ચીનનું પેરિસ એ શાંઘાઈ. એની વસતિ બે કરોડ અને ત્રેસઠ લાખની. હરિયાણા કરતાંય ૧૦ લાખ વધારે. આમાં ગુજરાતીઓ માંડ ૧૫૦ જેટલા. જે મોટા ભાગે કોઈને કોઈક કંપનીમાં નોકરી કરતાં હોય કે કમિશન એજન્ટ હોય. સમગ્ર શાંઘાઈમાં ઔદ્યોગિક ક્ષેત્રે માત્ર એક જ પરિવાર છે તે છે પરમાર પરિવાર. પરમાર પરિવારમાં ત્રણ ભાઈ સૌથી મોટા યોગેશભાઈ અને પછીથી કલ્પેશભાઈ અને નીલેશભાઈ.
સમગ્ર પરિવારમાં ભારતીય સંસ્કૃતિ ધબકે છે. ૬ મોટી ફેક્ટરીઓની માલિકી અને તેમાંય ૭ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી અદ્યતન મકાન અને મશીનરી સાથેની ફેક્ટરી જોતાં અમેરિકા કે જર્મનીમાં હો તેવો ભાસ થાય. સ્વચ્છતામાં ધોરણો અને કામદારોને અપાતી સગવડો જોતાં કલ્યાણ રાજ્યની કલ્પના આવે. સમગ્ર વિશ્વમાં બેબીવાઈપ, ડિસ્પોઝેબલ ડાયપર, પેપર નેપકીન વગેરેની બનાવટમાં એમની અમેરિકન હાઈજિન નામની કંપની અગ્રણી છે. અદ્યતન ટેકનોલોજી અને મશીનરીને કારણે ઉત્પાદનમાં જથ્થાના ધોરણે વિશ્વમાં પ્રથમ નંબરે આવતી હોવા છતાં બધી ફેક્ટરીઓમાં માંડ ૫૫૦ જેટલા માણસ કામદાર છે.
આ બધુંત્રિપુટી વિશ્વની મોટી મોટી કંપનીઓ માટે માલનું ઉત્પાદન કરે છે. જેમાં ટેસ્કો, વુલવર્થ, વોલમાર્ટ, રેવલોન, વોલગ્રીન, સીવીએસ, હર્ત્ઝ, ફેમિલી ડોલર, કે માર્ટ, ટારગેટ, ડોલર જનરલ, બેકન એવી પચાસેક કંપની છે. આ ઉત્પાદનના વેચાણ માટે ઝીમ્બાબ્વે, કેન્યા, તાઈવાન, અમેરિકા અને ચીનનાં ત્રણ મહાનગરોમાં એની ઓફિસો છે. આ પરમાર બંધુત્રિપુટી અમેરિકન હાઈજીન ઉપરાંત રેઈનબો ફેઈમ ઈન્ડસ્ટ્રીઝ અને મલાબો ટ્રેડિંગ કંપનીની માલિકી ધરાવે છે.
કંપનીની વિશિષ્ટતા એનું માનવતાભર્યું વલણ છે. અહીં કામ કરતાં ભારતીય કર્મચારીઓને રોજ બપોરે વેજિટેરિયન લંચ આપે છે. આ માટે અલગ રસોઈયો રાખે છે. ચીની કામદારોને લંચ માટેનું નિયત એલાઉન્સ આપે છે. ભારતીય કર્મચારીને શરૂમાં બે વર્ષે વતનમાં જવા પરિવાર સહિતનું ખર્ચ આપે છે, પણ પછીથી દર વર્ષે ત્રણ અઠવાડિયાની રજા પગાર સાથે અને વતનમાં જાય તો ટિકિટ સાથે આપે છે. ચીનમાં રહેતા કર્મચારીઓને રહેવાની સગવડ, આરોગ્ય વીમો અને બાળકોને ભણાવવાની ફી આપે છે.
સૌથી મોટા યોગેશભાઈ શરૂમાં અહીં નવેક વર્ષ રહ્યા. હાલ તે લોસ એન્જેલસમાં કંપનીની ઓફિસ સંભાળે છે. તેઓના મતે ચીન એ બિઝનેસ ફ્રેન્ડલી છે. તે કહે, ‘અમે અમેરિકામાં ફેક્ટરી નાંખીએ તો મશીન ચીનથી ખરીદવું પડે પછી બગડે ત્યારે શું? માલ પણ બહારથી જ લાવવો પડે. તાલીમી મજૂરોની પણ મુશ્કેલી, ચીનમાં મશીન ખરીદીએ તો કંપની ટેકનિકલ સેવા પૂરી પાડે. વળી કાચો માલ સહેલાઈથી મળે તેથી ચીન પસંદ કર્યું.’
ચીનમાં શરૂઆત પણ રસપ્રદ રીતે થઈ. ૨૦૦૦માં પુત્ર કલ્પેશનું લગ્ન થયું. તે જ વખતે પિતા ઉમેશભાઈ પરમારે જાહેરાત કરી કે, ‘મારો પુત્ર કલ્પેશ હવે ધંધા માટે ચીન વસવાનો છે. ફેબ્રુઆરીમાં લગ્ન અને કલ્પેશભાઈ બીજે મહિને ચીન જવા ઉપડ્યા અને એક માસ પછી શાંઘાઈમાં રહી પડ્યા. શરૂમાં ટ્રેડિંગમાં ઝંપલાવ્યું, પણ નાના ભાઈ નીલેશના આગમન પછી ફેક્ટરી કરી.
સતત પરિશ્રમ અને ત્રણે ભાઈના સંપ અને તાઇપેઈમાં વસતા પિતા ઉમેશભાઈ જે ટ્રેડિંગ ક્ષેત્રે ત્યારે ત્રણ દસકાથીય વધુ અનુભવ ધરાવતા હતા તેમની સલાહ અને આર્થિક મદદે ધંધો ખૂબ જ વિકસ્યો.
આ બધુંત્રિપુટી વિદેશમાં વસવા છતાં ભારતીય સંસ્કારથી સભર છે. કલ્પેશભાઈને ત્યાં બંને દીકરા રોનિત અને દેવેન વિદેશમાં ઉછરવા છતાં મા-બાપની કાળજીને લીધે મહેમાનને રોજ સવારે નમસ્કાર કરવાનું ચૂકતા નથી. એટલું જ નહીં, પણ અંગ્રેજીમાં રોજ પૂછેઃ ‘રાત્રે ઊંઘ આવી હતી. દિવસ કેવો ગયો?’ નિલેશભાઈને ત્યાં નાનકડી નવેક વર્ષની દીકરી પણ, જેની મમ્મી થોડા દિવસથી પરદેશ હોવાથી એકલી છતાં સવારે પૂછેઃ ‘કેમ છો?’ ‘ગમે છે?’ શાળાએથી આવીને હસતાં હસતાં નમસ્કાર કરી જાય. કલ્પેશભાઈનાં પત્ની ભાવનાબહેન અતિથિવત્સલ છે. અમેરિકામાં ઉછરેલી યુવતી પરણીને તરત ચીન આવી. નોકરાણી અને રસોઈવાળી બાઈ રાખવાની હતી. અંગ્રેજી જાણતી મળે તેમ હતી છતાં માત્ર ચીની જાણતી સ્ત્રીઓને રાખી. હેતુ હતો ચીની ભાષા શીખવાનો. આજે તે અસરકારક ચીની ભાષા બોલી જાણે છે. અહીં ઈન્ડિયન એસોસિએશનમાં ભાવનાબહેને મંત્રી બનીને સુંદર કામ કરેલું.
આ ત્રણે ભાઈની બંધુત્રિપુટી શાંઘાઈમાં પ્રથમ અને એકમાત્ર ગુજરાતી ઉદ્યોગપતિ છે. ભારતમાં વતન નવસારીમાં એ દાન કરે છે, પણ ચીનમાંય છેલ્લા કેટલાંય વર્ષોથી અહીનાં ઈન્ડિયન એસોસિએશનને દર વર્ષે ૧૫ હજાર ડોલર ખર્ચીને સ્પોન્સરર બને છે. નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસમાં એમને આવકારવામાં આ પરિવાર મોખરે હતો. ચીની સમાજમાં ત્યાંની સંસ્થાઓને દાનના કારણે, સામ્યવાદી પક્ષના હોદ્દેદારો, ચીની ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ સાથે સંબંધ ધરાવનાર આ વિશિષ્ટ ગુજરાતી પરિવાર છે.