ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર: ।
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ॥
ધર્મગ્રંથોના કથન અનુસાર ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવનું સ્વરૂપ છે. ગુરુને શિષ્યના જીવનમાં બ્રહ્માની જેમ સદ્ગુણોનું સર્જન, વિષ્ણુની જેમ સદવૃત્તિનું સમર્થન તેમજ શિવની જેમ દુર્ગુણોના સંહારક સ્વરૂપ માનવામાં આવે છે. ગુરુને પરબ્રહ્મની ઉપમા આપવામાં આવી છે, કારણ કે માતા-પિતા થકી શરીરનો જન્મ થાય છે પરંતુ તે શરીર દ્વારા ગુરુના બતાવેલા માર્ગને અનુસરતા ભગવાનની પ્રાપ્તિ ગુરુ દ્વારા થાય છે. એવા ગુરુને નમન કરવામાં આવે છે.
હિન્દુ શાસ્ત્ર અંતર્ગત ગુરુપૂર્ણિમા અષાઢ સુદ પૂર્ણિમા (આ વર્ષે 3 જુલાઇ)ના રોજ આવે છે. આ દિવસે અઢાર પુરાણો તેમજ ઉપપુરાણોના રચયિતા ભગવાન શ્રી વેદવ્યાસજીનો જન્મ થયો હતો તેથી તેને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. દરેક મનુષ્ય પોતાના જીવનમાં ચાર ઋણ લઇને જન્મ લે છે. પ્રથમ માતા-પિતાનું ઋણ, બીજું રાષ્ટ્ર ઋણ, ત્રીજું સમાજ ઋણ, ચોથું આચાર્ય (ગુરુ) ઋણ. આ ચાર ઋણમાંથી રાષ્ટ્રનું હિત વિચારીને અને સમાજની સેવા કરી, સત્કર્મ કરીને આ બે ઋણમાં ઉતારી શકાય છે, પરંતુ માતા-પિતાના અને ગુરુ ઋણમાંથી ક્યારેય પણ મુક્ત થઇ શકાતું નથી. એક વ્યાખ્યાનકારે ખૂબ સુંદર કહ્યું કે -
ધરતી કા કાગજ કરું,
સાત સમુદ્ર કી શાહી કરું,
સ્વયં શારદા કો લીખન બૈઠાઉં,
તો ભી ગુરુ ગુણ લીખ્યો ન જાય ।
ગુરુના ગુણો અનંત છે. સાક્ષાત્ ઈશ્વર
પણ ગુરુનાં ગુણગાન ગાવા અસમર્થ છે. સંત કબીરે પણ કહ્યું -
ગુરુ ગોવિંદ દોનોં ખડે, કાકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દીયો બતાય,
યે તન બિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન,
શિશ કાટે જો ગુરુ મીલે, તો ભી સસ્તા જાન.
સંત કબીર કહે છે કે ગુરુ એ સામર્થ્ય ધરાવે છે કે તે શિષ્યને ગોવિંદનાં સહજ દર્શન કરાવી દે. શાસ્ત્રમાં ‘ગુ’ - એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ. આ યુતિ એટલે જે શિષ્યને સત્માર્ગ પર ચલાવી અંતે મોક્ષ પ્રદાન કરાવે છે. આ ગુરુના ઋણને અદા કરવાનો દિવસ એટલે કે ગુરુપુર્ણિમા. સ્વયં પરબ્રહ્મ ઈશ્વરે ધરતી પર અવતાર ધારણ કર્યો ત્યારે તેમણે પણ ગુરુનો મહિમા વધારતા ગુરુકુળમાં જઈને ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરી. ભગવાન શ્રી કૃષ્ણએ ઉજ્જૈનમાં સાંદિપની ઋષિના આશ્રમમાં જઇને વિદ્યાભ્યાસ કરી વિદ્યા પ્રાપ્ત કરી. ભગવાન શ્રી રામે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈને વિદ્યાભ્યાસ પ્રાપ્ત કર્યો. માટે જ તુલસીદાસજીએ શ્રી રામ ચરિત માનસમાં કહ્યું,
ગુરુ ગુહ પઢન ગએ રઘુરાય ।
અલ્પ કાલ વિદ્યા સબ આઈ ॥
ભગવાન શ્રી દત્તાત્રય પોતે ઈશ્વર હોવા છતાં તેમના 24 ગુરુનું વર્ણન અવધૂત ગીતામાં વર્ણવેલું છે. શાસ્ત્રોક્ત રીતે બે ગુરુ માનવામાં આવે છે. એક શિક્ષાગુરુ અને દીક્ષાગુરુ. અવધૂત આખ્યાનમાં શ્રી દત્તપ્રભુ કહે છે કે હે યદુ! આ સંસારમાં માનવદેહ મળવો અતિ દુર્લભ છે. છતાં જો અનાયાસે મળેલો માનવદેહ સંસાર સાગર તરવા માટેની નૌકા છે. ગુરુરૂપ ખલાસીની મદદથી મનુષ્યએ ભવસાગર તરી લેવો જોઇએ. ભગવાન શ્રી દત્તપ્રભુએ પણ 24 ગુરુમાંથી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
ગોસ્વામી તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં પ્રથમ ગુરુનાં ચરણને વંદન કરીને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પ્રાદુર્ભાવ કર્યો હતો. ગુરુપુર્ણિમાના પાવન અવસર પર ગુરુ ચરણ વંદન તેમજ પૂજનનું અનેરું મહત્ત્વ છે. મહારાષ્ટ્રના હિંદુ સ્વરાજ સંસ્થાપક શ્રી શિવાજી મહારાજે પણ શ્રી રામદાસ સ્વામીને ગુરુ બનાવી ચોમેર ધર્મની ધ્વજા લહેરાવી હતી. સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા શ્રી નરેન્દ્ર દત્તે તેમના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી જગતમાં સ્વામી વિવેકાનંદનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. શ્રીમદ્ ભાગવતમાં ધ્રુવજીએ દેવર્ષિ નારદને ગુરુ બનાવી દેવર્ષિ નારદ દ્વારા આપેલો દ્વાદશાક્ષર મંત્ર (ૐ નમો ભગવતે વાસુદેવાય) આ મંત્રની દિક્ષા પ્રાપ્ત કરી ફક્ત પાંચ વર્ષની વયે તપ કરીને ગુરુકૃપાથી ભગવાનની પ્રાપ્તિ કરી હતી. ધર્મ શાસ્ત્ર અંતર્ગત આરુણીની ગુરુભક્તિ શ્રેષ્ઠ બતાવવામાં આવી છે. એક સમયે ગુરુ ધૌમ્યના આશ્રમ પાસેના ખેતરમાં વર્ષા થઈ. ઋષિ ધૌમ્યએ બધા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે જો વધુ પડતું પાણી ખેતરમાં પ્રવેશ કરશે તો પાક નષ્ટ થઇ જશે અને આપણને ભોજનની તકલીફ થશે. ખેતરના એક સ્થાને પાળ તૂટી ગઈ છે ત્યાં તાત્કાલિક પાળ બાંધવી પડે તેમ છે. કોઈ શિષ્યએ ઉત્તર ન આપ્યો પરંતુ ઋષિકુમાર આરુણીએ આ કાર્ય કરવાનું સ્વીકાર્યું. વરસાદમાં તે ખેતર ગયો જે પાળ તૂટી હતી તેને પૂરવા પથ્થર શોધ્યો, પરંતુ વરસાદ વધી રહ્યો હતો. તેથી તે પોતે તે સ્થાને આડો સૂઈ ગયો. આખી રાત વરસાદ વરસ્યો પરંતુ તે સ્થાનથી આરુણી ખસ્યો નહીં. સવાર થતાં ગુરુ ધૌમ્ય અને બીજા શિષ્યો ત્યાં આવ્યા તો જોયું કે ઠંડી અને વરસાદના કારણે આરુણીનું આખુંય શરીર અકડાઇ ગયું છે. ગુરુ ધૌમ્ય પણ પ્રસન્ન થયા અને ઈન્દ્રએ આરુણી પર પુષ્પવર્ષા કરી. આમ, આરુણીની ગુરુભક્તિ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. શ્રી ગુરુગીતામાં ભગવાન શિવજી પાર્વતીને સંબોધિત કરતાં ગુરુનો મહિમા વર્ણવતાં કહે છે કે -
ન ગુરોરધિકં તત્ત્વં, ન ગુરોરધિકં તપઃ ।
ત્ત્વજ્ઞાનાત્ પરં નાસ્તિ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ॥
શ્રી શિવજી ભગવાન પાર્વતીને ગુરુનો મહિમા બતાવતાં કહે છે કે હે પાર્વતી! ગુરુથી અધિક તત્ત્વ આ સંસારમાં કોઇ નથી કે નથી ગુરુસેવાથી મોટું કોઇ તપ, ગુરુના જ્ઞાનસમાન બીજું કોઇ તત્ત્વજ્ઞાન નથી માટે જ પૃથ્વી પર પરબ્રહ્મ સમાન એવા ગુરુજનોને નમન હજો.
ગુરુ પોતે સજાગ રહીને પોતાના શિષ્યને સમય સમય પર સન્માર્ગે લઇ જવાનું કાર્ય કરે છે. એક અર્થમાં સદ્કાર્ય જો મનુષ્ય ભૂલી જાય તો ગુરુ તેનું સ્મરણ કરાવી એ જીવને પ્રભુના માર્ગે વાળે છે. રામચરિત માનસમાં શ્રી હનુમાનજી શ્રેષ્ઠ ગુરુ છે. પ્રભુ શ્રી રામે વાલીનો ઉદ્ધાર કર્યો. સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય મળ્યું. પ્રભુએ વર્ષાઋતુ હોવાથી વર્ષાઋતુ બાદ રામકાર્ય માટે પરવાનગી આપી. સુગ્રીવને રાજ્ય સુખ-સંપત્તિ મળી તેથી તે ચાર માસ બાદ ભગવાનનું કાર્ય ભૂલી ગયો. તે સમયે હનુમાનજી સુગ્રીવને શ્રેષ્ઠ ગુરુ બનીને સમજાવે છે.
ઇહા પવનસુત હૃદય વિચારા,
રામ કાજ સુગ્રીવ બિસારા ॥
નિકટ જાઈ ચરન્હિ શિરુ નાવા,
ચારિહુ બિધિ તેહિ કહિ સમુઝાવા ॥
આ સ્થાન પર શ્રી હનુમાનજી સુગ્રીવને સમજાવીને રામકાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. શ્રી રામચરિત માનસમાં ગુરુનો મહિમા વર્ણવતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે,
ગુરુ પદ રજ મૃદુ મંજુલ અંજન ।
અર્થાત્ શ્રી ગુરુદેવનાં ચરણની રજ પણ જે કોઇ મસ્તકે લગાડે અથવા નયનોમાં તેનું અંજન કરે તો તે મનુષ્ય સકલ દોષથી મુક્ત થઇ જાય છે. રામચરિત માનસમાં ઉત્તરકાંડમાં ગુરુમહિમા બતાવતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે એક વાર શિવાલયમાં ગુરુનું આગમન થયું અને મેં અભિમાનથી નમન પણ ન કર્યાં. તે સમયે શિવાલયમાં શિવજીએ આકાશવાણી દ્વારા કહ્યું –
જે સઠ ગુરુ સન ઇરષા કરહિં ।
રૌરવ નરક કોટિ જુગ પરહીં ।
ત્રિજગ જોતિ યુતિ ધરહીં શરીરા ।
અયુત જન્મ ભરિયાવહીં પીરા ॥
શિવજીએ ગુરુનું અપમાન થયેલું હોવાથી શાપ આપ્યો. આ વાત જ્યારે કાકભુશુંડીના ગુરુને ખબર પડી. તેમણે રુદ્રાષ્ટકમનું ઉચ્ચારણ કરીને શિવને પ્રસન્ન કરીને ભગવાન શિવજી પાસે શાપ નિવારણનું વરદાન માંગ્યું. કાકભુશુંડીને પશ્ચાત્તાપ થયો અને તેમણે ગુરુ વિશે કહ્યું કે -
એક સુલ મોહિ બિસર ન કાઊ
ગુરુ કર કોમલ સીલ સુભાઊ ॥
અર્થાત્ એક ઘટનાને હું ભૂલી શકતો નથી કે મેં મારા ગુરુનું અપમાન કર્યું છતાં પણ એ જ ગુરુએ મને શિવશાપમાંથી મુક્ત કર્યો. એમ ગુરુજનોનો સ્વભાવ કોમળ અને ઉદાર હોય છે. એવા સમસ્ત ગુરુજનોને ગુરુપૂર્ણિમાના દિવસે અમે પ્રણામ કરીએ છીએ.
શ્રીકૃષ્ણની ગુરુદક્ષિણા
ભગવાન શ્રી રામે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઇને અલ્પકાળમાં વિદ્યાની પ્રાપ્તિ કરી. ભગવાન શ્રીકૃષ્ણએ પણ સાંદિપની આશ્રમમાં જઇને વિદ્યાની પ્રાપ્તિ કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ ગુરુભક્તિ કરી તેનું પ્રમાણ શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલું છે.
એક સમયે ગુરુપૂર્ણિમાનો દિવસ હતો. ભગવાન શ્રીકૃષ્ણએ ગુરુ સાંદિપનીને કહ્યું કે ઋષિવર, હું તમને ગુરુદક્ષિણામાં શું અર્પણ કરું? ઋષિવર જાણે છે કે કૃષ્ણ કોઇ સાધારણ મનુષ્ય નથી, આ તો ભગવાન છે, પરંતુ ઋષિની મર્યાદા છે કે એ કશું જ માંગતા નથી. તે દિવસે ગુરુમાતા પોતાના કક્ષમાં રુદન કરે છે. કૃષ્ણ ત્યાં ગયા અને ગુરુમાતાને રુદનનું કારણ પૂછ્યું. તે સમયે ગુરુમાતાએ કહ્યું, કૃષ્ણ, આજથી એક વર્ષ પૂર્વે તારા ગુરુદેવના પુત્રનું મૃત્યુ થયું હતું મને તેની યાદ આવે છે તેથી રુદન કરું છું. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ તે જ સમયે યમપુરી જાય છે અને યમ પાસેથી ગુરુપુત્રનો આત્મા લઇ તેના શરીરમાં તે આત્માને પ્રવિષ્ટ કરીને ગુરુપુર્ણિમાના દિવસે ગુરુદક્ષિણામાં તેમના પુત્રને અર્પણ કરે છે. શ્રીકૃષ્ણ પરબ્રહ્મ હોવા છતાં ગુરુદક્ષિણા અર્પણ કરીને ગુરુનો મહિમા દર્શાવે છે.
ધર્મગ્રંથોમાં ગુરુ જ્ઞાન, વિદ્યા, સદબુદ્ધિ, સન્માર્ગ, સત્કાર્યના પ્રેરક તત્ત્વ તરીકે ગણવામાં આવે છે. નવ ગ્રહમાં પણ દેવગુરુ બૃહસ્પતિ શ્રેષ્ઠ દેવતાઓના ગુરુ છે. તેમજ દૈત્યગુરુ શુક્રાચાર્ય પણ શ્રેષ્ઠ ગુરુસ્થાનમાં ગણવામાં આવે છે. મહાભારત અંતર્ગત પૂર્ણ સમર્પણ સ્વરૂપે એકલવ્યનું નામ મોખરે ગણાય છે. ગુરુદક્ષિણા આપવા માટે આચાર્ય દ્રોણની સામે પોતાનો અંગૂઠો અર્પણ કરીને આ સ્થાન પર શ્રેષ્ઠ ગુરુભક્તિનું પ્રમાણ દર્શાવે છે.
ગુરુપૂર્ણિમા ગુરુ પ્રત્યેની ભક્તિ અને સમર્પણનો તહેવાર છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ શ્રીકૃષ્ણને શ્રેષ્ઠ ગુરુ કહ્યા છે. ॥ શ્રી કૃષ્ણં વંદે જગદગુરુમ્ ॥