માટીનો કુંજો

ડો. આઈ. કે. વીજળીવાલા Saturday 30th November 2019 06:30 EST
 
 

ચિનાઈ મોટીનો એક સુંદર કુંજો બનાવવાના સંકલ્પ સાથે એક કુંભારે માટી કેળવવાનું શરૂ કર્યું ત્યાં જ માટીએ કહ્યું કે, ‘અરે ભાઈ! મને છોડી દે! તારા આ ઢીંકાપાટુ મારાથી જરાય સહન નથી થતા!’
કુંભાર હસી પડ્યો. બસ એટલું જ બોલ્યો કે, ‘હજુ નહીં! હજુ વાર છે!’
ત્યાર બાદ તેણે માટીનો લોંદો બનાવ્યો. એને બરાબર થાબડ્યા પછી એ લોંદાને ચાકડે ચડાવ્યો. જેવો એણે ચાકડાને જોરથી ગોળ ફેરવ્યો કે માટીથી બૂમ પડાઈ ગઈ. એનો જીવ ઊંડો ઊતરવા લાગ્યો. એણે કુંભારને કહ્યું કે, ‘એલા ભાઈ! હવે તો બસ કર. હવે તો મને ચક્કર આવવા માંડ્યા છે!’ પણ એમ સાંભળે, એનું કહ્યું માની લે તો કુંભાર શેનો? એણે તો હસતાં હસતાં એટલું જ કહ્યું, ‘હજુ નહીં! હજુ વાર છે!’
થોડી જ વારમાં લાંબી ડોક અને સુંદર આકાર ધરાવતો કુંજો તૈયાર થઈ ગયો. કુંભારે હળવેથી એને ચાકડેથી ઉતાર્યો. પછી તડકામાં સૂકાવા માટે મૂક્યો. ઉનાળાની કાળજાળ ગરમી અને બાળી નાંખતી લૂનો મારો કુંજાથી સહન ન થયા એટલે એણે ફરી એક વખત કુંભારને વિનંતી કરી જોઈ કે, ‘ભલા માણસ! તારે હજું કેટલોક મને તપાવવો છે? આ બાળી નાખતી ગરમી કરતાં તો ક્યાંક છાંયામાં મને મૂકને?’ પણ કુંભારના હોઠ પર તો ‘હજુ વાર છે’ની એક જ વાત હતી. એ તો આટલું કહીને પાછો પોતાના કામે વળગી ગયો.
કુંભારના આવા વલણથી કુંજાને સખત ચીડ ચડી હતી. પરંતુ એ કરી પણ શું શકે? એણે કુંભારની સામે જોવાનું તેમજ બોલવાનું જ બંધ કરી દીધું. એવી રીતે વર્તવાનું શરૂ કર્યું કે જાણે કુંભારનું અસ્તિત્વ જ ન હોય! ‘કુંભાર’ શબ્દને પણ જાણે એ પોતાના મનમાંથી કાઢી નાખવા માગતો હતો. પરંતુ કુંભાર પર કોઈ અસર નહોતી થઈ. કુંજો ન માને કે ન બોલે તેથી કુંભાર માટે કુંજાનું અસ્તિત્વ થોડું મટી જવાનું હતું?
બરાબર સૂકાઈ ગયા પછી કુંજાને રંગ કરવાનું શરૂ કર્યું. રંગની વાસથી કુંજાને ઊબકા આવ્યા. એણે પોતાને ન રંગવાની કુંભારને વિનંતી કરી જોઈ, પણ માને તો કુંભાર શેનો? કુંજાને બરાબર રંગ થઈ ગયો અને એ રંગ પણ સૂકાઈ ગયો ત્યારે કુંભારે આંગણામાં નીંભાડો સળગાવ્યો. ભડભડતા અગ્નિ વચ્ચે એને એ મૂકવા જતો હતો તે વખતે જ કુંજાએ મોટી ચીસ પાડી, ‘અરે ભાઈ! હવે તો હું નહીં જ બચી શકું! આ આગ તો મારું નામનિશાન મિટાવી દેશે, એલા તને જરાય દયા નથી આવતી? મને છોડી દઈશ તો તારું શું લૂંટાઈ જવાનું હતું? છોડી દેને બાપ!’
આ વખતે કુંભાર હસ્યો નહીં. પૂરી ગંભીરતાથી એણે કુંજાને કહ્યું, ‘જો! હું તારી સાથે જ છું. તારું બરાબર ધ્યાન રાખું છું અને હું છું ત્યાં સુધી આ આગ તારું નામનિશાન મિટાવી દે તે વાતમાં માલ નથી. પણ તારે આમાંથી પસાર તો થવાનું જ છે. આ તારી અગ્નિપરીક્ષા છે!’ દર વખતે હસીને હજુ વાર છે એમ કહેતાં કુંભારના વર્તનમાં આવેલા પરિવર્તનથી કુંજાને નવાઈ લાગી. એને હિંમત આવી. કુંભાર સામે એક શ્રદ્ધાભરી નજર નાખીને એણે નીભાડામાં પ્રવેશ કર્યો. બે દિવસ પછી નીભાડો ઠારી કુંભારે કુંજાને બહાર કાઢ્યો. એને બરાબર લૂછી, પોલીસ કરીને પછી એની સામે એણે અરીસો ધર્યો. પોતાનું સુંદર સ્વરૂપ નિહાળીને કુંજો આનંદથી નાચી ઊઠ્યો. ‘અરે! હું આટલો સુંદર લાગું છું? ખરેખર આ હું જ છું?’ આટલા દિવસોમાં પ્રથમ વખત એણે કુંભારનો આભાર માન્યો.
‘જો, સાંભળ! હું તને એક વાત યાદ રાખવાનું કહું છું.’ કુંજા પર વહાલથી હાથ ફેરવતાં કુંભારે કહ્યું, ‘હું પણ જાણું છું કે ગૂંદાવું અને પગ નીચે કચરાવું એ પીડાદાયક હોય છે. ચાકડા પર ફરવું એ પણ મૂંઝવી નાખતું જ હોય છે. પણ મેં જો એમ ન કર્યું હોત તો તું માટીનો એક લોંદો જ રહી જાત. તડકામાં સૂકાવું એ પણ સહેલી વાત નથી. પણ તને સૂકવ્યો ન હોત તો તારામાં તિરાડો પડી જાત, રંગાતી વખતે ઊબકા આવે, નથી રંગાવુ એવી ઇચ્છા પણ થઈ આવે, છતાં પણ જો તારી પર રંગ ન ચડાવ્યો હોત તો તું જિંદગીમાં રંગ શું કહેવાય એ વાતથી જ અજાણ્યો રહી જાત.
તારા આજના અદભુત રંગરૂપ છે એમાંનું કંઈ પણ ન હોત. અને તારી નીંભાડાની અગ્નિપરીક્ષા વખતે તો મને પણ તારી ચિંતા થતી હતી કે ક્યાંક વધુ પડતી ગરમી તને તોડી ન નાખે. પણ કુંજા તરીકેનું વરસોનું સફળ જીવન જીવવા માટે આ અગ્નિપરીક્ષા અનિવાર્ય હોય છે અને એ પરીક્ષાના ફળસ્વરૂપે જ તું આજે એક ઉત્તમ કુંજાનું પદ પામી શક્યો છે. તારું આવું અદભુત સ્વરૂપ જ તને બનાવવાની શરૂઆત કરી ત્યારથી જ મારા મનમાં હતું. મારું એ સ્વપ્ન આજે પૂરું થયું છે. હવે જા! આનંદથી રહે અને તારું કાર્ય કર!’ કુંભારે એને હળવેથી એની જગ્યાએ મૂકી દીધો. કુંજાની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
•••
ભગવાન આપણને ચાકડેથી નીંભાડા સુધીની સફર કરાવતો હોય છે એ કંઈ કારણ વગર તો નહીં જ હોય ને? એની આપેલી બધી કસોટીઓ પાર કરીએ તો જ આપણે સૌ ઉત્તમ કલાકૃતિનું સ્વરૂપ પામી શકીએ. આપણને શું બનાવવા એની આપણને બનાવવાની શરૂઆત કરે ત્યારથી એને જાણ હોય જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter