■ નયના પટેલ
વિમલ ટીવીમાં આવતા ન્યુઝને ધ્યાનથી સાંભળતો હતો અને ત્યાં બાના રૂમમાંથી ઘંટડી વાગી. હજુ હમણાં તો પાણી આપીને આવ્યો! ‘હવે વળી શું છે?’ બોલવાનું રોકીને પૂછ્યું, ‘શું જોઈએ છે?’ બાએ હંમેશના સંકોચ સાથે ઈશારો કરી પેશાબ લાગ્યો છે કહ્યું.
અને... અને દીકરા પાસે ઝાડા-પેશાબ માટે લેવી પડતી મદદ માટે કમુબા શરમથી કોકડું વળી જતાં પણ ઘરમાં બીજું કોઈ બાઈ માણસે ય નહોતું કે જેની મદદ... અને હતી તે...
વિમલે બાને ચાલવા માટેની ફ્રેમ આપી અને ધીરજથી તેમને આસ્તે આસ્તે ચલાવતો ચલાવતો બાથરૂમમાં લઈ ગયો. જેટલું બાથી થાય એટલું તેમને કરવા દઈ અને પછી બાકીનું બધું જ એક ટ્રેઈન્ડ નર્સની જેમ કરી, બાને ફરી તેમના ખાટલા પાસે દોરી ગયો. ચાલતાં ચાલતાં કમુબાની નજર સોફા પર અસ્ત-વ્યસ્ત પડેલાં ન્યુઝપેપરો અને નાસ્તાની પ્લેટ પર પડી. એક મોટો નિસાસો નાંખી આગળ ચાલ્યા કર્યું. થોડા વર્ષોથી આવું જોઈને ‘આંખ આડા કાન’ કરવાનો પ્રયત્ન કરે છે છતાં ય અકળામણ નિસાસા વાટે બહાર નીકળી જ જાય છે.
એક વખત હતો કે તેમનું ઘર ‘સ્પોટલેસ’ ચોખ્ખુંચણાક રહેતું, વહુઓ આવ્યા પછી એ લોકોથી જરાય કાંઈ સફાઈ ન થાય તો બા ઘર માથે લઈ લેતાં, અને... હવે? ખાટલામાં સુવડાવી વિમલ ગયો. આટલું ચાલીને થાકેલાં કમુબા બારી બહારના અંધકારને તાકી રહ્યાં. ઘડિયાળ તરફ નજર ગઈ - ‘અરે હજુ બપોરનાં ત્રણ જ વાગ્યા છે!’
ખાટલામાં પડ્યાં પડ્યાં કેમે ય કરીને સમય જતો નથી - ખાસ કરીને બપોરનો સમય! સવારનાં તો કેરર આવે ને કમુબાનો રાતનો પહેરાવેલો નેપી બદલે, ટોયલેટ લઈ જાય, નવડાવે-ધોવડાવે, વાળ ઓળીને તૈયાર કરીને નાસ્તો કરાવી, ખાટલામાં બેસાડીને જાય ત્યાં તો દસ - સાડા દસ વાગી જાય. પછી બેઠાં બેઠાં જેવી આવડે એવી મનોમન પ્રાર્થના બોલે, કોઈ ધાર્મિક ચેનલ જૂએ. પછી વળી કંટાળે તો ધાર્મિક ચોપડીમાંથી કંઈ વાંચે કરે ત્યાં તો બાર - સાડા બાર વાગી જાય. પછી એક વાગ્યે મીલ્સ ઓન વ્હિલ્સ (ઘરે મોકલાવાતું જમવાનું) આવે તે વિમલ ગરમ કરીને આપે, એટલામાં બે વાગી જાય.
પણ હવે પછી શું? ન ઉંઘ આવે કે ન તો ટીવીમાં મન લાગે એટલે મન ભૂતકાળની ભેંકાર ભેખડોમાં ભમ્યા કરે!
છેલ્લા ચાર વર્ષથી વિમલ - કમુબેનનો મોટો દીકરો તેમની પાસે રહે છે. વિમલથી નાના જોડિયા દીકરાઓ – હેતલ અને મિતલ એમનાં કુટુંબ સાથે લંડન રહે છે. તેમાંના મિતલની વહુ ધોઈળી - વેન્ડી અને બીજાની ઈંડિયન - નીલા છે. વેન્ડી સાથે ભાષાનો પ્રોબ્લેમ તો ખરો જ, અને તો ય જેવી આવડે તેવી ભાંગીતૂટી ભાષામાં ય કમુબા ઝઘડવાનું ચૂક્યા નથી. અને વિમલની પત્ની પન્ના અને હેતલની પત્ની નીલા સાથે ય કંકાસ કરી કરીને સૌને વેગળા કરી દીધા છે.
ત્રણ - ત્રણ વહુઓ છે છતાં આજે તેમની સેવા કરવી પડે છે મોટા દીકરાએ! પરંતુ સૌથી વધારે મૂંઝવતી વાત તો એ છે કે જે છોકરાને આખી જિંદગી હડધૂત કર્યો એ જ આજે ૬૦ વર્ષની ઉંમરે નોકરી છોડી, મારી સંભાળ રાખવા માટે, છતી પત્નીએ એક વિધુર જેવું જીવન જીવે છે! કમુબાને એ વાત મનમાં ને મનમાં ખુબ ખુબ અકળાવે છે છતાં ય એ વાત કોઈને નથી કહી શકતાં કે નથી જીરવી શકતાં!
પતિ - કેશવ, દીકરાઓ અને તેમની વહુઓને કારણ-અકારણ પજવ્યાનો વાંઝણો પસ્તાવો આંખોનાં ખાડામાં તરફડ્યા કરે!
કોઈ દિવસ મોટી વહુ તો કોઈ દિવસ નાની તો કોઇ દિવસ વચલી તો વળી કોઈ દિવસ ત્રણે ય સાથે વીતાવેલાં દિવસો આખ્ખીને આખ્ખી બપોર લઈ લ્યે છે. મોટે ભાગે ખુશીની ક્ષણો કરતાં કંકાસ થયાની ક્ષણો જ વધારેને વધારે હુમલો કરતી રહે છે.
તો ક્યારેક બાળપણની ખાટીમીઠી યાદોથી બપોર મધુરી લાગવા માંડે. પિયરમાં ચાર - ચાર ભાઈઓ વચ્ચે એકલી બહેન! વળી એની જીદ પોષી પોષીને બાપુએ એવી તો લાડકી કરી મૂકી હતી કે... વારંવાર બાએ કરેલી ભવિષ્યવાણી જેવી બાપુને અપાતી ચેતવણી - આ છોકરીને તમે બહુ બગાડો નહીં, સાસરે અઘરું પડશે - કાનમાં પડઘાયા કરે! અઘરું પડ્યું અને બીજાને ય અઘરું પાડ્યું? આખરે તે મધુરી ક્ષણો પણ નિસાસામાં સરી પડે.
સાવ શાંત અને નરમ સ્વભાવના પતિ - કેશવને તો એણે ક્યારેય મહત્ત્વ આપ્યું જ નહોતું. એની પાસે તો સહેલાઈથી ધારેલું થતું. ક્યારેક યાદ આવી જાય, વિમલ વખતે એ પ્રેગ્નન્ટ થઈ ત્યારની વાત.
‘અહીં જંગલમાં કોઈ કાળે ડિલિવરી ન જ કરાવું, કાં’ તો ડિલિવરી માટે ઇન્ડિયા જાઉં અથવા એનો નિકાલ...’
પણ ભારત ગયેલી કમુ આફ્રિકા એકલી જ પાછી આવી, સંતાનનું મોં જોવા તડપી ઊઠેલો કેશવ નિરાશ થઈ ગયો. ‘અહીં આ જંગલમાં એકલે હાથે કેમ કરીને બાળક મોટું કરું?’ કેશવને કહેવાનું તો બહુએ મન થઈ ગયું, ‘બીજા કરે છે તેમ...’, પણ કમુનાં કંકાસિયા સ્વભાવ આગળ શાંત કેશવ વધુ શાંત થઈ ગયો હતો.
ને કમુ એના પાંચ મહિનાના વિમલને બા અને ભાભીઓની પાસે ઉછેરવા મૂકીvs આફ્રિકા જતી રહી. નાનીમા અને મામીઓ પાસે ઉછરેલા વિમલને કમુબાની જરાય માયા પહેલાં ય નહોતી ને અત્યારે ય નથી તો ય... નાનીમાનો દયાળુ ને બાપુનો શાંત સ્વભાવ વિમલને વારસામાં મળ્યાં હોય તેમ માત્ર દયાથી અને ઘરમાં શાંતિ રહે એટલા માટે જ બધું છોડીને ક્યારેય કલ્પ્યું નહોતું એવું જીવન જીવે છે એ.
અત્યારની પરિસ્થિતિને સામાન્ય બનાવી શરીરની નસેનસમાં ઉતારી લેવાનો વિમલ પ્રામાણિક પ્રયત્ન રોજ કરતો રહે છે જેથી મનમાં ઉઠતી આંધીથી પરેશાની ન થાય, પરંતુ જેમ જેમ આ સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરે છે તેમ તેમ તે અસામાન્ય બનતી બનતી આંધીની એ ડમરી એકાંત મળતાં જ યાદો બનીને તૂટી પડતી... જે મા એને માત્ર પાંચ જ મહિનાનો હતો અને નાનીમા પાસે મુકીને આફ્રિકા જતી રહી હતી!
પછી બે વર્ષ રહીને કમુબેનને જોડિયા બાળકોનો જન્મ થયો એટલે ‘મારાથી ત્રણ - ત્રણ બાળકોને નહીં સંભાળાય’ કહી એમને વિમલને આફ્રિકા નહીં બોલાવવાનું બહાનું મળી ગયું.
૧૨ વર્ષનો થયો ત્યાં સુધીમાં મા-પપ્પાને માત્ર એક વખત મળ્યો હતો અને તે પણ સાવ જ સુપરફિશ્યલી! એ છ–સાત વર્ષનો હતો અને બા-પપ્પા ભારત આવ્યા હતા. એ ઉંમરે પણ વિમલને, નવજાત શીશુને મુકીને ગઈ હતી તે માએ કરેલા વહાલમાં પણ વહાલ જડ્યું નહોતું. હા, તેને મળીને પપ્પાની આંખમાં વહાલનો દરિયો જોયો હતો, પણ બાની આંખો ત્યારે ય ખબર નહીં કેમ, એને કોરીધાકોડ લાગી હતી.
નાનકડા વિમલને એ સમજણ નહોતી પડતી કે બાને એના પછી જન્મેલા બે ભાઈઓ કેમ વહાલા હતાં અને એને ભાગે કેમ કાંઈ વહાલ નહોતું બચ્યું! આફ્રિકાથી એને માટે તે સમયે એના ગામમાં કોઈની પાસે ન હોય એવા રમકડાં બા–પપ્પા લાવ્યા હતાં. તે વખતે તો એ ફુલ્યો નહોતો સમાયો. પણ સમજ આવી ત્યારે ખબર પડી હતી કે એ લાંચ હતી. ત્યાં જંગલમાં ભણતર સારું ન મળે તેવા બહાને ફરી એને ભારત જ રાખીને જતાં રહેવા માટે એ સ્પષ્ટપણે બા દ્વારા અપાયેલી લાંચ હતી. એથી ઊલ્ટું એના નાનકડાં મનને પપ્પાને મળ્યાની એક જ ક્ષણમાં બાપુના આંખમાં ઊભરાતાં વહાલે એને આલિંગ્યો હતો.
એ લોકો પાછા આફ્રિકા ગયા ત્યારે, ‘હું રડું તો વિમલ ઢીલો પડી જાયને...’ કહી માએ એની કોરી આંખોને બચાવી લીધી હતી, ઉલ્ટું પપ્પાની આંખમાં આવેલા આંસુની મશ્કરી કરી હતી!
કોઈ એની ઉંમરના બાળકને માના ખોળામાં બેઠેલો જોતો ત્યારે તરસી આંખે એ જોયા કરતો. પછી નાનીમાનાં ખોળામાં ગલુડિયાની જેમ ભરાઈ રહેતો! એ વહાલા નાનીમાનાં મૃત્યુએ એને મા-વિહોણો કરી નાંખ્યો હતો. અને વિમલને ૧૨ વર્ષની ઉંમરે ન છૂટકે આફ્રિકા જવું પડ્યું હતું. પપ્પા લેવા આવ્યા હતાં ત્યારે પહેલા તો જવાની નામરજી દર્શાવી. ચારેય મામીઓનો લાડકો હતો એ.
એ લોકોએ પણ વિમલને ભણવાનું પૂરું થાય ત્યાં સુધી રાખી જવા આગ્રહ રાખ્યો હતો. પણ ખબર નહીં એ ઉગતી ઉંમરે વિમલને પપ્પાની વણબોલાયેલી એકલતા સ્પર્શી ગઈ અને એમને સહારો આપવા માટે મન મજબૂત કરી એ આફ્રિકા જવા તૈયાર થઈ ગયો હતો.
બા અને બન્ને નાના ભાઈઓ એની સાથે એવી રીતે વર્તતા કે જાણે એ ભારતથી આવેલો ગમાર - મૂર્ખ હોય! એની વાતો એની સામે જ સ્વાહિલી ભાષામાં કરી એની મશ્કરી કરતાં. ક્યારેય એને કુટુંબનો સભ્ય બનવા જ નહોતો દીધો.
પછી તો ઈદી અમીને સૌને કાઢ્યા અને સૌ યુકે જઈને વસ્યા.
સાવ અજાણ્યા વાતાવરણે, ભિન્ન સંસ્કૃતિએ અને ભાષાની તકલીફે કંઈક અંશે કુટુંબને નજીક આણ્યા... અને ત્યાં તો પપ્પાએ જગતમાંથી ઓચિંતી વિદાય લઈ લીધી. પપ્પા હતાં ત્યાં સુધી સધિયારો હતો. રોટલો રળતો પતિ જતાં બા અને સાવ ગરીબડા બાપ પાસે ધાર્યું કરાવતાં બન્ને નાના ભાઈઓ બેબાકળા થઈ ગયા હતાં. રાતોરાત એ જવાબદાર વ્યક્તિ બની ગયો હતો.
એનો ઉપાલંભ કરતાં એ ત્રણે ય જણની એ હવે એક જરૂરિયાત બની ગયો. કારણ ભણવાનું છોડી એણે કમાવા માંડ્યું હતું. ફેક્ટરીમાં કામ કરતાં કમુબાના હાથમાં એ એનો આખો પગાર મૂકી દેતો.
ધીમે ધીમે એ ઘરનો મોભ બની ગયો. બીલો ભરવા, મોરગેજ ભરવું, ઘરનાં બધાં ખર્ચા કાઢવામાં ક્યારેય નથી લીધી હોલીડે કે નથી લીધી સિક લીવ.
હવે બાની સાથે સીધું જ કામ કરવાનું આવતાં એને વિચાર આવતો કે બાનો જીદ્દી અને કજિયાખોર સ્વભાવ પપ્પાએ કેમ કરી વેઠ્યો હશે! પણ એને જેમ એ સ્વભાવ કોઠે પડી ગયો તેમ પપ્પાને ય કોઠે પડી ગયો હશે જ ને?
એને થયું, કમુબાના રૂમમાંથી કાંઈ અવાજ આવ્યો કે શું? અને વિચારોની અંધીને માંડ માંડ રોકી.
જલ્દી જલ્દી ઊઠીને જોવા ગયો.
કમુબા સીલિંગને તાકતાં પડ્યા હતાં.
વિચારોનાં ધમસાણને ધકેલતાં કમુબાએ કહ્યું, ‘તારે શોપિંગ કરવું હોય તો કરી આવ, વિમલ.’
ઘણી વખત આવા વાક્ય પછી એને થતું બા હમણાં મારું નામ બોલવાની જગ્યાએ ‘બેટા’ કહેશે!
એણે ક્યારે ય બાને મોઢે કોઈને પણ ‘બેટા’ કે ‘દીકરા’ કહેતાં નથી સાંભળ્યાં. અરે, એમના લાડકા બન્ને જોડિયા ભાઈઓ માટે પણ નહીં કે ન તો એમના પૌત્રો–પૌત્રીઓ માટે પણ ક્યારેય એણે એ શબ્દ પ્રયોજાયેલો સાંભળ્યો નથી. અને તો ય ક્યારેક ‘બેટા’ કે ‘દીકરા’ સાંભળવાની એને પ્રબળ ઈચ્છા થઈ આવતી. છેલ્લે એણે નાનીમાને મોઢે એ શબ્દો સાંભળ્યા હશે!
‘ના, આજે કાંઈ ખાસ લાવવાનું નથી અને આમે ય તે વરસાદ પડે છે. કાલે જઈશ. તમારે કાંઈ લાવવાનું છે?’
માથું હલાવી ના કહી ફરી સૂનમૂન પડખું ફરી ગયાં.
ઘણી વાર એમને વિમલમાં કેશવના ઘણાં અંશો દેખાતાં, અને ત્યારે એને વધારે અણગમો થઈ આવતો. દીકરીને આફ્રિકા મોકલવાની પ્રબળ ઈચ્છા રાખતાં કમુના પિતાએ પહેલી વાર કમુના કેશવ તરફના અણગમાને અને એની સાથે લગ્ન ન કરવાની કમુની જીદને અવગણી, લગ્ન કરાવ્યાં હતાં. એ જમાનો હતો કે જ્યારે છોકરીને બાપનો નિર્ણય સ્વીકારી લેવો પડતો હતો. પરંતુ બાપુના એ નિર્ણય માટે કમુએ ક્યારેય તેમને માફ નથી કર્યા. વળી તેમાં બાપુ તરફનાં એ ગુસ્સામાં ઉમેરાતો ગયો અનુપદ્રવી કેશવ પ્રત્યેનો અણગમો, અને દિવસે દિવસે એ તિરસ્કારમાં બદલાઇ રહ્યો હતો.
કમુથી બિલકુલ વિપરિત સ્વભાવ ધરાવતાં કેશવને વેપાર સિવાય કશાયમાં ગમ પડતી નહીં. એક તો કમુનો જીદ્દી અને અસહિષ્ણુ સ્વભાવ, ઉપરથી બાપુ તરફનો ભયંકર ગુસ્સો અને તેમાં કેશવનો સાવ નિરસ કહી શકાય એવો સ્વભાવ અને તેને લીધે કેળવાતા જતાં તિરસ્કારે કદાચ કમુના માતૃત્વને શોષી લીધું હતું અને એ શૂન્યાવકાશ કડવાશથી ભરાઈ ગઈ હતી.
વહાલને અભિવ્યક્તિ મળે તે પહેલા જ મનની રણભૂમિમાં શોષવાય ગયું હતું. એનાથી ક્યારેય કોઈને ‘બેટા’ કે દીકરા’ કહેવાતું જ નહીં. પૌત્રો અને પૌત્રીઓ માટે ઘણી વાર આવી જતો એ વહાલપનો શબ્દ જીભ પર આવતાં જ પીગળી જતો અને થૂંક ભેગો વળી પાછો મનમાં ઠાંસોઠાસ ભરેલી કડવાશમાં ભળી જતો.
પડખું ફરી ગયેલા કમુબાને થોડી ક્ષણ નિરખી વિમલ પાછો વળવા જતો જ હતો અને કમુબાનો અવાજ સાંભળી એ થોભી ગયો, ‘વિમલ, ઘરડાંઘરમાં મને જગ્યા મળે?’
વિમલ સ્તબ્ધ થઈ ગયો કારણ એમને ઘરડાંઘરમાં રાખવાનાં કુટુંબના બધાં જ સભ્યોનાં સૂચનોને કમુબાએ ધુતકારી કાઢ્યાં હતાં. ‘આ મારું ઘર છે અને હું મારા જ ઘરમાં મરીશ. હવે પછી ઘરડાંઘરનું નામ ન લેતાં, કહી દઉં છું તમને બધાંય ને!’ કહેનાર બા બોલ્યાં તેના પર વિમલને વિશ્વાસ જ ન પડ્યો!
‘તમે રેસિડેન્સિયલ હોમ્સની વાત કરો છો?’ માનવામાં ન આવતું હોય તેમ વિમલે પ્રશ્ન પૂછી ફરીથી ખાત્રી કરવા ચાહી.
‘એ તમે લોકો અંગ્રેજીમાં જે કહેતાં હોવ તે, પણ ત્યાં જવા માટે મારું નામ નોંધાવીદે જે.’
હજુ ય પડખું ફેરવીને જ વાત કરતાં કમુબાનાં મોંના પ્રતિભાવ વિમલ જોઈ શકતો નહોતો, એટલે હવે શું કહેવું તેની એને ગતાગમ ન પડી. કોઈ જવાબ ન આવતાં, કમુબાને થયું કે વિમલ રૂમમાંથી બહાર જતો રહ્યો કે શું?
પડખું ફરતાં જ સામે ચૂપચાપ ઉભેલા વિમલને જોઈને ખબર નહીં કેમ કમુબાના દિલમાં વર્ષોથી અટકેલું ડૂસકું મોકળું થઈ ગયું. જરાય અવાજ વગર આંસુને વરસવાની કમુબાએ છૂટ આપી ન આપી ત્યાં તો એ ધોધમાર વહી નીકળ્યાં. તેમાં બાકી હોય તેમ વિમલે મોં પર અપાર આશ્ચર્યને અટકાવી, બાજુમાં બેસી, ટીશ્યુથી આંસુ લૂછવા માંડ્યા ત્યારે હવે કમુબાનાં આંસુએ સાચે જ એમને દગો દીધો. ન અટક્યાં તે ન જ અટક્યાં... વિમલ પીઠ પસવારતો રહ્યો. અને આજે આંસુનો બંધ કડડભૂસ કરી અચાનક તૂટી પડતાં આંસુનાં પૂર ઉમટ્યાં જાણે! એમાં કડવાશનો કાદવ પણ ઘસડાવા માંડ્યો.
અત્યાર સુધીનાં પરિતાપમાં કમુબાનું મન એટલું પીગળવા માંડ્યું કે એ પૂરમાં એક માત્ર આધાર એવા વિમલનો હાથ પકડી લીધાનો ય ખ્યાલ ન રહ્યો. ધ્રુસકાં અંતરને તળિયેથી આવતાં હોય તેમ દરેક ધ્રુસકે કમુબાનું આખું શરીર હલી ઊઠતું હતું.
વિમલને પોતાની જનની તરફ કદાચ પહેલી વાર દયામિશ્રિત વહાલ આવ્યું હોય તેમ બીજે હાથે કમુબાના માથે હાથ ફેરવતો રહ્યો.
બારી બહાર વાદળ ગોરંભાયેલા હતાં, પણ અંદર તો મૂશળધાર વરસતો હતો. અત્યાર સુધી વર્ષોથી ધરબી રાખેલી લાગણીનું પૂર આવ્યું હતું અને કમુબાથી એ ખાળ્યું ખળાતું નહોતું.
બેઠાં થવાનો પ્રયાસ કરતાં કમુબાને વિમલે ટેકો આપી બેઠાં કર્યાં. ફરી કમુબાએ વિમલનો હાથ ઝાલી લીધો. એક માત્ર સહારો એ જ છે એની ઘણા સમયથી પ્રતીત થઈ ગઈ હતી પણ આજે હાથ પકડી એની કબૂલાત કરી લીધી જાણે! વહાલ મેળવવા તરસતાં વિમલનું મન કમુબાનાં આસુનાં પૂરમાં તણાવા માંડ્યું. બન્ને પક્ષે વાચાળ મૌન હતું અને આંસુઓ એના સાક્ષી હતાં. કમુબાના નબળાં, કરચલીવાળા હાથને થપથપાવતાં વિમલનો અત્યાર સુધીનો કમુબા તરફનો પરિતાપ ધીમે ધીમે ઓગળતો ગયો અને મા તરફના વહાલની સરવાણી આંખો દ્વારા ફૂટી નીકળી. ક્યાંય સુધી લાગણીનાં બરફનાં ચોસલાં ને ચોસલાં ઓગળતાં રહ્યાં, આંસુ વાટે વહેતાં રહ્યાં. સ્તબ્ધ દિવાલો અને નિર્જીવ ફર્નિચર એના મૂક સાક્ષી માત્ર હતાં.
આસ્તેથી કમુબાનો હાથ છોડાવી વિમલે બાજુના ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ આપ્યો. ડૂસકાં શાંત પડ્યાં, કમુબાએ બે ઘૂંટડા પાણી પીધું અને પાછું આપતાં બોલાય ગયું, ‘થેંક્યુ, બેટા!’ જે શબ્દ સાંભળવા વિમલના કાન ૬૦ - ૬૦ વર્ષ સુધી તરફડ્યા હતાં તે શબ્દ આમ અચાનક પ્રશ્ચાતાપની પળોમાંથી જન્મ્યો!
એ રૂમમાં એક અદ્ભૂત દૃશ્ય રચાયેલું માત્ર તટસ્થ દિવાલો અને ફર્નિચરે જ જોયું કે કમુબાનો ખોળો અમર્યાદ વહેતાં વિમલનાં આંસુથી તરબતર થઈ ગયો હતો.