વડીલો સહિત સર્વે વાચકમિત્રો, વંશીય જૂથો અને વિવિધ જાતિઓ વચ્ચે વેતનની ખાઈ અથવા ગેપ સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ ચાલી રહી છે. પુરુષ અને સ્ત્રીઓ તેમજ વંશીય સ્ત્રીઓ અને શ્વેત સ્ત્રીઓ વચ્ચે વેતનની પ્રવર્તમાન ખાઈ સંબંધે બીબીસીનો પણ કોર્ટ કાર્યવાહીમાં પરાજય થયો છે. ખરેખર તો વંશીયતા અથવા લૈંગિકતા કોઈના હાથની વાત નથી. શિક્ષણ, આરોગ્ય, આવક, જીવનની ગુણવત્તા સહિત જીવનના વિવિધ પાસાનો આધાર તો મોટા ભાગે વ્યક્તિનો જન્મ અને ઉછેર ક્યાં, ક્યારે અને કેવા સંજોગોમાં થયો છે તેના પર જ રહે છે.
આ સપ્તાહની કોલમના વિષયની પ્રેરણા તાજેતરમાં વાંચેલા રિપોર્ટ પરથી મળી છે જેમાં, બહુવિધ કોમ્યુનિટીઓ વચ્ચે વેતનની આઘાતજનક ખાઈ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ જણાવે છે કે,‘ માત્ર વંશીયતાની વેતનખાઈ પૂરવામાં આવે તો યુકેના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં વાર્ષિક ૨૪ બિલિયન પાઉન્ડનો વધારો થઈ શકે છે તેમજ વંશીય અને સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતી એક્ઝિક્યુટિવ ટીમો સાથેની પેઢીઓ નફાકારકતાના મુદ્દે ૩૩ ટકા વધુ નફો મેળવી શકે છે.’
યુકેની ઓફિસ ફોર નેશનલ સ્ટેટીસ્ટીક્સનો ડેટા એમ જણાવે છે કે ગયા વર્ષે આશરે ૭૭ ટકા શ્વેત લોકોને નોકરીઓ હતી તેની સરખામણીએ તમામ વંશીય જૂથોના સંયુક્તપણે ૬૫ ટકા લોકોને જ નોકરીઓ મળી શકી હતી. વાત આટલેથી અટકતી નથી. મને વધુ આશ્ચર્ય તો આ વંશીય જૂથોમાં પણ વાસ્તવિક વેતનખાઈ વિશે થયું હતું. ગત ત્રણ વર્ષ -૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮ના ગાળામાં ભારતીય, પાકિસ્તાની અને બાંગલાદેશીઓના વેતનની સરખામણીમાં જાણવા મળ્યું છે કે બાંગલાદેશી લોકોની સરખામણીએ ભારતીય કોમ્યુનિટીના લોકો લગભગ ૨૫થી ૩૦ ટકા વધુ કમાણી કરે છે. ચીનના લોકો પ્રતિ કલાક આનાથી પણ વધુ કમાણી કરે છે.
આ જૂથો વચ્ચે કમાણીનો તફાવત આશ્ચર્યકારી છે કે શા માટે અન્ય જૂથોની સરખામણીએ કેટલાક ચોક્કસ જૂથો વધુ કમાણી કરે છે? મારા અનુભવ મુજબ તો અગાઉ ચાઈનીઝ કદી પ્રથમ નંબરે રહ્યા નથી. મને ઈસ્ટ આફ્રિકાના પ્રવાસ સંબંધિત પોલ થોરોનું પુસ્તક વાંચ્યાનું યાદ છે. તેમણે આ દેશના વિવિધ શહેરોમાં ખાદ્યપદાર્થો તેમજ અન્ય વસ્તુઓ વેચતી ચાઈનીઝ દુકાનોનું વિગતે વર્ણન કર્યું છે. આ સમયગાળો ૫૦ના દાયકાના ઉત્તરાર્ધ અને ૬૦ના દાયકાના પૂર્વાર્ધનો હતો. તે સમયે ચાઈનીઝ માત્ર ગરીબ ન હતા, તેમની સામે ભારે ભેદભાવ પણ રખાતો હતો.
જોકે, ૧૯૭૯ પછી તો ચીને આર્થિક તેમજ અન્ય દૃષ્ટિએ પણ ભારે વિકાસ સાધ્યો છે. એક સમયે તો, સિંગાપોર, હોંગકોંગ અને કેટલાક અંશે મલેશિયામાં પણ, ચાઈનીઝ લોકો મૂળ ચીનના રહેવાસીઓ કરતાં વધુ સારી રીતે જીવતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ છે.
ચીનની સરકારે અમેરિકા સહિત પશ્ચિમી જગત સાથે સ્પર્ધા કરવા વિવિધ સ્તરે કઠોર પગલાં લીધાં છે. અને કેટલાક ક્ષેત્રોમાં તેઓ ઉચ્ચ સ્તરે પહોંચી શક્યા.
ચીનના લોકોનું શિક્ષણ, વ્યાવસાયિક લાયકાતો, આત્મવિશ્વાસ અને ક્ષમતા તેઓના કામના સ્થળે તેમજ કમાણીના પેકેજીસમાં દેખીતી રીતે તરી આવે છે.
મને સ્પષ્ટ યાદ છે કે આશરે ૫૦ વર્ષ અગાઉ ભારતીયોએ ઈસ્ટ આફ્રિકા, ભારત અથવા અન્ય સ્થળોએથી લંડન અથવા યુકેના અન્ય વિસ્તારોમાં ઉતરાણ કર્યું ત્યારે ભારત ઉપરના ૨૦૦ વર્ષના બ્રિટિશ સંસ્થાનવાદને યાદ કરતો વ્યાપક સમાજ તેમને હલકી નજરે નિહાળતો હતો અને પોતે ઊંચા હોવાનું અભિમાન ધરાવતા હતા. આ લોકો ૧૭મી સદીમાં ભારતની અપાર સમૃદ્ધિ અને જાહોજલાલીથી આકર્ષાઈને ઈંગ્લિશ ભારત પહોંચ્યા હતા તે કારણ ભૂલી જવાનું વધુ પસંદ કરે છે. એ બાબતમાં કોઈ રહસ્ય રહ્યું નથી કે સંસ્થાનવાદના યુગે બ્રિટનને સમૃદ્ધ અને ભારતને ગરીબ બનાવ્યું. વિલિયમ ડેરીરીમ્પલ દ્વારા લિખિત ‘The Anarchy: The East India Company, Corporate Violence, and the Pillage of an Empire’ (ધ એનાર્કીઃ ધ ઈસ્ટ ઈન્ડિયા કંપની, કોર્પોરેટ વાયોલન્સ, એન્ડ ધ પિલિજ ઓફ એન એમ્પાયર) પુસ્તક અભૂતપૂર્વ છે જેમાં, અંગ્રેજો દ્વારા ભારતમાં કરાયેલી લૂંટફાટનું વિગતે વર્ણન કરાયું છે.
જે ભારતીયોએ સીધા જ ભારતથી અને વિશેષતઃ બ્રિટિશ ઈમિગ્રેશન એક્ટ, ૧૯૬૨ના અમલ પહેલા યુકેમાં સ્થળાંતર કર્યું છે, તેઓ પાકિસ્તાન અને બાંગલાદેશથી આવેલા લોકો કરતાં વધુ શિક્ષિત અને લાયકાત ધરાવતા હતા. રસપ્રદ બાબત એ છે કે ૧૯૭૧ પહેલા અહીં આવેલા મોટા ભાગના બાંગલાદેશી વસાહતીઓ મુખ્યત્વે સિલ્હટ વિસ્તારમાંથી આવેલા છે, જે અગાઉ પૂર્વ પાકિસ્તાનનો અને હવે બાંગલાદેશમાં આવેલો વિસ્તાર છે. ૭૦ ટકા કે તેથી વધુ બાંગલાદેશી કહેવાતી ભારતીય રેસ્ટોરાંમા કામ કરે છે. આ જ પ્રમાણે, ૧૯૪૭ પછી આવેલા પાકિસ્તાનીઓ મુખ્યત્વે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પ્રદેશમાંથી આવ્યા હતા અને ઉન, કપડાં, મેટલ અને એન્જિનીઅરિંગ ઈન્ડસ્ટ્રીઝમાં બિનકુશળ મજૂરો તરીકે રોજગારી મેળવી હતી.
ભારતીયો વધુ સારા આર્થિક અને વ્યાવસાયિક પશ્ચાદભૂમાંથી આવ્યા હતા. તાતા, બિરલા, સિંધિયા શિપિંગ જેવા ઉદ્યોગો તેમજ બેન્ક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જેવી ભારતીય બેન્કો વધુ અને વધુ પ્રમાણમાં મલ્ટિનેશનલ બન્યા હતા. તેમની હાજરી લંડનમાં પણ હતી. સૌથી વધુ સંખ્યા તો NHSમાં હતી જેના, ૧૦૦,૦૦૦માંથી ૨૮,૦૦૦ ડોક્ટર્સ તો ભારતના હતા. આ સંખ્યા તો હજુ વધી છે અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સન વધુ પ્રમાણમાં નર્સીસ અને ડોક્ટર્સ અને પ્રોફેશનલ્સને NHSમાં સામેલ કરવા માગતા હોવાથી સંખ્યા હજુ ઊંચે જશે.
ગરીબ ભારતીય કરદાતાઓ દેશમાં ડોક્ટરો, એન્જિનીઅર્સ, આઈટી નિષ્ણાતો અને ફાર્માસિસ્ટોને શિક્ષણ આપવા પાછળ ભારે પ્રમાણમાં નાણા ખર્ચી યુકે, યુએસ અને અન્ય દેશોના નાણા બચાવે છે. આટલું જ નહિ, આઈટી અને અન્ય ક્ષેત્રોની કેટલીક વિશાળ મલ્ટિનેશનલ કંપનીઓ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચા હોદ્દાઓ પર ભારતીયો હોવાની બડાશો લગાવે છે, જેમાંના મોટા ભાગના ભારતમાં જ જન્મેલા અને ઉછરેલા છે.
૧૯૬૭માં સિંગાપોરને મલેશિયાના ફેડરેશનથી અલગ થવું પડ્યું ત્યારે તે ગરીબ દેશ હતો અને એક રીતે, બહુવંશીય પરંતુ વિભાજિત ટાપુરાષ્ટ્ર હતું. તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર લી કવાન યુ કડક છતાં લોકશાહી શાસન સાથે આ દેશમાં પરિવર્તન લાવવામાં સફળ બન્યા. આજે સિંગાપોર પારદર્શિતા, ઉત્પાદકતા, સહિષ્ણુતા, વેતન વગેરે સહિતના અનેક પરિમાણોમાં લગભગ સર્વોચ્ચ સ્થાને છે. એક નાનકડા દેશે જે કરી બતાવ્યું તે અન્ય મોટા દેશો માટે શક્ય કે સહેલું પણ નથી.
યુકેમાં પણ, સરકારના શ્રેષ્ઠ ઈરાદાઓ સાથે, તેઓ કાયદામાં અથવા વહીવટી માળખામાં ફેરફાર અવશ્ય કરી શકે છે. હું માનું છું કે આપણી કોમ્યુનિટીઓને શિક્ષણ અને કૌશલ્યનાં વધુ ઉચ્ચ સ્તરે લઈ જવા અને તેના થકી વધુ સારી કમાણી તરફ આગળ લઈ જવાની મુખ્ય જવાબદારી સાચા અર્થમાં આપણા સહુની જ છે.
ભારતીયો નસીબવંતા રહ્યા છે. તેમના પ્રણેતા-અગ્રેસર, સાચા અર્થમાં આદર્શ તેમજ વધુ મહત્ત્વાકાંક્ષી, વધુ શિક્ષિત અને નિશ્ચિતપણે વધુ કુશળ સાબિત થયેલી ભાવિ પેઢીઓ માટે પથપ્રદર્શક બની રહ્યા છે.
ઈસ્ટ આફ્રિકામાં ૨૦મી સદીના આરંભે જ્યારે ભારતીયો સ્થિર થવા લાગ્યા હતા તે વેળાએ પટેલો, લોહાણાઓ, આગા ખાનીઓ, વોહરાઓ, ઓશવાલો તેમજ અન્ય કોમ્યિુનિટીઓએ બોર્ડિંગ સ્કૂલ્સ, લાઈબ્રેરીઓ અને અન્ય સુવિધાઓની સ્થાપના કરી હતી. આજે ૧૦૦ જેટલા વર્ષો પછી, ત્રીજી અથવા ચોથી પેઢીઓ તે વૃક્ષના ફળોનો લાભ લઈ રહી છે.
વેતનખાઈ સંબંધિત આ ચર્ચામાં સ્પષ્ટ છે લઘુમતી કોમ્યુનિટીઓ ભારે ગેરલાભની સ્થિતિમાં છે. હું એ પણ કહીશ કે ભેદભાવ હોવાં છતાં, મેં ભારતીય કોમ્યુનિટીને પેઢી દર પેઢી ઊંચે ઉઠતા જ નિહાળી છે. આના પરથી મને એક ગીત યાદ આવ્યું છે, જેનાથી હું મારા પ્રારંભિક જીવનમાં પ્રેરણા મેળવતો રહ્યો હતોઃ
ફિલ્મઃ બાઝી (૧૯૫૧)
ગાયકઃ ગીતા દત્ત
ગીતકારઃ સાહિર લુધિયાનવી
તદબીર સે બિગડી હુઈ, તકદીર બના લે... તકદીર બના લે
અપને પે ભરોસા હૈ તો એક દાવ લગા લે... લગા લે દાવ લગા લે
ડરતા હૈ જમાને કી નિગાહોં સે ભલા ક્યોં નિગાહોં સે ભલા ક્યોં
ઈંસાફ તેરે સાથે હૈ ઇલ્ઝામ ઉઠા લે... ઇલ્ઝામ ઉઠા લે
અપને પે ભરોસા હૈ તો એક દાવ લગા લે... લગા લે દાવ લગા લે
ક્યા ખાક વો જીના જો અપને હી લિયે હો... અપને હી લિયે હો
ખુદ મિટ કે કિસી ઔર કો મિટને સે બચા લે... મિટને સે બચા લે
અપને પે ભરોસા હૈ તો એક દાવ લગા લે... લગા લે દાવ લગા લે
તૂટી હુઈ પતવાર હૈ કશ્તી કે તો ગમ ક્યા
હારી હુઈ બાહોં કો હી પતવાર બના લે...પતવાર બના લે
અપને પે ભરોસા હૈ તો એક દાવ લગા લે... લગા લે દાવ લગા લે
તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે... તકદીર બના લે
અપને પે ભરોસા હૈ તો એક દાવ લગા લે... લગા લે દાવ લગા લે
આશા રાખીએ કે શક્ય બને તેમ વેળાસર, સંતોષકારક રીતે તેનો ઉકેલ આવે પરંતુ, સમાજે પણ આ બાબતે ભૂમિકા ભજવવાની રહેશે. એક સંસારી સાધુએ મને એક વખત કહ્યું હતું કે,‘ મુદ્રિત શબ્દમાં તાકાત રહેલી છે; વ્યક્તિને બદલવાની, સમાજને બદલવાની તાકાત રહેલી છે.’ અન્યોની સરખામણીએ વિચારો વધુ પ્રેરણા આપે છે. (એશિયન વોઈસમાં પ્રકાશિત ‘AS I SEE IT’ કોલમનો ભાવાનુવાદ)