આ વર્ષે યુકેમાં વધારે ભરતીયો જોવા મળ્યા તેવું લાગતું હોય તો તમારું અનુમાન ખોટું નથી. જુલાઈ ૨૦૧૮થી જૂન ૨૦૧૯ સુધીમાં પાંચ લાખથી વધારે ભારતીયો વિઝીટર વિઝા લઈને યુકે આવ્યા છે તેવું યુકેની સરકારે જાહેર કરેલા આંકડા દર્શાવે છે.
ભારત અને યુકે વચ્ચે વધી રહેલા વેપાર-વાણિજ્ય ઉપરાંત પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવો એક મહત્ત્વની બાબત છે. ફરવા આવેલા લોકો પણ અહીંના વૈભવ અને બહુપરિમાણીય સંસ્કૃતિને જોઈને ઘણું શીખતાં હોય છે. તેમાં શીખવા જેવી અને ન શીખવા જેવી બાબતો પણ તેઓ પોતાના ભાથામાં ભેગી બાંધી જાય તેવું બને.
વિઝીટર વિઝા લઈને આવેલા પ્રવાસીઓ ઉપરાંત - નોકરી કરવા કે ભણવા આવેલા એવા બધા મળીને ૮૦ હજારથી એક લાખ લોકો વધારાના. કેમ કે ૨૨ હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ આ વર્ષે સ્ટડી વિઝા લઈને અહીં આવ્યા હતા અને સ્કિલ્ડ વર્કરની શ્રેણીમાં ૫૬ હજારથી વધારે લોકો આવ્યા છે. વિઝીટર, નોકરિયાત અને વિદ્યાર્થી - એમ ત્રણેય શ્રેણીમાં યુકે આવનારા ભારતીયોની સંખ્યામાં વધારો નોંધાયો છે. આંકડા દર્શાવે છે કે ભારતીય અને ચીની લોકો મળીને યુકેના વિશ્વભરના ૪૯ ટકા વિઝા લઇ જાય છે.
અભ્યાસની ડિગ્રી મેળવ્યા બાદ કામ કરવા અંગેના નિયમોમાં ૨૦૧૨માં ફેરફાર કરવામાં આવ્યો અને પોસ્ટ-સ્ટડી વર્ક માટે મળતો સમય બે વર્ષમાંથી ઘટાડીને છ માસનો કરવામાં આવ્યો ત્યારથી ભારતથી યુકે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦ હજારથી ઘટીને તેના અડધા કરતા પણ ઓછી રહી ગઈ હતી. આ વર્ષે થોડો વધારો નોંધાયો છે અને હવે તે ૨૨ હજારનો આંકડો પાર કરી ગઈ છે.
તેવી જ રીતે કામ કરવા આવતા સ્કિલ્ડ પ્રોફેશનલના વિઝાના નિયમો પણ સખત બનાવાયા હતા અને તેમની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. હવે તેને ફરીથી ગતિ પકડી હોવાનું જોવા મળે છે કેમ કે આ વર્ષના આંકડા ગયા વર્ષ કરતા વર્ક-વિઝામાં પાંચેક ટકાનો વધારો સૂચવે છે. ગયા વર્ષના અંતમાં ઇમિગ્રેશન અંગે જે વ્હાઇટ પેપર રજુ કરવામાં આવ્યું છે તે દર્શાવે છે કે ૨૦૨૧ સુધીમાં હાઈલી સ્કિલ્ડ લોકો માટે વિઝા સરળ બનશે. પરંતુ સેમી-સ્કિલ્ડ કે લો-સ્કિલ્ડ લોકો માટે તે વધારે મુશ્કેલ બનાવની શક્યતા છે. યુકેમાં જે રીતે બ્રેક્ઝિટની પરિસ્થિતિને લઈને પાઉન્ડમાં અસ્થિરતા આવી રહી છે તે પણ ભારત-યુકે વચ્ચેના વ્યાપારી અને માઈગ્રેશનના આંકડાઓને અસર પહોંચાડી શકે તેમ છે. આવી પરિસ્થિતિઓમાં બંને દેશોએ એવા પ્રયત્નો કરવા રહ્યા કે જેથી માનવ-સંબંધો દ્વારા બંધાતો થેમ્સ-ગંગા સેતુબંધ સતત મજબૂત બને. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)