ગાંધીજી રાષ્ટ્રપિતા મનાયા. રાષ્ટ્રપિતા એમનાં પત્ની કસ્તૂરબાને બા કહેતાં. જવાહર, સરદાર, મૌલાના અને બીજા નેતા પણ બા કહેતા. કસ્તૂરબા આશ્રમવાસીઓનાં બા બન્યાં. દેશના બા બન્યાં. વિલાયત ભણીગણીને બેરિસ્ટર થયેલા પુરુષની પત્ની નિરક્ષર. નિશાળે ગયેલાં નહીં. ૭ વર્ષની ઉંમરે સગાઈ થઈ ને ૧૩ વર્ષે સાસરે આવવાનું થયું. તે જમાનામાં છોકરીઓને ભણાવતાં નહીં, પણ વિના ભણ્યે કસ્તૂરબા સંસાર, વહેવાર, સેવા અને ઘરકામના પાઠ શીખીને રાષ્ટ્રમાતા થયાં. કપડાં-વાસણ કરે, મા સાથે મંદિરે જાય. આરતી કરે અને ભગવાનને ભજે. વ્રત-ઉપવાસ કરે. આ એમનું ભણતર અને જીવનનું ચણતર.
ગાંધીજીને ભણેલી પત્ની ગમે. તેઓ કસ્તૂરબાને શીખવવા મથે, પણ સમયનો સવાલ. દિવસે કસ્તૂરબાને ઘરકામ ચાલે અને થાકીને આવેલાં કસ્તૂરબાને ગાંધીજી ભણાવે. બા ભણે અને ભૂલે.
ગાંધીજી આરંભમાં બીજા પતિ જેવા વહેમી. કસ્તૂરબા નવાં કપડાં, ઘરેણાં પહેરે તેથી વહેમાય. કોને બતાવવા જતી હશે? ગાંધીજીએ ફરમાવ્યું, ‘મારી રજા વિના ક્યાંય ના જવું.’ ગાંધીજીએ સવિનય કાનૂનભંગ વર્ષો પછી કરેલો. કસ્તૂરબાએ ગાંધીજીથી દશકાઓ પહેલાં સવિનય ફરમાન ભંગ કર્યો. તેઓ સાચનાં આગ્રહી અને નીડર. તેમણે સત્ય માટે વેઠવું પડે તે વેઠવાની તૈયારી સાથે આદેશની અવગણના કરી. ગાંધીજી અંતે સમજ્યા અને વાત આગળ ના વધારી.
કસ્તૂરબાને નાની વયે ભારે જવાબદારીઓ ઊઠાવવાની થઈ. આથી તે ઘડાયાં અને મહાન બન્યાં. આરંભમાં શંકાશીલ પતિ અને તે પરદેશ ગયાં. સાસુમાનું અવસાન થતાં ઘરમાં વડીલ જેઠાણી ને ઘણાં સંતાન. જેઠાણીને ધરમકરમમાં રસ. આથી જેઠાણીનાં છોકરાંને નવડાવવા અને જમાડવાનાં. ભોજન પણ પોતે બનાવવાનું. પતિ બેરિસ્ટર થઈને પાછાં આવ્યા તો એમની સાથે દક્ષિણ આફ્રિકા જવાનું થયું. બેરિસ્ટર ગાંધી આરંભમાં ઠાઠમાઠમાં રહેતા. કસ્તૂરબા પતિને અનુકૂળ થવા બદલાયાં. સમય વીતતાં ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં નેતા થયા. જીવન પદ્ધતિમાં બદલાતા ગયા. કસ્તૂરબાએ કદી કચકચ ના કરી. પતિના પગલે પોતે પણ બદલાયાં. તેમણે સાદગી અપનાવી. ગાંધીજીએ બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું, કસ્તૂરબા આડે ના આવ્યાં. તેમણે બાપુને પૂરો સાથ આપ્યો.
ગાંધીજીએ ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. ત્યાં જાતમહેનતનો મહિમા હતો. સૌ એક સમાન એવી ભાવના હતી. બાએ ઉમંગથી બધું સ્વીકાર્યું. બાપુને તે કહેતાં, ‘તમે જોગી બનીને જીવો અને હું સાહ્યબી ભોગવું તે મને ના ગમે.’
બાને બાપુમાં અનન્ય શ્રદ્ધા. બા બીમાર થતાં બાપુએ તેમને સાજાં કરવા સૂઝે તે અખતરાં કર્યાં. ઉપવાસ કરાવ્યાં. મીઠું છોડાવ્યું. કઠોળ છોડાવ્યું. લીમડાનો રસ પાયો. બાએ બધું વિના વિરોધે કર્યું.
દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારે હિંદીઓ માટે લગ્નનોંધણીનો કાયદો કર્યો. કસ્તૂરબા માને કે ગોરાનો કાયદો ગોરાએ માનવાનો. આપણે પરાણે કેમ માનીએ? આપણે તો પરણ્યાં એટલે ન પરણ્યાં થઈને ફરી કેમ નોંધાવીએ? કસ્તૂરબાએ બહેનોની ટુકડીની નેતાગીરી લઈને સત્યાગ્રહ કર્યો તો સરકારે જેલમાં પૂર્યાં. જેલના ખોરાકને બદલે તેમણે ફળ માંગ્યાં. જેલે આ ન સ્વીકારતાં તેમણે ઉપવાસ શરૂ કર્યાં. થાકીને જેલવાળાંએ પાંચ દિવસ પછી ફળ આપવાં પડ્યાં.
ભારત આવીને બાપુએ અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો. આશ્રમમાં અંતેવાસી થવા વિનોબા ભાવે, મહાદેવ દેસાઈ, કિશોરલાલ મશરુવાળા, કાકાસાહેબ કાલેલકર, નરહરિ પરીખ, મામાસાહેબ ફડકે આવ્યા અને રોકાયા. બધા એક રસોડે જમે. ગાંધીજી સૌના બાપુ બન્યા તો કસ્તૂરબા બધાંનાં બા બન્યાં. ક્યારેક કોઈ બાપુથી નારાજ થાય. બાથી કોઈ નારાજ ના થાય.
બિહારમાં ચંપારણની લડતમાં બાપુ સાથે બા ગયાં. તેમણે બાપુને બિહારની સ્ત્રીઓને ગરીબીમાં કપડાં ય નથી મળતાં તે કહ્યું. બાપુ આ પછી માત્ર પોતડીધારી બન્યા. બાપુએ હરિજન બાળા લક્ષ્મીને દત્તક લીધી તો બાએ તેને ઊછેરી.
બા સૌ કાર્યકરોની પત્નીઓને મોટાઈ વિના મદદ કરતાં. બાને ભગવાનમાં શ્રદ્ધા. બાપુ બીમાર પડે તો તે ભગવાનને પૂજાપાઠથી રાજી કરવા મથે.
બા-બાપુ બંનેને પરસ્પર ભારે પ્રેમ. દિલ એક, દેહ જુદાં. બાએ બાપુના ખોળામાં જ ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ દેહત્યાગ કર્યો. અગ્નિદાહમાં બાનું શરીર બળ્યું, પણ કાચની બંગડીઓ એમની એમ રહી. બાના અખંડ સૌભાગ્યની આ નિશાનીમાં લોકોને બાનું સતીત્વ દેખાયું.