આ દિવસો પણ વહી જશે, મિત્રો

સુભાષ વી. ઠકરાર Wednesday 03rd June 2020 05:42 EDT
 
 

આજકાલ આપણે બરબાદી અને નિરાશાની વાતો સતત સાંભળીએ છીએ. આપણે સાંભળીએ છીએ કે આપણું અર્થતંત્ર ભાંગી પડશે અને ભયંકર મંદીની ખાઈમાં સરી પડીશું.
શું આ સત્ય છે? આપણે જરા ઊંડાણથી વિચારીએ.
૨૦૦૮/૦૯ની આર્થિક કટોકટીમાં યુએસ સરકારે અર્થતંત્રને ૧૫૨ બિલિયન ડોલરનો નાણાકીય પ્રોત્સાહક ડોઝ આપ્યો હતો. ૨૦૨૦ની આ કોવિડ કટોકટીમાં ૨ ટ્રિલિયન ડોલર એટલે કે ૨૦૦૦ બિલિયન ડોલરના જંગી સ્ટિમ્યુલસની જાહેરાત કરી છે, જે ૨૦૦૮/૦૯ની સરખામણીએ ૧૩ ગણાંથી વધુ કહી શકાય.
યુકેની વાત કરીએ તો ૨૦૦૮ની કટોકટી માટે ૭૦ બિલિયન પાઉન્ડનો અને ૨૦૨૦ની કટોકટી માટે ૩૩૦ બિલિયન પાઉન્ડનો પ્રોત્સાહક ડોઝ અપાયો છે, જે ૨૦૦૮ની સરખામણીએ લગભગ પાંચ ગણો છે. વિશ્વના અન્ય મુખ્ય અર્થતંત્રો પણ આ જ માર્ગને અનુસરી રહ્યાં છે.
આપણે જ્યારે, જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) સામે જાહેર દેવાંનો રેશિયો-ગુણોત્તર વિચારીએ તો યુકે માટે તે આશરે ૮૬ ટકાનો જણાય છે. યુએસ માટે ૧૦૬ ટકા અને જાપાન માટે ૨૩૪ ટકાનો છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી ૧૯૪૬ના વર્ષમાં યુકે માટે આ રેશિયો ૧૫૦ ટકાએ પહોંચી ગયો હતો. આથી, આપણી પાસે આગળ વધવા ઘણી બધી તક રહી છે.
યુકેના નાણાકીય સ્ટિમ્યુલસનો ડોઝ જોઈએ તો આનો સમાવેશ થાય છેઃ
૧. ‘ફર્લો સ્કીમ’ તરીકે ઓળખાતી યોજના હેઠળ ઘરમાં બેઠેલા દરેક કર્મચારી દીઠ માસિક ૨૫૦૦ પાઉન્ડ સુધી ચૂકવણી કરાય છે. આ યોજનામાં નાણા સીધા એમ્પ્લોયર્સના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે અને કર્મચારીને ચૂકવાય છે. કર્મચારી અથવા એમ્પ્લોયર્સે પરત ચૂકવણી કરવાની ન હોવાથી તે મફત નાણા છે.
૨. સ્વ-રોજગારી લોકો માટે પણ માસિક ૨૫૦૦ પાઉન્ડ સુધી ચૂકવણીની આ યોજના છે. આ પણ મફત છે અને પરત ચૂકવવાની જરુર નથી.
૩. બિઝનેસ ઈન્ટરપ્શન લોન્સ. બિઝનેસીસ માટે આ લોન છે જેમાં, સરકાર ધીરાણકારોને ૮૦ ટકા સિક્યુરિટીની ગેરંટી આપે છે. આમાં સરકાર પ્રથમ ૧૨ મહિનાનું વ્યાજ પણ ચૂકવશે.
૪. લઘુ બિઝનેસીસ માટે ૨૫,૦૦૦ પાઉન્ડ સુધીની બ્રિઝનેસ ગ્રાન્ટ્સ. આ મફત છે અને પરત ચૂકવવાની જરુર નથી.
૫. બિઝનેસ રેટ્સમાં હોલીડે-મુક્તિ. આ ઘણી મોટી રકમો છે અને તે ૧૨ મહિના સુધી મફત છે અને પરત ચૂકવવાની જરુર નથી. આ ૨૦૨૦/૨૧ના વર્ષ માટે છે અને જેઓ તેને પાત્ર છે તેમને મળી શકે તેમ છે.
૬. હાલત સુધારી ફરી છલાંગ મારવા માટેની ‘બાઉન્સ બેક’ લોન. આ ૫૦,૦૦૦ પાઉન્ડ સુધીની લોન્સ અસરગ્રસ્ત લઘુ બિઝનેસીસ માટે છે અને સરકાર દ્વારા ૧૦૦ ટકા સિક્યોર્ડ છે. આમાં પણ પ્રથમ ૧૨ મહિના વ્યાજ ભરવામાં મુક્તિ અપાઈ છે.
આ બધાથી એવો વિચાર પણ આવે કે શું સરકાર પાસે નાણાનું ઝાડ છે? વધતાઓછાં અંશે આ સાચું પણ છે. સરકારે અર્થતંત્રમાં અઢળક નાણા ઠાલવ્યાં છે. સામાન્ય સમય કે સંજોગોમાં આટલા મોટા પાયે ખર્ચા કરવાને ગાંડપણ કહી શકાય.
આ નાણા-લોન્સ મેળવનારા લોકોનો વિશ્વાસ વધશે ત્યારે તેઓ ખર્ચા કરવાની શરુઆત કરશે અને બધાં નાણા અર્થતંત્રમાં ઠલવાતાં જશે. અત્યારે જ ઓનલાઈન શોપિંગમાં ૪૦ ટકાનો વધારો જોવાં મળે છે અને આલ્કોહોલના વેચાણમાં પણ જબ્બર ઉછાળો આવ્યો છે. આ બધા ખર્ચ ઈકોનોમીને સુધારાના માર્ગ તરફ આગળ વધવા ઉત્તેજન આપશે.
મારો મત એવો છે કે અર્થતંત્રની છલાંગ કે સુધારાનો માર્ગ ઝડપથી V આકારનો રહેશે.
બરાબર છે, કેટલાક બિઝનેસ સેક્ટર્સની હાલત વધુ ખરાબ છે અને તેમને વધુ સમય લાગશે. આ ક્ષેત્રોમાં એરલાઈન્સ, પબ્સ અને રેસ્ટોરાં સહિતનો સમાવેશ થાય છે પરંતુ, અન્ય ઘણા ક્ષેત્રોમાં ઝડપી રચનાત્મક વૃદ્ધિ જોવાં મળશે. આ ક્ષેત્રોમાં ખાદ્યાન્ન અને ગ્રોસરીઝ, ટેકનોલોજી, ફાર્મા અને કોમ્યુનિકેશન્સ કંપનીઓ સમાવિષ્ટ છે. નવા વિચારો, નવતર આઈડિયાઝનો ફાલ પણ જોવાં મળશે. બહાર ભોજન કરવાના આઈડિયાઝ પણ જોવાં મળશે જેમાં, તમારી મનપસંદ રેસ્ટોરાંમાંથી તમામ ખાદ્યસામગ્રી મળી રહે અને તમે ઘરમાં તેને તાજું રાંધી જમવાનો આનંદ માણી શકો.
એવાં પ્રશ્નો પણ પૂછાઈ રહ્યાં છે કે આ બધાં ફિસ્કલ ઈન્જેક્શન્સ- પ્રોત્સાહનો ક્યારે અને કેવી રીતે ચૂકવવાના થશે. આખરે તો સરકારે ટેક્સમાંથી આવક અને ખર્ચામાં ઘટાડા કરીને આ નાણા સરભર કે પાછાં મેળવવાના થશે. હું માનું કે અર્થતંત્રની વર્તમાન હાલત મોટા પાયે ટેક્સમાં વધારા અથવા તો વધુ કરકસર માટે સજ્જ નથી. આથી, મને લાગે છે કે સરકાર ઝડપથી ટેક્સમાં વધારા અથવા કરકસરના માર્ગ અપનાવ્યા વિના જ દીર્ઘકાલીન સમતુલાના માર્ગે આગળ વધશે. લાંબા સમયગાળે પરિસ્થિતિમાં સુધારાની પ્રક્રિયા આપમેળે થતી રહે તેવો માર્ગ અપનાવશે. આપણે ઉપર જે કરજ-દેવાંનો ગુણોત્તર-રેશિયો દર્શાવ્યો તેમાં આમ કરવાની વિપુલ શક્યતા રહેલી છે.
આપણે વધુ સારા દિવસોની આશા અવશ્ય રાખી શકીએ.
(લેખક સુભાષ ઠકરાર B Com FCA FRSA, લંડન ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ ચેરમેન છે. તેઓ ચેરિટી ક્લેરિટી (www.charityclarity.org.uk) સંસ્થાના સ્થાપક ચેરમેન પણ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter