સાચું જ કહેવાયું છે કે કપરાં સમયમાં અતિશય દબાણ હેઠળ જ તમારું શ્રેષ્ઠ તત્ત્વ બહાર આવે છે. આજે આપણે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણામાંથી ઘણાંએ પોતાના જીવનમાં આવી કટોકટીનો કદી અનુભવ કર્યો નહિ હોય.
મને પોતાને આ પ્રકારની વૈશ્વિક સ્તરની થોડી પણ સમાનતા ધરાવતી હોય તેવી બાબત યાદ આવી રહી નથી. આ તો અત્યંત પરાકાષ્ટાએ પહોંચેલી પરિસ્થિતિ છે. તમે પોતાના સ્વજનોને સ્પર્શ પણ કરી શકતા નથી તે કેટલું દર્દનાક અને ક્રૂરતાપૂર્ણ કહી શકાય અને ઘણાં કિસ્સામાં તો તેમનો આત્મા શરીર છોડી રહ્યો હોય તેવા સમયે તમે તેમની સાથે પણ હોઈ શકતા નથી.
એક રીતે કહું તો મારા જીવનમાં કદાચ આ આવકારદાયક અનુભવ છે કારણકે મહામારી વાસ્તવમાં શું હોય તે હું કદી જાણી કે સમજી શક્યો જ ન હોત. આ એક અદૃશ્ય પરિકલ્પના છે જેણે સમગ્ર વિશ્વમાં એ પ્રકારે ઉથલપાથલ મચાવી છે જેની આપણી જીવંત પેઢીઓએ કદી કલ્પના પણ કરી નહિ હોય.
જોકે, કોઈ પણ ઘોર કાળા વાદળની રુપેરી કોર હંમેશા હોય જ છે. મારું નીરિક્ષણ એ રહ્યું છે કે આશાની આ રુપેરી કોર કોમ્યુનિટીની વ્યાપકતામાં અભૂતપૂર્વ અને સુંદર માનવતાપૂર્ણ કાર્યોથી ઝળહળે છે. જો કોવિડ મહામારીની કટોકટી ન હોત તો કદાચ આવા સુંદર કાર્યો-વર્તનના સાક્ષી બની શક્યા ન હોત.
મહાનાયક કેપ્ટન ટોમનું ઉદાહરણ લઈએ જેઓ, ૯૯ વર્ષની પાકટ વયે પોતાના ગાર્ડનની લંબાઈ ૧૦૦ વખત ચાલીને પાર કરવા સાથે ૨૮ મિલિયન પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી શક્યા છે. તેમણે તો ૧૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાની જ આશા રાખી હતી. આ મહાન માનવીય કાર્યની પહેલ હતી. પરંતુ એ પણ જોઈએ કે અદ્ભૂત કોમ્યુનિટીએ પોતાના સ્રોતોમાંથી સ્વેચ્છાએ યથાશક્તિ યોગદાન આપી તેમની ઝોળી છલકાવી દીધી.
આપણા જોવામાં એવું કદી આવ્યું છે જ્યારે, કરોડો લોકોએ એક જ સમયે પોતાના ઘરમાંથી બહાર આવી, અલગ અલગ છતાં એક, NHS વર્કર્સ અથવા અન્યો માટે તાળીઓનો ગડગડાટ કરી તેઓને વધાવી લીધાં હોય! આ એવા સમયે થયું જ્યારે તેમનો ગડગડાટ સાંભળવા કદાચ NHS સ્ટાફ આસપાસ પણ ન હતો. સામાન્ય સંજોગોમાં તો આ કાર્યને મૂર્ખતાપૂર્ણ જ ગણાવાયું હોત.
ખાસ નોંધવાનું એ પણ છે કે ૧.૩ બિલિયનની વસ્તી ધરાવતા ભારતમાં વડા પ્રધાન મોદીએ પ્રભાવશાળી રીતે સમગ્ર દેશને રાતના ૯ વાગે ૯ મિનિટ સુધી ઈલેક્ટ્રિક લાઈટ્સ બંધ કરી દીવડા પ્રગટાવી પ્રકાશ રેલાવવા માટે દોરવણી આપી શક્યા! આ તો આશ્ચર્યજનક જ રહ્યું. મારે સ્વીકારવું જોઈએ કે આવી કામગીરીએ મારી આંખમાં અશ્રુ અને હૃદયમાં ઝળહળતી આશાનો સંચાર લાવી દીધાં. આવા કાર્યથી સર્જાતા સ્પંદનો-કંપનો સમગ્ર વિશ્વમાં શુભચેષ્ટાની કામનાઓ અને માનવશક્તિનો પ્રસાર કરે છે.
અસંખ્ય લોકોએ કોમ્યુનિટીમાં આપવાની પહેલ આરંભી છે, આ પહેલ NHS સ્ટાફ માટે ગરમાગરમ ભોજન, ફ્રૂટ્સ અથવા ટોઈલેટ્રીઝ પહોંચાડવાની હોય અથવા જરૂરિયાતમંદો માટે સૂપ કિચન્સ ચલાવવા અને મફત ભોજન આપવાની પણ હોઈ શકે.
નાઈરોબીમાં સફારી ઓપરેટર પંકજ શાહ જેવા સીધાસાદા લોકોએ પણ કેન્યામાં ૨૪,૦૦૦ પરિવારોની ભૂખ ઠારવાના સ્વૈચ્છિક પ્રયાસનું જાણે બીડું ઉઠાવ્યું છે. આ સંપૂર્ણ નિઃસ્વાર્થ કાર્ય છે જેમાં ઘણા કેન્યાવાસીઓ, અશ્વેત અને એશિયન બંનેએ નાણા અને ખાદ્યપદાર્થોના અવિરત દાનના સાથ-સહકારને આકર્ષ્યા છે.
આ સાથે ઈસ્કોન, જલારામ મંદિર અને બ્રહ્માકુમારીઝ સહિતના મંદિરો અને સંગઠનોની પણ વાત કરવી રહી, જેઓ ઝૂમ એપના ઉપયોગથી પ્રાર્થનાકાર્ય સાથે અદ્ભૂત અને સમર્પિત સપોર્ટ આપી રહ્યાં છે. મારે અહીં વિનુભાઈ કોટેચાના સમર્પણ અને નિષ્ઠાનો ઉલ્લેખ કરવો જ રહ્યો જેઓ, આ કપરાં કાળમાં જેમણે પરિવારજનોને ગુમાવ્યા છે તેવા પરિવારોને સાંત્વના આપવામાં મોખરે રહ્યા છે અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઘરમાં અને સ્મશાનગૃહમાં અંતિમક્રિયા કરાવવામાં મદદ કરી છે. હાઈ વાયકોમ્બમાં મારા ભત્રીજા રાજની જ વાત કરું. તે ચીજવસ્તુઓની ડિલિવરી કરે છે તેવા આસપાસના સ્થળોએ પત્રિકાઓ વહેંચી પોતાના એક વયોવૃદ્ધ કસ્ટમરના પતિની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે તાળીઓ સાથે શુભેચ્છા પાઠવવા ચોક્કસ સમયે હાજર રહેવા અન્ય રહેવાસીઓને વિનંતી કરી હતી. આ કાર્ય કેટલું સરળ અને સુંદર હતું. મહિલા કસ્ટમરે કહ્યું કે તેમના પતિ માટે જન્મદિનની આ સર્વશ્રેષ્ઠ ઉજવણી રહી! આપણી આસપાસ સુંદર માનવીઓ વસે છે. હું તેઓને દિલથી સલામ કરું છું!
(લેખક સુભાષ ઠકરાર B com FCA FRSA, લંડન ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ ચેરમેન છે.
તેઓ ચેરિટી ક્લેરિટી www.charityclarity.org.uk સંસ્થાના સ્થાપક ચેરમેન પણ છે.)