આ મહાન શતાયુ વ્યક્તિત્વ વિશે ઘણું લખાયું છે, બોલાયું છે અને લખાતું-બોલાતું રહેશે. તેઓ ૯૮ વર્ષના હતા ત્યારે મુંબઈ મિરર દ્વારા કોઈ પણ સ્થળના સૌથી વયોવૃદ્ધ કોલમિસ્ટ તરીકે તેમનું વર્ણન કરવામાં આવ્યું હતું. મને તેમની સાંપ્રત બાબતો પરની સાપ્તાહિક કોલમ્સ અને તેમના પુસ્તકો વાંચવા ગમતા હતા પરંતુ, કદાચ એક પત્રકાર, લેખક, રાજકીય વિશ્લેષક અથવા ઈતિહાસવિદ્ તરીકે તેમના વિશે ટીપ્પણી કરવા જેટલો હું અભ્યાસુ નથી. એટલું જ કહેવું પૂરતું ગણાશે કે તેઓ ઉત્કૃષ્ટ વિદ્વાન સાહિત્યકાર હતા.
અન્ય ઘણા લોકોની માફક તેમની સાથે મારી મુલાકાત મોરારિ બાપુ થકી થઈ હતી. નગીનદાસબાપા અથવા માત્ર બાપાના હુલામણા નામે ઓળખાતા અદ્ભૂત શબ્દસ્વામી સાથે મુલાકાતની તક અને જાણવા બદલ હું મારી જાતને સદ્ભાગી સમજું છું. બાપા અને બા (તેમના દિવંગત જીવનસંગિની પ્રભાબહેન) ૨૦૦૬ના ઉનાળામાં ૧૦ દિવસ સુધી અમારા પરિવાર સાથે રહ્યાં હતાં ત્યારે મને આ સ્નેહાળ વ્યક્તિત્વને નિકટથી અનુભવવાની અણમોલ તક સાંપડી હતી.
તેમની નોંધપાત્ર સાદગી અને યુવાનો અને યુવાન ન હોય તેવા સાથે તેમજ પ્રખ્યાત વિદ્વાનો, ચિંતકો અને રાજકારણીઓ સાથે પણ સમાન સરળતાથી વાતચીતમાં પરોવાઈ જવાની ક્ષમતા મને ખરે જ અદ્ભૂત અને મોહક લાગી હતી. એ કહેવાની જરૂર નથી કે તેમની સાથે સમય ગાળવાનું અમે ભરપૂર માણ્યું હતું.
મને યાદ છે કે અમારી સાથેના તેમના સહવાસ દરમિયાન હું બાપાની સાથે હિન્દુત્વના અભ્યાસના ધ્યેયને સમર્પિત અન્ય અસાધારણ વ્યક્તિત્વ અને ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડાયરેક્ટર શ્રી શૌનક રિશિ દાસ સાથે મુલાકાત કરવા ઓક્સફર્ડ ગયો હતો. ઓગસ્ટની તે સુંદર સવારે OCHSની ઈમારત તરફ જતા માર્ગમાં બાપા ચાલતા ચાલતા અચાનક થંભી ગયા અને મોટા ભાગના વિદ્યાર્થીઓ સહિત જિજ્ઞાસુ રાહદારીઓ સાથે જોશપૂર્ણ વાતચીતમાં પરોવાઈ ગયા. તેમનો મિત્રતાપૂર્ણ વ્યવહાર હંમેશાં અન્યોને સ્પર્શી જતો.
અમે ફરી આગળ વધવા લાગ્યા ત્યારે તેમણે આનંદસહ કહ્યું કે તેમને મુંબઈની બે સૌથી પ્રતિષ્ઠિત કોલેજોમાં લેક્ચરર હતા તે દિવસોની યાદ આવી ગઈ હતી. અમે OCHS પહોંચ્યા તે પહેલા મેં હિંમત એકઠી કરી તેમને પૂછી લીધું, ‘બાપા, જો તમને વાંધો ન હોય તો હું તમારી ઉંમર કેટલી તે પૂછી શકું?’
મારા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સામો પ્રશ્ન કર્યો, કેટલી હશે? મેં જરા અચકાઈને કહ્યું, કદાચ ૭૫ની આસપાસ હશે. અને સાંભળો, તેમની ઉંમર ૮૬ વર્ષથી વધુ હતી! હું સાચે જ અવાચક બની ગયો.
મેં પૂછયું આનું રહસ્ય શું? તો તેમણે ઉત્તર વાળ્યો કે તેઓ કસરત ભાગ્યે જ કરે છે પરંતુ, જમવામાં હંમેશાં સાવધાની જાળવે છે.
જોકે, મૂળભૂતપણે તેમનું રહસ્ય તેમની જ્ઞાનની સતત શોધમાં અને તેમણે હજુ ઘણું બધુ શીખવાનું અને હાંસલ કરવાનું છે તેમાં જ રહ્યું છે. સચદેવ પરિવાર દ્વારા ૨૦૧૭માં મોરારિ બાપુની લંડનમાં કથા યોજાઈ તેના થોડા સમય પહેલા જ ટેલિફોનિક વાતચીતમાં બાપાએ (તે સમયે તેમની વય ૭૯ની હતી) મને હાઉસ ઓફ કોમન્સની લાઈબ્રેરીમાં તેઓ સમય વીતાવી શકે તેવી કોઈ સંભાવના વિશે પૂછયું હતું. આ બાબતે તેમના મિત્ર લોર્ડ ડોલર પોપટને પૂછવાનું સૂચન પણ કર્યું હતું અને મેં પૂછપરછ કરી લીધી. તે સમયે કોમન્સમાં ઉનાળાનો વિરામ હોવાથી આ શક્ય ન હતું. જોકે મુદ્દો એ છે કે આ તેમની જ્ઞાનની અવિરત શોધની ઝંખના દર્શાવે છે, તેમનો આ ગુણ અનુકરણને પાત્ર છે.
તેઓ હંમેશાં અમને સહુને આશ્ચર્યચકિત કરતા રહેતા હતા. તેમની બાળસહજ જિજ્ઞાસા, જેને કમનસીબે આપણે સહુ ગુમાવી દીધી છે, હંમેશા મોહક બની રહી છે. હું જાણું છું ત્યાં સુધી તેઓ કદી આર્થિક રીતે સદ્ધર રહ્યા ન હતા અને હકીકતમાં તેમણે સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે, તેમની સાચી સંપત્તિ તો તેમના અગાધ જ્ઞાનની વિશાળતા, પોતાના વાચકોનો આદર અને ધ્યાન ખેંચતા રહેવાની અનોખી ક્ષમતામાં જ હતી. તેમની ૧૦૦ વર્ષની વયે પણ ઓડિયન્સ ટાંકણી પડે તો પણ સંભળાય તેવી મુગ્ધ શાંતિ સાથે તેમને સાંભળતું હતું. તેમનું હાસ્ય, સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને તેમની સંમોહક પોઝિટિવિટી -વિધેયાત્મકતા, તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો માટે બક્ષિસ છે અને તેમના આ સુંદર ગુણો આપણા હૃદય અને મનમાં હંમેશ માટે જડાયેલા રહેશે.