હે જી તારા આંગણિયા પૂછીને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે
કેમ તમે આવ્યા છો
એવું નવ પૂછજે રે
હેજી એને ધીમે રહીને
બોલવા તું દેજે રે આવકારો મીઠો આપજે રે...
ગુજરાતની ધરતી એની આતિથ્ય ભાવના માટે વિશ્વ વિખ્યાત છે. કવિ ઝવેરચંદ મેઘાણીની ઉપરોક્ત પંકિતઓ ગુજરાતના અતિથિપણાની સાક્ષીરૂપ છે. અમેરિકાના ૪૫મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના અતિથિ બન્યા. વર્ષ ૨૦૧૫ સુધી ન સાંસદ, ન ગવર્નર, ન રાજનેતા એવા ટ્રમ્પ માત્ર ને માત્ર રિઅલ એસ્ટેટના બિઝનેસમેન જ હતા. ૨૦૧૫ના અંતમાં રાજકારણમાં પ્રવેશ કરી એક જ વર્ષમાં એટલે કે ૨૦૧૬માં રાજકારણના અઠંગ ખેલાડી હિલેરી ક્લિન્ટનને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પરાજય આપીને વ્હાઇટ હાઉસ કબજે કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ રાજનીતિમાં પોતાના આગવા વિચારો માટે ક્યારેક વિવાદાસ્પદ પણ બન્યા છે. છતાં વિશ્વની એક મહાસત્તા તરીકે અમેરિકાના પ્રમુખનો પ્રભાવ વિશ્વવ્યાપી છે.
૧૪ જૂન ૧૯૪૬માં ન્યૂ યોર્કમાં ટ્રમ્પનો જન્મ થયો હતો. તેમના પિતા ફ્રેડ ટ્રમ્પ રિઅલ એસ્ટેટમાં બિઝનેસમેન હતા. તેઓ જર્મન હતા. ટ્રમ્પનાં માતા મેરી ટ્રમ્પ સ્કોટલેન્ડથી આવેલા ઇમિગ્રન્ટ હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના માતા-પિતાના પાંચ સંતાનમાં ચોથા ક્રમે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની સ્કૂલ ઓફ ફાઇનાન્સમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૯૭૧માં તો તેમણે પિતાના બિઝનેસનું સંચાલન સંભાળી લીધું. તેમણે કંપનીનું નામ બદલીને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન કરી દીધું. ૧૯૭૯માં કેસિનો ક્ષેત્રે ઝંપલાવ્યું. તેઓ ગોલ્ફ કોર્સ યુનિવર્સિટીનું સંચાલન કરવા ઉપરાંત મિસ યુએસએ, મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓના ભાગીદાર પણ રહી ચૂક્યા છે.
રસપ્રદ બાબત એ છે કે, આશરે ૪૦ વર્ષ રિઅલ એસ્ટેટમાં સફળતાપૂર્વક બિઝનેસ કરી ચૂકેલા ટ્રમ્પ એક સમયે ૧૦૦ જેટલી કંપનીના માલિક હતા. આઇઝન હોવર પછી ટ્રમ્પ પહેલા એવા અમેરિકન પ્રમુખ છે જેમણે રાજકીય નિર્વાચિત કાર્યકાળમાં કામ નથી કર્યું અને સીધા પ્રમુખ બની ગયા છે.
રોમાંચક લગ્નજીવન
ડોનાલ્ડ ટ્રમ્પનું લગ્નજીવન ખૂબ જ રોમાંચક છે. ટ્રમ્પે ત્રણ વાર લગ્ન કર્યાં છે. ઇવાના સાથે ૭ એપ્રિલ ૧૯૭૭ના રોજ પ્રથમ લગ્ન થયાં હતાં. બંનેના ત્રણ બાળકો પણ છે. તે ઉપરાંત ઘણાં બિઝનેસ પ્રોજેક્ટ પણ સાથે જ કર્યા હતા. એ દરમિયાન ટ્રમ્પના માર્લા મેપલ્સ સાથેના લવ અફેરના સમાચાર અખબારોમાં ચમક્યા તે પછી ઇવાનાએ ૧૯૯૧માં ટ્રમ્પ સાથેના લગ્નજીવનનો અંત આણ્યો હતો, પરંતુ ટ્રમ્પની અડધી સંપત્તિની માલિક બની ગઈ હતી.
ટ્રમ્પની બીજી પત્નીનું નામ માર્લા મેપલ્સ છે. આ બંનેની મુલાકાત ૧૯૮૫માં થઈ હતી. ટ્રમ્પ અને ઇવાનાના લગ્ન તૂટી ગયા પછી આ બંનેએ લગ્ન કરી લીધાં. એ અગાઉ માર્લા પરિણીત હતી, પરંતુ પતિથિ અલગ રહેતી હતી. ટ્રમ્પ-માર્લાના લગ્નના બે મહિના બાદ તેમની પુત્રી ટેકનીનો જન્મ થયો હતો. માર્લા સાથેનું ટ્રમ્પનું લગ્નજીવન ૬ વર્ષ ટક્યું હતું.
ટ્રમ્પનાં ત્રીજા લગ્ન મેલાનિયા સાથે થયાં છે. આ લગ્ન ખૂબ જ રોમાંચક છે. લગ્ન બાદ મેલાનિયાને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળ્યું હતું. એ પછી તે અમેરિકાની સ્થાયી નાગરિક બની હતી. મેલાનિયાનો જન્મ ૨૬ એપ્રિલ ૧૯૭૦માં સ્લોવેનિયામાં થયો હતો. તેણે ૧૬-૧૭ વર્ષની વયથી મોડલિંગ શરૂ કરી દીધું હતું. ટ્રમ્પ સાથે તેની મુલાકાત ૧૯૯૮માં ન્યૂ યોર્કમાં ફેશન વીક દરમિયાન થઈ હતી. શરૂઆતમાં મેલાનિયાએ ટ્રમ્પને પોતાનો ટેલિફોન નંબર પણ આપ્યો નહોતો. આ સમયે બીજી પત્ની માર્લા અને ટ્રમ્પ અલગ અલગ રહેતા હતા. ત્યાર બાદ ૧૯૯૯માં મેલાનિયાએ ટ્રમ્પ સાથેના પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો. તે સમય દરમિયાન ૨૦૧૬માં અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં મેલાનિયાએ ચૂંટણી પ્રચાર કરતાં જણાવ્યું હતું કે, ‘મેં ડોનાલ્ડને ચૂંટણી લડવા માટે પ્રેરિત કર્યા હતા. હું જાણું છું કે તેઓ અમેરિકાના કેટલો પ્રેમ કરે છે અને તેઓ અમેરિકાની પ્રજા માટે ઘણું કરી શકે છે.’ મેલાનિયા ઉંમરમાં ટ્રમ્પ કરતાં ૨૪ વર્ષ નાનાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યાં પહેલાં મેલાનિયાનું નામ મેલાનિયા નોસ હતું. ૨૦૦૫માં લગ્ન બાદ તે મેલાનિયા ટ્રમ્પ બન્યાં. ટ્રમ્પના પ્રથમ પત્ની ઇવાનાના પુત્ર કરતાં તે ૮ વર્ષ નાનાં છે. ટ્રમ્પ સાથેના લગ્ન સમારોહ પ્રસંગે મેલાનિયાએ એક લાખ ડોલરનો ડ્રેસ પહેર્યો હતો. તે અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ર્સિબયન અને સ્લોવેનિયન એમ પાંચ ભાષા જાણે છે. મેલાનિયા અમેરિકાના ઇતિહાસમાં પહેલાં ફર્સ્ટ લેડી હશે જેણે ન્યૂડ ફોટોગ્રાફ કરાવ્યું છે. ફ્રેન્ચ ભાષાની એક મેન્સ મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું.
આગ્રાનાં શાહજહાં અને મુમતાઝના અમર પ્રેમના પ્રતીક સમા તાજમહાલની મુલાકાત લેનાર કે અમદાવાદના ગાંધી આશ્રમના દર્શન કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ ત્રણ લગ્ન કરે એ અમેરિકાના સમાજ જીવન માટે સામાન્ય છે. ભારતીય સમાજ માટે અશક્ય છે. લોકનજરે એ સન્માનીય નથી.