સંવત ૨૦૭૨ મહા વદ તેરસ (આ વર્ષે ૭ માર્ચ), સોમવારના રોજ ધનિષ્ઠા અને શતભિષા નક્ષત્રમાં શિવ યોગ કુંભ રાશિમાં મહા શિવરાત્રીનું પર્વ ધામધૂમથી ઊજવાશે. ભગવાન શિવજીની ઉપાસનાના આ મહા પર્વે ચાર પ્રહરની રાત્રિ પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે, પ્રલય વખતે ભગવાન શિવે તાંડવ કરતાં કરતાં સમસ્ત બ્રહ્માંડને જ્વાળાથી ભસ્મીભૂત કરી નાખ્યું હતું. તેથી જ મહા શિવરાત્રીને કાલરાત્રી પણ કહેવામાં આવે છે.
ભગવાન શિવે સ્મશાનની ભસ્મ લગાવેલી છે. જયારે ગળામાં સર્પનો હાર ધારણ કર્યો છે. કંઠના મધ્યભાગમાં વિષ અને જટાઓમાં ગંગાજી ધારણ કર્યા છે. આ સાથે મનના કારક ચંદ્રને પણ શિર પર ધારણ કરી, ભગવાન શિવ કોઇ પણ પરિસ્થિતિમાં મનને શાંત રાખવું, ઉત્સાહ જાળવી રાખવો એવો સંદેશ આપે છે. આ દિવસ જીવમાત્ર માટે કંઇક વિશેષ પ્રાર્થના કરવા માટેનો દિવસ છે.
તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે કે, ભગવાન શિવ માટે ભગવાન રામ કહે છે કે ‘શિવદ્રોહી મમ દાસ કહવા, સો નર સપનેહુ મોહિ નહિં ભાવા’. અર્થાત્ જે ભગવાન શિવનો વિરોધી હોય છે તે વ્યક્તિ મને સહેજ પણ ગમતી નથી.
ભગવાન શિવનો મહિમા ‘શિવસાગર’ નામક ગ્રંથમાં ખૂબ જ વિસ્તૃત રીતે જોવા મળે છે. ભગવાન શિવ શક્તિ, વિષ્ણુ, બ્રહ્મા જેવા સ્વરૂપોમાં વિદ્યમાન છે તો યંત્ર-મંત્ર-તંત્રમાં ભગવાન શિવ વિદ્યમાન છે.
ઉપવાસનું મહત્ત્વ
ભગવાન શિવજીના મહાપર્વ મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરવાનો અર્થ ભગવાન શિવમય બની રહેવાનો છે. જાગરણનો સાચો અર્થ એ છે કે કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ જેવા પાંચ વિકારોમાંથી મુક્ત રહી શકીએ. આ દિવસે ભગવાન શિવજીને ચારેય પ્રહરની પૂજામાં બીલીપત્ર ચઢાવવાનું મહત્ત્વ છે. આ દિવસે ભગવાન શિવના વિવાહ થયા હતા. જેથી આ દિવસે ભગવાન શિવની જાન પણ કાઢવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ચતુર્દશી તિથિના સ્વામી ભગવાન શિવ છે. આમ તો દર મહિને ચૌદસ આવે છે, પણ મહા વદ ચૌદસના દિવસે સૂર્ય પણ ઉત્તરાયણમાં હોય છે અને વસંત ઋતુનો સમય હોવાથી ભગવાન શિવ સાંસારિક સુખો આપીને દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે.
જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે ચૌદસના દિવસે ચંદ્ર ક્ષીણ અવસ્થામાં હોય છે. જેથી ચંદ્રની જે ઊર્જા પૃથ્વી મંડળ પર પડવી જોઈએ એ ઓછી રહે છે. માનવજીવનમાં ચંદ્રનો સંબંધ સીધો મન સાથે છે. જ્યારે માનસિક સ્થિતિ નબળી થાય ત્યારે અનેક પ્રકારની હતાશા-નિરાશા વધી જાય છે. ભગવાન શિવજીની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે રુદ્રી, શિવમહિમ્ન સ્તોત્ર, ૐ નમઃ શિવાય મંત્રના જપ, શિવપુરાણના પાઠનું મહત્ત્વ હોય છે.
શિવજી મહા દેવ શા માટે?
વેદ, પુરાણ અને સમસ્ત ધાર્મિક સાહિત્યમાં ભગવાન શિવને મહાદેવ કહેવામાં આવ્યા છે કેમ કે ભગવાન શિવ સમસ્ત દેવતાઓના, દૈત્યોના, મનુષ્ય, નાગ, ગંધર્વ, પશુ-પક્ષી તેમજ સમસ્ત વનસ્પતિના દેવ છે. એમની પૂજા-આરાધનાથી, મંત્રજાપથી સંપૂર્ણ સૃષ્ટિમાં અનુશાસન, શક્તિ, પ્રેમનું સંચાર થવા લાગે છે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ અને એ કલ્યાણકારી દેવોના દેવ મહાદેવ શિવશંકર છે. ભગવાન શિવજીની આરાધના, પૂજા કરવાથી સમસ્ત દુઃખોમાંથી મુક્તિ મળે છે. સ્વાસ્થ્ય સારું રહે છે અને વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે.
શિવજી પર પંચામૃત અભિષેક
ભગવાન શિવજીને શિવરાત્રીના દિવસે ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનાં પંચામૃત દ્વારા સ્નાન કરાવી, શુદ્ધ જળથી સ્નાન કરાવી મહામૃત્યુંજય મંત્રના જપ કરી રુદ્રાક્ષ માળા ધારણ કરવાથી જીવનમાં પ્રગતિદાયી પરિવર્તન જોવા મળે છે. ભગવાન શિવની આરાધના કરવા માત્રથી લૌકિક-પરલૌકિક ફળ પ્રાપ્ત થાય છે.
સૃષ્ટિનું રહસ્ય
ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં સૃષ્ટિનું રહસ્ય છુપાયેલું છે. આમ તો દર મહિનાની ચૌદસના દિવસે શિવરાત્રી હોય છે, પણ મહા વદ ચૌદસના દિવસે મહા શિવરાત્રી હોય છે. મહા શિવરાત્રીના દિવસે સમસ્ત બ્રહ્માંડમાં, સૃષ્ટિ પર સ્થાપિત, સ્વયંભૂ શિવલીંગોમાં પૂર્ણ સ્વરૂપે સાક્ષાત્ શિવ બિરાજમાન હોય છે. મા શક્તિ પાર્વતીના રૂપમાં ભગવાન શિવની સાથે જ હોય છે, જેથી મહા શિવરાત્રીના દિવસે શિવ અને શક્તિ - બંનેની સંયુક્ત પૂજા કરવાનું મહત્ત્વ છે.
શિવ અને શક્તિની સંયુક્ત પૂજા કરવાથી દામ્પત્ય જીવન, પારિવારિક જીવન મધુર બને છે. પતિ-પત્નીમાં પ્રેમ વધે છે. આ દિવસે ફળ, ફૂલ, ચંદન, બીલીપત્રની સાથે સાથે ધતૂરાના ફૂલ વડે પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવની ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન સ્વરૂપથી આઠ નામો દ્વારા વિશેષ પૂજા કરાય છે.
ભગવાન શિવજીની ડાબી બાજુએ માં શક્તિની પૂજા આરાધના કરવી જોઈએ. આવો, મહા શિવરાત્રીના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા આરાધના કરીને જીવનમાં શાંતિ, પારિવારિક મધુરતા સાથે રિદ્ધિ-સિદ્ધિને પામીએ.