સવાર-સાંજ મોગરાનાં ફૂલોના સુગંધીદાર સંપર્કમાં હું વર્ષોથી રહું છું. હજી સુધી મને એક પણ વાર મોગરાનું એવું ફૂલ નથી મળ્યું, જેમાં મોગરાની બ્રાન્ડ ધરાવનારી મહેક ગેરહાજર હોય. તમારા ચિત્તને પ્રસન્ન ન કરે એવા કોઈ ગુલાબનું પુષ્પ તમે જોયું છે? અમેરિકા જેવા દેશમાં ગુલાબ મોટાં હોય છે અને પૂર્ણરૂપેણ ખીલેલાં હોય છે, પરંતુ એ હાઇબ્રીડ ગુલાબમાં સુગંધ નથી હોતી. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાના કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ પ્રગટ થયો ત્યારે એક જાણીતા વિવેચકે એ સંગ્રહમાં પ્રગટ થયેલાં કાવ્યો માટે ‘રસગંધવર્જિત પાશ્ચાત્ય કુસુમો’ જેવા શબ્દોમાં પોતાનો અણગમો પ્રગટ કર્યો હતો. એ કાવ્યો આસ્વાદ્ય હતાં અને લોકભોગ્ય જ નહીં, લોકપ્રિય પણ સાબિત થયાં હતાં. કોઈ ફૂલ ખૂલે, ખીલે અને એની સુગંધ આસપાસ-ચોપાસ પ્રસરે ત્યારે કેટલાક લોકોના પેટમાં જબરી ચૂંક આવતી હોય છે. આવા એક ખૂલેલા-ખીલેલા અને સુગંધીદાર ફૂલનું નામ ‘મોરારિબાપુ’ છે. આવું લખતી વખતે મને ડર લાગે છે કે કદાચ કેટલાક મિત્રો મારા પર તૂટી પડશે. હું મારી પીઠ તૈયાર રાખીને જ ડંડા પડે તેની પ્રતીક્ષા કરી રહ્યો છું. એવા બુદ્ધિખોર અને નિંદાપ્રેમી લોકોને ખાસ વિનંતી કે તેઓ મને ફટકારવામાં કોઈ જ કસર ન રાખે.
કોઈ પણ જાતની કટ્ટરતાનો હું વિરોધી છું. કટ્ટરતા ઝનૂનની સગી માતા છે. જ્યાં ઝનૂન હોય ત્યાં વિચાર નથી હોતો અને જ્યાં વિચાર ન હોય ત્યાં धर्म સર્વથા ગેરહાજર હોય છે. કોઈ અજાણ્યા વાચકે મને એક ભગવાં વસ્ત્રધારી સાધુએ કરેલા ટૂંકા પ્રવચનનો વીડિયો મોકલી આપ્યો. સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ કે યુટ્યૂબની બાબતમાં હું ‘અભણ’ છું. મારો મોબાઇલ ફોન ગ્રામોદ્યોગની કક્ષાનો છે. સ્માર્ટફોન વાપરતા મને નથી આવડતું. પરિણામે મારો સમય બચે છે અને સર્જકતા પણ બચે છે. ફિનલેન્ડ જવાનું બન્યું ત્યારે પણ મેં ‘નોકિયા’ જેવી ફોન-ઉત્પાદક ફેક્ટરીમાં જવાનું ટાળ્યું હતું. જે સાધુ(?)ના પ્રવચનનો વીડિયો જોયો તે સ્માર્ટફોન પણ મારો ન હતો. મને સચ્ચાઈ પ્રત્યે આકર્ષણ ખરું, પરંતુ સચ્ચાઈ વિનાની સ્માર્ટનેસ પ્રત્યે સોલિડ અનાદર છે. મારો અનાદર મને મુબારક!
તા. ૨૧-૨-૨૦૧૧ને દિવસે નારિયેળીથી શોભતા મહુવાના ઉપવનમાં આદરણીય મોરારિબાપુની ઉપસ્થિતિમાં યોજાતા સદ્ભાવના પર્વમાં બે પ્રવચનો સાથોસાથ યોજાયાં હતાં. અધ્યક્ષપદે મારા મનગમતા અને ઇતિહાસના અભ્યાસી ડૉ. નરોત્તમ પલાણ હતા. એ બેઠકમાં બે પ્રવચનો થવાનાં હતાં. પ્રથમ પ્રવચન ઇસ્લામના આલિમ કુરાન પર બોલવાના હતા અને બીજા પ્રવચનમાં મારે ગીતાની વાત કરવાની હતી. બેઠકમાં સર્વશ્રી રઘુવીર ચૌધરી, પ્રકાશ શાહ, કાંતિ શાહ અને રતિલાલ બોરીસાગર જેવા વિચારકો બાપુ સાથે ઉપસ્થિત હતા. સર્વધર્મ સમભાવના પર્યાવરણમાં ઝૂકેલી નાળિયેરીઓની શોભા હતી. કુરાન પરનું પ્રવચન લાંબું ચાલ્યું, પરંતુ નરોત્તમભાઈએ વિવેકપૂર્વક વક્તાને જાળવી લીધા. સભામાં ગુજરાતમાંથી આવી પહોંચેલા સુજ્ઞ મુસલમાનો પણ ઓછા ન હતા. મારો વારો આવ્યો ત્યારે મેં અન્ય ધર્મો સાથેનો અનુબંધ પૂરેપૂરો જાળવીને ગીતાનો મહિમા કર્યો છે.
પછી પ્રશ્નોત્તરી થઈ. કોઈ પ્રશ્નના જવાબમાં મેં એક બાબત સ્પષ્ટપણે કહી દીધી: ‘એક બાબત મને ખૂંચે છે. રઘુપતિ રાઘવ રાજારામ’ જેવી ધૂનમાં ‘ઇશ્વર અલ્લા તેરો નામ’ જેવા શબ્દો નિશાળોની, મંદિરોની અને આશ્રમોની પ્રાર્થનાઓમાં સામેલ થયા, તોય ક્યાંય પ્રતિઘોષ ન સંભળાયો. વિનોબાજીએ સર્વધર્મની પ્રાર્થનામાં દુનિયાના બધા ધર્મોને સ્થાન આપ્યું, પરંતુ ભારતીય મુસ્લિમો તરફથી પ્રતિભાવ ન મળ્યો તે ન જ મળ્યો! આદરણીય મોરારિબાપુએ પોતાના તલગાજરડાના હનુમાન મંદિરમાં મુસલમાનો નમાજ પઢે તેવી છૂટ જાહેરમાં આપી, પરંતુ એમને મસ્જિદમાં બેસીને હનુમાનચાલીસા ગાવાની છૂટ માગી તે ન મળી. ગાંધીજીએ મુસલમાનો પ્રત્યે એકપક્ષી સદ્ભાવનો અતિરેક કર્યો હતો, પરંતુ મુસલમાનો તરફથી જોઈએ તેવો પડઘો પડ્યો હતો ખરો? જવાબ સ્પષ્ટ ‘ના’ જ મળે છે. આવી વાત કરવાનું સહેલું ન હતું.
આદરણીય મોરારિબાપુ પણ એકપક્ષી ઉદારતાનો અતિરેક કરે છે, એ વાતમાં થોડુંક તથ્ય છે. એ વાત સ્વીકારવી પડે તેમ છે. આવો અતિરેક સર્વ ધર્મ સમભાવ માટે ઉપકારક ખરો? ના, ના, ના. સ્વામી સચ્ચિદાનંદજીએ કોઈ મુસ્લિમ સાથે થતી ચર્ચામાં એક રોકડો પ્રશ્ન પૂછેલો: ‘જો હું મુસલમાન નથી તેથી તમે મને ‘કાફિર’ ગણાતા હો, તો મારે તમારી સાથે શી ચર્ચા કરવી?’ આ પ્રશ્નમાં વિવાદનો સાર આવી જાય છે. જે સાધુએ આદરણીય મોરારિબાપુ માટે નીચ કક્ષાના શબ્દો વાપર્યા, તે શબ્દો અહીં ઉલ્લેખી શકાય તેમ નથી. એમની હિન્દુ કટ્ટરતા પણ મને અસહ્ય લાગી છે. એમને ‘સાધુ’ ગણવા હું તૈયાર નથી.
આદરણીય મોરારિબાપુ કથામાં ‘અલ્લા-મોલા’ જેવા ઉદ્ગારો પ્રગટ કરે તેથી ભડકવા જેવું નથી. સૂફી લોકો પાકિસ્તાનમાં દુ:ખી છે, ટર્કીમાં દુ:ખી છે અને એમને પણ ‘કાફિર’ ગણીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. સીતા ત્યાગ કરી શકે, જદ્દનબાઈ ન કરી શકે. આ દેશને પંડિત નેહરુનું સેક્યુલરિઝમ ખૂબ મોંઘું પડ્યું છે. સરદાર પટેલનું સેક્યુલરિઝમ સો ટચનું હતું. આ બાબતે ખુશવંત સિંઘ સાવ સાચા હતા. એમણે સરદારના સેક્યુલરિઝમની પ્રશંસા ખુલ્લા મનથી કરી છે.
આવી નાની બાબતે આદરણીય મોરારિબાપુની પાછળ ખાઈખપૂસીને એમની પાછળ પડી જવામાં કોઈ વિવેક ખરો? એમ બને તેમાં તો હિન્દુત્વનું ઇસ્લામીકરણ થાય તેવી ઝનૂની શક્યતા રહેલી છે. ઉદારતાની હરીફાઈ હોઈ શકે, કટ્ટરતાની કે ઝનૂનની હરીફાઈ ન હોઈ શકે. આદરણીય મોરારિબાપુ સફળતાની, સરળતાની અને રામાયણીય સાર્થકતાની સત્ત્વગુણી અનન્ય એવી ઉપલબ્ધિની કડવી કિંમત ચૂકવી રહ્યા છે. કોઈ પુષ્પ ખીલે તેમ તેઓ ખીલ્યા છે અને ‘રામાયણીય સુગંધ’ સમગ્ર વિશ્વમાં પ્રસરાવી રહ્યા છે. એમને હજી ભારતરત્ન નથી મળ્યો એ તો આપણી પોતીકી ‘ગરીબી’ છે. તેઓ કહે છે કે રામ વિગ્રહવાન (યાને મૂર્તિમંત) ધર્મ છે. એમનો ભાવયજ્ઞ, શ્રદ્ધાયજ્ઞ અને વિચારયજ્ઞ અનેક પ્રકારની તપસ્યાની ઊંચાઈ પ્રાપ્ત કરતો રહ્યો છે. મેઘાણીના શબ્દોમાં મારે બાપુને કહેવું છે: ‘છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ.’ આ પ્રજા કોઈ પણ સુગંધીદાર પુષ્પને છોડે તેમ નથી. આપ એ બાબતે અપવાદ નથી, તેથી જ પરમ આદરણીય છો.
પાઘડીનો વળ છેડે
પાકિસ્તાનમાં ૧૫ ટકા જેટલા શિયાપંથી મુસલમાનો કાફિર ગણાય છે. અન્ય કાફિરોમાં ખ્રિસ્તીઓ, ઇસ્માઇલી લોકો, હિન્દુઓ, શીખો, પારસીઓ અને અહમદિયા મુસલમાનો પણ કાફિર ગણાય છે. સુન્ની લોકો પણ બે પંથમાં વહેંચાયા છે: બરેલવી અને દેઓબંદી. યાદ રહે કે દેઓબંદી અને વહાબી પંથના લોકો બરેલવી પંથના લોકોને ‘કાફિર’ ગણે છે, કારણ કે બરેલવી મુસ્લિમો દરગાહ કે સંતોનાં સ્થાનકો પર પ્રાર્થના કરે છે અને સંગીત, કવિતા કે નૃત્ય દ્વારા અલ્લાહની ઇબાદત કરે છે. આમ, માત્ર ૨૦ ટકા જેટલા (દેઓબંદી વત્તા વહાબી) લોકો બાકીના ૮૦ ટકા લોકોને ‘કાફિર’ ગણે છે. ઈ. સ. ૨૦૦૦ પછીનાં વર્ષોમાં શિયા-સુન્ની સંઘર્ષને કારણે પાકિસ્તાનમાં ૫૦૦૦ લોકો માર્યા ગયા છે. (Outlook, તા. ૧૯-૭-૨૦૧૦)
- આમીર મિર (ઓસામા બિન લાદેનનો ઇન્ટરવ્યૂ લેનાર એકમાત્ર પાકિસ્તાની પત્રકાર)
નોંધ: આદરણીય મોરારિબાપુ સાથેનો મારો સંબંધ નિર્વ્યાજ છે. એમની કોઈ પણ દેશવિદેશની કથામાં હું એમને પૈસે એક પણ વાર ગયો નથી. અસ્મિતા પર્વમાં કે અન્ય પ્રસંગે મહુવામાં પ્રવચનો માટે એક પણ પૈસાનો પુરસ્કાર સ્વીકાર્યો નથી. નૈરોબી કે ઉત્તર કાશીની કથા વખતે જે ગુજરાતી સાહિત્યકારો ગયા હતા, તેવા લોકો માટે બાપુના અંગત મિત્ર સદ્ગત વિનુભાઈ મહેતાએ BPL જેવા ત્રણ અક્ષરો પ્રયોજેલા. BPL એટલે: ‘બાપુને પૈસે લીલાલહેર’ આ વાત આદરણીય બાપુએ દર્શક એવોર્ડ માટેના સમારંભમાં લોકભારતી સણોસરામાં પોતે કરી હતી. વ્યંઢળો, દેવીપૂજકો અને ગણિકાઓ માટે ખાસ કથાનું આયોજન થયું ત્યારે ‘ખરા બાપુ’ ખીલ્યા હતા. ઉદારતાનો અતિરેક એ એમનો સ્થાયીભાવ છે. જે સાધુએ વીડિયોમાં એમના વિરુદ્ધ તમોગુણી નિંદારસ ઠાલવ્યો તે સંસારી માણસને પણ ન છાજે તેવો હતો. કટ્ટર ઇસ્લામ નિંદનીય છે, તેમ કટ્ટર હિન્દુત્વ પણ નિંદનીય છે. આ જ ખરું સેક્યુલરિઝમ ગણાય. ઉદારમતવાદી હોવાની જવાબદારી કેવળ હિન્દુઓની જ નથી. શુક્રવારની નમાજ પછી મુલ્લાજી ‘તકરીર’ વખતે જે બોલે તે સાંભળીને તમ્મર ન આવે તો તમે જરૂર લિબરલ અને પ્રોગ્રેસિવ ગણાવ.
Blog:http://gunvantshah.wordpress.com
(સૌજન્યઃ દિવ્ય ભાસ્કર)