અને દાનની વહેતી સરિતાએ શોભતા કૌશિકભાઇએ ગુજરાતની શોભા વધારી છે.