ચેટીચાંદઃ સિંધી સમાજના નૂતન વર્ષનો શુભારંભ

પર્વવિશેષ

Friday 08th April 2016 06:57 EDT
 
 

ચૈત્ર સુદ બીજ (આ વર્ષે ૯ એપ્રિલ) એટલે ચેટીચાંદ. આ દિવસે ચંદ્રદર્શન સાથે સિંધી સમાજના નૂતન વર્ષનો શુભારંભ થાય છે. આ પર્વે સિંધી સમાજ દ્વારા વરુણ દેવતા સ્વરૂપ ઝુલેલાલની શોભાયાત્રા કાઢવામાં આવે છે.

પર્વના ઇતિહાસ પર નજર નાખીએ તો, શતાબ્દીઓ પહેલાં પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશમાં સાહતખાન રાજાનું શાસન ચાલતું હતું. તે સમયે સરદાર મકબરખાને સાહતખાનની કતલ કરીને તે સિંધની ગાદીએ ચઢી બેઠો. તેણે મરખશાહ નામ ધારણ કરીને પોતાની આણ વર્તાવી. મરખશાહ ધર્માંધ અને ઝનૂની હતો. બાદશાહનો એક વજીર, તેનું નામ હતું 'આહા'. આહા મરખશાહ બાદશાહને હરહંમેશ હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરતો હતો.

એક વખત બાદશાહે સિંધમાં ધર્મપરિવર્તન માટે ફરમાન બહાર પાડ્યું. ફરમાન સાંભળીને પ્રજા ખળભળી ઊઠી. છેવટે બધાએ નક્કી કર્યું કે સાગર તટે જઇને દરિયાલાલની આરાધના કરવી. વરુણદેવ કાં બચાવશે કાં મારશે. પ્રાર્થના, ભજન, કીર્તનમાં આખો દિવસ વીતી ગયો. ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા લોકો વરુણદેવને ભજતા રહ્યા.

ત્રીજા દિવસે વરુણદેવ ભગવાન ઝુલેલાલે જલપતિના રૂપમાં મત્સ્ય પર સવાર થઇને દર્શન આપ્યાં અને આકાશવાણી થઇ કે હે ભક્તો, તમે સર્વે ગભરાયા વિના ઘરે જાઓ. તમારું સંકટ દૂર કરવા માટે હું થોડા દિવસમાં નરસપુરના ઠાકુર રતનરાયના ઘરે માતા દેવકીની કૂખે અવતાર ધારણ કરીશ.

સમય વીત્યો અને નસરપુરના ઠાકુર રતનરાયના ઘરે માતા દેવકીની કૂખે સંવત ૧૨૨૯ના ચૈત્ર માસની શુકલ પક્ષની બીજે બાળક જન્મ્યો. વાત બધે પ્રસરી ગઇ. બાળકનું નામ પાડવામાં આવ્યું ઝુલેલાલ.

દરમિયાન, વજીર આહા પોતાના રસાલા સાથે નરસપુરમાં આવ્યા. તેણે તપાસ કરી કે નરસપુરમાં કેટલાં નવાં બાળકો જન્મ્યા છે? તો એને જાણવા મળ્યું કે લોહાણા જ્ઞાતિના રતનરાય ઠાકુરને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. આ સાંભળીને વજીર આહા રતનરાયને ત્યાં પહોંચ્યો.

વજીર આહાને પોતાને ત્યાં આવેલો જોઇને રતનરાય ઠાકુર ગભરાયા. સઘળી પરિસ્થિતિ તેઓ પામી ગયા. વજીરે ઠાકુરને જણાવ્યું કે બાદશાહનું ફરમાન છે કે તમે તમારા બાળક સાથે રાજદરબારમાં હાજર થાઓ. ત્યારે ઠાકુરે વજીરને જણાવ્યું કે, વજીર સાહેબ બાળક તો હજી નાનું છે. થોડુંક મોટું થશે ત્યારે અમે રાજદરબારમાં બાદશાહનાં દર્શન કરવા માટે સાથે લાવીશું. અત્યારે તમે દરબારગઢમાં પાછા જાઓ.

આટલું સમજાવીને વજીર આહાને વિદાય કર્યો. જોકે વજીર આહા પહોંચે તે પહેલાં તો બાળક બાદશાહ પાસે શાહી મહેલમાં પહોંચી ગયું. મરખશાહે બાળકને પકડવા માટે પહેરેગીરોને હુકમ આપ્યો હતો, પરંતુ કેમેય કરીને બાળક હાથમાં આવ્યું. પહેરેગીરો હેરાન-પરેશાન થઇ ગયા. બાળકનાં જાત-જાતનાં રૂપો અને ચમત્કારો જોઇને સૌ દંગ થઇ ગયા.

આ સમયે બાળકે રાજાને કહ્યું,ઃ હે રાજન, અલ્લાહ એક છે, એને તમે ઇશ્વર કહો કે ખુદા! અલ્લાહની નિગાહમાં કોઇ હિન્દુ છે તો કોઇ મુસલમાન. તમે કુરાને શરીફમાં માનો છો તે કુરાને શરીફમાં સ્પષ્ટ ફરમાવ્યું છે કે સર્વે પદાર્થમાં ઇશ્વરનો સાક્ષાત્કાર કરો.

બાળકની વાત સાંભળીને બાદશાહની આંખો ઊઘડી ગઇ. બાદશાહે ફરમાન કર્યું કે હિન્દુઓ ભલે તેમનો ધર્મ પાળે, આપણે કોઇના ધર્મની આડે આવવું નહીં. બાળક ભગવાન ઝુલેલાલના નામે જગપ્રસિદ્ધ થયું.

ચેટીચાંદની પૂજાના અંતે સૌ ભાવિકો ઉપર જળનો છંટકાવ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં નહીં, પરંતુ વિશ્વભરમાં જ્યાં પણ સિંધી ભાઇ-બહેનો વસે છે ત્યાં તેઓ ભગવાન ઝુલેલાલની જન્મજયંતી રંગેચંગે મનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter