કોવિડ-૧૯ની મહામારી દરમિયાન આપણામાંથી કોઈએ સ્વજન ગુમાવવાની પીડા અનુભવી ન હોય ત્યાં સુધી વિવિધ કોમ્યુનિટી સંસ્થાઓ દ્વારા શોકાતુર પરિવારજનોને જે અભૂતપૂર્વ નિઃસ્વાર્થ સેવાનું યોગદાન અને સપોર્ટ આપવામાં આવે છે તેની કદર કરવી કદાચ નહિ સમજાય.
મને ખાતરી છે કે ઘણી સંસ્થાઓ ટેકારુપ સેવાઓ આપે છે પરંતુ, લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા અપાતી સેવા ખરેખર અભૂતપૂર્વ છે. યુકેમાં નોર્થ લંડન કોરોના કટોકટીનું એપીસેન્ટર બની રહ્યું છે અને આપણા એશિયન પરિવારોએ પણ મૃત્યુનો અપ્રમાણસર અને ઊંચો હિસ્સો સહન કરવો પડ્યો છે.
LCNL સમર્પિત બીરેવમેન્ટ સર્વિસ (શોકાતુરોને સેવા) આપતી ગણીગાંઠી સંસ્થાઓમાં એક છે.
શ્રી વિનુભાઈ કોટેચાની આગેવાની હેઠળની સંસ્થાને નટુભાઈ નથવાણી, રમેશભાઈ દેવાણી, જયંતીભાઈ રાયઠઠ્ઠા, ગિરિશભાઈ તેમજ અન્યોનો સબળ સાથ સાંપડ્યો છે. કોમ્યુનિટીની સેવામાં વિનુભાઈની નિષ્ઠા અને સમર્પણભાવ લોહાણા કોમ્યુનિટીમાં તેમજ ક્વીન દ્વારા એનાયત BEMના જાહેર સન્માન સાથે વ્યાપક સમાજમાં સદા ઝીલાતા રહ્યા છે.
મેં વિનુભાઈને કોમ્યુનિટીમાં મૃત્યુની વ્યાપક શોકપૂર્ણ ઘટનાઓ નોંધાઈ છે તે કપરા સમય દરમિયાન તેમના અનુભવ વિશે પ્રશ્ન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં તેઓ દર સપ્તાહે આશરે બે શોકપ્રસંગો - કાર્યક્રમો (bereavement engagements)નું આયોજન કરે છે, જેમાં જાહેર પ્રાર્થનાસભા અથવા અથવા ફ્યુનરલના દિવસે આખરી ક્રિયાકર્મનો સમાવેશ થાય છે. જોકે, તેમનો તાજો અનુભવ દિવસમાં જ આવા છ કાર્યક્રમનો રહ્યો છે! આ તો ભારે ઉછાળો કહેવાય. જોકે, ડિજિટાઈઝેશન પ્રોસેસના સાથ અને ઉપયોગથી આ કાયક્રમોના આયોજનોમાં થોડી ઘણી સરળતા ચોક્કસ રહી છે. આ તમામ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક અને નમ્ર સેવાભાવ સાથે અપાય છે!
ફરી એક વખત કહું તો, LCNL ડિજિટલ ટીમના અમિત કારીઆ, અમિત ચંદારાણા તેમજ અન્ય ૧૧ સભ્યોએ LCNLના પ્રમુખ યતીનભાઈ દાવડાના સમર્થ માર્ગદર્શન હેઠળ વિનુભાઈ અને તેમની ટીમને ટેકો આપવામાં નોંધપાત્ર કામગીરી બજાવી છે. આ કાર્ય શોપિંગ, હેલ્થ અને સ્વસ્થતાના માર્ગદર્શન, બિઝનેસ સપોર્ટ અને ઓનલાઈન મનોરંજન માટે વોલન્ટીઅર્સને કોમ્યુનિટીની સાથે સાંકળવાની વ્યાપક કોમ્યુનિટી કોમ્યુનિકેશન કામગીરી ઉપરાંતનું છે. યુવાનો સમુદાયના કલ્યાણ માટે પોતાના વિશિષ્ટ કૌશલ્યનો લાભ આપતા હોય તે ખરેખર આનંદની વાત છે.
આવા સમયમાં, વિનુભાઈ અને તેમની ટીમે કોમ્યુનિટીના ૩૦૦૦થી વધુના ડેટાબેઝને લગભગ ૬૦૦,૦૦૦ શોકસંદેશ પાઠવ્યાં છે તેમજ લેસ્ટરમાં વધુ ૧૫૦૦ અને યુકેના અન્ય વિસ્તારોમાં ૧૦૦૦ સંદેશ મોકલ્યા છે.
એવાં અસંખ્ય ફ્યુનરલ્સ કે અંતિમસંસ્કાર કરાય છે જેમાં પરિવારના કોઈ સભ્ય ઉપસ્થિત ન હોય અથવા વિદાયગત આત્માની પાછળ આખરી વિધિ કરાતી ન હોય. આવા સંજોગોમાં આ ટીમે અભૂતપૂર્વ સેવાપૂર્ણ કામગીરી બજાવી છે. તેઓ શોકગ્રસ્ત પરિવારની સાથે ખભેખભાં મિલાવી ઉભાં રહ્યા છે અને દૂર રહીને પણ તેમને ડિજીટાઈઝ્ડ જાહેર પ્રાર્થનાના આયોજનમાં તેમજ સદ્ગતની તસવીર અને શ્વેત વસ્ત્રના ઉપયોગથી આખરી ક્રિયાકર્મમાં મદદ કરી છે. વિદાય લીધેલા આત્માની આગળની યાત્રા સુખરુપ નીવડે તે માટે સમર્પિત પૂજા કરવામાં આવે છે જેમાં, મૃતકના કપાળે ઘી લગાવાય છે અને પાંચ પિંડ (પંચતત્વોના પ્રતીકરુપે મિશ્ર અન્નના ગોળા) કોફિનની અંદર રાખવામાં આવે છે. જ્યારે કોફિન-શબપેટી ખોલી શકાય તેમ ન હોય તો ફ્યુનરલ ડાયરેક્ટર્સને જ શરીરને બરાબર ગોઠવતી વેળાએ ઘી લગાવવા વિનંતી કરવામાં આવે છે. તમામ પૂજાસામગ્રી શ્વેત વસ્ત્રમાં રાખી સ્મશાનગૃહ લઈ જવાય છે અને કોફિન ભઠ્ઠીમાં ગોઠવાય ત્યારે આ સામગ્રી અને વસ્ત્ર તેની પર મૂકી દેવાય છે.
સામાન્ય રીતે તો આ પ્રકારના અંગીકૃત ક્રિયાકર્મનું અનુસરણ કરાતું નથી પરંતુ, નિષ્ઠાવાન અને જ્ઞાની બ્રાહ્મણો અને હિન્દુ વિદ્વાનોની સલાહ લેવાયા પછી તેનો અમલ કરવામાં આવે છે.
વિનુભાઈ કહે છે તેમ પરિવારો તેમની નિઃસ્વાર્થ સેવાભાવનાની ખરે જ કદર કરે છે અને સ્વજન ગુમાવ્યાના કપરા સમયમાં આખરી વિદાય આપવાની કામગીરી ખરેખર મુશ્કેલ બની રહે છે.
કોમ્યુનિટીમાંથી ઘણા પરોપકારીજનો પણ આ સેવામાં સાથ-સહાય કરવા તત્પર રહે છે. વી.બી. એન્ડ સન્સ અને નીતા કેશ એન્ડ કેરી દ્વારા કોઈ પણ ચાર્જ વિના શોકગ્રસ્ત પરિવારોને આવશ્યક પૂજાસામગ્રીનું સંપૂર્ણ પેકેજ આપવામાં આવે છે તેની નોંધ અવશ્ય લઈએ. એક પરિવારે તો અંતિમવિધિ- ફ્યુનરલનો જે ખર્ચ થાય તેનો જે નાણાકીય સપોર્ટ પરિવારોને જોઈતો હોય તે આપવા આ ટીમને ખાતરી આપી છે.
કેટલાક ફ્યુનરલ ડાયરેક્ટર્સ વર્તમાન સંજોગોને મોટી તક તરીકે ગણે છે અને તેમણે ભાવ વધારી દીધા છે અથવા એકસ્ટ્રા ચાર્જ લગાવતા હોય છે. બીજી તરફ, એવા પણ ફ્યુનરલ ડાયરેક્ટર્સ છે જેઓ કોફિનને ઘેર નહિ લઈ જવાથી ખર્ચમાં થતો ઘટાડા ધ્યાનમાં રાખી કિંમતોમાં કાપ મૂકીને યોગ્ય વ્યાવહારિકતા દર્શાવે છે.
સામાન્ય રીતે ફ્યુનરલનો ખર્ચ ૨૦૦૦થી ૩૦૦૦ પાઉન્ડની વચ્ચે જેટલો થઈ શકે છે!
મારે અહીં ગ્રીનફોર્ડના જલારામ મંદિરની સમર્પિત સેવાનો પણ ઉલ્લેખ કરવો જ જોઈએ. આચાર્ય પલકેશભાઈની નિગેહબાની હેઠળ સંસ્થા દ્વારા વિદાય લીધેલા સદ્ગત વ્યક્તિના આત્માને સમર્પિત જાહેર ભજનોનું આયોજન કરવામાં આવે છે. હું જાણું છું કે અંતિમસંસ્કારના દિવસે મંદિર દ્વારા શોકગ્રસ્ત પરિવારો અને સંબંધીઓને નિઃશુલ્ક પ્રસાદી પણ આપવામાં આવે છે.
હનુમાનજીના પરમ ભક્ત હોવાં સાથે જૈન સિદ્ધાંતોને અનુસરતા વિનુભાઈ ભવિષ્ય તરફ નિહાળતા માને છે કે કોમ્યુનિટીના દરેક સભ્યે ગીતાજીનું વાંચન કરવું જોઈએ કારણ કે તે જીવન અને મૃત્યુ સંદર્ભે ઘણું શીખવે છે. આમ તો બધું પરિવારો પર આધાર રાખે છે પરંતુ, પ્રત્યક્ષ - શારીરિક પ્રાર્થનાસભાઓ કે બેઠકોની સાથે જ ડિજિટાઈઝ્ડ પૂજા, ભજનો અને ફ્યુનરલ્સના સંજોગો અને તેના લાભ પણ હવે અહીં જ ઉભા થતાં રહેવાના છે. ખરેખર તો, અનંત પ્રવાસે નીકળેલા આત્મા માટેની પ્રાર્થનાસભામાં ડિજિટાઈઝેશન થકી સમગ્ર વિશ્વમાંથી લોકો સામેલ થઈ શકે તેમાં મદદ મળી છે.
પરિવારમાં જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારજનોએ વિદાય લીધેલા આત્માની શાંતિ અર્થે ૧૩ દિવસ સુધી પ્રાર્થનામાં સમર્પિત થવું જ જોઈએ.
(લેખક સુભાષ ઠકરાર B com FCA FRSA, લંડન ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ ચેરમેન છે. તેઓ ચેરિટી ક્લેરિટી(www.charityclarity.org.uk) સંસ્થાના સ્થાપક ચેરમેન અને રોયલ સોસાયટી ઓફ આર્ટ્સના ફેલો પણ છે.)