આધ્યાત્મિક હોવા માટે કોઈ ધર્મ સાથે સંકળાયેલા હોવું જરૂરી નથી. ધાર્મિક અને આધ્યાત્મિક હોવાનો અર્થ એકબીજાથી ઘણો ભિન્ન છે. કોઈ એક ધર્મમાં માનનારા લોકોને આપને ધાર્મિક કહી શકીએ, પરંતુ કોઈ જ ધર્મમાં ન માનતા હોય તેમ છતાં પણ આધ્યાત્મના અભ્યાસી હોય તેવા લોકોને આધ્યાત્મિક કહેવા પડે. આધ્યાત્મ શબ્દ અધી અને આત્માના સમાયોજનથી બનેલો છે જેનો અર્થ થાય છે ઉચ્ચ આત્મા એટલે કે આત્માને આરોહણ કરાવવાનો પ્રયત્ન જે માર્ગે કરવામાં આવે તેને આધ્યાત્મિક માર્ગ કહેવાય.
આજના સમયમાં વધારે ને વધારે લોકો પોતાની જાતને કોઈ પણ ધર્મ સાથે સાંકળવા કરતા નાસ્તિક કહેવડાવવું વધારે પસંદ કરે છે પરંતુ તેઓને પણ આત્માના વિકાસ માટે પ્રયત્નો તો કરવા જ રહ્યા. કોઈ ધાર્મિક માર્ગ અપનાવ્યા વિના જ પોતાના આત્માની ઉર્ધ્વગતિ માટે લોકો આધ્યાત્મિક તો જ બની શકે છે. વાત માત્ર એ છે કે કેટલાક ધર્મો અને પ્રાચીન ગ્રંથોમાં આધ્યાત્મિક માર્ગને ખૂબ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યો છે અને જો તેનો લાભ લઈ શકાય તો આજના જમાનામાં પણ આત્માની શુદ્ધિ અને કલ્યાણ સાધવું શક્ય બને. જેમ કે, ઉપનિષદ. ભારતમાં પ્રાચીન કાળમાં ચારેય વેદની રચના પછી ઋષિઓએ ઉપનિષદની રચના કરી હતી અને આ ઉપનિષદ કોઈ ધાર્મિક વિધિનું વર્ણન કરતા નથી, પરંતુ શુદ્ધ જ્ઞાન આપે છે. આમ તો 200થી વધારે ઉપનિષદ છે, પરંતુ સામાન્ય રીતે તેની સંખ્યા 108 હોવાનું કહેવાય છે. તે પૈકી દસ ઉપનિષદને મુખ્ય ગણવામાં આવે છે, જેમાં ઈસ ઉપનિષદ, કેન ઉપનિષદ, કઠોપનિષદ, પ્રશાનોપનિષદ, મુંડકોપનિષદ, મંડુકિયોપનિષદ તૈત્રેય ઉપનિષદ, ઐતરેય ઉપનિષદ, છંદોગ્ય ઉપનિષદ અને બૃહદઅરણ્યક ઉપનિષદનો સમાવેશ થાય છે. ઉપનિષદોમાં સમાયેલું આધ્યાત્મિક જ્ઞાન આજે પણ લોકોને મદદરૂપ થઈ શકે તેમ છે.
આ બધા પૈકી કથોપનિષદનું ઉદાહરણ લો તો તેમાં નચિકેતા અને યમ વચ્ચેના સંવાદ આપણને જીવન જીવવાની કેટલીયે મહત્વની કુંચીઓ આપી જાય છે. આ ઉપનિષદનો એક ખૂબ સુંદર સંવાદ શ્રેય અને પ્રેયની વચ્ચે છે, જ્યારે માનવી ગડમથલમાં પડ્યો હોય ત્યારે કેવી રીતે પ્રેયના પ્રલોભનમાંથી બચીને શ્રેયની પસંદગી કરવી તે સૂચવે છે. બીજા બધા ઉપનિષદોમાં પણ ઘણું ઉચ્ચ કોટીનું આધ્યાત્મિક અને દાર્શનિક જ્ઞાન પીરસવામાં આવ્યું છે તે જો નાસ્તિક લોકોને પણ પ્રાપ્ય કરાવી શકાય તો કલ્યાણકારક બની રહે.
એક વાત તો આપણે સ્પષ્ટ કરી લેવી જોઈએ કે વ્યક્તિ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે પછી નાસ્તિક હોય પરંતુ આ દુનિયામાં માનવજન્મ લીધા પછી ક્યારેક તો તે પોતાના અસ્તિત્વ વિશે અને પ્રયોજન વિશે વિચાર કરે જ છે. માનવી અને પ્રાણીઓમાં એ જ તો તફાવત છે કે માનવીને વિચારવાની ક્ષમતા મળી છે અને તે વિચારવૃતિ ક્યારેક તો તેને પોતાના જન્મ લેવાના ઉદ્દેશ્ય અંગે પ્રશ્ન કરવા મજબૂર કરે જ છે. જ્યારે પણ વ્યક્તિ આવા પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરે ત્યારે તેને ઉપનિષદના જ્ઞાન તરફ દોરી શકાય. બીજી પણ ઘણી સંસ્કૃતિઓમાં આવું જ્ઞાન ઉપલબ્ધ હોઈ શકે અને આજના આધુનિક સમયમાં પણ કેટલાય આધ્યાત્મિક ગુરુઓ કે અભ્યાસીઓ નવું નવું જ્ઞાન પીરસતા હોય તેવું બની શકે પરંતુ તે બધામાં ઉપનિષદનું જ્ઞાન હજારો વર્ષોથી તર્કની એરણ પર ચકાસાયેલું અને સફળ નિવડેલું જ્ઞાન છે તે વાત ભૂલવી ન જોઈએ.
ઉપનિષદ તો એટલા જ્ઞાનમય છે અને એટલા તો બિનધાર્મિક છે કે તેને ન માત્ર હિન્દુ ધર્મમાં પરંતુ જૈન ધર્મ અને અન્ય દર્શન શાસ્ત્રોમાં પણ ભણાવવામાં આવે છે. કેટલાય ઉપનિષદો ઉપર ભાષ્યસહિત પુસ્તકો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને બીજી કેટલીય ભાષાઓમાં ઉપલબ્ધ થઈ રહે છે. જો સરળતાથી પુસ્તક ઉપલબ્ધ ન હોય તો કેટલીક વેબસાઈટ પર પણ ઉપનિષદના શ્લોક સંસ્કૃતમાં અને પછી તેનો અર્થ હિન્દી કે અંગ્રેજીમાં વાંચી શકાય. મારો પોતાનો અનુભવ એવો છે કે આ શ્લોકના ભાષાંતરને ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં વાંચવાથી પણ તેનો અર્થ સમજી શકાય તેમ છે. ઉપનિષદમાં છુપાયેલ ગહન ગર્ભાર્થ સરળતાથી સૌ વાંચકોને ગ્રાહ્ય બની રહે તેવો છે. ઉપનિષદ જેટલી સરળતાથી જ્ઞાન પિરસી આપે છે તેને પણ પ્રાચીન જ્ઞાનમાર્ગનું એક જમા પાસું ગણાવી શકાય.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)