સન 1950ની 26મી જાન્યુઆરીએ 1935ના ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના સ્થાને નવું બંધારણ અમલી બન્યું. આઝાદી બાદ બંધારણની રચના તથા પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે ગુજરાત અને ગુજરાતીઓનાં યાદગાર સંસ્મરણો સંકળાયેલા છે. દેશને બ્રિટિશરોની ધૂંસરીમાંથી મુક્ત કરવા માટેના આંદોલનમાં અગ્રેસર રહેનાર બાપુ પણ ગુજરાતી હતા તો આઝાદી બાદ દેશના ઘડતર, ચણતરના ભગીરથ કાર્યમાં અથાક પુરુષાર્થ કરનાર સરદાર પટેલ, ક.મા. મુનશી અને રાષ્ટ્રહિતમાં રાજવી સત્તાનો ત્યાગ કરીને દાખલો બેસાડનાર કૃષ્ણકુમારસિંહ પણ ગુજરાતી જ હતા.
ભાવનગરના કૃષ્ણકુમારસિંહ
ભાવનગરનો સૌથી પહેલા વિલય કરાવ્યો
દેશી રજવાડાઓને ભારતમાં જોડવાનું કાર્ય ખરેખર ભગીરથ હતું. સદીઓથી એકહથ્થુ શાસન કરી રહેલા રાજાઓને તમામ સત્તા સોંપીને સામાન્ય નાગરિક બનવા માટે સમજાવવાનું કામ સહેલું નહોતું. જોકે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહે સૌથી પહેલા ભારતમાં જોડાવાનો નિર્ણય લેવાની હિંમત અને પહેલ કરી હતી. એકીકરણની કામગીરીમાં આડખીલીરૂપ બની શકે એવા રાજ્યોમાં ભારત સાથે જોડાનાર ભાવનગર પ્રથમ હતું. બાદમાં કૃષ્ણકુમારસિંહજીની તત્કાલીન મદ્રાસ સ્ટેટના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઈ હતી.
અમદાવાદના માવળંકર
આઝાદ સંસદના પ્રથમ સ્પીકર બન્યા
દાદાસાહેબના નામે ઓળખાતા ગણેશ વાસુદેવ માવળંકર આઝાદી બાદની પ્રથમ કામચલાઉ સંસદના સ્પીકર તથા બાદમાં 1952માં લોકસભાની પ્રથમ ચૂંટણી બાદ પ્રથમ લોકસભાના સ્પીકર બન્યા હતા. મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરીના માવળંકર 1902માં અમદાવાદ આવીને વસ્યા હતા. બાપુ-સરદારના રંગે રંગાયા બાદ તેમણે દેશસેવામાં જીવન હોમી દીધું હતું. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય પણ રહી ચૂક્યા હતા. તેમના પુત્ર પુરુષોત્તમ માવળંકર પણ બે વખત લોકસભામાં ચૂંટાયા હતા.
ભરૂચના ક.મા. મુનશી
1 ગુજરાતી, એકસાથે 11 જવાબદારી
બંધારણના ઘડતરમાં ક.મા. મુનશી નામે લોકપ્રિય કનૈયાલાલ માણેકલાલ મુનશીનું યોગદાન અપૂર્વ હતું. સરદાર વલ્લભભાઈ પટેલ બાદ મુનશીને બંધારણના ઘડતરની સૌથી મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. મુનશી 11 જુદી-જુદી સમિતિઓ સાથે સંકળાયેલા હતા. જેમાં કેન્દ્ર સરકારની સત્તાઓ નિર્ધારિત કરતી કમિટી તથા મૂળભૂત અધિકારો અંગેની કમિટી જેવી મહત્ત્વની સમિતિઓ પણ સામેલ છે. બાદમાં મુનશીએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી હતી.
કરમસદના સરદાર પટેલ
562 રજવાડાંને એક જ વર્ષમાં ભેગાં કર્યા
આઝાદી પછીનું સૌથી પડકારજનક કાર્ય 562 જેટલાં રજવાડાંઓના ભારત સંઘમાં વિલયનું હતું. ગુજરાતને જેમના પર અપાર ગર્વ છે એવા સરદાર પટેલે માત્ર એક વર્ષમાં તમામ રજવાડાંઓને ભારતમાં જોડવાનું સાહસસભર કાર્ય પાર પાડી ખરા અર્થમાં પોતે સરદાર હોવાનું પુરવાર કર્યું હતું. આ માટે તેમની ગણના ભલે જર્મનીના બિસ્માર્ક સાથે થતી હોય પણ બિસ્માર્કની સરખામણીમાં સરદારનું કાર્ય વધારે પડકારજનક હતું. સરદાર વલ્લભભાઈ પટેલે બંધારણની રચનામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
નવસારીનાં હોમાઈ વ્યારાવાલા
પ્રથમ રિપબ્લિક ડે પરેડનાપ્રથમ ફોટોગ્રાફર
નવસારીનાં હોમાઈ વ્યારાવાલાએ ક્લિક કરી પ્રથમ પરેડ. ઇન્ડિયા ગેટ પર ચઢીને ખેંચી હતી આ તસવીર. પ્રજાસત્તાક પર્વની પ્રથમ તસવીર લેવાનું ગૌરવ નવસારીમાં જન્મેલાં હોમાઈ વ્યારાવાલાના નામે છે. આ તસવીર ઇન્ડિયા ગેટની છે. જ્યાં પ્રથમ પ્રજાસત્તાક દિન ઉજવવામાં આવ્યો હતો. હોમાઈએ ઇન્ડિયા ગેટ પર ચઢીને પ્રથમ તસવીર લીધી હતી. તેમણે અનેક દુર્લભ તસવીરો પણ કેમેરામાં કંડારી હતી.