પાંચ સંકલ્પ દ્વારા નૂતન વર્ષનું સ્વાગત કરીએ

પર્વવિશેષઃ નૂતન વર્ષ

મુનિ રાજસુંદર વિજય Sunday 01st January 2023 07:43 EST
 
 

આર્ય સંસ્કૃતિ પ્રમાણે નૂતન વર્ષનો શુભારંભ કારતક સુદ એકમથી થાય છે, પણ સાંપ્રત સમયે બહુજનવર્ગ ફર્સ્ટ જાન્યુઆરીથી નૂતન વર્ષના આગમનની ઉજવણી - ન્યૂ યર સેલિબ્રેશન કરતાં હોય છે. કોઈ પણ આલંબને શુભની પ્રાપ્તિ થતી હોય તો તે કરી જ લેવી જોઈએ. આ ઉદ્દેશને દૃષ્ટિ સમક્ષ રાખીને સંકલ્પનાં પાંચ પુષ્પોની પચરંગી પુષ્પમાળા દ્વારા નૂતન વર્ષનું સૌએ સ્વાગત કરવું જોઈએ. ગત વર્ષમાં શું થયું તેને હવે ભૂલી જઈએ, પણ આગામી વર્ષને શ્રેષ્ઠ કે શ્રેષ્ઠતમ કેવી રીતે બનાવી શકાય? તે ‘પ’ અક્ષરથી શરૂ થતાં પાંચ સંકલ્પો આપણે જોઈએ અને નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આ પાંચ સંકલ્પો ઉપર સૂક્ષ્મ મનન કરી સંકલ્પોનું પાલન કરવા મનને યથાશક્ય દૃઢ બનાવીએ.

• પ્રતિ દિન પ્રભાતે પ્રાર્થના કરીએ
આયુષ્યનો કોઈ ભરોસો નથી. રાત્રે નિદ્રાધીન થયેલ માનવ સવારે જાગૃત ન થાય, તેવું પણ બને. આવી ઘણી ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે, તો પ્રભાતે આપણી આંખો ખૂલી, તે સર્વપ્રથમ પ્રભુનો ઉપકાર છે. પ્રભુના અનંત ઉપકારોની કૃતજ્ઞતા રૂપે અને ભાવિમાં પણ આપણે દુર્ગે ના જઈએ, તેવા આશિષ લેવા માટે પ્રતિદિન પ્રભાતે પ્રભુને પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના એ માંગણી નથી, એ તો પ્રભુ પ્રત્યેની અપાર લાગણી છે. પ્રાર્થનામાં શબ્દો સીમિત હોય છે, જ્યારે ભાવ અસીમ હોય છે. પ્રાર્થનાનાં આલંબને પરમાત્મા સાથે આપણાં હૃદયનાં તાર જોડાય છે, બસ પ્રભુ સાથે જોડાતાં જ પ્રભુ આપણને શુભ તત્ત્વથી તરબતર કરી દે છે. આપણે જે પણ પ્રાર્થના કરીએ છીએ, તેનો પ્રત્યુત્તર પ્રભુ આપણને આપે જ છે. ફરક આ છે કે આપણે એ પ્રત્યુત્તર આપણાં સમયે માગીએ છીએ, જ્યારે પ્રભુ એમના સમયે પ્રત્યુત્તર આપે છે, તો આધ્યાત્મિક ઉત્કર્ષ માટે પ્રતિ દિન પ્રભાતે પ્રાર્થના કરવાનો દૃઢ સંકલ્પ કરીએ.
• પ્રેમની પરિમલ પ્રસરાવીએ
આપણને મળેલા સાવ નાનકડા જીવનમાં આપણે દ્વેષની અને વેરની કેટલી ગાંઠો લઈને ફરશું? મળેલાં અલ્પ જીવનમાં પ્રેમની પરિમલને વધુમાં વધુ પ્રસારિત કરીએ ગુલાબનું આયુષ્ય આમ તો બે-ચાર દિવસ પૂરતું જ છે, છતાં તે સૌનાં હૃદયમાં સ્થાન મેળવીને જાય છે, કારણ કે અલ્પ જીવનમાં તે સુવાસ ફેલાવીને સૌનાં હૃદયમાં ચિરપ્રતિષ્ઠિત થાય છે. આપણે પણ સૌને પ્રેમ દ્વારા પરિપ્લાવિત કરી, સૌનાં હૃદયમાં દીર્ઘકાલીન સ્થાન મેળવીએ. નૂતન વર્ષ પૂર્વે એક સામાન્ય નિર્ણય કરવા જેવો છે કે જે આપણને દુઃખ આપે, તેને પણ આપણે પ્રેમ કરીએ, અને એના કરતાં પણ વધુ મહત્ત્વની વાત આ છે કે જે આપણને પ્રેમ કરે છે, તેને તો દુઃખ આપણે ક્યારેય ના આપીએ. ભૌતિક વિશ્વના પૈસા સૌને આપતા જ રહો તો ક્યારેક એ ખલાસ થઈ શકે છે, જ્યારે પ્રેમ ગમે તેટલો આપવામાં આવે તો પણ ખાલી થતો નથી.

• પરિવારને પૂર્ણ સમય આપીએ

પચરંગી પુષ્પમાળાનું સૌથી મહત્ત્વનું અને કેન્દ્રબિંદુ સ્વરૂપ આ પુષ્પ છે. સમય આમ તો સૌની પાસે પૂરેપૂરો હોય છે, પણ પોતાનાઓને આપવા માટે સમય અતિશય અલ્પ હોય છે. પરાયાઓને - દૂરનાને ખુશ કરવા માટે દિન-રાત આપણે પરિશ્રમ કરીએ છીએ અને જે પોતાના છે, પરિવારના છે, તેની આપણને અંશ ચિંતા નથી હોતી. એક સરસ પંક્તિ છે કે ‘પરાયાને પોતાના કરવા કરતા, જે પોતાના છે, તેને વહાલા કરો.’ માતા-પિતા પોતાના પુત્ર-પુત્રીને સમય ઓછો આપે છે, એટલે તેઓમાં સંસ્કારોનું બરાબર સિંચન થઈ શકતું નથી. તેમાં પણ પુત્ર-પુત્રી યુવાન હોય ત્યારે જો તેમને બરાબર સમય આપવામાં ન આવે તો તેઓની અન્યત્ર ઢળવાની સંભાવના વધુ થઈ જાય છે. આ નિયમ પતિ-પત્ની માટે પણ છે. પતિ-પત્નીએ પણ પરસ્પર સમય આપતા રહેવું જોઈએ. જો સમયનું દાન થતું રહેશે તો ક્યારેક ભવિષ્યના બહુ મોટા નુકસાનથી બચી જવાશે. તો પરિવારને શક્ય હોય તેટલો વધુ સમય આપવો જોઈએ. આ મહત્ત્વનો સંકલ્પ તો સૌએ ખાસ કરવા જેવો છે.

• પુણ્યનાં કાર્યો કરી પાવન થઈએ
કોરોનાના કાળમાં કેટલાયે લોકો કેટલી નાની વયમાં દિવંગત થઈ ગયા. પરમાત્માની અસીમ કરુણા હતી કે આપણે બચી ગયા. ફરી ક્યારે આવો કરાલ કાળ આવે, તે વિશે કંઈ જ કહી શકાય તેમ નથી. પરમ પુણ્યોદયે નવું વર્ષ આપણને ફરી મળી રહ્યું છે, તો આ વર્ષે અનેકવિધ સારાં કાર્યો – પુણ્યનાં કાર્યો કરવાની આપણે ભાવના રાખીએ. પુણ્યનાં કાર્યો વૃક્ષનાં મૂળ જેવા છે. વૃક્ષનું મૂળ જોવામાં સારું નહીં લાગે, પણ તેનાથી મળતાં ફળો ખાવાનો આનંદ કંઈક અલગ હોય છે, તેમ અત્યારે કરાતાં પુણ્યનાં કાર્યો ભલે કદાચ સારાં ન પણ લાગે, પણ ભવિષ્યમાં તેનાં દ્વારા મળનારાં ફળોનો આનંદ કંઈક અલગ જ હશે. તો આ વર્ષે ભિક્ષુકને ભોજન, ગરીબને દાન, પક્ષીને દાણાં, ગાયને ઘાસ, પ્રભુને પ્રાર્થના જેવા, આપણને જેમાં આનંદ આવે તેવાં અનેક પ્રકારનાં પુણ્યનાં કાર્યો કરીએ.

• પ્રેરણાનું પીયૂષપાન કરીએ
હિલસ્ટેશન, સરિતાતટ, ગાર્ડન જેવા સુંદર સ્થાન ઉપર શરીરને બેસાડવું હોય તો સફળતા મળી શકે છે, પણ સુંદર - શુભ વિચાર ઉપર મનને બેસાડવામાં સફળતા મળવાની સંભાવના અત્યંત અલ્પ છે, કારણ કે મનને ત્યાં બેસવામાં રસ જ નથી. તો સતત અશુભમાં જતાં મનને શુભમાં લાવવા માટે સંતોનાં પ્રવચનોનું શ્રવણ અથવા અભ્યંતર ઉન્નતિકા૨ક પુસ્તકોનું વાંચન સતત કરવું જોઈએ. આમ મહાન પુરુષોની કે તેમનાં પુસ્તકોની પ્રેરણાનું પીયૂષપાન થતું રહે, તો પરમ આનંદની અનુભૂતિ થઈ શકે છે. આવાં શ્રેષ્ઠ આલંબનો દ્વારા નૂતન વર્ષને વધુ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter