પ્રિય વાચક મિત્રો, છેલ્લે આપણે લોનની સંભાળ તથા આપણું પોતાનું ખાતર કઈ રીતે તૈયાર કરવું તેની વિગતો જાણી હતી અને તેની સાથે 'ડેલીયા'નો ફોટો પણ છપાયો હતો. આપ સૌ પરિણામ જોઈ શક્યા હશો. તો હવેથી આપણું પોતાનું ખાતર બનાવવા માટે અત્યારથી જ પ્રયાશો શરૂ કરી દઇ બધી સામગ્રી ભેગી કરતા રહેજો.
સપ્ટેમ્બર મહિનો એટલે ફૂલોની પૂર્ણ સિઝન છે. ઘણા ફૂલો ખરતા રહેશે અને નવા-નવા ફૂલો આવતા રહેશે. તો ખરેલા બધા ફૂલો નકામા જવા દેશો નહીં, તેને ભેગા કરી તમારા ખાતર બોક્સમાં અથવા બીન લીધું હોય તો તેમાં જમા કરતા રહેવું. ઝાડ હોય તો તેના પાંદડા, શાકભાજીનો કચરો આવું બધું પણ બીનમાં નાંખતા રહેવું. આમ ખાતર દિવસે દિવસે વધતું જશે. હવે તો નવા પ્લાન્ટ કરવાનો સમય ચાલ્યો ગયો છે. અત્યારે તો આપણે જે વાવેલું છે તેનો નજારો માણવાનો છે. કેના, ડેલીયા, બિગોનીયા, કુસીયા, લીઝીબીઝી, પીચુનીયા, જેરેનિયમ આ બધા ફૂલો અલગ અલગ કલરમાં એવા તો ખીલ્યા છે કે જાણે આ બધા રંગો આપણી આંખોમાં ભરતા રહીએ. આપણે તો માણીએ સાથે આપણા ઘરે આવતાં સ્નેહીઓ સજ્જનો તેમજ પાડોશીઓ સૌ આપણી મહેનતનું ફળ જોઈ પ્રશંસાના બે શબ્દો જરૂર વેરે. એજ તો આપણા ઘરની શોભા છે ને! આપણી સલાહ લઈ ઘણા તો ફોટા પણ પાડે ઘણાં એવું પણ પૂછે કે આટલું બધું કઈ રીતે મેનેજ કરો છો ત્યારે આપણા ઉદગાર એ જ કે સૌનો સહકાર - સૌનો પ્રેમ.
આ ફૂલોમાં કેના, ડેલીયા, બીગોનીયા આ બધાના રૂટ સાવચેતીથી કાઢી મોટા બોક્સ અથવા મોટા પોટમાં સાચવી શકાય પણ આ બધું ઈન્ડોર રાખવું પડે, જ્યારે બીજા વર્ષે પ્લાન્ટ કરવાના હોય ત્યારે ઘણા રૂટમાં બબ્બે-ત્રણ ત્રણ રૂટ નીકળે અને આ રીતે દર વર્ષે ગ્રોથ વધતો રહે. આમ આપણા બગીચામાં ફૂલોની સુંદર સજાવટ થતી રહે. બધા પ્લાન્ટના રૂટ અલગ અલગ રાખવાના અને બોક્સ અથવા પોટમાં છૂટા રાખવા. આખું વર્ષ પાણી આપવાની કોઈ જરૂર રહેતી નથી પણ સમયાંતરે તેની કાળજી લઈ તપાસતા રહેવું. પોર્ચ અથવા ગેરેજમાં પણ રાખી શકાય. ગાર્ડન સેન્ટરમાં એક કેનાની કિંમત દસથી પંદર પાઉન્ડની હોય છે, તો હવે ગણો કે આ રીતે આપણને કેટલો ફાયદો થાય!
આ લેખમાં કેનાનો ફોટો જોઈ શકશો. ફૂલોના બીજા ઘણા છોડ સીઝન પૂરતા જ હોય છે, છતાં અમુક એવા પણ છોડ પણ આવે છે કે બીજે વર્ષએ પણ નીકળે તેને હાર્ડી પ્લાન્ટ કહે છે. બાકી તો સ્પ્રીંગ્સ પહેલા પ્લાન્ટ કઈ રીતે ખરીદવા અને તેના ઉછેર માટે કઈ વિધિ કરવી, તેમજ સ્પ્રીંગ પહેલા બગીચામાં શું શું કરવાનું, માર્ચ મહિનામાં કયા છોડ લાવી રોપી દેવા તે બધું આવતા લેખમાં જણાવીશ.
સર્વે બગીચા પ્રેમીઓને મારી અંતરની શુભેચ્છા.